Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં આર્થિક વિકાસનો દર સુધરે એવા સારા સંકેતોની શરૂઆત

સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં આર્થિક વિકાસનો દર સુધરે એવા સારા સંકેતોની શરૂઆત

14 September, 2020 09:51 AM IST | Mumbai
Jitendra Sanghavi

સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં આર્થિક વિકાસનો દર સુધરે એવા સારા સંકેતોની શરૂઆત

ઈકોનૉમી

ઈકોનૉમી


જુલાઈ મહિને ઔદ્યોગિક ઉત્પાદનનો આંક સતત પાંચમે મહિને ઘટ્યો છે. જુલાઈ મહિનાનો પર્ચેઝિંગ મેનેજર્સ ઇન્ડેકસ (મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્ર માટે) ૫૦ની નીચેનો હોઈ અને કોર સેકટર ઇન્ડેકસ (૪૦ ટકા વેઇટેજ ઔદ્યોગિક ઉત્પાદન)માં પણ લગભગ ૧૦ ટકાનો ઘટાડો થયો હોઈ ઔદ્યોગિક ઉત્પાદનનો ઘટાડો અપેક્ષિત હતો જ. એપ્રિલ મહિનાના સંપૂર્ણ દેશવ્યાપી લૉકડાઉનને કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં અકલ્પનીય ઘટાડા (૫૭ ટકા) પછી મે અને જૂનમાં આર્થિક પ્રવૃત્તિઓ આંશિક રીતે શરૂ થતાં આ ઘટાડાનો દર (અનુક્રમે ૩૪ અને ૧૬ ટકા) સારા પ્રમાણમાં ઓછો થયો હતો. જુલાઈ મહિને આ ઘટાડો ૧૦.૪ ટકાનો રહ્યો છે એટલે કે અગાઉના બે મહિનાની સરખામણીએ ઘટાડાની ગતિ ઓછી થઈ છે. ઘટાડાનો દર હજી ફ્લેટ (સપાટ) થયો નથી.

આમ ફિસ્કલ ૨૧ના પ્રથમ ચાર મહિના (એપ્રિલ-જુલાઈ)માં ઔદ્યોગિક ઉત્પાદન ૨૯ ટકા જેટલું ઘટ્યું છે (ગયા વરસે ૩.૫ ટકાનો વધારો). જૂન ક્વૉર્ટરના આર્થિક વિકાસના દરના ૨૩ ટકા જેટલા મોટા ઘટાડા પછી જુલાઈ મહિને ઔદ્યોગિક ઉત્પાદનનો દેખાવ ચિંતા પ્રેરે તેવો છે. જોકે કોવિડ-19ના ઝડપી ફેલાવાને કારણે રાજ્યો દ્વારા કરાયેલ પ્રાદેશિક લૉકડાઉનને કારણે આ થવાનું જ હતું. ઔદ્યોગિક ઉત્પાદનમાં થઈ રહેલ સુધારો ધીમો પડતાં જુદી જુદી ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ ભારતના આર્થિક વિકાસના અંદાજો સુધારીને આ ઘટાડાનો દર વધશે એવા આંકડા રજૂ કર્યા છે. મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસ, કૅર રેટિંગ, ફીચ, ગોલ્ડમેન સાક્શ અને ક્રિસિલના સુધારેલા અંદાજ પ્રમાણે આર્થિક વિકાસના દરમાં ૨૦૨૦-૨૧માં ૯થી ૧૫ ટકાનો ઘટાડો થઈ શકે. આ એજન્સીઓના મતે આવતા વર્ષે એટલે ૨૦૨૧-૨૨માં આર્થિક વિકાસનો દર પૉઝિટિવ ૧૦-૧૧ ટકા આસપાસનો થઈ શકે જે એક સુખદ સમાચાર છે. ચાલુ વર્ષના આંકડા કોરોનાના માહોલમાં વધુ ભય પેદા કરવા માટે ન ગણતા આપણે પરિસ્થિતિમાં વધુ સાવધાની રાખવા માટે લેવા જોઈએ.



ઑગસ્ટ મહિનાના મેક્રો ઇકૉનૉમિક પેરામિટર્સના સુધરી રહેલા આંકડાઓની વાત આપણે છેલ્લી બે કૉલમમાં કરી છે. થોડા વધારે આંકડાઓ ગયા અઠવાડિયે પ્રાપ્ત થયા છે જે પણ ઑગસ્ટ મહિને અર્થતંત્રનો સુધારો આગળ વધી રહ્યાનો નિર્દેશ કરે છે. તેની વાત કરીએ તે પહેલાં એ વાત લક્ષમાં રાખવી પડે કે કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર એક તારીખથી ઘણાંબધાં નિયંત્રણો હળવાં કર્યાં છે અને રાજ્યો પણ પ્રાદેશિક અને આંશિક લૉકડાઉન બને તેટલા હળવા કરે તેવાં પગલાં લીધાં છે.


જુલાઈ મહિનો નબળો રહેવા છતાં ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના મેક્રો ઇકૉનૉમિક પેરામિટર્સમાં અપેક્ષિત સુધારો થાય તો સપ્ટેમ્બર ક્વૉર્ટરના આર્થિક વિકાસના દરમાં ઘટાડાનો દર ઓછો થવાની અપેક્ષા રાખી શકાય.

સતત નવ મહિનાના ઘટાડા પછી ઑગસ્ટ મહિને પેસેન્જર વેહિકલ્સના વેચાણમાં ૧૪ ટકાનો વધારો (ઑગસ્ટ ૨૦૧૯ની સરખામણીએ) થયો છે. એથીય આગળ વધીને આ ડબલ ડિજિટ (૧૪ ટકા)નો વધારો તો લગભગ છેલ્લાં બે વર્ષમાં પહેલી વાર થયો છે. આ એક સારી શરૂઆત હોવા છતાં ઑગસ્ટ ૨૦૧૯માં પેસેન્જર વેહિકલ્સનાં વેચાણના ૩૨ ટકા જેટલા મોટા ઘટાડાને (ઑગસ્ટ ૨૦૧૮ની સરખામણીએ) ધ્યાનમાં લઈએ તો ઑગસ્ટ ૨૦૨૦ના વધારાથી આપણે બહુ હરખાઈ ન શકીએ. મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રનો પર્ચેજિંગ મેનેજર્સ ઇન્ડેક્ષ (પીએમઆઇ) ઑગસ્ટ મહિને બાવનનો (જુલાઈમાં ૪૬) થયો છે. આ સમાચાર બે કારણે પૉઝિટિવ છે. એક તો જુલાઈ કરતાં તે સારો એવો વધ્યો છે. બીજું, ફરી એકવાર તે ૫૦ની ઉપર ગયો છે. ૫૦ની ઉપરનો આંક મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રનું વિસ્તરણ સૂચવે છે.


કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના પ્રદેશોમાં નવાં નિયંત્રણો નથી આવતાં અને જૂનાં નિયંત્રણો ધીમે ધીમે ઉઠાવાતાં જાય છે એટલે ઑગસ્ટ મહિને ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થાય તો પણ તે જુલાઈના ૧૦.૪ ટકા કરતાં ઓછો હોઈ શકે. ઔદ્યોગિક ક્ષેત્રે જે મુવમેન્ટ શરૂ થઈ છે તે સપ્ટેમ્બરના તહેવારોના દિવસોમાં અને તે પછીના તહેવારોના મહિનાઓમાં માગ વધે તેવો અણસાર આપે છે. આ વધતી જતી માગને ઔદ્યોગિક ઉત્પાદનમાં ધીમો પણ મક્કમ રીતે થઈ રહેલ સુધારો (સપ્લાય ચેઇનના સુધારાને કારણે) પહોંચી વળશે તેવી આશા જન્મે છે.

સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં (૧ થી ૭ તારીખ) નિકાસમાં ૧૩ ટકાનો વધારો થયો છે. આ જ સમય દરમ્યાન આયાતમાં ૨૧ ટકાનો ઘટાડો થયો છે. રેલવે દ્વારા થતા માલસામાન (ફ્રેઇટ ટ્રાફિક)ની હેરફેરમાં પણ આ સમય દરમ્યાન ૧૦ ટકાનો વધારો થયો છે. નિકાસ અને રેલવે દ્વારા કરાતી ફ્રેઇટ મુવમેન્ટનું આ વલણ સપ્ટેમ્બરના બાકીનાં ત્રણ અઠવાડિયાં માટે ચાલુ રહે તો સપ્ટેમ્બર મહિનામાં ડિમાન્ડ વધી રહી છે એમ ગણાય.

એક ઇન્ડસ્ટ્રી ચેમ્બરના સર્વે પ્રમાણે ભારતના ઔદ્યોગિક જગતની ૬૮ ટકા કંપનીઓના મતે નબળી માગ એ આર્થિક વિકાસ આડેનો સૌથી મોટો અંતરાય છે. નાનાં શહેરોમાં મોલ્સમાં થતાં ફૂટફોલ્સ પ્રી-કોવિડ લેવલ પહેલાંના ૫૫થી ૬૦ ટકા અને મુંબઈ જેવી મેટ્રો સિટીમાં પ્રી-કોવિડ લેવલના ૩૦-૩૫ ટકા સુધી વધ્યા છે.

આપણા આર્થિક વિકાસના દરનો ૨૩ ટકાનો જૂન ક્વૉર્ટરનો ઘટાડો જી-20 દેશોનો સૌથી વધુ ઘટાડામાંનો અેક છે. ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં વધતી જતી આર્થિક પ્રવૃત્તિઓને કારણે કદાચ જૂન ક્વૉર્ટરમાં આપણો સૌથી ખરાબ સમય પસાર થઈ ગયો છે તેમ કહી શકાય. કારણકે સપ્ટેમ્બર ક્વૉર્ટરનો આર્થિક વિકાસના ઘટાડાનો દર કદાચ સિંગલ ડિજિટમાં પણ હોઈ શકે. ખરાબ હાલતમાં તે ડબલ ડિજિટમાં જાય તો પણ ૧૦-૧૨ ટકાથી વધુ તો નહીં જ હોય, પણ અત્યારે આ એક આપણી ધારણા છે, એ ધારણા ખોટી ન પડે એ માટે આપણે વધારે જોર લગાવવું પડશે એ વાત નિશ્ચિત છે.

૨૦૨૦-૨૧ના પ્રથમ ચાર મહિના દરમ્યાન (એપ્રિલ- જુલાઈ)માં આપણી આયાતમાં ૪૭ ટકાનો ઘટાડો થયો છે. ક્રૂડ ઑઇલ અને ઑઇલ પ્રોડકટસની આયાત તો ૫૬ ટકા જેટલી ઘટી છે તેનું મુખ્ય કારણ ક્રૂડ ઑઇલના ભાવનો ભારે ઘટાડો છે. ક્રૂડ ઑઇલ બાસ્કેટનો ભાવ ૨૦૧૯-૨૦ના પ્રથમ ચાર મહિનામાં બેરલદીઠ ૬૭ ડૉલરમાંથી ઘટીને ચાલુ વરસે ૩૪ ડૉલર (અડધા જેટલો) થયો છે. તેની સાથે મહામારીને કારણે આ ગાળામાં પેટ્રોલિયમ પ્રોડક્ટસની વપરાશ પણ ૨૩ ટકા જેટલી ઘટી છે.

ઑઇલ, ગોલ્ડ અને સિલ્વર સિવાયની આયાત (જે કન્ઝયુમર ડિમાન્ડ સારામાં સારી રીતે દર્શાવે છે)માં ૩૯ ટકાનો ઘટાડો થયો છે. કોરોનાની મહામારીમાં તો સમગ્ર વિશ્વ સપડાયું છે. એટલે અન્ય દેશોની ઘટેલી માગને કારણે ભારતની નિકાસોમાં આ ચાર મહિનામાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે. નિકાસનો ઓછો ઘટાડો જે દેશો કોરોનાથી ભારત કરતાં વહેલા સંક્રમિત થયા તે દેશોના અર્થતંત્રમાં શરૂ થયેલ વહેલા સુધારાને આભારી છે.

કેન્દ્ર સરકાર તેના ૨૦૨૦-૨૧ના અંદાજપત્રની ફેરતપાસ કરી રહી છે. નોન-પ્રાયોરિટી ડિપાર્ટમેન્ટ માટે કરેલ પ્રોવિઝન ઘટાડીને પ્રાયોરિટી ડિપાર્ટમેન્ટ માટેના મૂડીરોકાણના ખર્ચમાં ઘટાડો કરવાની નોબત ન આવે તે માટેના પ્રયાસ ચાલુ છે. બીજી તરફ કેન્દ્ર સરકાર તરફથી જીએસટીના રેવન્યુનો ઘટાડો ભરપાઈ ન થઈ રહ્યો હોવાને કારણે અને કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને અપાતા અન્ય કરવેરાનો હિસ્સો પણ ઘટી રહ્યો હોવાને કારણે રાજ્ય સરકારોના મૂડીરોકાણના ખર્ચમાં સારા એવા ઘટાડાની સંભાવના છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને તેમનું દેવું વધારીને મૂડીખર્ચ જાળવી રાખવા માટે અપાયેલ વિકલ્પની તરફેણમાં રાજ્ય સરકારો (ખાસ કરીને નોન-બીજેપી રાજ્યોની સરકારો) નથી.

આર્થિક વિકાસ વધારવાની વાત આવે એટલે હરીફરીને એક જ પૉઇન્ટ ફોકસ કરાય છે કે ખાનગી ક્ષેત્રનું મૂડીરોકાણ કે અસરકારક કન્ઝયુમર ડિમાન્ડ ન વધે ત્યાં સુધી આ લક્ષ્યાંકે પહોંચવાનું કામ ભારે કપરું છે. એમાં પણ જ્યારે મહામારીનો ફેલાવો તેની ટોચ પર હજી પહોંચ્યો ન હોય ત્યારે તો ખાસ.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ‍્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Whatsapp-channel Whatsapp-channel

14 September, 2020 09:51 AM IST | Mumbai | Jitendra Sanghavi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK