Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > દેશની ક્રેડિટ માર્કેટ એવું સૂચવે છે કે કોરોનાની કઠોર સમસ્યા હવે આવશે

દેશની ક્રેડિટ માર્કેટ એવું સૂચવે છે કે કોરોનાની કઠોર સમસ્યા હવે આવશે

06 July, 2020 03:14 PM IST | Mumbai Desk
Sushma Shah

દેશની ક્રેડિટ માર્કેટ એવું સૂચવે છે કે કોરોનાની કઠોર સમસ્યા હવે આવશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સેન્સેક્સ અને નિફ્ટી ત્રણ મહિનાની ઊંચી સપાટીએ છે. શૅરબજારમાં એવી આશા છે કે કોરોના વાઇરસના કારણે લૉકડાઉનની અસર પૂરી થઈ અને હવે દેશનું અર્થતંત્ર અંગ્રેજી આલ્ફાબેટ વીની જેમ તીવ્ર ગતિએ આગળ વધવાનું છે, પણ બજારના અન્ય મહત્ત્વના અંગ દર્શાવી રહ્યા છે કે સ્થિતિ નાજુક છે અને સંભવ છે કે સમસ્યા તો હજી શરૂ પણ નથી થઈ.
દેશની કંપનીઓની બેલેન્સ શીટ, તેમનું નવું દેવું ઊભું કરવાની ક્ષમતા અને તેમની નફો કરવાની ક્ષમતા એવું સૂચવી રહી છે કે આગામી દિવસોમાં બૅન્કોની નબળી લોનનું પ્રમાણ ઘણું વધી જશે.
વિશ્વની અગ્રણી ક્રેડિટ રેટિંગ એજન્સી એસએન્ડપી ગ્લોબલ રેટિંગના મતે ભારતમાં આર્થિક વૃદ્ધિ કોરોના વાઇરસની મહામારી અને તેના કારણે ફરજિયાત લાદવામાં આવેલા લૉકડાઉનના કારણે ૨૦૨૦-૨૧માં ઘટી જવાની હોવાથી બૅન્કોના એનપીએ ૧૩થી ૧૪ ટકા જોવા મળશે. એસએન્ડપી ભારતમાં આ વર્ષે જીડીપી નેગેટિવ પાંચ ટકા રહેશે એવી આગાહી અગાઉ કરી ચૂકી છે.
એસએન્ડપીની નોન પરફોર્મિંગ એસેટ (એનપીએ)ની આગાહી સાચી પડે તો ભારતીય બૅન્કો માટે નવી લોનનું પ્રમાણ ૧૯૯૮-૨૦૦૦ એટલે કે વીસ વર્ષમાં સૌથી વધુ રહેશે. વર્ષ ૧૯૯૯માં દેશની બૅન્કોમાં સરેરાશ ૧૪.૭ ટકાના એનપીએનું પ્રમાણ જોવા મળ્યું હતું.
દેશની અડધી કંપનીઓના ક્રેડિટ રેટિંગ બંધ થવાનો ખતરો
કંપનીઓ સમયસર માહિતી આપતી નહીં હોય એવા કિસ્સામાં ભારતમાં કાર્યરત ક્રેડિટ રેટિંગ એજન્સીઓ આવી કંપનીઓની લોન, બૉન્ડ કે અન્ય પ્રકારના ક્રેડિટ રેટિંગ પરત ખેંચે એવી શક્યતા છે. એજન્સીઓનો દાવો છે કે માહિતીના અભાવે કંપનીઓની કામગીરી અને નાણાકીય સદ્ધરતાનો ક્યાસ કાઢવો મુશ્કેલ છે. આમ થાય તો દેશની અડધી જેટલી કંપનીઓનું ક્રેડિટ રેટિંગ રદ કરવામાં આવે તેવી શક્યતા છે.
દેશની અગ્રણી ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાને બુધવારે એક દસ્તાવેજ સોંપ્યો છે અને તેના આધારે એવું જાણવા મળે છે કે વર્તમાન માહિતીના આધારે કંપનીઓની નાણાકીય સ્થિતિ કે તેમનું દેવું ભરપાઈ કરવાની ક્ષમતાનો ખ્યાલ આવતો નથી. આ કારણોસર ૨૦૧૮માં દેશની ટોચની નોન બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓની ઊભી થયેલી કટોકટી જેવી સ્થિતિ ફરી આવી શકે છે.
કોરોના વાઇરસની મહામારી આવી પડી અને તેના કારણે લૉકડાઉનના કારણે ચાર દાયકામાં પ્રથમ વખત ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ નેગેટિવ રહેવાની છે. આવો વિશ્વાસ કરી શકાય નહીં એવા ક્રેડિટ રેટિંગની સમસ્યા મહામારી પહેલાં ધ્યાન ઉપર આવી છે. આર્થિક વિકાસ ઘટવાની શક્યતામાં ક્રેડિટ રેટિંગનું મહત્ત્વ વધ્યું છે કારણ કે મહામારીના કારણે કંપનીઓની નફાશક્તિ અને કમાણી ઉપર અસર પડવાની છે અને તેમાં વધુ ધિરાણ કે રોકાણ કરવું કે નહીં તે વધારે ઉપયોગી સાબિત થશે.
વિશ્વના કોઈ પણ દેશ કરતાં ભારતમાં અત્યારે બૅન્કો પાસે સૌથી વધુ એનપીએનું પ્રમાણ છે અને એસએન્ડપીના તાજેતરના એક અહેવાલ અનુસાર દેશની નબળી લોનનું પ્રમાણ બે દાયકામાં સૌથી વધુ થઈ શકે તેવી શક્યતા કોરોના મહામારીના કારણે ઊભી થઈ છે.
કંપનીઓ પૂરતી માહિતી આપે નહીં અથવા તો ક્રેડિટ રેટિંગ એજન્સીને ફી ચૂકવવાનું બંધ કરે તેવા કિસ્સાઓમાં વધારો થયો છે. રિઝર્વ બૅન્કને સોંપેલા દસ્તાવેજ અનુસાર માર્ચ ૨૦૨૦ના પૂરા થતા છેલ્લાં બે વર્ષમાં આવું પ્રમાણ બમણું થઈ કુલ રેટિંગની સંખ્યામાં ૪૭ ટકા થઈ ગયું છે અને જેમાં માહિતી નથી કે કંપનીઓએ ક્રેડિટ રેટિંગ લીધા પછી તેની સમયાંતરે ફી નથી ચૂકવી તેમાં ૯૫ ટકા ક્રેડિટ રેટિંગ બૅન્કો પાસેથી ધિરાણ મેળવવા માટે લેવામાં આવ્યા છે.
દરમ્યાન ક્રેડિટ રેટિંગમાં અત્યારથી જ ફેરફાર આવી ગયા છે. એપ્રિલથી જૂનના પ્રથમ ક્વૉર્ટરમાં માત્ર ૧૮૨ કંપનીઓનું ક્રેડિટ રેટિંગ સૂધર્યું છે, સામે ૨૯૯૬માં ઘટાડો જોવા મળ્યો છે.
સૌથી ચિંતાની વાત છે કે ખાંડ, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડયુરેબલ, રીઅલ એસ્ટેટ, ટેક્સટાઈલ્સ દરેક ક્ષેત્ર ગ્રાહકની માગ સાથે સંકળાયેલા છે. આર્થિક વિકાસ ઘટે (અત્યારે તો નેગેટિવ રહેવાની ધારણા છે) ત્યારે લોકોની આવક ઘટે છે અને લોકોની ખરીદી કરવાની ક્ષમતા અને ઇચ્છા પણ ઘટે છે. આ કંપનીઓના ક્રેડિટ રેટિંગ સામે ખતરો વધારે છે, તેમની બેલેન્સશીટ પણ નબળી છે એટલે ચિંતા વધારે થવી જોઈએ.
બેલેન્સશીટ નબળી છે અને તેની અસર વ્યાપક રહેશે
દરમ્યાન દેશની સૌથી મોટી બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ શુક્રવારે બહાર પાડેલા એક અહેવાલ અનુસાર મહામારીની અસરથી બહાર નીકળી અર્થતંત્રને ફરી સુદૃઢ કરવા માટે કંપનીઓની બેલેન્સશીટ મજબૂત હોવી જરૂરી છે. સ્ટેટ બૅન્ક ગ્રુપના ચીફ ઇકૉનૉમિસ્ટ સૌમ્યકાંતિ ઘોષ આ અહેવાલમાં જણાવે છે કે કોરોના મહામારી અને લૉકડાઉનની અસરથી દેશમાં એકપણ ઉદ્યોગ ક્ષેત્ર બાકાત નથી. માર્ચ ક્વૉર્ટરના પરિણામ અનુસાર (બૅન્કિંગ અને ક્રૂડ ઑઈલ રિફાઇનરી સિવાય) દરેક ઉદ્યોગ ક્ષેત્રનો સરેરાશ નફો ૫ ટકા ઘટ્યો છે અને તેમનો ઓપરેટિંગ નફો અને ચોખ્ખો નફો ૩૦ ટકા જેટલો ઘટ્યો છે. ઑટોમોબાઈલ્સ, ઑટો પાર્ટ્સ, ટેક્સટાઈલ્સ, સ્ટીલ, બેઝ મેટલ્સ, રીઅલ એસ્ટેટ, કન્સ્ટ્રકશન, કેપિટલ ગુડ્સ જેવી કંપનીઓ ઉપર વધારે અસર થઈ છે અને તેમની વૃદ્ધિ બે અંકમાં ઘટી છે, એમ રિપોર્ટ ઉમેરે છે.
વર્તમાન સમયમાં નફો ઓછો અને વેચાણ ઓછું અથવા તો ઓછા માર્જિનથી બિઝનેસ કરવાનો છે એવા સમયમાં જે કંપનીઓની બેલેન્સશીટ મજબૂત છે તેવી કંપનીઓ વધારે અસરકારક રીતે કપરાકાળનો સામનો કરી શકશે. ટેક્સટાઈલ્સ, રીઅલ એસ્ટેટ, ખાંડ ઉત્પાદકો, ટેલિકૉમ સર્વિસ જેવાં ક્ષેત્રોમાં નબળી બેલેન્સશીટના કારણે તેમની સ્પર્ધામાં ટકી રહેવાની શક્તિઓ પણ ઘટે છે.


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2020 03:14 PM IST | Mumbai Desk | Sushma Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK