Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ઈટીએફના વૈશ્વિક પ્રવાહમાં સોના અને ચાંદીના ભાવ મચક નથી આપતા

ઈટીએફના વૈશ્વિક પ્રવાહમાં સોના અને ચાંદીના ભાવ મચક નથી આપતા

10 August, 2020 09:57 AM IST | Mumbai
Sushma B Shah

ઈટીએફના વૈશ્વિક પ્રવાહમાં સોના અને ચાંદીના ભાવ મચક નથી આપતા

ગોલ્ડ અને સિલ્વર

ગોલ્ડ અને સિલ્વર


વૈશ્વિક બજારમાં સોનાના ભાવ વધી રહ્યા છે, સાથે ચાંદીના ભાવમાં પણ વિક્રમી વધારો જોવા મળી રહ્યો છે. સોનું અને ચાંદી યુદ્ધના સમયમાં, આર્થિક મંદીના સમયમાં રોકાણ માટેનું સ્વર્ગ હોય છે. આ બન્ને ધાતુઓમાં વળતર વ્યાજ સાથે જોડાયેલું ન હોવાથી એમાં રોકાણ આકર્ષણ વધે છે, પણ દરેક ચીજના ભાવ વધે એમ એની માગ ઘટે છે. માગ ઘટવાની સાથે એનું ઉત્પાદન ઘટે અને ફરી બજારમાં એના ભાવમાં ઘટાડો થાય એવું અર્થશાસ્ત્ર જણાવે છે તો પછી સોનું અને ચાંદી કેમ સતત વધી રહ્યા છે?

અમેરિકા અને ચીન વચ્ચે ૨૦૧૮માં શરૂ થયેલા ટ્રેડ-વૉરના કારણે વૈશ્વિક આર્થિક વિકાસદર નબળો પડી રહ્યો હતો. એ સમયે જ કોરોના વાઇરસની મહામારી ત્રાટકી હતી. આ મહામારીના કારણે આર્થિક પ્રવૃત્તિ સંપૂર્ણ બંધ કરી દેવી પડે એવા લૉકડાઉનની જાહેરાત કરવી પડી. વૈશ્વિક લૉકડાઉનના કારણે દુકાનો, વાહનવ્યવહાર, ઉદ્યોગો, વિમાન પરિવહન સંપૂર્ણ બંધ થઈ ગયાં અને એના લીધે આર્થિક મંદી આવી પડી છે. લૉકડાઉન હટી ગયા છે, પણ કોરોનાના કેસ બંધ થયા નથી. ઊલટા વધી રહ્યા છે, એના લીધે લોકોના માનસ પર ડરનો પ્રભાવ છે અને આર્થિક વૃદ્ધિ ક્યારે આવશે એ અનિશ્ચિત છે.



અત્યારે વિશ્વના મોટા ભાગના દેશનો વ્યાજનો દર શૂન્ય છે, પુષ્કળ નાણાનો પ્રવાહ છે. બચતનાં અન્ય સાધનોમાં મળતું વ્યાજ ફુગાવા કરતાં ઓછું છે એટલે પોતાની મૂડીના રક્ષણ માટે લોકોએ રોકાણ માટે કોઈ ઍસેટ શોધવી જરૂરી છે. શૅરબજારમાં રોકાણ જોખમી હોય છે, કારણ કે એનો આધાર આર્થિક વિકાસદર, કંપનીઓની બનાવટની માગ, કંપનીઓની નફો રળવાની તાકાત જેવી ચીજો પર આધારિત છે, પણ સોનું અને ચાંદી એવી રીતે નથી. બન્નેનું મૂલ્ય ડૉલરમાં નક્કી થાય છે. ડૉલર વધે તો ભાવ એટલો ઘટી જાય અને ડૉલર નબળો પડે એટલે એનો ભાવ વધી જાય છે.


એકસાથે સોના અને ચાંદીના સેફ હેવન હોવા માટેનાં બધાં કારણો અત્યારે બજારમાં મોજૂદ છે. આ બધાની વચ્ચે ઘરેણાં માટે માગ ચોક્કસ વધી છે, પણ બન્ને ધાતુઓની માગ સાવ બંધ થઈ નથી.

એટલે આ વર્ષે માગમાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડનો મહત્ત્વનો હિસ્સો છે. લોકો પોતે સોનું ખરીદી સંગ્રહ ટાળી રહ્યા છે અથવા તો એ ઘટાડી રહ્યા છે અને એની જગ્યાએ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ તરફ વળી રહ્યા છે. આ પ્રકારનાં ફંડ ઓછા રોકાણે સોનું કે ચાંદી ખરીદવાની સવલત આપે છે, એમાં વેચાણ કરી રોકડ ઊભી કરવાની લિક્વિડિટી પણ ઊંચી છે અને સાથોસાથ ઘર કે બૅન્કમાં સંગ્રહથી પણ મુક્તિ આપે છે


સોનામાં ઘરેણાંની માગ કેટલી ઘટી?

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા અનુસાર વર્ષ ૨૦૧૦થી ૨૦૧૯ વચ્ચે કુલ સોનાની માગ ૨૦૦૦થી ૨૨૦૦ ટન વચ્ચે જોવા મળી છે. આ માગમાં લગભગ અડધો હિસ્સો ઘરેણાંની માગનો છે. ઊંચા ભાવ અને લૉકડાઉનના કારણે બજારો બંધ થઈ જતાં ઘરેણાંની માગ ઘટી ગઈ હતી. ૨૦૨૦ના પ્રથમ ક્વૉર્ટરમાં ઘરેણાંની માગ કુલ સોનાની માગમાં ૩૦ ટકા રહી હતી અને બીજા ક્વૉર્ટરમાં ૨૪ ટકા જેટલી રહી હતી.

તો પછી માગ ક્યાંથી આવી રહી છે?

સોનાની માગમાં એક બહુ મોટો હિસ્સો સેન્ટ્રલ બૅન્કનો હોય છે, પણ હવે લોકોના જ પૈસા, રોકાણકારોના જ પૈસા અન્ય રીતે સોનું ખરીદવામાં ઉપયોગમાં આવી રહ્યા છે. સોનાની ખરીદી કરી એનો સંગ્રહ ઘરમાં કે બૅન્કના લૉકરમાં કરવાના બદલે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ) આવી ગયાં છે. આ કોઈ છેલ્લા એક-બે વર્ષમાં આવેલી ચીજ નથી, પણ ઈટીએફ એ એક પ્રકારનું પેપર ગોલ્ડ છે. તમારા વતી ફંડ મૅનેજર એમાં રોકાણ કરે છે અને તમને હોલ્ડિંગ સ્ટેટમેન્ટ આપે છે. રોકાણ બહુ નાની રકમથી કરી શકાય છે અને એના માટે એકસાથે મોટી રકમ કે એક ગ્રામ કે એક તોલા સોનું ખરીદવાની જરૂર નથી. વર્ષ ૨૦૧૦થી ૨૦૧૯ દરમિયાન સોનાની કુલ માગમાં ૧.૫ ટકાથી લઈ ઐતિહાસિક ઊંચી સપાટી ૧૯ ટકા (વર્ષ ૨૦૧૧ની સોનાની તેજી સમયે) આ ગોલ્ડ ઈટીએફમાં જોવા મળ્યું હતું, પણ અત્યારે જેમ સોનાના ભાવ વિક્રમી ૧૯૨૦ ડૉલરની સપાટી નહીં, પણ ૨૦૫૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી તોડીને બહાર નીકળી ગયા છે એમ ઈટીએફમાં રોકાણ પણ વિક્રમી સ્તરે છે.

જેમ સોનાના ભાવ ૨૦૧૯માં ટ્રેડ-વૉરના કારણે વધતા ગયા એમ રોકાણકાર ઈટીએફમાં આક્રમક રોકાણ કરતા થયા છે. જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૧૯ના ક્વૉર્ટરમાં સોનાની માગમાં ઈટીએફનો હિસ્સો ૨૩ ટકા જેટલો જોવા મળ્યો હતો. એપ્રિલથી જૂન ૨૦૨૦ના ક્વૉર્ટરમાં તો એવું બન્યું છે કે ઘરેણાંની માગ ૨૫૧ ટન રહી, સામે ઈટીએફની માગ ૪૩૪ ટન રહી છે એટલે કે મુખ્ય માગના સ્રોત કરતાં પણ ઈટીએફની માગ વધી ગઈ છે.

જુલાઈના આંકડા દર્શાવે છે સોનાની માગમાં ઈટીએફ હજી પણ મોટો હિસ્સો મેળવે! જુલાઈના અંતે સતત સાતમા મહિને ઈટીએફ થકી સોનામાં રોકાણમાં વૃદ્ધિ જોવા મળી છે. જુલાઈ મહિનામાં ૧૬૬ ટન સોનાની માગ ઈટીએફ તરફથી આવી છે અને ઈટીએફ હેઠળ કુલ અસ્કયામત ૩૭૮૫ ટન જેટલી છે. વિશ્વમાં સત્તા વાર રીતે સરકાર કે બૅન્કો પાસે જે સોનું છે એનું ૧૦ ટકા જેટલું સોનું હવે ઈટીએફ ફંડ્સ પાસે અસ્કયામત હેઠળ છે. માત્ર અમેરિકાની ફેડરલ રિઝર્વ પાસે વિશ્વનાં બધાં ઈટીએફ કરતાં વધારે સોનું છે. આ આંકડા સમજાવશે કે સોનાના ભાવ ઊંચા જઈ રહ્યા છે એમાં ગોલ્ડ ઈટીએફની ભૂમિકા કેટલી વિસ્તરી રહી છે.

ઈટીએફ હવે ચાંદીમાં પણ કેન્દ્રસ્થાને

ચાંદીના સિક્કા કે ચાંદીનાં વાસણો અને ઘરેણાં કરતાં આ ધાતુની માગ મેડિકલ ઇક્વિપમેન્ટ, ફોટોગ્રાફિક મટીરિયલમાં વધારે થાય છે. ચાંદી સોના કરતાં સસ્તી હોવાથી એનો જથ્થો વધારે મળે અને એટલે એનો સંગ્રહ પ્રમાણમાં મુશ્કેલ હોય છે, પણ હવે સોનાની જેમ ઈટીએફનો અહીં પણ પગપેસારો વધી રહ્યો છે.
ચાંદીની માગમાં ઔદ્યોગિક હિસ્સો લગભગ ૪૦થી ૪૭ ટકા જેટલો હોય છે. રિન્યુએબળ એનર્જી, વિન્ડ મિલ્સ અને સોલર પૅનલ્સનો ઉપયોગ વધે તો ચાંદીની માગ વધશે. આની સાથે ટેલિકૉમમાં 5G ટેક્નૉલૉજીમાં પણ ડેટા ટ્રાન્સમિશન માટે વપરાતી ચીજોમાં ચાંદીની માગ વધશે.

અત્યારે, જોકે ઈટીએફ મેદાન મારી રહ્યાં છે. કૅલેન્ડર વર્ષ ૨૦૨૦માં પ્રથમ સાત મહિનામાં ચાંદીની ઈટીએફ તરફથી માગ ૨૯.૬ કરોડ ઔંસ રહી છે અને ઈટીએફ પાસેની કુલ અસ્કયામત વધીને ૧.૨૫ અબજ ઔંસ થઈ છે. ઇતિહાસમાં કોઈ એક વર્ષમાં એટલી માત્રામાં ચાંદીમાં ઈટીએફ તરફથી રોકાણ આવ્યું નથી. કૅલેન્ડર વર્ષ ૨૦૨૦માં ચાંદીની કુલ માગ ૯૬.૩ કરોડ ઔંસ રહે એવી ધારણા છે, એમાંથી ૩૦ ટકા જેટલી માગ તો અત્યારે માત્ર ઈટીએફ થકી આવી છે!

Whatsapp-channel Whatsapp-channel

10 August, 2020 09:57 AM IST | Mumbai | Sushma B Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK