ટેલિકૉમ કંપનીઓને નાણાં ભરવા તાકીદ, કન્ટેમ્પટનો કેસ તા.17 માર્ચે ચાલશે

Published: Feb 15, 2020, 07:49 IST | Mumbai

વોડાફોન, ભારતી એરટેલ પર એજીઆરના ઑક્ટોબરના ચુકાદા અનુસાર નાણાં ભરી દેવાનો આદેશ: નાણાં ભરવામાં કોઈ રાહત મળશે નહીં: ટેલિકૉમ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સામે પણ કોર્ટ ખફા :

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

વોડાફોન, ભારતી એરટેલ પર એજીઆરના ઑક્ટોબરના ચુકાદા અનુસાર નાણાં ભરી દેવાનો આદેશ: નાણાં ભરવામાં કોઈ રાહત મળશે નહીં: ટેલિકૉમ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સામે પણ કોર્ટ ખફા : સુપ્રીમના વલણથી વોડાફોનનું ભાવિ અધ્ધરતાલ: ગેઈલ, ઑઈલ ઇન્ડિયા સહિત અન્ય સરકારી સાહસોને પણ નાણાં ભરવા પડશે: ટેલિકૉમ કરતાં અન્ય ક્ષેત્રની કંપનીઓ ઉપર વધારે લેણાં બાકી.

દેશની ટેલિકૉમ કંપનીઓ અને સરકારી કંપનીઓ પર આજે સુપ્રીમ કોર્ટ તૂટી પડી હતી. એની સાથે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુના ઑક્ટોબર ૨૦૧૯ના ચુકાદાની અસર અન્ય સરકારી અને ખાનગી કંપનીઓ કે જે મોબાઈલ સેવાઓ નથી ચલાવતી તેના પર પણ પડવાની છે. કેન્દ્ર સરકાર માટે આ ચુકાદો એકદમ રાહત લાવી શકે એમ છે, જો પૂરી વસૂલાત થાય તો આર્થિક વિકાસ મંદ પડી રહ્યો છે, નાણાખાધ વધી રહી છે તેમાં મોટી રાહત મળી શકે છે.

સુપ્રીમ કોર્ટે શુકવારે ભારતી એરટેલ, તાતા ટેલી અને વોડાફોન આઇડિયાએ દંડ ભરવાની શરતોમાં રાહત માગતી મોડિફિકેશન અરજી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમના અધિકારીઓ અને કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર સામે કોર્ટનો અનાદર (કન્ટેમ્પટ)નો કેસ કરવાની જાહેરાત કરી હતી. કન્ટેમ્પટનો કેસ હવે તા. ૧૭ માર્ચે ચાલશે ત્યાં સુધીમાં તાકીદે નાણાં ભરી દેવાનો આદેશ કંપનીઓને કરવામાં આવ્યો છે.

જોકે આ આદેશની અસર માત્ર ટેલિકૉમ કંપનીઓ પર જ નહીં પણ સરકારી સાહસો અને દેશની અન્ય ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ પર પણ થશે. એવી સ્થિતિ ઊભી થઈ છે કે મોટાભાગની કંપનીઓ પાસેથી જે લેણાં છે તેની વસૂલાત કરવામાં આવે તો કંપનીઓ ડૂબી જશે, ફડચામાં જશે. ઑક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર)ના આધારે લાઇસન્સ ફી અને સ્પેક્ટ્રમ યુઝેજ ચાર્જ વસૂલવાનો ચુકાદો આપ્યા પછી ડિપાર્ટમેન્ટે જે ટેલિકૉમ કંપનીઓ અને અન્ય લાઇસન્સ ધરાવતી કંપનીઓને નોટિસ આપી છે તેના આધારે ટેલિકૉમનો મુખ્ય ધંધો નહીં ધરાવતી કંપનીઓ પાસેથી ૨,૬૫,૧૬૧ કરોડ રૂપિયાની રકમ વસૂલ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. આ રકમ ટેલિકૉમ લાઇસન્સ ધરાવતી ચાલુ અને બંધ કંપનીઓની ૧,૪૭,૬૯૫ કરોડ રૂપિયાની રકમ કરતાં ૮૦ ટકા વધુ છે! આ ઉપરાંત બૅન્ગકૉકે જેણે ટેલિકૉમ કંપનીઓને ધિરાણ કર્યું છે તેના પર તેની માઠી અસર થઈ શકે છે.

ટેલિકૉમ ક્ષેત્રમાં સૌથી મોટી અસર ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાને થશે. વોડાફોન માટે આટલી રકમ, સરકારની કોઈ રાહત વગર ભરવી શક્ય નથી એટલે આ કંપનીના ભાવિ ઉપર પ્રશ્નાર્થ થયો છે! દરમ્યાન કેન્દ્ર સરકારને ટેલિકૉમ વિભાગે આપેલી નોટિસ અનુસાર જો બધી જ રકમની વસૂલાત થઈ જાય તો એક ઝાટકે નાણાખાધ ૭૦ ટકા ખત્મ થઈ જાય!

સુપ્રીમ કોર્ટની કડક ભાષા જોઈ ટેલિકૉમ કંપનીઓએ નિર્ધારિત સમયમર્યાદામાં નાણાં નહીં ભરતાં તેમની સામે કોઈ કાર્યવાહી નહીં કરવાનો ઓર્ડર (સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવાથી) કર્યો હતો જે સાંજે પાછો ખેંચવામાં આવ્યો હતો. એટલે કે કંપનીઓ નાણાં નહીં ભરે તો તેમની સામે લાઇસન્સ રદ કરવા સહિતની કાર્યવાહી થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટ નારાજ : તાકીદે નાણાં ભરો

ટેલિકૉમ કંપનીઓને ઑક્ટોબર ૨૦૧૯ના આદેશ અનુસાર ૨૩ જાન્યુઆરી સુધીમાં એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુના આધારે નાણાં ભરપાઈ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ સામે એરટેલ અને વોડાફોને રિવ્યુ પિટિશન ફાઈલ કરી હતી. આ પિટિશન કોર્ટમાં હોવાથી ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમે ઑક્ટોબરના આદેશ અનુસાર નાણાંની વસૂલાત માટે નોટિસ આપી પણ કંપનીઓ સામે કોઈ કાર્યવાહી કરી નથી. રિવ્યુ પિટિશન નકારી કાઢવામાં આવી એટલે કંપનીઓએ નાણાં ભરવાની શરતોમાં ફેરફાર કરવાની અરજ સાથે મોડિફિકેશન અરજી કરી પણ સરકારની નોટિસમાંથી થોડાં કે બધાં નાણાં ભર્યાં નહીં.

સુપ્રીમ કોર્ટે આ મામલે કડક શબ્દોમાં ટીકા કરી છે કે અમારા આદેશનું પાલન કઈ રીતે થાય નહીં, કેમ કંપનીઓએ એક રૂપિયો પણ જમા કરાવ્યો નથી, ડિપાર્ટમેન્ટે કેમ કંપનીઓ સામે પગલાં નથી લીધા, આદેશ અનુસાર નાણાં નહીં આવતા કંપનીઓ સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં. આવા સવાલો ઉઠાવી કોઈ પણ રાહત આપ્યા વગર જ સુપ્રીમ કોર્ટે ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમના અધિકારીઓ અને કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર સામે કોર્ટનો અનાદર (કન્ટેમ્પટ)નો કેસ કરવાની જાહેરાત કરી હતી. કન્ટેમ્પટનો કેસ હવે ૧૭ માર્ચે ચાલશે ત્યાં સુધીમાં તાકીદે નાણાં ભરી દેવાનો આદેશ કંપનીઓને કરવામાં આવ્યો છે.

ટેલિકૉમ કંપનીઓ ઉપર કેટલો બોજ?

ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર મોકલેલી ડિમાન્ડ નોટિસ અનુસાર લાઇસન્સ ફી પેટે કંપનીઓએ ૯૨,૬૪૧ કરોડ રૂપિયાની રકમ ભરપાઈ કરવાની છે જ્યારે સ્પેક્ટ્રમ યુઝેજ ચાર્જના ૫૫,૦૫૪ કરોડ રૂપિયા ભરવાના થાય છે. આમ કુલ મળી ૧,૪૭,૬૯૫ કરોડ રૂપિયાની રકમ ટેલિકૉમ કંપનીઓએ ભરવાની થાય છે. સુપ્રીમ કોર્ટે ઑક્ટોબરના આદેશ અનુસાર બાકી લેણાં ઉપર વ્યાજ, પેનલ્ટી અને પેનલ્ટી પર પણ વ્યાજ વસૂલવાનો આદેશ કરવામાં આવ્યો હોવાથી જ્યારે વસૂલાત થાય ત્યારે તે રકમ બદલી પણ શકે છે.

અત્રે નોંધવું જોઈએ કે એરસેલ, વિડિયોકોન, સિસ્ટેમા શ્યામ જેવી કંપનીઓ બંધ થઈ ગઈ છે. ટેલિનોર અને તાતા ટેલી જેવી કંપનીઓ અન્ય કંપનીમાં મર્જ થઈ ગઈ છે જ્યારે એરસેલ અને રિલાયન્સ કમ્યુનિકેશન જેવી કંપનીઓ ફડચામાં હોવાથી તેમની પાસેથી રકમની વસૂલાત કેવી રીતે થશે એ એક સવાલ છે. કેન્દ્ર સરકારને આ રકમ મળશે પણ નહીં કારણ કે ફડચામાં ગયેલી કંપનીમાં નાદારી સમયે પહેલો હક્ક સિક્યોર્ડ લેણદાર (એટલે કે જેણે મિલકત ટાંચમાં લઈ ધિરાણ આપ્યું છે) તેનો રહે છે.

સૌથી મોટી રકમ વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલ પાસેથી વસૂલવાની છે. એરટેલની ડિમાન્ડ નોટિસ ૫૩,૫૮૬ કરોડ રૂપિયા અને વોડાફોન આઈડિયા પાસેથી ૫૩,૦૬૮ કરોડ રૂપિયાની રકમ વસૂલવાની છે. આ ઉપરાંત એરટેલે ટેલિનોર અને તાતા ટેલિસર્વિસના હિસ્સાની રકમ પણ ભરપાઈ કરવી પડશે, કારણ કે આ બન્ને કંપનીઓ હવે એરટેલમાં મર્જ થઈ ગઈ છે. રિલાયન્સ જિયો ઉપર ૧૬૫ કરોડની નોટિસ આવી હતી અને તેણે તેની ભરપાઈ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.

ટેલિકૉમ સિવાયની કંપનીઓ પર વધારે મોટું જોખમ

સૌથી મોટી વાત એવી છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાની અસર ટેલિકૉમ કરતાં અન્ય ક્ષેત્રોમાં કાર્યરત, મોટાભાગની કેન્દ્ર કે રાજ્ય સરકારની કંપનીઓ પર પડવાની છે. ટેલિકૉમ કંપનીઓને મોકલેલી ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમની નોટિસ કરતાં આ અન્ય કંપનીઓને મોકલેલી નોટિસની રકમ વધારે છે. કેટલીક કંપનીઓ પાસે તો આટલી રકમ પણ નથી. મોડિફિકેશન અરજીમાં આ સરકારી કંપનીઓ પણ જોડાઈ હતી, પણ સુપ્રીમ કોર્ટનું આક્રમક સ્વરૂપ જોઈ તેમણે પોતાની અરજી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી છે.

આ ટેલિકૉમનો મુખ્ય ધંધો નહીં ધરાવતી કંપનીઓ પાસેથી ૨,૬૫,૧૬૧ કરોડ રૂપિયાની રકમ વસૂલ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. આ રકમ ટેલિકૉમ લાઇસન્સ ધરાવતી ચાલુ અને બંધ કંપનીઓની ૧,૪૭,૬૯૫ કરોડ રૂપિયાની રકમ કરતાં ૮૦ ટકા વધુ છે!

એક સમય એવો હતો કે દેશમાં ટેલિકૉમનું લાઇસન્સ લેવા માટે રીઅલ એસ્ટેટની દિગ્ગજ ડીએલએફ, એક સમયની સૌથી મોટી ટેલિવિઝનનું વેચાણ ધરાવતી (હવે નાદારીમાં છે) એવી વિડિયોકોનની જેમ પોતાની ગૅસની લાઈન પર, ઑઈલની લાઈન પર કે રેલવે લાઈન પર ઇન્ટરનેટ સેવાઓ આપવા માટે મેદાનમાં આવેલી આ કંપનીઓ પર એક જ ઝાટકે જોખમ આવી પડ્યું છે.

ગેઈલ ઇન્ડિયા (કે ગૅસ ઑથોરિટી ઑફ ઇન્ડિયા)ને મળેલી નોટિસની રકમ કંપનીની મૂડી અને અનામત અને હાથ પરની રોકડ (નેટવર્થ)ના ત્રણ ગણી છે. ગેઈલનું માનવું છે કે કંપનીએ આ લાઇસન્સ લીધું હતું પણ તેની કોઈ સેવા ગ્રાહકોને આપી હતી નહીં એટલે કંપનીના બાકીના ગૅસ અને અન્ય બિઝનેસની રકમના આધારે તેણે લાઇસન્સ ફી ચૂકવવી જોઈએ નહીં. એવી જ રીતે ઑઈલ ઇન્ડિયાની પણ દલીલ છે કે આ બિઝનેસ માટે નહીં પણ કંપનીના આંતરિક સંચાર માટે લેવામાં આવેલું લાઇસન્સ છે તો તેના પર કેવી રીતે ટેલિકૉમ લાઇસન્સ ફી ભરવી?

બૅન્કો ઉપર પણ જોખમ

બૅન્કો પર પણ ટેલિકૉમ કંપનીઓ માટેના આદેશથી જોખમ ઊભું થયું છે. દેશની ૧૧ બૅન્કોએ લગભગ ૧,૩૮,૪૩૫ કરોડ રૂપિયાની લોન આ કંપનીઓને આપેલી છે. અત્યાર સુધી દેશમાં કેટલીક ટેલિકૉમ કંપનીઓ સ્પર્ધાના કારણે બંધ થઈ ગઈ છે અને એક સમયની ટોચની કંપની રિલાયન્સ કમ્યુનિકેશન સામે નાદારીનો કેસ ચાલી રહ્યો છે. ટેલિકૉમ ક્ષેત્રમાં સસ્તા ભાવની ભારે સ્પર્ધાના કારણે એરટેલ અને વોડાફોન ભારે ખોટ કરી રહ્યા છે. આવનારી જવાબદારી એટલી મોટી છે કે તે ભરપાઈ કરવા માટે તેમની પાસે હાથ પર નાણાં નથી, બૅન્કોનું ધિરાણ એટલું મોટું છે કે નવી લોન મળી શકે એમ નથી. જો કંપનીઓ બંધ કરવાનો નિર્યણ લેવામાં આવે તો આ લોનની માંડવાળ કરવી પડે એવી સ્થિતિ છે.

કેન્દ્ર સરકારને લૉટરી લાગી: નાણાખાધમાં રાહત મળશે?

કેન્દ્ર સરકારને ટેલિકૉમ વિભાગે આપેલી નોટિસ અનુસાર જો બધી જ રકમની વસૂલાત થઈ જાય તો એક ઝાટકે નાણાખાધ ૭૦ ટકા ખત્મ થઈ જાય! ડિપાર્ટમેન્ટે આપેલી નોટિસ (ટેલિકૉમ અને અન્ય કંપનીઓ સહિત)ની કુલ રકમ ૪,૧૨,૮૫૬ કરોડ રૂપિયા છે. કેન્દ્ર સરકાર વર્ષ ૨૦૨૦-૨૧માં સરકારી કંપનીઓમાંથી હિસ્સો વેચી ૨,૧૦,૦૦૦ કરોડ રૂપિયા એકત્ર કરવા ધારે છે. એજીઆરની રકમ તેનાથી બમણી જેટલી થવા જાય છે. બંધ પડેલી કંપનીઓની રકમ કાઢી નાખીએ તો પણ સરકારને ૩.૩૮ લાખ કરોડ રૂપિયા જેટલી આવક સંભવ છે.

કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ નાણાખાધ ૭.૯૬ લાખ કરોડ રૂપિયા આંકી છે તેની સામે જો એજીઆરની રકમની વસૂલાત થઈ જાય તો ખાધ સીધી ૪૨ ટકા ઘટી શકે છે. સીધા શબ્દોમાં કહીએ તો આગામી વર્ષે ખાધ જીડીપીના ૩.૫ ટકા આંકવામાં આવી છે તે ઘટીને સીધી જ જીડીપીના ૨.૦૪ ટકા થઈ જાય!

આ એજીઆર એટલે શું?

ટેલિકૉમ કંપનીઓની દલીલ હતી કે કંપનીઓને મોબાઈલ સેવા કે ઇન્ટરનેટ માટે જે લાઇસન્સ મળ્યા છે તેની સરકારને ફી આપવાની થાય તે માત્ર આ બે ચીજોની ગ્રાહકો પાસેથી વસૂલાતી રકમ પર જ ગણવી જોઈએ. ડિપાર્ટમેન્ટનો એવો દાવો હતો કે માત્ર ટેલિકૉમ સેવા નહીં પણ કંપની ગ્રાહક પાસેથી જે કોઈ પણ રકમ વસૂલ કરે (વૅલ્યુએડેડ સર્વિસ, કોલર ટયુન માટેનું ભાડું કે મોબાઈલ વેચાણની રકમ એટલે કે કુલ વેચાણની આવક) તેને એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) કહેવાય અને તેના ઉપર લાઇસન્સ ફી માટે સ્પેક્ટ્રમ યુઝેજ ચાર્જ આપવાના રહેશે. લાઇસન્સ ફી એજીઆરના આઠ ટકા અને સ્પેક્ટ્રમ યુઝેજ ચાર્જ એજીઆરના ત્રણ ટકા  છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK