ટેલિકૉમ ક્ષેત્રના શૅરોને ટ્રાઇના પ્રસ્તાવની હૂંફ

Published: 6th November, 2011 01:04 IST

ગ્રીસની ગુલાંટથી વૈશ્વિક બજારોએ ગણનાપાત્ર રાહત અનુભવી છે. જોકે ઘરઆંગણે નવા ડેવલપમેન્ટને આવકારવામાં સાવચેતીનું વલણ જોવા મળ્યું છે. એશિયન બજારોના પોણાથી ત્રણેક ટકાના સુધારાથી વિપરીત અહીં સેન્સેક્સ ૮૦ પૉઇન્ટ કે ૦.૪૬ ટકા વધી ૧૭,૫૬૨ તથા નિફ્ટી ૧૮ પૉઇન્ટ વધી ૫૨૮૪ બંધ આવ્યા હતા. માર્કેટ ઉપરમાં ૧૭,૭૦૨ તથા નીચામાં ૧૭,૨૭૮ થયું હતું.(શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ)

આ સાથે કુલ મળીને ૨૪૩ પૉઇન્ટ કે ૧.૪ ટકાની ઘટ સાથે સપ્તાહ પૂરું થયું છે. બજારનું માર્કેટ કૅપ ગઈ કાલે ૩૩,૦૦૦ કરોડ રૂપિયા વધીને ૬૨.૩૭ લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યું છે. સેન્સેક્સના ૩૦માંથી ૨૨ શૅર તેમ જ માર્કેટના ૨૧માંથી ૨૦ બેન્ચમાર્ક પ્લસમાં હતા. એકમાત્ર ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ નજીવો (૦.૩ ટકા) માઇનસ હતો. પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં ૧૫૭૦ શૅર ઊંચકાયા હતા તો ૧૨૩૭ જાતો નરમ હતી. એ ગ્રુપના ૭૦ ટકાની સામે રોકડામાં વધેલા શૅરનું પ્રમાણ ૫૦ ટકાની આસપાસ હતું. ૨૦૬ શૅરમાં તેજીની સર્કિટ લાગેલી હતી તો ૧૭૪ જાતો નીચલી સર્કિટે બંધ હતી.

જય કૉર્પ તગડા વૉલ્યુમે વધ્યો

મુકેશ અંબાણીના પરમ મિત્ર આનંદ જૈનની જય કૉર્પનો શૅર ગઈ કાલે ૧૭ ગણા વૉલ્યુમે સવાચૌદ ટકા ઊછળીને ૯૪ રૂપિયા જેવો બંધ હતો. મુકેશભાઈની રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છ ગણા વૉલ્યુમે સવાચાર ટકા વધીને ૪૩૦ રૂપિયા રહ્યો હતો. જોકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૬ ટકાની કમજોરીમાં ૭૮૦ રૂપિયાની નીચે બંધ આવ્યો હતો. પરિણામ પૂર્વે ઓએનજીસી પણ નામ કે વાસ્તે નરમ બંધ આવ્યો છે. નવી પ્રમોટર આઇગેર તરફથી પટણી કમ્પ્યુટરને ટૂંકમાં ડિલિસ્ટ કરવાના સંકેત થકી આ કાઉન્ટર ૩૦ ગણા વૉલ્યુમે સાડાછ ટકા વધીને ૩૫૭ રૂપિયા બંધ હતું. વધેલા ૨૦ બેન્ચમાર્કમાં મેટલ ઇન્ડેક્સ ૧.૬ ટકાની તેજીમાં અગ્રક્રમે હતો. હિન્દાલ્કો, જિંદાલ સ્ટીલ, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, તાતા સ્ટીલ સવા ટકાથી અઢી ટકાની આસપાસ પ્લસ હતા. સેઇલ ૧.૭ ટકા ઊંચકાયો હતો. કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ એક ટકો, મિડ
કૅપ-રિયલ્ટી અને ટેક્નૉલૉજી ઇન્ડેક્સ પોણો ટકો તથા બૅન્કેક્સ અડધો ટકો અપ હતા. પેટ્રોલના ભાવવધારા છતાં સરકારી તેલકંપનીઓના શૅર નરમ બંધ આવ્યા હતા.

ટેલિકૉમ શૅરોને ટ્રાઇનો ટેકો

ટ્રાઇ (ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી) તરફથી ટેલિકૉમ સેક્ટર માટે પ્રોત્સાહક સમાચાર આવ્યા છે, જે અનુસાર ટેલિકૉમ ક્ષેત્રે મર્જર-ઍક્વિઝિશનની પ્રક્રિયા રાહતદાયી બનશે. અત્યારે બજારહિસ્સો મહત્તમ ૪૦ ટકાથી વધતો ન હોય એવા કેસમાં જ બે ટેલિકૉમ કંપનીઓ વચ્ચેના મર્જર ઍક્વિઝિશનની છૂટ છે. ટ્રાઇ આ ૪૦ ટકાની લિમિટ વધારીને ૬૦ ટકા કરવા ધારે છે. જોકે મર્જર/ઍક્વિઝિશનના પગલે માર્કેટ-શૅર વધીને ૩૫થી ૬૦ ટકા સુધીનો થતો હશે એવા કેસમાં ટ્રાઇની પૂર્વાનુમતિ અવશ્ય લેવી પડશે. વધુમાં લાઇસન્સ ફી અત્યારે જે-તે ટેલિકૉમ કંપનીની વાર્ષિક આવકના છથી દસ ટકા લેવાય છે એના બદલે છ ટકાનો યુનિફૉર્મ રેટ નક્કી કરવાનો પ્રસ્તાવ છે. કંપનીઓને સ્પેક્ટ્રમનું પાંચ વર્ષ માટે શૅરિંગ કરી ત્યાર પછી એનો પાંચ વર્ષ માટે રેન્ટલ બેઝની ઉપયોગ કરવાની પણ છૂટ વિચારાઈ છે. ટ્રાઇની આ હિલચાલના પગલે ટેલિકૉમ શૅરોને એકંદર હૂંફ મળી છે. ટોચની ટેલિકૉમ સર્વિસ પ્રોવાઇડર દેખાવ ભારતી ઍરટેલે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં કન્સોલિડિટેડે ધોરણે ૧૩.૪ ટકાના વધારા સાથે ૧૭,૨૭૬ કરોડ રૂપિયાની આવક પર ૩૮.૨ ટકાના ઘટાડા સાથે ૧૦૨૭ કરોડ રૂપિયા નેટ પ્રૉફિટ દર્શાવી નબળો દેખાવ કર્યો હોવા છતાં શૅરના ભાવ પર એની કોઈ પ્રતિકૂળ અસર દેખાઈ નથી. શૅર ૧.૬ ટકા વધી ૩૯૯ રૂપિયા બંધ હતો. એમટીએનએલ ૧.૮ ટકા, તુલિપ દોઢ ટકો, આઇડિયા તથા તાતા ટેલિકૉમ પોણો ટકો વધીને બંધ હતા.

આજનાં કંપની પરિણામો

આજે જાહેર થનારા કંપની પરિણામમાં બૉમ્બે રૅયોન, એમટીએનએલ, ઇન્ડિયા ઇન્ફોલાઇન, મધરસન સુમી, એસ્ટ્રલ પૉલિ, અરવિંદ ઇન્ટરનૅશનલ, અરિહંત કૅપિટલ, કાર્બોરેન્ડમ યુનિવર્સલ, યુરોટેક્સ ઇન્ડસ્ટ્રીઝ, હિંમતસિંઘ કા સીડ, આઇએફજીએલ રિફ્રેક્ટરીઝ, કાહટિયા સિમેન્ટ્સ, કામત હોટેલ્સ, લા ઓપેલા આરજી, નીતિન સ્પીનર્સ, રામરત્ન વાયર્સ, રામક્રિષ્ના ફૉર્જિંગ્સ, રિલેક્સો ફૂટવેર, રિલાયન્સ કેમિકલ્સ, શિવાલિક બાઇમેટલ્સ, સુદર્શન કેમિકલ્સ, ઉત્તમ શુગર્સ, વીસીસીએલ, યશ પેપર, સત્તરા પ્રૉપર્ટીઝ વગેરે સામેલ છે.

અને રવિવાર પણ હેક્ટિક

સામાન્ય રીતે રવિવાર રજાનો દિવસ ગણાય છે, પરંતુ આ વેળા કૉર્પોરેટ કંપનીઓ માટે એ હેક્ટિક હશે. લગભગ ૨૫૦ જેટલી કંપનીઓ એ દિવસે પરિણામ જાહેર કરશે. આ યાદીમાં ગુજરાત એનઆરઇ કોક, મદ્રાસ સિમેન્ટ્સ, પુંજ લૉઇડ્સ, યુનાઇટેડ સ્પિરિટ્સ, જૈન ઇરિગેશન, પાશ્ર્વનાથ ડેવલપર્સ, ઍડવેન્ટા ઇન્ડિયા, આલ્બર્ટ ડેવિસ, ઍપલ ક્રેડિટ, એપટેક, દાલમિયા ભારત, દામોદર થ્રેડ, ધાનુકા ઍગ્રીટેક, ઇમામી, એનર્જી ડેવલપમેન્ટ, ફીએમ ઇન્ડસ્ટ્રીઝ, ફ્યુચર કૅપિટલ, ગરવારે વૉલ, ગ્લોબલ ઑફશૉર, ગ્રોઅર ઍન્ડ વેલ, હોવ સર્વિસિસ, કનોરિયા કેમિકલ્સ, મૉડર્ન ડેનિમ, મુંજાલ ઑટો, ઑર્બિટ કૉર્પ, પ્રદીપ મેટલ્સ, પ્રિકોલ, પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ, રામકો ઇન્ડસ્ટ્રીઝ, ટીમકેન ઇન્ડિયા, યુનિ પ્લાય, ટીટીકે હેલ્થકૅર, વામશી રબર વગેરે સામેલ છે. કૉર્પોરેટ કંપનીઓ પરિણામો જાહેર કરવા માટે રવિવારનો દિવસ પસંદ કરી બોર્ડ ઑફ ડિરેક્ટર્સનો સન્ડે બગાડે એવું બહુ ઓછું બને છે.

કંપની પરિણામ

ઑબેરૉય રિયલ્ટીએ ત્રિમાસિક ગાળામાં ૩૧૯ ટકાના વધારા સાથે ૧૦૬ કરોડ રૂપિયાની આવક તથા ૧૨૩૦ ટકાના વૃદ્ધિદરથી ૫૪૮૦ લાખ રૂપિયાનો નેટ પ્રૉફિટ હાંસલ કર્યો છે.
મૉડર્ન ઇન્ડિયાએ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૧૪૫ ટકાના વધારા સાથે ૮૧ કરોડ રૂપિયા જેવી આવક મેળવી છે, પણ નેટ પ્રૉફિટ ૨૫ ટકા ઘટીને ૧૨૭ લાખ રૂપિયા થયો છે.
પોદાર પિગમેન્ટ્સે ત્રિમાસિક ગાળામાં ૩૫ ટકાના વધારા સાથે ૫૭ કરોડ રૂપિયાની આવક કરી છે. જોકે ચોખ્ખો નફો ૩૬ ટકા ઘટીને ૧૭૩ લાખ રૂપિયા નોંધાયો છે.
ઝી એન્ટરટેઇનમેન્ટ દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં કન્સોલિડેટેડ ધોરણે દોઢેક ટકાના વધારા સાથે ૭૪૬ કરોડ રૂપિયાની આવક ઉપર ૨૬.૭ ટકાના વૃદ્ધિદરથી ૧૬૦ કરોડ રૂપિયાનો નેટ પ્રૉફિટ હાંસલ કરવામાં આવ્યો છે.

ગ્રીસે ફરી ગુલાંટ મારી

નાદારીના આરે ઊભેલા ગ્રીસે ફરી ગુલાંટ મારી છે. બેઇલ-આઉટ પૅકેજ માટે લોકમત થવાની યોજના પડતી મૂકી છે. પરિણામે બેઇલ-આઉટ પ્લાનના ભાવિ આડેનો અવરોધ અત્યાર પૂરતો ટળ્યો છે. આના પગલે એશિયન શૅરબજારો ખાસ્સાં રંગમાં આવ્યાં હતાં. ગઈ કાલે હૉન્ગકૉન્ગનો હૅન્ગસેંગ ઇન્ડેક્સ ૬૦૦ પૉઇન્ટ કે ત્રણ ટકાના ઉછાળે ૧૯,૮૪૩ બંધ હતો. સાઉથ કોરિયન કોસ્પી ઇન્ડેક્સ પણ એટલો જ ઊંચકાયો હતો. તાઇવાનીઝ ત્વેસી ઇન્ડેક્સ, ઇન્ડોનેશિયન કમ્પોઝિટ ઇન્ડેક્સ તેમ જ જૅપનીઝ નિક્કી ઇન્ડેક્સ ૧.૯ ટકાની આસપાસ અને સિંગાપોર માર્કેટ ૧.૭ ટકા પ્લસ હતાં. ચાઇનીઝ શૅરબજારમાં પોણા ટકાનો સુધારો હતો. થાઇ માર્કેટ નહીંવત્ વધીને બંધ હતું. યુરોપિયન શૅરબજારો જોકે સાવચેતીના મૂડમાં જણાતાં હતાં. સાંકડી વધ-ઘટે ત્યાં અથડાયેલું વલણ હતું. અમેરિકન ફ્યુચર્સ ઇન્ડેક્સની પણ આવી ચાલ દેખાતી હતી. સોનું અડધા ટકાની પીછેહઠમાં ટ્રોય ઔંસદીઠ ૧૭૫૫ ડૉલર બોલાતું હતું. ક્રૂડ નહીંવત્ વધેલું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK