પૅકેજની નિરાશા, વિદેશી ફન્ડ્સનું આક્રમક ઑફલોડિંગ થતાં બજાર નરમ

Published: May 16, 2020, 11:01 IST | Mumbai Correspondence | Mumbai Desk

રિલાયન્સમાં છેલ્લી ઘડીની ખરીદી જોવા મળી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ગુરુવારે અમેરિકન શૅરબજાર વૃદ્ધિ સાથે બંધ આવ્યાં હતાં. એશિયા અને યુરોપનાં બજારમાં પણ એપ્રિલ મહિનામાં ચીનનું ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું હોવાનો આશાવાદ હતો. જોકે ભારતીય શૅર દબાણમાં જોવા મળ્યા હતા. ૨૦ લાખ કરોડ રૂપિયાના આર્થિક પૅકેજના બે તબક્કામાં દેશનું અર્થતંત્ર પુન: બેઠું થાય, માગ વધે એવાં પગલાંના અભાવે બજારમાં નિરાશા જોવા મળી હતી. બીજી તરફ કેન્દ્ર સરકારની મોટા ભાગની જાહેરાતોની અસરથી બૅન્કિંગ, નાણાસંસ્થાઓ પર બોજ આવી પડે એવી શક્યતાએ એ શૅરોમાં ભારે દબાણ જોવા મળ્યું હતું. ભારતીય બજારમાં વિદેશી સંસ્થાઓની આક્રમક વેચવાલીની અસરથી પણ સેન્ટિમેન્ટ પર અસર જોવા મળી હતી. આ સપ્તાહે સેન્સેક્સ અને નિફ્ટી ઘટીને બંધ આવ્યા છે. 

બીજા દિવસે પણ વિદેશી ફન્ડ્સ દ્વારા આક્રમક રીતે વેચાણ કરવામાં આવ્યું હતું. ગુરુવારે વિદેશી ફન્ડ્સ દ્વારા ૨૧૫૨ કરોડ રૂપિયાના શૅર વેચવામાં આવ્યા બાદ આજે વધુ ૨૩૮૮ કરોડ રૂપિયાના શૅરનું વેચાણ થયું હતું. સામે સ્થાનિક ફન્ડ્સની ગુરુવારે માત્ર ૮૦૨ કરોડ રૂપિયાની ખરીદી અને આજે ૧૨૨૬ કરોડ રૂપિયાની ખરીદી જોવા મળી હતી.

દિવસ દરમ્યાન સેન્સેક્સ ૩૫૦ પૉઇન્ટ ઘટી ગયો હતો, પણ પછી રિલાયન્સમાં ખરીદીના સહારે એ સત્રના અંતે ૨૫.૧૬ પૉઇન્ટ કે ૦.૦૮ ટકા ઘટી ૩૧,૦૯૭.૭૩ની સપાટીએ બંધ આવ્યો હતો. નિફ્ટી પણ આજે માત્ર ૫.૯૦ ટકા કે ૦.૦૬ ટકા ઘટી ૯૧૩૬.૮૫ની સપાટીએ બંધ આવ્યો હતો. સેન્સેક્સ કંપનીઓમાં આજે મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રમાં ૪.૭૦ ટકાનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ઍક્સિસ બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક, હીરો મોટોકૉર્પ, સન ફાર્મા અને આઇસીઆઇસીઆઇ બૅન્ક ઘટ્યા હતા. સામે ભારતી ઍરટેલ, એશિયન પેઇન્ટ, ટાટા સ્ટીલ, એનટીપીસી, હિન્દુસ્તાન યુનિલીવર અને રિલાયન્સ વધ્યા હતા.

રિલાયન્સના શૅર ગુરુવારે ૧૪૩૫.૪૫ની સપાટીએ બંધ આવ્યા હતા જે આજે એક તબક્કે ઘટી ૧૪૧૫.૫૫ થઈ ગયા બાદ છેલ્લા એક કલાકમાં આવેલી ખરીદીના સહારે આગલા બંધથી ૧.૬૩ ટકા વધી ૧૪૫૮.૯૦ રૂપિયા બંધ આવ્યા હતા. આ એક જ શૅરને કારણે સેન્સેક્સમાં નીચલા સ્તરથી ૭૦ પૉઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.

નૅશનલ સ્ટૉક એક્સચેન્જ પર આજે મેટલ્સ અને એફએમસીજી વધ્યા હતા, બાકી બધાં ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી વધુ ઘટાડો બૅન્કિંગ, ઑટો, મીડિયા અને ફાર્મા શૅરોમાં જોવા મળ્યો હતો. એક્સચેન્જ પર ૧૭ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જયારે ૨૦ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૩૪ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૧૨૮માં મંદીની સર્કિટ જોવા મળી હતી.

બીએસઈ પર ૩૪ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા,જ્યારે ૭૫ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૨૧ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૨૧૦માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલકૅપ ઇન્ડેક્સ ૦.૧૬ ટકા અને મિડકૅપ ઇન્ડેક્સ ૦.૩૧ ટકા ઘટ્યા હતા. શુક્રવારે બૉમ્બે એક્સચેન્જનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૧૯૮૦ કરોડ ઘટીને ૧૨૨.૬૬ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

સતત બીજા સપ્તાહે બજાર ઘટ્યું : ઑટો, મીડિયા વધ્યા અને બૅન્ક, ફાર્મા ઘટ્યા
સતત બીજા સપ્તાહે નિફ્ટી અને સેન્સેક્સ ઘટીને બંધ આવ્યા હતા. આ સપ્તાહમાં નિફ્ટી ૧.૩૨ ટકા અને સેન્સેક્સ ૧.૭ ટકા ઘટીને બંધ આવ્યા હતા. આ સપ્તાહમાં નિફ્ટી બૅન્ક અને નિફ્ટી ફાર્મા બન્ને ૨.૭ ટકા ઘટીને બંધ આવ્યા હતા. આ ઉપરાંત, નિફ્ટી આઇટી ઇન્ડેક્સ પણ ૧.૫ ટકા ઘટ્યો હતો. સામે ઑટો શૅરમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી ઑટો ઇન્ડેક્સ આ સપ્તાહમાં ૫.૫ ટકા વધ્યો હતો. આ ઉપરાંત મીડિયા ૨.૯, રિયલ એસ્ટેટ ૧.૭, સરકારી બૅન્કો ૧.૨ ટકા અને નિફ્ટી મેટલ્સ ૧.૧ ટકા વધ્યા હતા.

બૅન્કિંગમાં નબળાઈ યથાવત્
પૅકેજની નિરાશાથી ગુરુવારે જોવા મળેલી વેચવાલી બૅન્કિંગમાં શુક્રવારે પણ આગળ વધી હતી. ગુરુવારે પ્રાઇવેટ બૅન્કો ૨.૬૦ ટકા, સરકારી બૅન્કો ૨.૫૬ ટકા અને નિફ્ટી બૅન્ક ૨.૮૮ ટકા ઘટ્યા હતા. આજે નિફ્ટી બૅન્ક ૧.૨૩ ટકા, નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ૧.૨૪ ટકા અને નિફ્ટી પીએસયુ બૅન્ક ૧.૬૪ ટકા ઘટ્યા હતા.

ખાનગી બૅન્કોમાં ફેડરલ બૅન્ક ૩.૫૨ ટકા, બંધન બૅન્ક ૩.૩૭ ટકા, ઍક્સિસ બૅન્ક ૩.૩ ટકા, આરબીએલ બૅન્ક ૨.૫૮ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૨.૨૪ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૪૭ ટકા અને એચડીએફસી બૅન્ક ૦.૬૪ ટકા ઘટ્યા હતા, તો સામે કોટક મહિન્દ્ર બૅન્ક ૦.૩૫ ટકા વધ્યો હતો. સરકારી બૅન્કોમાં બૅન્ક ઑફ બરોડા ૩.૭૧ ટકા, કૅનેરા બૅન્ક ૨.૬૭ ટકા, આઇડીબીઆઇ બૅન્ક ૧.૭૧ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૧.૫૪ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૦.૯૨ ટકા અને યુનિયન બૅન્ક ૦.૪ ટકા ઘટ્યા હતા.

મેટલ્સની ચમક જોવા મળી
બુધવારે  નિફ્ટી મેટલ્સ ઇન્ડેક્સ ૨.૫૧ ટકા વધ્યો હતો. ગુરુવારે ૨.૫૯ ટકા અને આજે ૧.૬૧ ટકા વધ્યો હતો. મેટલ્સ કંપનીઓમાં વેદાન્તા ૪.૩૨ ટકા, સ્ટીલ ઑથોરિટી ૪.૨૬ ટકા, હિન્દુસ્તાન ઝિન્ક ૩.૧૧ ટકા, નૅશનલ મિનરલ્સ ૧.૯૪ ટકા, ટાટા સ્ટીલ ૧.૮૧ ટકા, હિન્દાલ્કો ૧.૬૬ ટકા, નૅશનલ ઍલ્યુમિનિયમ ૧.૨૩ ટકા અને જિન્દલ સ્ટીલ ૧.૦૨ ટકા વધ્યા હતા. ધાતુમાં સૌથી મોટા ઉપ્તાદક અને વપરાશકર ચીનમાં એપ્રિલ મહિનામાં ઉદ્યોગોનું ઉત્પાદન વધ્યું હોવાના અહેવાલથી ધાતુઓની કંપનીના શૅરમાં ટેકો મળ્યો હતો.

પરિણામની અસરથી વધ-ઘટ
માર્ચ ક્વૉર્ટરમાં બાયોકૉનનો નફો ૪૨.૩ ટકા ઘટ્યો હતો અને વેચાણ માત્ર ૩.૪ ટકા વધ્યું હતું. એકદમ નબળાં પરિણામને કારણે શૅરના ભાવ આજે ૨.૦૬ ટકા ઘટ્યા હતા. સામે નફો ૪૩.૬ ટકા અને આવક ૩૮.૭ ટકા વધી હોવાથી મણ્ણપુરમ ફાઇનૅન્સના શૅર આજે ૩.૪૧ ટકા વધ્યા હતા. ટાટા જૂથની ટાટા કન્ઝ્યુમરને માર્ચ ક્વૉર્ટરમાં ૧૨૨ કરોડની ખોટ હોવાથી શૅરના ભાવ ૩.૦૩ ટકા ઘટ્યા હતા. એવી જ રીતે ૨૨૩.૯ કરોડ રૂપિયાની ખોટને કારણે મહિન્દ્ર લાઇફસ્પેસના શૅર ૦.૧૪ ટકા ઘટ્યા હતા.

અન્ય શૅરોમાં ઘટાડો
મલ્ટિપ્લેકસ ચલાવતી આઇનોક્સના શૅર ૩.૯૩ ટકા અને પીવીઆર ૩.૯૩ ટકા ઘટ્યા હતા. લગભગ પાંચ જેટલી ફિલ્મો થિયેટરને બદલે સીધી જ ઓવર ધ ટૉપ મોબાઇલ-ઍપ પર રિલીઝ થવાની હોવાથી આ સિનેમા કંપનીઓની આવકને મોટો ફટકો પડશે એવી ધારણાએ શૅરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઍલેમ્બિક ફાર્માના શૅર આજે વધુ ૩.૭૪ ટકા વધ્યા હતા. કંપનીને બૅક્ટેરિયા ઇન્ફેક્શનની એક દવાના અમેરિકામાં વેચાણની મંજૂરી મળતાં શૅરમાં વૃદ્ધિ જોવા મળી હતી. અંધેરીથી દહિસરના મેટ્રો રેલ પ્રોજેક્ટ મળતાં જે. કુમાર ઇન્ફ્રાના શૅર આજે વધુ ૩.૭૪ ટકા વધ્યા હતા. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK