Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વૈશ્વિક મહામંદીનો ખોફ : ક્રૂડ ઑઇલના ભાવ ૧૮ વર્ષની સૌથી નીચી સપાટીએ

વૈશ્વિક મહામંદીનો ખોફ : ક્રૂડ ઑઇલના ભાવ ૧૮ વર્ષની સૌથી નીચી સપાટીએ

19 March, 2020 11:05 AM IST | Mumbai Desk

વૈશ્વિક મહામંદીનો ખોફ : ક્રૂડ ઑઇલના ભાવ ૧૮ વર્ષની સૌથી નીચી સપાટીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ : આર્થિક પ્રવૃત્તિ ધમધમી રહે એ માટે પરિવહન અને ઉદ્યોગોનાં ઉત્પાદનમાં જરૂર પડ્યે ઇંધણ તરીકે વપરાતાં પેટ્રોલ અને ડીઝલ જેમાંથી બને છે એ ક્રૂડ ઑઇલના ભાવ આજે ૧૮ વર્ષની સૌથી નીચી સપાટીએ જોવા મળી રહ્યા છે. કોરોના વાઇરસના કારણે એક પછી એક દેશ વિમાનીસેવાઓ, સ્થાનિક પરિવહન અને લોકોને છૂટથી ફરવા પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. લોકોની બહાર નીકળવાની વૃત્તિ ઓછી થાય એટલે પરિવહન ઓછું થાય અને એનાથી ક્રૂડની માગણી ઘટી શકે છે. ઉપરથી ક્રૂડની માગ કરતાં અત્યારે પુરવઠો વધુ છે ત્યારે સાઉદી અરબ અને રશિયા વચ્ચે ચાલી રહેલા વધુ ઉત્પાદન અને ઓછા ભાવના યુદ્ધની અસરથી પણ મંદી વકરી છે.
ગઈ કાલે સતત ત્રીજા સત્રમાં અમેરિકામાં ક્રૂડ ઑઇલના વાયદા ૨.૫૧ સેન્ટ કે ૯ ટકા ઘટી ૨૪.૪૪ ડૉલર પ્રતિ બેરલ થઈ ગયા હતા જે એક તબક્કે ૨૪.૪૨ના સ્તરે પણ હતા જે વર્ષ ૨૦૦૨ પછીનું સૌથી નીચું સ્તર છે. લંડનમાં બ્રેન્ટ ક્રૂડ ઑઇલ વાયદો અત્યારે ૧.૩૯ ડૉલર કે પાંચ ટકા ઘટી ૨૭.૩૪ ડૉલરની સપાટીએ છે. એક તબક્કે ભાવ ૨૦૧૬ કરતાં પણ નીચી સપાટી ૨૭.૩૧ ડૉલર પ્રતિ બેરલ પર હતા.
ભારતમાં ક્રૂડ તેલ માર્ચ કોન્ટ્રેક્ટ બેરલદીઠ ૨૦૧૬ ખૂલી ઉપરમાં ૨૦૩૬ અને નીચામાં ૧૮૮૫ રૂપિયા બોલાઈ પ્રથમ સત્રના અંતે ૧૯૭ ઘટીને ૧૮૯૮ રૂપિયા બંધ રહ્યો હતો. નૅચરલ ગૅસનો માર્ચ વાયદો એમએમબીટીયુ દીઠ ૫.૭૦ રૂપિયા ઘટી બંધમાં ૧૨૫.૩૦ રૂપિયાના ભાવ થયા હતા.
છેલ્લા દાયકામાં વેસ્ટર્ન ટેક્સસ વરાઇટીના ક્રૂડનો સર્વાધિક ભાવ મે ૨૦૧૦માં ૭૪.૩૪ ડૉલર અને જાન્યુઆરી ૨૦૨૦માં ૬૩.૨૭ ડૉલર જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ મે ૨૦૧૦માં ૮૪.૧૬ ડૉલર અને જાન્યુઆરી ૨૦૨૦માં ૬૮.૯૧ ડૉલરની સપાટી પર હતા. જાન્યુઆરીની ઊંચાઈથી બ્રેન્ટ ૬૦ ટકા અને વેસ્ટર્ન ટેક્સસ ૬૧ ટકા ઘટી ગયા છે.
અમેરિકન વેરાઇટી વેસ્ટર્ન ટેક્સસના ક્રૂડ ઑઇલનો વાયદો કૉમોડિટીની દુનિયામાં આવેલી તેજી પહેલાંની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો હતો. વર્ષ ૨૦૦૨ પછી ચીનની આગેવાની હેઠળ વિવિધ કૉમોડિટીની માગ વધી હતી અને ભાવ ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. ક્રૂડ ઑઇલનો સર્વાધિક ઊંચો ભાવ જૂન ૨૦૦૮માં ૧૪૯.૯૩ ડૉલરની સપાટીએ જોવા મળ્યો હતો. પછીના મહિનાઓમાં અમેરિકાથી શરૂ થયેલી વૈશ્વિક નાણાકીય કટોકટીના કારણે ભાવ ઘટી ગયા હતા.
ગોલ્ડમૅન શાક્સ દ્વારા આજે એક અહેવાલમાં જણાવ્યું હતું કે કોરોના વાઇરસના વધી રહેલા વ્યાપના કારણે ક્રૂડની માગમાં તીવ્ર રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ ચાલુ વર્ષના મધ્ય પછી ૨૦ ડૉલર આસપાસ થઈ શકે એવી આગાહી ઇન્વેસ્ટમેન્ટ બૅન્કે કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે માર્ચ મહિના પછી પ્રતિદિન ક્રૂડની માગ ૮૦ લાખ બેરલ ઘટી શકે છે અને વર્ષ ૨૦૨૦ની સરેરાશ માગનો ઘટાડો ૧૧૦ લાખ બેરલ સુધી આવી શકે છે. રીસ્ટાડ એનર્જીએ પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે ક્રૂડની માગ વાર્ષિક ધોરણે ૨.૮ ટકા ઘટી ૨૮ લાખ બેરલ પ્રતિ દિવસ થઈ શકે છે.
કોરોના વાઇરસની અસરથી પોતાના અર્થતંત્રને બચાવવા માટે વિશ્વના દેશોએ કરોડો ડૉલરના પૅકેજ જાહેર કર્યા છે પણ એની સામે લોકોની ચહલપહલ પર પણ રોક લાગી ગઈ હોવાથી સેન્ટિમેન્ટ બગડી ગયો છે.
ક્રૂડની માગ ઘટી રહી હોવાનો પ્રથમ સંકેત જપાનથી મળી રહ્યો છે. વિશ્વના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રની કુલ ક્રૂડની આયાત ફેબ્રુઆરીમાં ૯ ટકા ઘટી હોવાની આયાત-નિકાસના આંકડા સાથે આજે જ જાહેર કરવામાં આવ્યું હતું.
દરમિયાન, સાઉદી અરબ અને રશિયા વચ્ચે યુદ્ધ અટકી રહ્યું નથી.

ઈરાકના ઊર્જા મંત્રીએ ઓપેક અને ઓપેક સિવાયનાં રાષ્ટ્રોની તાકીદની બેઠક યોજવા આહવાન કરવામાં આવ્યું હતું. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કેw ક્રૂડની વર્તમાન બજારમાં ઘટી રહેલા ભાવને ટેકો આપવો જરૂરી છે. મહિનાના પ્રથમ સપ્તાહમાં ઉત્પાદન ઘટાડવા અને નહીં ઘટાડવા મુદ્દે રશિયા અને અરબ સામસામે આવી ગયા હતા અને વાટાઘાટ પડી ભાંગી હતી. જોકે, રશિયાએ પણ એવી જાહેરાત કરી હતી કે વર્તમાન ભાવ કરતાં ક્રૂડના ભાવ ઊંચા હોવા જરૂરી છે. જોકે સઉદી અરબે પોતાની કંપની અરામ્કોને આગામી દિવસોમાં ઉત્પાદન વધારી ૧૨૩ લાખ બેરલ પ્રતિ દિવસ કરવાનો આદેશ આપ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

19 March, 2020 11:05 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK