પાછલાં બે સત્રમાં શૅરબજારમાં લાર્જ કૅપ સ્ટૉક્સની તેજીને થાક લાગ્યો હોય એમ મુખ્ય ઇન્ડેક્સના સ્ટૉક્સમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે મિડ કૅપ અને સ્મૉલ કૅપ શૅરોમાં સતત વૃદ્ધિ થઈ છે. દેશના વર્ષ ૨૦૨૦-’૨૧ના કુલ રાષ્ટ્રીય પેદાશ (જીડીપી)ના આંકડાઓ જાહેર થવા પૂર્વેની સ્થિતિમાં બજાર દિશાવિહોણું રહ્યું હતું. બજાર બંધ રહ્યાં બાદ જાહેર થયેલા આંકડાઓ મુજબ વર્ષ દરમિયાન જીડીપીનો ઘટાડો ૭.૭ ટકા રહેવાની ધારણા છે. આ અંદાજ વર્ષના પ્રથમ છથી આઠ મહિના સુધીની માહિતીના આધારે જ જાહેર કરાયો છે.
વૉલેટાઇલ રહેલા બીજા દિવસે ગુરુવારે શરૂઆતમાં થયેલી તમામ વૃદ્ધિ ધોવાઈ ગઈ હતી. એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સ બુધવારના ૪૮,૧૭૪.૦૬ના બંધથી ઉપરમાં ૪૮,૫૫૮.૩૪ સુધી જઈ નીચામાં ૪૮,૦૩૭.૮૭ સુધી ગયો હતો અને અંતે ૪૮,૦૯૩.૩૨ બંધ રહ્યો હતો. આમ, દિવસ દરમિયાન ૫૨૦ પૉઇન્ટનો ઉતાર-ચડાવ આવ્યો હતો. નોંધનીય છે કે બુધવારની વધઘટ ૭૫૨ પૉઇન્ટની રહી હતી. સેન્સેક્સ છેલ્લે ૮૦.૭૪ પૉઇન્ટ ઘટ્યો હતો. તેની ૧૨ કંપનીઓ વધી હતી, જ્યારે ૧૮માં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સના ૦.૧૭ ટકાના ઘટાડાની સામે મિડ કૅપ ઇન્ડેક્સ ૧.૦૫ ટકા અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૮૫ ટકા વધ્યા હતા. અન્ય વધેલા બ્રૉડ બેઝ્ડ ઇન્ડાઇસિસમાં બીએસઈ-૧૦૦ ઇન્ડેક્સ ૦.૧૧ ટકા, બીએસઈ-૨૦૦ ઇન્ડેક્સ ૦.૧૮ ટકા, બીએસઈ-૫૦૦ ઇન્ડેક્સ ૦.૨૬ ટકા વધ્યા હતા.
નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ ૮.૯૦ પૉઇન્ટ (૦.૦૬ ટકા) ઘટીને ૧૪,૧૩૭.૩૫ પૉઇન્ટ બંધ રહ્યો હતો. તેના ૫૦માંથી ૨૭ સ્ટૉક્સ વધ્યા હતા અને ૨૩ ઘટ્યા હતા. સવારના ભાગમાં ઇન્ડેક્સ ૧૪,૨૫૬.૨૫ની નવી ઊંચાઈને આંબી આવ્યો હતો.
સાઇક્લિકલ્સમાં રોકાણ થયું
સેક્ટોરલ મોરચે રોકાણકારોએ ડિફેન્સિવ સ્ટૉક્સમાંથી નાણાં કાઢીને સાઇક્લિકલ્સમાં રોકાણ કર્યું હતું. એને પગલે નિફ્ટી આઇટી, એફએમસીજી અને ફાર્મા ઇન્ડાઇસિસ ઘટ્યા હતા. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૩૫ ટકા વધ્યો હતો, જ્યારે પ્રાઇવેટ બૅન્ક અને સરકારી બૅન્કના ઇન્ડેક્સ ૧-૧ ટકો વધ્યા હતા.
ટેલિકૉમ સ્ટૉક્સમાં ૨.૯૯
ટકાની વૃદ્ધિ
બીએસઈમાં બેઝિક મટીરિયલ્સ ૧.૬૭ ટકા, ફાઇનૅન્સ ૦.૫૦ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સ ૧.૫૭ ટકા, ટેલિકૉમ ૨.૯૯ ટકા, કૅપિટલ ગુડ્સ ૧.૩૮ ટકા વધ્યા હતા. ઘટનારા ઇન્ડાઇસિસમાં એફએમસીજી (૧.૦૭ ટકા), હેલ્થકૅર (૦.૦૨ ટકા), આઇટી (૦.૯૫ ટકા), યુટિલિટીઝ (૦.૧૫ ટકા), પાવર (૦.૬૨ ટકા) અને ટેક (૦.૪૨ ટકા) સામેલ હતા.
બીએસઈ એસઍન્ડપી સેન્સેક્સમાં પાવર ગ્રિડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા ૫.૬૭ ટકા, ભારતી ઍરટેલ ૩.૭૫ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૩.૨૨ ટકા, ઍક્સિસ બૅન્ક ૨.૪૮ ટકા અને બજાજ ફિનસર્વ ૨.૩૧ ટકા વધ્યા હતા, જ્યારે ટાઇટન ૨.૦૩ ટકા, નેસલે ઇન્ડિયા ૨.૦૦ ટકા, હિન્દુસ્તાન યુનીલિવર ૧.૯૭ ટકા, ઇન્ફોસિસ ૧.૫૩ ટકા અને એચસીએલ ટેક્નૉલૉજીસ ૧.૩૮ ટકા ઘટ્યા હતા.
બીએસઈમાં ‘એ’ ગ્રુપની ૬ કંપનીઓને ઉપલી સર્કિટ લાગી હતી, જ્યારે ‘બી’ ગ્રુપની ૮૭ કંપનીઓને ઉપલી અને ૧૭ કંપનીઓને નીચલી સર્કિટ સહિત બધાં ગ્રુપની ૬૫૭ કંપનીઓમાંથી ૫૦૬ કંપનીઓને ઉપલી અને ૧૫૧ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી.
રિયલ્ટી સ્ટૉક્સ વધ્યા
મહારાષ્ટ્ર સરકારે બાંધકામ પરનાં પ્રીમિયમ અને લેવીઝમાં ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ સુધીના ગાળા માટે ૫૦ ટકાનો ઘટાડો જાહેર કર્યો એને પગલે રિયલ્ટી સ્ટૉક્સમાં વૃદ્ધિ થઈ હતી. ઇન્ડિયાબુલ્સ રિયલ્ટી ૧૨.૭૬ ટકા વધીને ૮૮.૪૦, શોભા ૭.૮૩ ટકા વધીને ૪૪૨.૮૦, બ્રિગેડ ૩.૪૦ ટકાની વૃદ્ધિ સાથે ૨૬૦ રૂપિયા બંધ રહ્યા હતા. સનટેક ૨.૬૫ ટકા વધીને ૩૫૬.૫૦, ડીએલએફ ૧.૩૭ ટકા વધીને ૨૪૪.૩૫, ઑબેરૉય રિયલ્ટી ૦.૯૩ ટકા વધીને ૫૯૩ બંધ રહ્યા હતા. સરકારના આ નિર્ણયને પગલે રિયલ્ટી ક્ષેત્રે ઘર ખરીદનારાઓ અને રોકાણકારો આકર્ષિત થવાની આશા બંધાઈ છે.
ડેરિવેટિવ્ઝ રિપોર્ટ
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ગુરુવારે કુલ ૨,૦૨,૪૬૧.૦૧ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૪૫,૬૫૩ સોદાઓમાં ૧૭,૪૬,૮૨૮ કોન્ટ્રેક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૪,૨૯,૧૯૯ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સમાં ૭.૭૦ કરોડ રૂપિયાના ૪૪ સોદામાં ૬૯ કોન્ટ્રેક્ટ્સનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કૉલ ઑપ્શનના ટ્રેડ થયેલા ૪૧,૧૨૧ સોદામાં ૧૫,૨૬,૨૫૪ કોન્ટ્રેક્ટ સાથે ૧,૭૯,૫૮૦.૮૩ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઑપ્શનના ટ્રેડ ૪,૪૮૮ સોદામાં ૨,૨૦,૫૦૫ કોન્ટ્રેક્ટ સાથે ૨૨,૮૭૨.૪૮ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.
ટેક્નિકલ દૃષ્ટિએ
શુક્રવારના સત્રમાં નિફ્ટીને ૧૪,૦૮૮ અને ૧૪,૦૪૦ પર સપોર્ટ છે, જ્યારે રેઝિસ્ટન્સ ૧૪,૨૫૦ અને ૧૪,૩૦૦ની આસપાસ છે. એક નિષ્ણાતે જણાવ્યા મુજબ નિફ્ટીમાં કન્સોલિડેશનનો તબક્કો ચાલી રહ્યો છે. કોઈ એક બાજુ નવું બ્રેકઆઉટ થાય નહીં ત્યાં સુધી ન્યુટ્રલ રહીને કામકાજ કરવું. ઇન્ડેક્સમાં બેરિશ કૅન્ડલ રચાઈ છે. તેજી ટકાવી રાખવા માટે ૧૪,૨૫૦ની ઉપર ક્લૉઝિંગ રહેવું આવશ્યક છે. જો નિફ્ટી ૧૪,૧૨૦ની નીચે જશે તો નબળાઈ વધતી જઈને ઇન્ડેક્સને ૧૪,૦૦૦ સુધી ખેંચી લઈ જાય એવી શક્યતા નકારી શકાય નહીં. ૧૩,૯૫૦ની નીચે મંદીવાળાઓનું જોર રહેવાની ધારણા છે. તેજીને યથાવત્ રાખવા માટે વૉલેટિલિટી ઇન્ડેક્સ ૨૦ની નીચે રહેવો જરૂરી છે, જે ગુરુવારે ૨૧થી ઘટીને ૨૦.૬૧ રહ્યો હતો. ઑપ્શન્સના આંકડાઓ દર્શાવે છે કે નિફ્ટીમાં નજીકનાં સત્રોમાં ૧૪,૦૦૦-૧૪,૪૦૦ની રૅન્જ રહેવાની ધારણા છે. મહત્તમ પુટ ઓપન ઇન્ટરેસ્ટ ૧૩,૦૦૦ અને પછી ૧૩,૫૦૦ની સ્ટ્રાઇક પર છે. મહત્તમ કૉલ ઓપન ઇન્ટરેસ્ટ ૧૪,૦૦૦ અને પછી ૧૪,૫૦૦ની સ્ટ્રાઇક પર છે.
બજાર કેવું રહેશે?
બજારમાં છેલ્લા બે દિવસમાં રૅન્જની અંદર કન્સોલિડેશન થયું છે. એકંદર બજારમાં વધારો ચાલુ રહેવાની ધારણા છે. વિશ્લેષકોએ
ટ્રેડરોને સ્ટૉક સ્પેસિફિક કામકાજની તથા ઇન્ટ્રા-ડેમાં થનારા ઘટાડે ખરીદી કરવાની સલાહ આપી છે.
Share Market: સેન્સેક્સમાં 834 અંકનો ઉછાળો, Bajaj Finservના શૅરમાં ઉછાળો
19th January, 2021 15:45 ISTઅમેરિકાના નવા પ્રેસિડન્ટની શપથવિધિ અને કોરોનાની સ્થિતિની અનિશ્ચિતતાથી સોનું-ચાંદી રેન્જબાઉન્ડ
19th January, 2021 11:10 ISTચીનમાં વધેલા કોરોનાના કેસ અને સાર્વત્રિક પ્રૉફિટ બુકિંગને પગલે બજાર પર ઘટાડાનું વલણ આગળ વધ્યું
19th January, 2021 11:08 ISTShare Market: વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 480 અંક ઉપર
19th January, 2021 09:40 IST