કોરોના વાઇરસ વિશ્વને મહામંદી ભણી ધકેલી શકે

Published: Mar 16, 2020, 10:32 IST | Jitendra Sanghvi | Mumbai Desk

સમય છે ખભેખભા મિલાવી આ પડકારને તકમાં બદલી નાખવાનો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ચીનથી શરૂ થયેલ કોરોના વાઇરસની જાળ વિશ્વભરમાં ફેલાતી જાય છે. અમેરિકા, જપાન અને ઇટલી જેવા સ્વાસ્થ્ય માટેની આધુનિક સગવડોથી સજ્જ વિકસિત દેશો પણ એમાંથી બાકાત નથી રહ્યા. એટલું જ નહીં આ દેશોને નરી આંખે ન દેખી શકાય તેવા આ સૂક્ષ્મ વાઇરસ (વિષાણુ)ની સૌથી વધુ અસર થઈ છે. પૂરતી તકેદારી ન લેવાય તો કરોડો અમેરિકન્સ આ વાઇરસની ઝપટમાં આવી જાય તેવી ચેતવણી મળ્યા પછી અમેરિકામાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરાઈ છે.

વિશ્વના ૧૧૫ ઉપરાંત દેશોમાં આ વાઇરસ ફેલાતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તેને વિશ્વની મહામારી તરીકે જાહેર કરેલ છે. ચીન અને દ. કોરિયા, જપાન અને હૉન્ગકૉન્ગ તેને અંકુશમાં લાવવામાં સફળ રહ્યા છે. આ રોગ એવા કટોકટીભર્યા તબક્કે છે કે તેનો વધુ ફેલાવો થતો ન અટકે તો તે નવા જોખમ ઊભા કરી શકે. તેનાથી અસરગ્રસ્ત થતા દરદીઓની સંખ્યા કરતાં તેના ફેલાવાની ઝડપ વધારે મહત્ત્વની ગણાય.

આ રોગનું અધિકેન્દ્ર હવે યુરોપ (ઇટલી) બની રહ્યું છે. યુરોપ ખંડમાં રિપોર્ટ થતાં અને જીવલેણ નિવડતા કેસોની સંખ્યા સમગ્ર વિશ્વ (ચીનને છોડીને)માં રિપોર્ટ થતા આવા કેસો કરતાં વધુ છે. એકલા ઇટલીમાં ૨૪ કલાકમાં ૨૫૦ જેટલા કેસ જીવલેણ નીવડ્યા છે. સ્પેનમાં બે અઠવાડિયાંની કટોકટી જાહેર કરાઈ છે.

ભારતમાં ૮૫ જેટલા કેસ નોંધાયા છે જેમાંથી બે પ્રાણઘાતક બન્યા છે. જ્યાં આવા કેસ નોંધાયા છે તે આઠેક રાજયો (મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉ.પ્રદેશ, ઓડિશા, દિલ્હી, મણિપુર, મધ્ય પ્રદેશ અને બિહાર)માં વધતેઓછે અંશે શાળાઓ, કૉલેજોમાં રજાઓ જાહેર કરાઈ છે. કેટલાંક રાજ્યોમાં મૉલ્સ, થિયેટર્સ, પબ્સ, જિમ્સ, સ્વિમિંગ પૂલ અને નાઇટ કલબો, મ્યુઝિયમ, પાર્ક બંધ કરી દેવાયાં છે. સામાજિક અને ધાર્મિક પ્રોગ્રામો, ધંધાકીય સેમિનાર અને કૉન્ફરન્સ મુલતવી રાખવાની સલાહ અપાઈ છે. ટ્રાવેલ અને ટૂરિઝમના ધંધાને એટલી મોટી અસર થઈ છે કે આ કંપનીઓ અને અૅરલાઇન્સે તેમના કર્મચારીઓને રજા આપી દીધી છે.

નવેમ્બર ૧૭, ૨૦૧૯ના રોજ ચીનના હુબેઇ પ્રાંતથી શરૂ થયેલ અને ડિસેમ્બર ૨૦૧૯થી વધુ સક્રિય બનેલ આ વાઇરસે ૧.૫ લાખ લોકોને અસર કરી છે અને લગભગ ૫૬૦૦ લોકો મરણને શરણ બન્યા છે.

જો નિષ્ણાતોના મતે આ વાઇરસ કે તેનાથી થતી મહામારી ૧૯૧૮ના ડિસેમ્બરમાં ફેલાયેલ સ્પેનીશ ફ્લુ જેટલી ખતરનાક કે જીવલેણ નથી. ૨૦૧૨માં કરાયેલા એક અભ્યાસ પ્રમાણે સ્પેનીશ ફ્લુએ બ્રિટિશરોના અંકુશ હેઠળના ભારતમાં લગભગ ૧.૪ કરોડ જેટલા લોકોનો ભોગ લીધો હતો જે સમગ્ર વિશ્વમાં મૃત્યુ પામેલ (પાંચ કરોડ) લોકોના ૩૦ ટકા ગણાય. વિશ્વના ચારમાંથી એક માણસને આ રોગની અસર થયેલ.

સ્પેનીશ ફ્લુના સમયે ૧૯૧૮નું પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું. યુએસ, બ્રિટન અને ફ્રાન્સમાં આ ફ્લુની શરૂઆત થઈ, પણ લોકોનો જુસ્સો ટકાવી રાખવા તે પ્રેસમાં રિપોર્ટ ન કરાયું. જોકે સ્પેઇન વિશ્વની બે છાવણીઓમાંથી એકે બાજુ ન હોવાથી અને તટસ્થ હોવાથી ત્યાં આવા કેસ બનતા તે રિપોર્ટ કરાયા, જેને પરિણામે તે સ્પેનીશ ફ્લુ તરીકે ઓળખાયો.

ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ રોગને ગંભીરતાથી લેવા માંડ્યો છે, તેનો વધુ ફેલાવો અટકાવવા માટેનાં પગલાં ભરવાની શરૂઆત થઈ છે. છતાં આપણી અપૂરતી જાહેર સ્વાસ્થ્ય સેવાઓ માટેની સગવડોના સંદર્ભમાં આ રોગ માટે હજી વધુ ગંભીર પગલાં લેવા પડશે જેથી તે ત્રીજા અને ચોથા સ્ટેજમાં ન જાય.

૨૦૧૫માં એચવનએનવન જેવા રોગના ફેલાવાને કારણે ભારતમાં ૩૩,૦૦૦ અસરગ્રસ્ત લોકોમાંથી ૨૦૦૦ જેટલા મૃત્યુ પામેલા. એટલે મરણનો દર છ ટકા જેટલો હતો.

(૧૦૦૦ કેસમાંથી ૬૦ મરણ) જે ૨૦૦૯માં વિશ્વમાં ફેલાયેલ તે જ રોગથી થયેલ મરણના ૦.૦૧ ટકા (૧૦૦૦ કેસમાંથી ૧ મરણ) કરતાં ઘણો ઊંચો હતો.

૨૦૦૨-૦૩માં લાગુ પડેલ સાર્સ (સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ)ની જેમ કોરોના વાઇરસ પણ ચમત્કારિક રીતે નબળો પડે અને અદૃશ્ય થઈ જાય તેવી આશા રાખીએ તો પણ ૧૯૧૮ના સ્પેનીશ ફ્લુ જેમ ગંભીર સ્વરૂપ ધારણ કરે તો તેને નાથવા માટેની મોટાપાયે તૈયારી તો યુદ્ધધોરણે કરવી જ રહી. ભારતમાં ઉનાળાની ગરમીમાં તેનું પ્રમાણ ઘટી શકે. કોરોના વાઇરસને કારણે વિશ્વમાં મહામંદી આવવાના ડરથી વિશ્વના સ્ટૉકમાર્કેટ ગયે અઠવાડિયે ઊંધે માથે પટકાયા છે. આ સાથે છેલ્લા દોઢ મહિનામાં ન્યુ યૉર્ક, મુંબઈ, લંડન, ટોક્યો અને હૉન્ગકૉન્ગ જેવાં બજારો ટોચ પરથી ૨૦થી ૨૫ ટકા જેટલા ગબડ્યાં છે.

માર્ચ ૧૩ના ‘બ્લૅક ફ્રાઇડેના દિવસે નિફ્ટીના ૧૦ ટકાના ઘટાડાને કારણે ૪૫ મિનિટ બંધ થઈ ગયેલ બજારો વધીને આગલા દિવસના બંધ કરતાં ચાર ટકા ઊંચા બંધ રહ્યાં. એના આગલા દિવસે (માર્ચ ૧૨) અમેરિકન શૅરબજારમાં કડાકો બોલી ગયો હતો.
ડાઉ અને એસઍન્ડપી ૫૦૦ ઇન્ડેક્સમાં ૭ ટકાનો ઘટાડો થતાં અમેરિકન શૅરબજાર પણ અઠવાડિયામાં બીજી વાર કામ કરતું અટક્યું હતું.

અમેરિકન શૅરબજાર તૂટવાનું મુખ્ય કારણ અમેરિકાએ યુરોપના દેશોમાંથી પ્રવેશ પર પ્રતિબંધ મૂકયો તે હતું. ભારત સરકારે પણ વિદેશીઓના એપ્રિલ ૧૫ સુધીના વિઝા રદ કર્યા છે. રૂપિયો ૭૪ રૂપિયાની સપાટી કૂદાવી ગયા પછી શૅરબજારના થોડા સુધારાએ અને રિઝર્વ બૅન્કે વેચેલા ડૉલરને કારણે બૅન્કો પાસેની લિક્વિડીટી માટે વધારાનું ફન્ડ પૂરું પાડવાની જાહેરાતે રૂપિયાની ડૉલરની સામેની બાહ્ય કિંમત વધીને ૭૪ની અંદરની થઈ છે.

વાઇરસની અસર પામેલ વ્યક્તિ બે અઠવાડિયાં સુધી નિષ્ક્રિય રહીને ફરી સક્રિય બની શકે અને સાજી થયેલ વ્યક્તિને ફરી વાઇરસની અસર થઈ શકે એટલે રોગ અટકાવવાના અને વધુ ન ફેલાય તે માટેનાં પગલાં સતત લેતા રહેવું પડે.

સાઉદી આરબ, રશિયા (બન્ને ક્રૂડના મોટા ઉત્પાદક દેશો) વચ્ચેના ઉત્પાદન ઘટાડવા અંગેના વિવાદને કારણે ક્રૂડના ભાવ ૧૨ વરસની નીચી સપાટીએ ઊતરી ગયા છે. ઑપેક પ્લસ ગ્રુપના સભ્યો વચ્ચેની વાટાઘાટ પડી ભાંગતા એક અઠવાડિયામાં ક્રૂડના ભાવમાં ૨૪ ટકા જેટલો મોટો ઘટાડો થયો છે. આ ઘટાડો ૧૯૯૧થી ગલ્ફ વૉર પછીનો સૌથી મોટો એટલે કે બેરલદીઠ ૩૦ ડૉલર જેટલો થઈ ગયો છે.

આની સૌથી વધુ ખરાબ અસર વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઉત્પાદક દેશ અમેરિકા પર થાય છે. રશિયા અને સાઉદી આરબમાં ઑઇલ કંપનીઓ સરકારી છે જ્યારે અમેરિકામાં આવી કંપનીઓ ખાનગી ક્ષેત્રની હોય છે અને તેનું ફંડિગ દેવાં દ્વારા કરાય છે. જે બૅન્કો દ્વારા નહીં પણ કેપિટલ માર્કેટ દ્વારા પૂરું પડાય છે એટલે કે બૉન્ડહોલ્ડરો દ્વારા ૫૦૦ બિલ્યન ડૉલરના આ બૉન્ડ અમેરિકન બૉન્ડ કંપની ઑઇલ ઉદ્યોગને ટકાવી રાખે છે. ક્રૂડના ભાવ નીચે પટકાતાં ઑઇલ કંપનીઓને મોટું નુકસાન સહન કરવું પડે અથવા તો કંપનીઓ બંધ કરી દેવી પડે. આવી કંપનીઓ બંધ થાય તો બૉન્ડહોલ્ડરોને સહન કરવાનો વારો આવે.

આમ કોરોના વાઇરસ ઉપરાંત ક્રૂડના ભાવનો ઘટાડો અમેરિકન અર્થતંત્રમાં મોટી મંદી લાવી શકે. આ બધી સંભવિત ઘટનાઓ ડોનલ્ડ ટ્રમ્પના ફરી ચૂંટાઈ આવવા પર પણ ખરાબ અસર કરી શકે. અમેરિકાએ જાહેર કરેલ રાષ્ટ્રીય કટોકટીની સાથે વાઇરસને કાબૂમાં લાવવા ૫૦ બિલ્યન ડૉલરનું ભંડોળ ફાળવ્યું છે જેનો રાજ્યો તથા મ્યુનિસિપાલિટી ઉપયોગ કરી શકશે.

કોરોના વાઇરસને કાબૂમાં લાવવા માટે લોકોમાં ફેલાયેલ ડર નાબૂદ કરી વિશ્વાસ લાવવાની તથા હાઈ સ્કૂલ સ્ટિમ્યુલસ (સાથેના હાથમાં વધુ નાણાં આવે તેવી વ્યવસ્થા)ની જરૂર છે. કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો (૧૭ ટકામાંથી ૨૧ ટકા) વધારો કર્યો છે. આ વધારો જાન્યુઆરી ૨૦૨૦થી અમલમાં આવશે તથા ૪૮ લાખ કર્મચારીઓ અને ૬૫ લાખ પેન્શનરોને તેનો ફાયદો મળશે. આને કારણે સરકારી તિજોરી પર લગભગ ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનો બોજ પડશે. બીજી તરફ સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એકસાઇઝ ડ્યુટી વધારીને ૩૯,૦૦૦ કરોડ રૂપિયાની આવક ઊભી થાય છે.

એક સારા સમાચાર એ છે કે કોરોના વાઇરસની તાણને અલગ કરવા ભારતને વૈજ્ઞાનિક સફળતા મળી છે એને કારણે વૈજ્ઞાનિકો આ વાઇરસની અસર ઓછી અને નાબૂદ કરવા માટેની દવા, રસી અને ઝડપથી રોગનું નિદાન કરી શકે એવી કીટ (જરૂરી સાધનસામગ્રી) બનાવી શકશે. જોકે તે માટે લગભગ બે વરસનો સમય લાગશે. ચીન, જપાન, થાઇલૅન્ડ અને અમેરિકા આ સંશોધન બાબતે ભારતથી આગળ છે.

અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે ત્યારે ગયે અઠવાડિયે જાહેર કરાયેલ ઔદ્યોગિક ઉત્પાદન નિકાસો તથા સીપીઆઇના આંકડા દેશ માટે રાહત આપે તેવા છે.

જાન્યુઆરી ૨૦૨૦માં ઔદ્યોગિક ઉત્પાદનમાં બે ટકાનો વધારો (ડિસેમ્બર ૨૦૧૯માં નજીવો ઘટાડો) થયો છે. સીપીઆઇ (છૂટક ભાવવધારો) ફેબ્રુઆરી મહિને ભાવવધારાનો દર ઘટીને ૬.૫૮ ટકા (આગલા મહિને ૭.૫૯ ટકા) થયો છે. ફેબ્રુઆરી મહિને નિકાસોનો થયેલ ૩ ટકાનો વધારો ૭ મહિનાનો પહેલો વધારો છે. આ પોતાનો ૨.૫ ટકાનો વધારો આઠ મહિનાનો પહેલો વધારો છે.

અમેરિકાનો એપ્રિલ-જૂનનો આર્થિક વિકાસનો દર નેગેટિવ થવાની સંભાવના છે. વિશ્વના આર્થિક વિકાસનો દર પણ ૨૦૨૦ના વરસે ઘટીને બે ટકા જેટલો થઈ શકે. કોરોના વાઇરસને કારણે વિશ્વ મંદી ભણી ધકેલાઈ રહ્યું છે. ભારત તેમાંથી બાકાત રહી શકે નહીં. ઘટતા રૂપિયાને બચાવવા માટે રિઝર્વ બૅન્ક તેની પાસેના ૪૮૭ બિલ્યન ડૉલરના વિદેશી હૂંડિયામણમાંથી થોડા ડૉલર વેચશે. તે દ્વારા વિદેશી પોર્ટફોલિયો રોકાણ બહાર જતું અટકાવશે.

અપવાદરૂપ ગંભીર પરિસ્થિતિના સામના માટે પ્રજા માત્ર સરકાર પર આધાર ન રાખી શકે. વિરોધ પક્ષોએ પણ શાસક પક્ષ સાથેના મતભેદો ભૂલીને આ કટોકટીમાં સરકારનો સાથ આપવો જોઈએ. પ્રજા, સરકાર અને વિરોધ પક્ષો ખભેખભા મિલાવીને કામ કરશે તો આ કટોકટીમાંથી કોઈને કોઈ રસ્તો મળી રહેશે. દેશનો નવો ઇતિહાસ લખાતો હોય ત્યારે આપસ આપસના ઝઘડાને બાજુએ મૂકવા રહ્યા. એમ નહીં કરીએ તો આગળ ઉપર ન કલ્પી શકાય તેવા દિવસો જોવાનો વારો પણ આવી શકે.
આ કટોકટીને કારણે વિશ્વને નેતૃત્વ પૂરું પાડી શકે તેવા દેશો ફરી એક વાર ‘અમેરિકા ફર્સ્ટ’, ‘ચાઇના ફર્સ્ટ’ કે ‘ઇન્ડિયા ફર્સ્ટ’ ને છોડીને સમગ્ર વિશ્વનો વિચાર કરતા થશે તો કોરોના વાઇરસની ચેલેન્જ વિશ્વ માટે એક ઑપોર્ચ્યુનિટી બની શકે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK