ડૉલરમાં સતત ઘટાડા વચ્ચે 4 મહિનામાં સોના-ચાંદીમાં સૌથી મોટી તેજીનો વક્કર

Published: 5th December, 2020 13:06 IST | Mumbai correspondent | Mumbai

અમેરિકામાં નવેમ્બર મહિનામાં ધારણા કરતાં નવી રોજગારી ઘણી ઓછી આવી છે જે દર્શાવે છે કે કોરોના વાઇરસને કારણે અર્થતંત્રને વધારે તીવ્ર નુકસાન થયું છે જેનાથી સોનાના ભાવ વધી શકે છે.

ડૉલરમાં સતત ઘટાડા વચ્ચે 4 મહિનામાં સોના-ચાંદીમાં સૌથી મોટી તેજીનો વક્કર
ડૉલરમાં સતત ઘટાડા વચ્ચે 4 મહિનામાં સોના-ચાંદીમાં સૌથી મોટી તેજીનો વક્કર

વૈશ્વિક બજારમાં પાંચ મહિનાની નીચી સપાટીએ પડ્યા પછી સોનાના ભાવમાં નીકળેલી ખરીદી સાથેની રિકવરી શુક્રવારે પણ જળવાઈ રહી છે. બજારમાં સોનાની તેજી માટે ડૉલરની નબળાઈ સિવાય વધુ એક પરિબળ આજે ઉમેરાયું છે. અમેરિકામાં નવેમ્બર મહિનામાં ધારણા કરતાં નવી રોજગારી ઘણી ઓછી આવી છે જે દર્શાવે છે કે કોરોના વાઇરસને કારણે અર્થતંત્રને વધારે તીવ્ર નુકસાન થયું છે જેનાથી સોનાના ભાવ વધી શકે છે.
ઑગસ્ટ પછી સોનામાં સતત ચાર દિવસ ભાવવધારો જોવા મળ્યો હોય એવી આ પ્રથમ ઘટના છે. સપ્તાહની શરૂઆતમાં સોનું પાંચ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા પછી નીચા મથાળે હાજરમાં ખરીદી, વાયદામાં શૉર્ટ કવરરિંગ અને ડૉલરના મૂલ્યમાં સતત ઘસારા બાદ વધી રહ્યું છે. ડૉલર ઇન્ડેક્સ આ સપ્તાહમાં ૧.૩ ટકા ઘટી ગયો છે એની સામે સોનું ૩.૨ ટકા વધ્યું છે. ત્રણ સપ્તાહથી સતત ઘટી રહેલા સોનાના તેજીવાળા ખેલાડીઓ માટે આ એક આનંદના સમાચાર છે. ચાંદી પણ આ સપ્તાહમાં ૭.૮ ટકા વધી છે જે એક મહિનામાં પ્રથમ સાપ્તાહિક વૃદ્ધિ છે.
સોનું ફેબ્રુઆરી વાયદો અત્યારે ૦.૧૭ ટકા કે ૩.૨૦ ડૉલર વધી ૧૮૪૪.૩૦ અને હાજરમાં ૦.૦૨ ટકા કે ૩૦ સેન્ટ વધી ૧૮૪૧.૩૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદી માર્ચ વાયદો ૦.૭૬ ટકા કે ૧૮ સેન્ટ વધી ૨૪.૩૨ અને હાજરમાં ૦.૪૨ ટકા કે ૧૦ સેન્ટ વધી ૨૪.૧૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.
છેલ્લા ૧૦ દિવસથી ડૉલર સતત નરમ પડી રહ્યો છે. ૯ સત્રમાં માત્ર એક જ દિવસ ડૉલરમાં વૃદ્ધિ જોવા મળી છે. અમેરિકન ચલણનું વિશ્વનાં ૬ મુખ્ય ચલણ સામે મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ અત્યારે ૦.૦૮ ટકા ઘટી ૯૦.૬૫ની ઑગસ્ટ ૨૦૧૮ પછીની સૌથી નીચી સપાટી પર છે. ડૉલરના મૂલ્યમાં ઘટાડાથી સોનાની ખરીદી અન્ય ચલણમાં આકર્ષક બને છે એટલે સોનાના ભાવ વધી રહ્યા છે.
ભારતમાં ખરીદીના અભાવે ઘટેલી પડતરથી સોનું-ચાંદી નરમ
વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વૃદ્ધિ વચ્ચે ભારતમાં ઘટેલી ખરીદી અને ડૉલર સામે રૂપિયો વધી રહ્યો હોવાથી પડતર ઘટી રહી હોવાથી હાજરમાં સોનું અને ચાંદી નરમ પડ્યાં હતાં. આજે હાજરમાં ૧૨૦ વધી મુંબઈમાં સોનું ૫૧,૨૯૦ અને અમદાવાદમાં ૫૧.૨૨૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સપાટીએ બંધ રહ્યા હતા. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૯૩૫૦ ખૂલી, ઉપરમાં ૪૯૩૫૦ અને નીચામાં ૪૯૩૫૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૬૯ ઘટીને ૪૯૩૫૦ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે પાંચ રૂપિયા ઘટીને ૮ ગ્રામદીઠ ૩૯૪૮૫ અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે પાંચ રૂપિયા ઘટીને ૧ ગ્રામદીઠ ૪૯૩૬ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૫૫ વધીને બંધમાં ૪૯૪૧૬ રૂપિયાના ભાવ રહ્યા હતા.
હાજરમાં મુંબઈમાં ચાંદી ૧૫૦ ઘટી ૬૫,૨૮૦ અને અમદવાદમાં ૧૮૦ ઘટી ૬૫,૨૩૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે બંધ રહી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૨૬૦૦ ખૂલી, ઉપરમાં ૬૩૧૭૦ અને નીચામાં ૬૨૩૫૨ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૭૯ વધીને ૬૨૮૬૧ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૩૪૨ વધીને ૬૩૯૫૩ અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૩૩૪ વધીને ૬૩૯૩૬ રૂપિયા બંધ રહ્યા હતા.
ભારતમાં તહેવારોની માગ છતાં નવેમ્બરમાં આયાત ઘટી
૨૦૧૯માં નીચા ભાવનો લાભ લેતા ઝવેરીઓએ સોનાની આયાતમાં વધારો કર્યો હતો, પણ આ વર્ષે કોરોના મહામારી અને લોકોની આવક પર મોટો ફટકો પડતાં આયાતમાં ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષે ભારતમાં નવેમ્બર મહિનામાં સોનાની આયાત ૩૩.૧ ટન રહી હતી જે આ વર્ષે ૪૧ ટકા ઘટી છે. આમ છતાં ઑક્ટોબરમાં ૨૯ ટન કરતાં ભારતમાં નવેમ્બરમાં આયાતમાં વધારો જોવા મળ્યો છે.
કૅલેન્ડર વર્ષના જાન્યુઆરીથી નવેમ્બરના ૧૧ મહિનામાં દેશની સોનાની આયાત ૬૩ ટકા ઘટીને માત્ર ૨૨૦.૨ ટન રહી છે.
રિઝર્વ બૅન્કના આશાવાદ વચ્ચે રૂપિયો વધ્યો
આજે રિઝર્વ બૅન્કે વ્યાજનો દર સ્થિર રાખી લિક્વિડિટી સતત જાળવી રાખવામાં આવશે એવો સંકેત આપ્યો હતો. આ ઉપરાંત રિઝર્વ બૅન્કના મતે દેશનું અર્થતંત્ર ઝડપથી સુધરી રહ્યું હોવાની વાત સાથે ડૉલર સામે રૂપિયો વધ્યો હતો. ગુરુવારે ડૉલર સામે ૭૩.૯૩ બંધ રહેલો રૂપિયો આજે ૭૩.૮૧ ખૂલી વધીને ૭૩.૭૦ થયા બાદ દિવસના અંતે ૧૩ પૈસા વધી ૭૩.૮૦ બંધ આવ્યો હતો. આજની
વૃદ્ધિ સાથે ત્રીજા સપ્તાહે પણ ડૉલર સામે રૂપિયો મજબૂત થયો હતો. ત્રણ સત્રમાં ડૉલર સામે રૂપિયો ૮૨ પૈસા વધ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK