નિફ્ટીની પાંચ મહિનાની સૌથી નબળી સિરીઝનો અંત

Published: Feb 28, 2020, 11:24 IST | Mumbai Desk

વિદેશી સંસ્થાઓની આક્રમક વેચવાલીનું દબાણ:શૅરબજારમાં પાંચમા દિવસેય ઘટાડો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસને કારણે વૈશ્વિક અર્થતંત્રને ફટકો પડશે એવી ચિંતાએ વૈશ્વિક બજારના પડખે ભારતીય શૅરબજારમાં પણ વેચવાલી પાંચમા દિવસે પણ ચાલુ રહી હતી. નિફ્ટી આજે ટેક્નિકલ ચાર્ટ પર ૨૦૦ દિવસની મૂવિંગ ઍવરેજની નીચે બંધ આવ્યો હતો અને એની સાથે છેલ્લા પાંચ મહિનામાં સૌથી વધારે ઘટાડા સાથેની ફ્યુચર્સ ઍન્ડ ઑપ્શન્સની ફેબ્રુઆરી સિરીઝનો અંત આવ્યો હતો. આ સિરીઝમાં નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૩.૫ ટકા ઘટ્યો છે અને સતત બીજા મહિને એમાં ઘટાડો જોવા મળ્યો છે.

આજે વાયદાની પતાવટનો છેલ્લો દિવસ હોવાથી ભારે વધ-ઘટ સાથે બજાર ઘટ્યાં હતાં, પણ એટલું ચોક્કસ કે દિવસની નીચલી સપાટીથી વધ્યા હતા. સેન્સેક્સ ૧૪૩.૩૦ પૉઇન્ટ કે ૦.૩૬ ટકા ઘટી ૩૯,૭૪૫.૬૬ની સપાટીએ બંધ આવ્યો છે, જ્યારે નિફ્ટી ૪૫.૨૦ પૉઇન્ટ કે ૦.૩૯ ટકા ઘટી ૧૧,૬૩૩.૩૦ની સપાટીએ ઑક્ટોબર ૨૦૧૯ પછીની સૌથી નીચી સપાટીએ બંધ આવ્યો છે. ઇન્ડેક્સ કંપનીઓમાં ઓએનજીસી, એચસીએલ ટેક, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા અને આઇસીઆઇસીઆઇ બૅન્ક ઘટીને બંધ આવ્યા હતા, તો સામે સન ફાર્મા, ટાઇટન, ઍક્સિસ બૅન્ક અને એશિયન પેઇન્ટ વધીને બંધ આવ્યા હતા.

ભારતમાં શુક્રવારે સાંજે સરકાર ઑક્ટોબરથી ડિસેમ્બરના ત્રીજા ક્વૉર્ટરના જીડીપીના આંકડા જાહેર કરશે. અપેક્ષા અનુસાર આ આંકડા નબળા રહેવાની ધારણા છે. વિદેશી સંસ્થાઓ સતત ચોથા દિવસે ભારતીય બજારમાં વેચાણ કરી રહી છે જેની અસર બજારમાં જોવા મળી રહી છે. આ પાંચ દિવસમાં વૈશ્વિક નાણાસંસ્થાઓએ રોકડમાં ભારે વેચવાલી કરી છે. ગુરુવારે ૩૧૨૭ કરોડ રૂપિયાના શૅર સહિત તેમણે ચાર દિવસમાં ૮૪૪૪ કરોડ રૂપિયાના શૅર વેચ્યા છે. સામે સ્થાનિક સંસ્થાઓ સતત ખરીદી કરી રહી બજારને ટેકો આપવાનો પ્રયત્ન કરી રહી હોવા છતાં બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્થાનિક સંસ્થાઓએ ગુરુવારે ૩૪૯૭ કરોડ સહિત ચાર દિવસમાં ૭૬૬૪ કરોના શૅરની ખરીદી કરી છે.

વૈશ્વિક બજારમાં કોરોના વાઇરસને કારણે જે વેચવાલી આવી રહી છે એ સતત પાંચ દિવસથી જોવા મળી રહી છે. આ વેચવાલીમાં સેન્સેક્સ ૧૫૭૭ પૉઇન્ટ અને નિફ્ટી ૫૨૮ પન્ટ ઘટ્યો છે. આ ઉપરાંત નાની અને મધ્યમ કદની કંપનીઓનું પણ ધોવાણ થયું છે અને એને કારણે રોકાણકારોની કુલ સંપત્તિમાં ૬,૩૧,૦૪૧ કરોડ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

આજે નૅશનલ સ્ટૉક એક્સચેન્જનાં ૧૧ ક્ષેત્રના ઇન્ડેક્સમાંથી રિયલ એસ્ટેટ, મીડિયા અને સરકારી બૅન્કોની આગેવાની હેઠળ ૯માં ઘટાડો જોવા મળ્યો હતો. એક્સચેન્જ પર ૨૫ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૨૪૦ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૫૩ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૧૩૯ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.

બીએસઈ પર ૫૫ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૨૯૪ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૪૭ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૨૩૭માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલકૅપ ઇન્ડેક્સ ૦.૮૩ ટકા અને મિડકૅપ ઇન્ડેક્સ ૦.૬૫ ટકા ઘટ્યા હતા. ગુરુવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કૅપિટલાઈઝેશન ૮૧,૪૩૭ કરોડ રૂપિયા ઘટી ૧૫૨.૪૦ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

વાયદાબજારની હલચલ
હજી પણ ભાવ ઘટશે એવી ધારણાએ આજે ૪૬ જેટલા વાયદાના કૉન્ટ્રૅક્ટમાં શૉર્ટ બિલ્ડઅપ (એટલે કે ભાવ ઘટશે એવી ધારણાએ વેચાણ) જોવા મળ્યું હતું અને લગભગ ૬૦ જેટલી ચીજોમાં લૉન્ગ અનવાઇન્ડિંગ (નફો બુક) થયું હતું. માર્ચ સિરીઝના કૉન્ટ્રૅક્ટમાં ૧૦૫ જેટલી ચીજોના નવું શૉર્ટ બિલ્ડઅપ થયું હતું જે દર્શાવે છે કે બજારમાં હજી પણ ઘટાડાની આશા રાખવામાં આવી રહી છે. જોકે શૉર્ટ બિલ્ડઅપ વધારે હોય એ બજાર માટે એક સારી નિશાની પણ છે. જોકે નીચા ભાવે ખરીદી મળે અને બજાર ફરી ઊછળે તો શૉર્ટ કવર કરવા માટે ટ્રેડર્સે ખરીદી કરવી પડે છે અને એને કારણે બજારમાં ઉછાળો વધારે તીવ્ર બને છે.
માર્ચ સિરીઝમાં જેમાં વધારે શૉર્ટ બિલ્ડઅપ જોવા મળ્યું એમાં રિલાયન્સ, એચડીએફસી, એચડીએફસી બૅન્ક, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ અને બૅન્ક નિફ્ટી જેવી ચીજોનો સમાવેશ છે.

એક મહિનામાં નિફ્ટીના ૧૦ જ શૅર વધ્યા
વેચવાલી એટલી બધી તીવ્ર છે કે છેલ્લા ૩૦ દિવસમાં નિફ્ટી ઇન્ડેક્સ ૪ ટકા જેટલો ઘટ્યો છે અને એમાં કંપનીઓના શૅરના ભાવમાં ભારે નુકસાની જોવા મળી રહી છે. બજાજા ફાઇનૅન્સ, હિન્દુસ્તાન યુનિલીવર, ટાઇટન, કોટક મહિન્દ્ર બૅન્ક અને ભારતી સહિત માત્ર ૧૦ જ કંપનીઓના શૅરના ભાવમાં વધારો જોવા મળ્યો છે. બીજી તરફ ૪૦ કંપનીઓના શૅરના ભાવમાં આ ગાળામાં ઘટાડો જોવા મળ્યો છે. સૌથી વધુ ઘટેલા શૅરોમાં ઓએનજીસી ૨૦.૭૭ ટકા, તાતા મોટર્સ ૨૦.૨૫ ટકા, આઇશર મોટર્સ ૧૯.૦૧ ટકા, આઇટીસી ૧૬.૦૫ ટકા, ગેઇલ ૧૫.૯૪ ટકા, હિન્દાલ્કો ૧૫.૦૬ ટકા, હીરો મોટોકૉર્પ ૧૪.૩૨ ટકા, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ૧૪.૨૩ ટકા અને યસ બૅન્ક ૧૪.૦૩ ટકાનો સમાવેશ છે.

નીચા મથાળે ફાર્મામાં ખરીદી
છેલ્લા ચાર સ્તરમાં સતત ઘટી રહેલા ફાર્મા શૅરોમાં આજે નીચા મથાળે વૅલ્યુ બાઇંગ જોવા મળેલું. નિફ્ટી ફાર્મા ચાર દિવસમાં ૬.૪૩ ટકા ઘટ્યા પછી આજે ૦.૫૯ ટકા વધ્યો હતો. આજે સન ફાર્મા ૩.૬૮ ટકા, ઓરોબિંદો ફાર્મા ૧.૮૦ ટકા, સ્ટ્રાઇડ્સ ફાર્મા ૧.૦૪ ટકા અને ડિવીઝ લૅબ ૦.૭૯ ટકા વધ્યા હતા, તો સામે ડૉ. રેડ્ડીઝ ૦.૨૩ ટકા ઘટ્યો હતો.

સરકારી બૅન્કોમાં વેચવાલી
ફેબ્રુઆરી સિરીઝમાં સરકારી બૅન્કોમાં માટે ભારે નુકસાન જોવા મળ્યું છે. નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ આ ‌સિરીઝમાં ૧૨.૭ ટકા ઘટ્યો છે. આજે પણ આ ઇન્ડેક્સ ૨.૨૭ ટકા ઘટી ગયો હતો. આજે પંજાબ નૅશનલ બૅન્ક ૪.૭૮ ટકા ઘટી રૂ.૪૬.૮૦ (સિરીઝમાં ૨૩.૭૨ ટકા), બૅન્ક ઑફ ઇન્ડિયા ૪.૨૨ ટકા ઘટી ૫૪.૫૫ (સિરીઝમાં ૧૮.૬ ટકા) ઇન્ડિયન બૅન્ક ૩.૮૪ ટકા ઘટી ૭૫.૧૫ (સિરીઝમાં ૨૯.૩૪ ટકા), બૅન્ક ઑફ બરોડા ૨.૭૪ ટકા ઘટી ૭૮ (સિરીઝમાં ૧૫.૫૪), સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા આજે ૨.૦૬ ટકા ઘટી ૩૨૧.૬૫ (સિરીઝમાં ૧.૭૨ ટકા વધી), યુનિયન બૅન્ક આજે ૨.૦૬ ટકા ઘટી ૪૦.૪૫ (સિરીઝમાં ૨૧.૯૯ ટકા), સેન્ટ્રલ બૅન્ક આજે ૦.૩૧ ટકા ઘટી ૧૬.૧૦ (સિરીઝમાં ૧૯.૭ ટકા) અને યુકો બૅન્ક આજે ૧.૧૮ ટકા ઘટી ૧૨.૬૦ (સિરીઝમાં ૨૧ ટકા) રૂપિયા ઘટી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK