Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > દેશે આર્થિક હોનારત થતી અટકાવવા બન્ને મોરચે સજ્જ થવું પડશે

દેશે આર્થિક હોનારત થતી અટકાવવા બન્ને મોરચે સજ્જ થવું પડશે

11 May, 2020 02:27 PM IST | Mumbai
Jitendra Sanghvi

દેશે આર્થિક હોનારત થતી અટકાવવા બન્ને મોરચે સજ્જ થવું પડશે

ભારતીય ઈકૉનોમી

ભારતીય ઈકૉનોમી


દિવસે દિવસે કોરાનાનો પ્રસાર અવિરતપણે વધતો જાય છે. કોરોનાનું ભૂત આપણો પીછો એટલી સહેલાઈથી છોડે એવા કોઈ ચિહનો નજરે પડતાં નથી. એટલે કોરોનાની રસી ન શોધાય અને વેપારી ધોરણે એ દરદીને રોગમુક્ત કરવા માટે વપરાતી ન થાય ત્યાં સુધી આપણે કોરોના સાથે જ જીવતા શીખવું પડશે એવી માન્યતા વિશ્વભરમાં કોરોના વાઇરસની ઝડપ કરતાં વધુ ઝડપે અંકે થતી જાય છે.

વેપારી વર્ગ અને પ્રજાજનોમાં હવે એ વિષે કોઈ શંકા નથી. જુદાજુદા દેશોની સરકારો પણ આ વાત સારી પેઠે સમજે છે.



જોતજોતામાં વિશ્વમાં કોરોનાથી સંક્રમિત ૪૦ લાખથી વધુ કેસ નોંધાયા છે તો મરણનો આંક ૨.૭૬ લાખને ઓળંગી ગયો છે. ભારતમાં આ આંકડા અનુક્રમે ૬૦,૦૦૦ અને ૨૦૦૦ ઉપર પહોંચ્યા છે.


વિશ્વમાં કોરોનાને કારણે થયેલ કુલ મરણમાં ૯૦ ટકા લોકો ૬૦ વર્ષની ઉપરના છે, ભારતની વસ્તીના ૯૦ ટકા લોકો ૬૦ વર્ષની નીચેના છે જેમને માટે કોરોનાથી સંક્રમિત થવાની સંભાવના ઓછી છે.

ભારત માટે આ બાબત આશ્વાસનરૂપ ગણાય અને છતાં સાવધાની વર્ત્યા સિવાય આર્થિક પ્રવૃત્તિઓ પુરજોશમાં ચાલુ કરી શકાય તેમ નથી.


બીજી તરફ દેશની વસ્તી જ વધુ હોવાથી ૧૦ ટકા એટલે ૧૩ કરોડ જેટલા લોકો (૬૦ વર્ષથી ઉપરના) ઉપર વધુ ખતરો હોવાનું જાણી આર્થિક પ્રવૃત્તિઓ વધુ તદ્દન બંધ રાખવી પરવડે તેમ નથી. એના પરિણામ પણ અર્થતંત્ર માટે ભયાનક બની રહે.

એટલે હવે તો માથે લટકતી કોરોનાની તલવારથી ડર્યા સિવાય પૂરા આત્મવિશ્વાસ સાથે આર્થિક પ્રવૃત્તિઓની ધીમી પણ મક્કમ શરૂઆત કરવા બાબતે કોઈ વિકલ્પ બચ્યો જ નથી.

એ કરવાની શરૂઆત કરીએ એટલે પૂરી શિસ્ત સાથે (માસ્કનો ઉપયોગ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ) આગળ વધવું પડે. મોટા કૉર્પોરેટ અને સંગઠિત ક્ષેત્રના ઉદ્યોગો તો આ બધી તકેદારી રાખે, પણ સેલ્ફ-એમ્પ્લોઈડ, નાના છૂટક વેપારીઓ કે લઘુ ઉદ્યોગો એવી જરૂરી સાવધાની રાખી શકશે કે કેમ એ પ્રશ્ન છે. એ ન થાય તો કોવિડ-૧૯ ઊથલો મારે એટલે કે બમણા જોરથી ત્રાટકે એ શકયતા નકારી શકાય તેમ નથી.

ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે જરૂરી ગાઇડલાઇન્સ રાજ્ય સરકારો બહાર નહીં પાડે કે તેનો સખત અમલ નહીં કરે તો તે પણ ફરી એકવાર ખતરાની ઘંટી વગાડી શકે.

ઓડિસા, બિહાર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ઝારખંડ અને છત્તીસગઢથી ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવાં વિકસિત રાજ્યોમાં કામધંધા માટે વસવાટ કરી રહેલ પરપ્રાંતીય મજૂરો-કારીગરોની રોજીરોટી ઝૂંટવાઈ ગઈ છે. એ કારણે હતાશ થયેલ આ કારીગર વર્ગ વતન પરત ફરવા માટે ઘાંઘો બન્યો છે. આ વિકસિત રાજ્યોના મોટાં મોટાં શહેરોની યાતના હવે તેઓ સહન કરી શકે તેમ નથી. તેમને ડર છે આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થવા સાથે ફરી એકવાર કોરોનાના સંક્રમણની ઝડપ વધે તો તેમનું ધણીધોરી આ શહેરોમાં કોણ? રોજીરોટી ન મળે તો પણ કુટુંબકબીલા સાથે મરવાનું પણ આ વર્ગ પસંદ કરશે.

રેલવે મંત્રાલયના સહયોગથી કેટલીક રાજ્ય સરકારો તેમને વતન પરત મોકલવાની વ્યવસ્થા કરી રહી છે. તો કર્ણાટકની સરકારે એનો વિરોધ કર્યો છે. વિરોધ એ કારણે છે કે એકવાર આ મજદૂર-કારીગર વર્ગ વતન ચાલ્યો જાય તે પછી તેમના ઉદ્યોગ-ધંધા અને કારખાનાં ફરી ધમધમતાં કેમ થશે? આ ડર સાવ વાહિયાત નથી. તેમાં ઘણું તથ્ય છે, કારણકે  આ સંજોગોમાં આર્થિક પ્રવૃત્તિઓ માટેની છૂટછાટ પેપર પર જ રહેવાની. આ પ્રવૃત્તિઓ ચાલુ કરવામાં એક એક દિવસની ઢીલ અર્થતંત્ર માટે ભારે પડી શકે.

એપ્રિલ માસનો સેવાઓ માટેનો પીએમઆઇ ઇન્ડેક્ષ માર્ચના ૪૯.૩માંથી ગબડીને ૫.૪ ઉપર પહોંચ્યો છે જે આ ઇન્ડેક્ષની ગણતરી શરૂ થઈ ત્યારથી છેલ્લાં ૧૪ વર્ષના તળિયાનો આંક છે. લગભગ ૯૦ ટકાનો આ ઘટાડો અર્થતંત્રને હચમચાવી નાખે તેવો છે, પણ આ તો હજી શરૂઆત છે. જેમ જેમ ઔદ્યોગિક ઉત્પાદન, ઓવરઓલ ડિમાન્ડ, ઇન્ફ્રાસ્ટ્રકચર ઉદ્યોગો, મૂડીરોકાણ તથા રોજગારી-બેરોજગારી જેવા મેક્રો ઇકૉનૉમિક પેરામીટર્સના આંકડા પ્રસિદ્ધ થતા જશે તેમ તેમ આર્થિક ચિત્રની ભયાનકતા વધતી જશે.

બિહામણા આર્થિક ચિત્રથી ડરી જવાનો આ સમય નથી. જે દાયકાઓમાં નથી અનુભવી એવી ખરાબ પરિસ્થિતિ હવે સામે આવવાની છે એટલે એ માટેની માનસિક તૈયારી રાખવી જ પડશે.

આજે સરકારે પ્રશાસન અને પ્રજાના સાથ સહકારથી બે સરહદ ઉપર મોરચો માંડવાનો છે. કોરોનાના વધતા જતા વ્યાપ પર ચાંપતી નજર રાખવાની સાથે અર્થતંત્રમાં બદલાતી ગતિવિધિઓ અને પ્રવાહો પર પણ બાજનજર રાખવી પડશે-આ બન્નેથી સહેજ પણ ડગમગ્યા સિવાય.

આ જાતનું મોનિટરિંગ તો માત્ર સમસ્યાના ડાઇમેન્શનનો સતત ખ્યાલ રાખવા માટે છે. જેથી કરીને ક્યાંક ઊંઘતા ન ઝડપાઇએ. રાહતનું પૅકેજ જાહેર કરવામાં કે ડેફિસિટ ફાઇનૅન્સની સાઇઝ નક્કી કરવામાં કે વર્તમાન પરિસ્થિતિને હળવી કરવામાં ઉપયોગી આર્થિક સુધારાઓ કે પગલાઓ લેતી વખતે વર્લ્ડ બૅન્ક, આઇએમએફ, એડીબી, આઇએલઓ, યુએન, ડબ્લ્યુએચઓ કે ઓઇસીડી જેવી વૈશ્વિક સંસ્થાઓ કે વિશ્વવિખ્યાત ક્રેડિટ રેટિંગ એજન્સીઓ અે વિષે શું વિચારશે કે શું પ્રતિભાવ આપશે તેનો ખ્યાલ રાખવાનો આ સમય નથી. આખરે આ બધી સંસ્થાઓ તદ્દન નિષ્પક્ષ રીતે કામ કરતી હોય તેમ ન જ બને. તો સાથે સાથે દાવાનળ સળગ્યો હોય ત્યાં બધા દેશો પોતપોતાનું હિત પ્રથમ આગળ ધરે તે સમજી શકાય તેવી વાત છે.

આપણે પૂરા વિશ્વાસથી એક પ્રજા તરીકે કોરોનાનો ચેપ ફેલાતો અટકે અને જ્યાં પણ ફેલાય ત્યાં દરદીની સારવાર માટેની સગવડો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

કોરોનાની ટ્રીટમેન્ટ માટે (દરદીઓની પથારીઓની સંખ્યા હોય કે વેન્ટિલેટર્સ હોય) દેશમાં ઉપલબ્ધ સગવડના ૮૦થી ૯૦ ટકા સગવડ ખાનગી હૉસ્પિટલોમાં છે. આ હૉસ્પિટલો કોરોનાના દરદીની ટ્રીટમેન્ટ સમયે પડ્યા પર પાટુ ન મારે કે તે માટેના એવા ચાર્જિસ વસૂલ ન કરે જેથી દરદી મરે ત્યારે પાછળના સગાંવહાલાને પણ મારતો જાય.

ખાનગી હૉસ્પિટલ, ડૉકટરોના આવા વર્તાવના બનાવો પણ નોંધાયા છે. સરકારે તે અંગે કડક બનીને કામ લેવું પડશે. ખાનગી ડૉકટરો જાહેર ક્ષેત્રની કે સરકારી હૉસ્પિટલોમાં સેવા આપે તેવી તજવીજ કરવી પડશે. ટેસ્ટિંગ માટેની ફેસિલિટી વધારવી પડશે. પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ અને માસ્કનું ઉત્પાદન અને જરૂર પ્રમાણે આયાત વધારીને કોરોનાની ટ્રીટમેન્ટ માટે સજ્જ થવું પડશે. આ બધી મેડિકલ ફેસિલિટી માટેના બજેટમાં જરૂરી વધારો કરવાને અગ્રક્રમ આપવો પડશે. આ ક્ષેત્રની ૭૦ વર્ષની ડેફિસિટ પૂરી કરવાનો આ અવસર છે. આમાંના કેટલાંક પગલાં ટૂંકા ગાળાના હોઈ શકે તો કેટલાંક લાંબા ગાળાનાં.

અર્થતંત્રના બચાવ માટેનાં પગલાં પણ ટૂંકા અને લાંબા ગાળાના એમ બે વિભાગમાં વહેંચવા પડશે. બૅન્કો તેમના શૅરહોલ્ડરોને, મૅનેજમેન્ટને જવાબદાર હોય જ. એટલે જ્યાં બૅન્કો ધિરાણ આપવામાં ખચકાટ અનુભવે ત્યાં સરકારે આવા ધિરાણની ૧૦૦ ટકા ગેરન્ટી લેવાની તત્પરતા દાખવવી પડશે. બૅન્કો પાસેની રોકડ નાણાંની ઉપલબ્ધિ (લિક્વિડિટી) વધારવા કે વ્યાજના દર ઘટાડવા માત્રથી બૅન્ક ધિરાણ વધારી શકાતું નથી એ આપણો જાત અનુભવ છે. અર્થતંત્રને બેઠું કરવા નાણાંની ઉપલબ્ધિ એ લાઇફલાઇન ગણાય. જે દરે બૅન્કો રિઝર્વ બૅન્ક પાસે તેમનાં ફાજલ નાણાં પાર્ક કરી શકે તે દર ઘટાડીને ૩.૭૫ ટકા કરવા છતાં ૮.૫ લાખ કરોડ રૂપિયા જેવી મોટી રકમ બૅન્કોએ રિઝર્વ બૅન્ક પાસે પાર્ક કરી છે. વગર વ્યાજે બૅન્કો પાસે રાખવા પડતા કૅશ-રિઝર્વ રેશિયોમાં ૧ ટકાનો ઘટાડો કરી બૅન્કો પાસે વધારાના ૧.૪ લાખ કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાયા છે.

કેન્દ્ર સરકારની મધ્યસ્થી દ્વારા આ રાહત આપવા લગભગ દસ લાખ કરોડ રૂપિયા ઉદ્યોગ-ધંધા માટે કે પ્રજાના અન્ય વર્ગને માટે ઉપલબ્ધ થઈ શકે. એમાં થતી ઢીલ યોગ્ય ન ગણાય. કોરોના સામે બાથ ભીડી શકે એવી સરકાર હોવી એ દેશનું નસીબ ગણાય.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ‍્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Whatsapp-channel Whatsapp-channel

11 May, 2020 02:27 PM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK