Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > લોકોની આવક નહીં વધે ત્યાં સુધી ઝડપી આર્થિક વિકાસ શક્ય નથી

લોકોની આવક નહીં વધે ત્યાં સુધી ઝડપી આર્થિક વિકાસ શક્ય નથી

01 September, 2019 08:26 AM IST | મુંબઈ
સુષમા બી. શાહ

લોકોની આવક નહીં વધે ત્યાં સુધી ઝડપી આર્થિક વિકાસ શક્ય નથી

ઈકોનૉમી

ઈકોનૉમી


પાછલાં વર્ષોમાં સ્થિર આવક અને જંગી લોન લેનાર ભારતીયો અત્યારે નવી લોન લઈ શકે એમ નથી એટલે મંદી જણાય છે અને વ્યક્તિગત લોન ચાર વર્ષમાં બમણી થઈ છે અને દેશમાં કુલ દેવું જીડીપી કરતાં વધારે ઝડપથી વધી રહ્યું છે.

ભારત સરકારે આર્થિક વિકાસને ઉત્તેજન આપવા માટે બે વખત અલગ અલગ જાહેરાતો કરી છે. ગત શુક્રવારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે દેશની સરકારી બૅન્કોને મૂડી તાત્કાલિક આપવાની જાહેરાત સાથે લગભગ ૩૨ જેટલી જાહેરાતો કરી હતી. બુધવારે કેન્દ્રીય પ્રધાનમંડળે વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન આપતાં પગલાં લીધાં હતાં, પરંતુ આ પગલાંથી દેશનો આર્થિક વિકાસ ઝડપી બને એવું અત્યારે વર્તમાન સ્થિતિમાં લાગતું નથી.



આંકડાઓ દર્શાવે છે કે પાછલાં કેટલાંક વર્ષોમાં દેશનો આર્થિક વિકાસ પ્રજાની વપરાશ અને ખરીદીને આભારી છે. આ વિકાસ અત્યારે અટકી ગયો છે કારણ કે પ્રજા ઉપર દેવું વધી ગયું છે, તેમની નવી લોન લેવાની શક્તિ ઘટી રહી છે. તેમની આવક સ્થિર છે અથવા બેરોજગારીના કારણે ઘટી છે એટલે તેમની વપરાશ અટકી છે, ઘટી છે કે હાલ પૂરતી માત્ર પ્રાથમિક જરૂરિયાત માટે જ છે.


ભારતનો આર્થિક વિકાસ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ ક્વૉર્ટરમાં સાત વર્ષમાં સૌથી નીચો પાંચ ટકા આવ્યો છે. આર્થિક વિકાસ સ્થિર ભાવે પાંચ ટકા છે અને વર્તમાન ભાવે માત્ર આઠ ટકા છે જે છેલ્લાં ૧૪ વર્ષમાં સૌથી નબળો છે. જીડીપીના આંકડા દર્શાવે છે કૃષિ અને મૅન્યુફૅક્ચરિંગની હાલત સૌથી ખરાબ છે. આંકડા એવું પણ પુરવાર કરે છે કે ગ્રાહકોનો વપરાશ અને ખર્ચ ઘટી રહ્યાં છે. આ બન્ને સ્થિતિ ચિંતાજનક છે.

જોકે, સરકાર હજી પણ એમ જ કહે છે કે દુનિયાના અન્ય દેશો, મોટાભાગના દેશો કરતાં ભારતનો આર્થિક વિકાસ ઝડપી છે. આ વાતમાં તથ્ય છે, પણ તેને અન્ય દેશોની સાપેક્ષમાં જોવું જરૂરી છે. ભારતનો ૬.૮ ટકાનો આર્થિક વિકાસ એટલે ૧૩૦ કરોડની જનતા માટે વર્ષે માત્ર ૭,૯૮,૦૪૯ કરોડ રૂપિયાનો ઉમેરો વર્તમાન ભાવે આ ઉમેરો રૂ. ૧૯,૧૫,૧૫૯ કરોડનો થાય. જ્યારે અમેરિકામાં વર્ષ ૨૦૧૮ના અંતે જીડીપી ૨૦.૫૮૦ ટ્રિલ્યન ડૉલર હતું જે આગલા વર્ષ કરતાં ૧.૦૬ ટ્રિલ્યન ડૉલર વધ્યું હતું. ગુરુવારના બંધ ડૉલર સામે રૂપિયાના ૭૧.૮૦ના સ્તરે એક ટ્રિલ્યન ડૉલર એટલે ૭૧.૮૦ લાખ કરોડ રૂપિયા થયા. એટલે કે ભારતમાં ૬.૮ ટકાના વૃદ્ધિ દરનો ઉમેરો, અમેરિકાની વૃદ્ધિ સામે ૧૦મા ભાગ જેટલો થાય એ સમજી લેવું જોઈએ.


પરંતુ દેશનો આર્થિક વિકાસ અને નાણાકીય વ્યવસ્થાનો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે છેલ્લાં પાંચ વર્ષની ગ્રાહકોની વપરાશ દેવું કરી, વધુને વધુ લોન મેળવી કરેલા ખર્ચને આધારિત હતી. અત્યારે વ્યાજના દર ઓછા છે, લોન સસ્તી મળે છે પણ લોકોની ખરીદ કરવાની શક્તિ, લોન લેવાની શક્તિ ઘટી રહી હોવાના કારણે ઊભી થઈ છે. વધુને વધુ દેવું ભારતીય અર્થતંત્રને ધીમું પાડી રહ્યું છે.

આવકવૃદ્ધિ ઘટી

વર્ષ ૨૦૦૯થી ૨૦૧૪ દરમ્યાનના પાંચ વર્ષમાં ભારતની માથાદીઠ આવક રૂ. ૪૩,૬૦૪થી વધી રૂ. ૭૯,૧૧૮ થઈ હતી. આ વધારો ૮૧ ટકા કે રૂ. ૩૫,૫૧૪નો હતો. હવે ૨૦૧૪થી ૨૦૧૮ દરમ્યાન માથાદીઠ આવક ૪૫ ટકા વધી રૂ. ૧,૧૪,૯૫૮ થઈ હતી અને આ વખતે વધારો રૂ. ૩૫,૮૪૦નો હતો. સીધા શબ્દોમાં કહીએ તો ૨૦૦૯ અને ૨૦૧૪ના સમયગાળા સામે, ૨૦૧૪થી ૨૦૧૯ના ગાળામાં દેશનો આર્થિક વિકાસ ધીમો પડ્યો અને તેની સાથે પ્રજાની માથાદીઠ આવક પણ લગભગ સ્થિર થઈ ગઈ છે.

રિટેલ લોનથી લોકોની વપરાશ વધી

હવે જોઈએ ધિરાણ. વ્યક્તિગત ધિરાણ વર્ષોથી ભારતમાં ચાલતું આવે છે. લોકો મકાન ખરીદવા, વાહન ખરીદવા, ઘરવખરી વસાવવા માટે લોન લેતા હોય છે. વર્ષ ૨૦૦૯થી ૨૦૧૪ દરમ્યાન દેશમાં બૅન્કોએ આપેલી વ્યક્તિગત લોન (પર્સનલ લોન) કુલ ૮૬ ટકા વધી રૂ. ૧૦,૩૬,૫૨૩ કરોડ હતી. આ સમયગાળામાં કુલ રૂ. ૪,૮૦,૧૩૦ કરોડની વધારાની લોન ગ્રાહકોને મળી. એટલે કે દેશની પ્રજાએ આટલું દેવું કરી ઘર, જમીન, દુકાન, વાહન કે રાચરચીલું વસાવ્યું. આના પછીના પાંચ વર્ષમાં એટલે કે ૨૦૧૪થી ૨૦૧૯ વચ્ચે બૅન્કોની પર્સનલ લોન ૧૧૭ ટકા વધી રૂ. ૨૨,૫૩,૮૪૩ કરોડની થઈ એટલે કે એ પાંચ વર્ષમાં કુલ રૂ. ૧૨,૧૭,૩૨૦ કરોડનું નવું દેવું પ્રજાએ કર્યું. પ્રજાએ જે બમણાથી વધારે રકમ બજારમાંથી ઉપાડી તેમાં સૌથી મોટો હિસ્સો ક્રેડિટ કાર્ડ અને વ્હીકલ માટે લેવામાં આવેલી લોનનો છે. એટલે કે મિલકત ખરીદવા માટે નહીં પણ મોજશોખ માટે તેનો ઉપયોગ થયો છે.

આ મોજશોખમાં હજી એક આયામ વધારે ઉમેરવાની જરૂર છે. વર્ષ ૨૦૧૩માં બૅન્કોએ પોતાની નબળી લોન (એનપીએ)ની ઓળખ શરૂ કરી, તેના માટે જોગવાઈઓ કરી એટલે ઉદ્યોગોને ધિરાણ અટક્યું, પણ તેમણે રિટેલ એટલે કે વ્યક્તિગત ધિરાણ વધારી દીધું. બીજી તરફ તેમણે નોન બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓને ધિરાણ આપવાનું પણ વધારી દીધું. આ નોન બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓએ ગ્રાહકોને ધિરાણ આપવાનું ચાલુ કર્યું.

ગ્રાહકોને આપેલી વ્યક્તિગત લોનના આંકડા વર્ષ ૨૦૧૬થી જ ઉપલબ્ધ છે. આ અનુસાર ૨૦૧૬માં નોન બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓની કુલ રિટેલ લોન રૂ. ૨,૦૨,૧૯૨ કરોડ હતી જે ૨૦૧૮ના વર્ષમાં વધી રૂ. ૩,૬૧,૭૦૧ કરોડ થઈ. નોન બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓએ સૌથી વધુ ધિરાણ વાહનો ખરીદવા માટે ગ્રાહકોને આપ્યું છે. કુલ રિટેલ લોનમાં વ્હીકલ માટેની લોન ૨૦૧૬માં રૂ. ૧,૧૩,૬૪૩ કરોડ હતી જે ૨૦૧૮માં વધી રૂ. ૧,૬૫,૩૦૦ કરોડ થઈ. આવી જ રીતે રાચરચીલું વસાવવા માટેની લોન ૨૦૧૬માં રૂ. ૩૦૩૬ કરોડ હતી જે ૨૦૧૮માં વધીને રૂ. ૮૬૭૦ કરોડ થઈ.

નોન બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓએ આ ગાળામાં આપેલી કુલ રિટેલ લોનમાં વૃદ્ધિ ૪૪ ટકા કે રૂ. ૧,૫૯,૫૦૯ કરોડ થઈ છે. વ્હીકલ લોન્સમાં વૃદ્ધિ ૩૧ ટકા કે રૂ. ૫૪,૬૫૭ કરોડ અને કન્ઝ્યુમર ડયુરેબલ માટેની લોન ૬૫ ટકા કે રૂ. ૫૬૩૪ કરોડ વધી છે. આ દર્શાવે છે કે ભારતીયો વધુને વધુ દેવું કરી ઘી પી રહ્યા છે. લોન લેવાનું પ્રમાણ, આવકમાં વધી રહેલા પ્રમાણ કરતાં ઘણું વધારે છે.

જીડીપીની સાથે દેવું પણ વધી રહ્યું છે

ક્રેડિટ સ્કોર એટલે કે વ્યક્તિ કે કંપની લોન લેવા લાયક છે કે નહીં, તે સમયસર હપ્તો ભરી રહ્યો છે કે નહીં તેના ઉપર નજર રાખતી દેશની અગ્રણી સંસ્થા (સિબિલ ક્રેડિટ બ્યુરો ઇન્ફર્મેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ)ના જૂન ૨૦૧૯ના રોજ રજૂ થયેલા અહેવાલના આંકડા ચોંકાવનારા છે. આ અહેવાલ દર્શાવે છે કે છેલ્લાં ચાર વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દેવાં આધારિત છે અને એ પણ વ્યક્તિગત લોકોએ મેળવેલી લોનને આધારિત છે.

માર્ચ ૨૦૧૫ના અંતે દેશનો જીડીપી રૂ. ૧૨૫ લાખ કરોડ હતો જે માર્ચ ૨૦૧૯ના અંતે વધીને રૂ. ૧૯૦ લાખ કરોડ થયો એટલે કે તેમાં રૂ. ૬૫ લાખ કરોડનો ઉમેરો થયો. આની સામે દેશમાં કુલ દેવાંનું પ્રમાણ (સરકાર, ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, વ્યક્તિગત લોન, વેપારીઓએ લીધેલી લોન બધું જ મળી) રૂ. ૧૫૪ લાખ કરોડથી વધી રૂ. ૨૫૩ લાખ કરોડ થયું છે એટલે કે તેમાં રૂ. ૯૯ લાખ કરોડનો ઉમેરો થયો છે. સરળ શબ્દોમાં દેશનો જીડીપી વધ્યો (આર્થિક વિકાસ થયો) તેના કરતાં દેવું વધારે ઝડપથી વધ્યું છે.

હવે, કુલ દેવાંમાં સૌથી વધુ વધારો વ્યક્તિગત લોનનો છે. આ વ્યક્તિગત લોનમાં માત્ર વાહન, કન્ઝ્યુમર કે હાઉસિંગ નહીં પણ વ્યક્તિગત પેઢી, વેપારીઓએ લીધેલી લોનનો પણ સમાવેશ થાય છે. આવી લોનનું પ્રમાણ માર્ચ ૨૦૧૫માં રૂ. ૨૩.૭ લાખ કરોડ હતું જે વધીને માર્ચ ૨૦૧૯ના અંતે રૂ. ૫૨.૬ લાખ કરોડ થયું છે એટલે બમણાથી પણ વધારે. જીડીપીમાં હિસ્સાની દૃષ્ટિએ વ્યક્તિગત લોન ૧૯ ટકાથી વધી ૨૭.૭ ટકા થઈ છે.

વધારે ઝીણવટભરી નજર કરીએ તો સિબિલના અહેવાલ અનુસાર દેશમાં ડિસેમ્બર ૨૦૧૬ના અંતે પર્સનલ લોનના લગભગ એક કરોડ જેટલા સક્રિય ખાતાં હતાં અને તેમની લોનની બાકી રકમ રૂ. ૧.૮૦ લાખ કરોડ જેટલી હતી જે ડિસેમ્બર ૨૦૧૮ના અંતે વધી ૧.૬ કરોડ થયા અને બાકી રકમ રૂ. ૩.૪૦ લાખ કરોડ થઈ. એટલે કે નવી લોન લેનારા લોકોની સંખ્યા ૬૦ લાખ વધી અને લોનની બાકી રકમ ૧.૬૦ લાખ કરોડ જેટલી વધી!

ઉપરોક્ત આંકડા ઉપરથી એવું લાગી રહ્યું છે કે ભારતીયોએ બૅન્કો અને નાણાં સંસ્થાઓ પાસેથી જંગી માત્રામાં છેલ્લાં દસ વર્ષથી લોન લીધી છે. એમાં પણ છેલ્લાં પાંચ વર્ષમાં લોન લેવાનું પ્રમાણ વધારે ઝડપી રહ્યું હતું. આટલી મોટી માત્રામાં દેવું ઊભું કર્યું હોય ત્યારે અને અગાઉથી ખરીદી પૂર્ણ થઇ ગઈ હોય ત્યારે અત્યારે વ્યાજનો દર ભલે છેલ્લાં દસ વર્ષમાં સૌથી નીચો હોય પણ લોન લેવાની શક્તિ કે ખરીદશક્તિના અભાવે વપરાશ ધીમો પડી રહ્યો છે અટકી નથી ગયો, પણ માત્ર જરૂરિયાત જેટલી જ ખરીદી ચાલી રહી છે. આ પરિસ્થિતિમાં સરકારે આર્થિક વિકાસ વેગવંતો બનાવવા માટે વ્યાજનો દર ઘટાડી નહીં પણ લોકોની આવક વધે અથવા તો ચીજો સસ્તી થાય એવાં પગલાં લેવાં પડશે. અન્યથા નાણાપ્રધાનના પૅકેજથી માત્ર સેન્ટિમેન્ટ જ સુધરશે, વાસ્તવિકતા નહીં.

Whatsapp-channel Whatsapp-channel

01 September, 2019 08:26 AM IST | મુંબઈ | સુષમા બી. શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK