ખાદ્ય તેલોના ભાવ આસમાની ઊંચાઈએ પહોંચતાં સરકારની આયાત ડ્યુટી ઘટાડવા વિચારણા

Published: 15th January, 2021 14:08 IST | Mumbai correspondent | Mumbai

શુક્રવારે પ્રાઇસ રિવ્યુ કમિટીની મીટિંગમાં સોયા-સનફલાવર ઑઇલની ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લેવાય એવી શક્યતા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય જાગરણ)
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય જાગરણ)

દેશમાં તમામ ખાદ્ય તેલોના ભાવ હાલમાં આસમાની ઊંચાઈએ પહોંચ્યા છે. ચારથી પાંચ મહિના અગાઉ ગૃહિણીઓને ૮૫થી ૯૦ રૂપિયામાં એક કિલો ખાવાનું તેલ મળતું હતું એના ભાવ હાલમાં વધીને ૧૨૫થી ૧૫૦ રૂપિયામાં થયા છે. છેલ્લાં ચારથી પાંચ મહિનામાં ખાદ્ય તેલોના ભાવ ૩૦થી ૪૦ ટકા વધી જતાં ત્રણ સપ્તાહ અગાઉ સરકારે પામતેલની આયાત ડ્યુટીમાં ૧૦ ટકાનો ઘટાડો કર્યો હતો, પણ એની કોઈ અસર ખાદ્ય તેલની બજારમાં જોવા મળી નથીએથી હવે સરકાર દ્વારા સોયા ઑઇલ અને સનફલાવર ઑઇલની ડ્યુટી ઘટાડવાની વિચારણા ચાલી રહી છે.
આધારભૂત સરકારી વર્તુળોના કહેવા અનુસાર હાલમાં ક્રૂડ પામતેલની આયાત ડ્યુટી ૨૭ ટકા છે એની સામે સોયા ઑઇલ અને સનફલાવર ઑઇલની આયાત ડ્યુટી ૩૫ ટકા હોવાથી આ ડ્યુટી-ફરક દૂર કરીને ખાદ્ય તેલોના સતત વધી રહેલા ભાવને સરકાર કાબૂમાં લેવા માગે છે. દેશની ૭૫ ટકા ખાવાના તેલની જરૂરિયાત વિદેશી તેલોથી પૂરી થતી હોવાથી સ્વાભાવિક રીતે વિદેશમાં ખાદ્ય તેલના ભાવ વધે એટલે એની અસર અહીં થવાની છે.
ભારતની ૫૦ ટકા પબ્લિક પામતેલનો વપરાશ કરી રહી છે અને આ પામતેલનું ભારતમાં ઉત્પાદન સાવ નગણ્ય છે. પામતેલ ભારતમાં મલેશિયા અને ઇન્ડોનેશિયાથી આવી રહ્યું છે. મલેશિયા-ઇન્ડોનેશિયામાં કોરોનાકાળમાં મજૂરોની અછતને કારણે પામફ્રૂટના ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો હતો તેમ જ ઇન્ડોનેશિયાએ પામતેલનો ઉપયોગ બાયોડીઝલ બનાવવામાં વધારતાં આ બન્ને દેશોમાં પામતેલના ભાવ વધતાં અહીં એની અસર જોવા મળી રહી છે. ભારતીય વપરાશકારોની જરૂરિયાત પૂરી કરવા પામતેલ ઉપરાંત બ્રાઝિલ-આર્જેન્ટિનાથી સોયા તેલ અને રશિયા-યુક્રેનથી સનફલાવર તેલની ઇમ્પોર્ટ કરીએ છીએ. બ્રાઝિલ-આર્જેન્ટિનામાં લા-નીનોની અસરે દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થતાં ત્યાં સોયાબીનનું ઉત્પાદન ઘટ્યું હોવાથી ત્યાં સોયા તેલના ભાવ સતત વધી રહ્યા છે. યુક્રેન અને રશિયામાં સનફલાવર સીડ્ઝનું વાવેતર ઓછું થતાં ત્યાં પાક ઓછો થતાં ભાવ સતત વધી રહ્યા છે. આમ, જે દેશમાંથી ભારત ખાવાનું તેલ ઇમ્પોર્ટ કરી રહ્યું છે એ દેશોમાં ઉત્પાદનની સ્થિતિ નબળી પડતાં ત્યાં ભાવ વધતાં એની અસર ભારતીય ખાદ્ય તેલોની બજારમાં જોવા મળી રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK