એજીઆર કેસ : તાતા, ભારતી ઍરટેલ અને વોડાફોને આંશિક રકમ જમા કરાવી

Published: 18th February, 2020 11:58 IST | New Delhi

સુપ્રીમ કોર્ટના આકરા વલણ બાદ ગઈ કાલે વોડાફોન આઇડિયા, તાતા ટેલિ અને ભારતી ઍરટેલે ગઈકાલે આંશિક રકમ જમા કરાવી હતી.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

ઍડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુના ઑક્ટોબર ૨૦૧૯ના ચુકાદાનું પાલન નહીં કરનાર કંપનીઓ અને ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમથી ખફા સુપ્રીમ કોર્ટના આકરા વલણ બાદ ગઈ કાલે વોડાફોન આઇડિયા, તાતા ટેલિ અને ભારતી ઍરટેલે ગઈકાલે આંશિક રકમ જમા કરાવી હતી. 

તાતા ટેલિ સર્વિસે ગઈ કાલે ૨૧૯૭ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. તાતા ટેલિ મહારાષ્ટ્ર અને ભારતી ઍરટેલમાં મર્જ થયેલી તાતા ટેલિના હિસ્સાની આ રકમ હોવાનું કંપનીએ જણાવ્યું હતું. દરમ્યાન વોડાફોને પોતાના તરફથી ૨૫૦૦ કરોડ રૂપિયાની રકમ જમા કરાવી હતી. સુપ્રીમ કોર્ટમાં અગાઉ વોડાફોને ૨૫૦૦ કરોડ રૂપિયા ગઈ કાલે અને શુક્રવારે ૧૦૦૦ કરોડ રૂપિયા ભરવાની દરખાસ્ત સાથે એવી અરજ કરી હતી કે કંપનીની બૅન્ક ગૅરન્ટી ટાંચમાં લેવી જોઈએ નહીં. કંપનીની એવી દલીલ હતી કે ગૅરન્ટી જપ્ત કરવામાં આવે તો દૈનિક વ્યવહારો પર અસર પડશે. જોકે આવી કોઈ રાહત આપવા વિશે સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો હતો.
વોડાફોને એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોર્ડને ૨૫૦૦ કરોડ રૂપિયા સોમવારે અને વધારાના ૧૦૦૦ કરોડ રૂપિયા શુક્રવારે જમા કરાવી દેવા વિશે સત્તા આપવામાં આવી છે. આ સિવાયનાં નાણાં કેવી રીતે ભરવા એ વિશે ભવિષ્યનાં પગલાં અંગે પણ બોર્ડ જ વિચારણા કરશે.

અગાઉ, ભારતી ઍરટેલે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની રકમ એજીઆરના ઑર્ડર અનુસાર જમા કરાવી હતી. ઍરટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપની પોતાની રીતે ટેલિકૉમ વિભાગના આદેશ અનુસાર એજીઆરની ભરવાપાત્ર રકમનો અભ્યાસ કરી રહી છે અને૧૭ માર્ચ પહેલાં બધી જ રકમ જમા કરાવી દેશે. 

નાણાપ્રધાન કહે છે, વિભાગ સાથે વાત કરીશું

સુપ્રીમ કોર્ટના આદેશના કારણે ટેલિકૉમ ક્ષેત્રે આવેલી કટોકટી વિશે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ‘આ વિશે ટેલિકૉમ વિભાગ સાથે ચર્ચા કરવામાં આવશે. કોર્ટના ઑર્ડર બાદ ટેલિકૉમ વિભાગ કેવો અભિગમ અપનાવે છે એ વિશે ચર્ચા કર્યા પછી જ કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવશે કે નહીં એ વિશે જાહેરાત થઈ શકે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK