Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > માસિક ધોરણે સતત પાંચ મહિનાથી વધી રહેલા સોનામાં તેજીની બ્રેક

માસિક ધોરણે સતત પાંચ મહિનાથી વધી રહેલા સોનામાં તેજીની બ્રેક

01 October, 2019 01:14 PM IST | મુંબઈ

માસિક ધોરણે સતત પાંચ મહિનાથી વધી રહેલા સોનામાં તેજીની બ્રેક

સોનાના ભાવમાં તેજીની બ્રેક

સોનાના ભાવમાં તેજીની બ્રેક


મુંબઈ : સતત પાંચ મહિનાથી દર મહિને સોનાના ભાવમાં જોવા મળતા ઉછાળા પર સપ્ટેમ્બરમાં બ્રેક લાગી છે. અમેરિકા અને ચીન ટ્રેડ-વૉર ખતમ કરી મંત્રણા કરી રહ્યાં છે અને એને કારણે વૈશ્વિક મંદી પરનાં વાદળ દૂર થઈ ગયાં હોવાનાં ચિહ્‍નો મળી રહ્યાં છે. બીજું, સપ્ટેમ્બરમાં ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદર આ વર્ષે નહીં ઘટે એવા સંકેત મળતાં બજારમાં વેચવાલીનું માનસ જોવા મળી રહ્યું છે. વૈશ્વિક બજારમાં હાજર સોનું ગયા મહિને ૧૫૨૪.૪૦ ડૉલર પ્રતિ ઔંસ બંધ રહ્યું હતું જે આજે ૧૪૮૨.૯૫ ડૉલર છે જે ૨.૭ ટકા કે ૪૫.૪૫ ડૉલર પ્રતિ ઔંસનો ઘટાડો દર્શાવે છે. સોના સાથે ચાંદીમાં પણ ભારે કડાકો જોવા મળ્યો છે છતાં ૩૦ એપ્રિલે ૧૨૮૨.૬ ડૉલરની નીચલી સપાટીથી સોનું હજી ૧૫.૬ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. 

છેલ્લાં બે સપ્તાહની જેમ આજે પણ સોના-ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનું ૭ સપ્તાહની નીચી સપાટીએ છે અને ચાંદીમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. હાજરમાં સોનું ૧૪૮૨.૯૫ ડૉલરની સપાટીએ છે, જ્યારે ન્યુ યૉર્કમાં કૉમેક્સ વાયદો ૧.૧૬ ટકા કે ૧૭.૪૦ ડૉલર ઘટી ૧૪૮૯.૬ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. ચાંદીનો વાયદો ૨.૭૪ ટકા ૦.૪૮૪ ડૉલર ઘટી ૧૭.૧૫૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે.
ચીનમાં ઉત્પાદન વધી રહ્યું હોવાનાં ચિહ્‍નો મળી રહ્યાં છે અને યુરોઝોનમાં બેરોજગારી ઘટી હોવાની પણ બજારના માનસ પર અસર જોવા મળી રહી છે. આર્થિક વૃદ્ધિ મજબૂત બને તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળે છે.
ડૉલર એક વર્ષની ઉપરની સપાટીએ
ડૉલર ઇન્ડેક્સ અત્યારે ૦.૩૧ ટકા વધીને ૯૯.૦૭૮ની એક વર્ષની ઊંચી સપાટીએ છે. યુરો ૦.૪૩ ટકા ઘટીને ૧.૦૮૯ છે. યેન સામે ડૉલર ૦.૧૫ ટકા, સ્વિસ ફ્રાન્ક સામે ૦.૬૬ ટકા અને કૅનેડિયન ડૉલર સામે ૦.૦૭ ટકા વધ્યો છે. માત્ર પાઉન્ડ સામે ડૉલર ૦.૧૫ ટકા ઘટ્યો છે. ડૉલરના મૂલ્યમાં વધારો થતાં સોનામાં રોકાણ ઓછું વળતરદાયી બને છે. અન્ય ચલણમાં સોનાનું વળતર ઘટે છે એટલે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ભારતમાં એક મહિનામાં સોનું ૨.૬ અને ચાંદી ૫.૯ ટકા ઘટી
સોમવારે ભારતના હાજર બજારમાં મુંબઈમાં સોનું ૩૩૦ ઘટીને ૩૮,૭૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ અને અમદાવાદમાં એ ૨૯૫ ઘટીને ૩૮,૭૮૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યું હતું. સપ્ટેમ્બર મહિનામાં સોનાનો ભાવ ભારતમાં ૧૦૪૦ કે ૨.૬ ટકા ઘટી ગયા છે.
એમસીએક્સ સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૭૫૫૦ ખૂલી, ઉપરમાં ૩૭૬૪૦ અને નીચામાં ૩૭૪૩૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૭૦ ઘટીને ૩૭૪૮૦ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨૩૩ ઘટીને ૮ ગ્રામદીઠ ૨૯૭૦૫ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૧૬ ઘટીને ૧ ગ્રામદીઠ ૩૪૯૩ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૪૧ ઘટીને બંધમાં ૩૭૪૬૫ રૂપિયાના ભાવ રહ્યા હતા. આજે ચાંદીના ભાવમાં મુંબઈમાં ૭૯૦ ઘટી ૪૫,૨૮૦ અને અમદાવાદમાં ૭૮૦ ઘટીને ૪૫,૩૪૫ રૂપિયા બંધ રહ્યા હતા. ચાંદીના ભાવમાં ઘટાડો વધારે તીવ્ર હતો. ચાંદીનો ભાવ ૨૮૩૫ કે ૫.૯ ટકા ઘટ્યો છે. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૫૨૭૦ ખૂલી, ઉપરમાં ૪૫૨૭૦ અને નીચામાં ૪૪૬૨૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૭૩૦ ઘટીને ૪૪૭૮૭ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૭૧૮ ઘટીને ૪૪૮૦૮ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૭૧૦ ઘટીને ૪૪૮૧૪ રૂપિયા બંધ રહ્યા હતા. ૧સાંજના સત્રમાં એમસીએક્સ પર સોનું ૪૦૦ ઘટી ૩૭,૩૫૦ રૂપિયા છે, જ્યારે ચાંદીનો વાયદો ૧૦૫૭ ઘટીને ૪૪,૪૬૦ રૂપિયાની સપાટી પર છે.
ઉપરના મથાળેથી રૂપિયો લપસ્યો
ડૉલર સામે ભારતીય ચલણ રૂપિયો આજે પણ દિવસની ઊંચી સપાટીએથી ગબડ્યો હતો. એક તબક્કે રૂપિયો ડૉલર સામે ૭૦.૩૬ની આઠ સપ્તાહની ઊંચી સપાટીએ હતો જે દિવસના અંતે વૈશ્વિક બજારમાં ડૉલરની મજબૂતી, ભારતીય શૅરબજારમાંથી વિદેશી સંસ્થાઓના વેચાણ જેવા પરિબળને કારણે ઘટી ગયો હતો. દિવસના અંતે રૂપિયો ડૉલર સામે ૩૧ પૈસા ઘટી ૭૦.૮૭ની સપાટીએ બંધ આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2019 01:14 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK