ફુગાવામાં થયેલો ઘટાડો બજારના સુધારાને સહાયક

Published: 23rd December, 2011 07:01 IST

ફૂડ-ઇન્ફ્લેશન ઘટીને બે ટકાથી નીચે જવાને કારણે ટેક્નિકલ સુધારાને નવો સર્પોટ મળવાનો સંભવ : બૅન્ક, ઑટો, કૅપિટલ ગુડ્ઝ વગેરેમાં ફૅન્સી આવશે(શૅરબજારનું ચલકચલાણું-અનિલ પટેલ)

બુધવારના ૫૧૦ પૉઇન્ટના હાઈ જમ્પ પછી ગુરુવારે પણ શૅરબજાર એકંદર સુધારામાં રહ્યું છે. સેન્સેક્સ ૧૨૮ પૉઇન્ટ વધી ૧૫,૮૧૩ તથા નિફ્ટી ૪૧ પૉઇન્ટની આગેકૂચમાં ૪૭૩૪ બંધ આવ્યા હતા. આગલા બંધથી ૧૪૦ પૉઇન્ટ જેવા ગૅપમાં નીચે ખૂલ્યા બાદ સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ૧૫,૪૭૨ થયો હતો. ત્યાર બાદ ફૂડ-ઇન્ફ્લેશન ૧૦ ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહના અંતે બે ટકાની નીચે -૧.૮૨ ટકા આવવાના સમાચાર તથા યુરોપ સારા ઓપનિંગ પછી વધુ મજબૂત બનવાના અહેવાલની એક વાગ્યા પછી ગણનાપાત્ર સારી અસર જોવા મળી હતી. માર્કેટ નીચલા મથાળેથી ૩૬૨ પૉઇન્ટ ઊંચકાઈ ઉપરમાં ૧૫,૮૩૪ થયું હતું. ફૂડ-ઇન્ફલેશનના ઘટાડાના વલણથી ૨૦-૨૨ મહિનાથી વ્યાજદરમાં શરૂ થયેલું વૃદ્ધિનું ચક્ર યુ-ટર્ન લેવાની આશા પ્રબળ બની રહી છે, જે અત્યારની તકનીકી રિલીફ રૅલીને ચોક્કસ સહાયક બનશે. બૅન્કિંગ, ઑટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી ઇત્યાદિ જેવાં રેટ-સેન્સિટિવ સેક્ટરના શૅરો મંદીના મારમાં જબ્બર ધોવાયા છે. હવે એમાં સવિશેષ ફૅન્સી કે તાત્કાલિક વૅલ્યુ-બાઇંગ કામે લાગી શકે છે. એફ ઍન્ડ ઓનું સેટલમેન્ટ આવતા સપ્તાહે હોવાથી નિફ્ટીને ખેંચવાની રસાકસી ચાલુ થઈ ગઈ છે.

રિયલ્ટી-બૅન્કિંગને રાહત


સેન્સેક્સના ૩૦માંથી ૨૨ શૅર તથા બજારના ૨૧માંથી ૧૯ બેન્ચમાર્ક ગઈ કાલે પ્લસમાં હતા. પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં ૧૫૫૨ શૅર વધેલા હતા તો ૧૧૭૨ જાતો નરમ હતી. એ ગ્રુપમાં વધેલા શૅરની સંખ્યા ૭૦ ટકા હતી. રોકડામાં આ રેશિયો ૫૧ ટકાની આસપાસ હતો. બજારનું માર્કેટ કૅપ ૪૯,૦૦૦ કરોડ રૂપિયા વધી હવે ૫૪.૨૮ લાખ કરોડ રૂપિયાને આંબી ગયું છે. ૧૯૬ શૅર ઉપલી સર્કિટે તો ૨૦૮ સ્ક્રિપ્સ મંદીની સર્કિટમાં બંધ હતી. સેન્સેક્સના ૦.૮ ટકાના સુધારા સામે રિયલ્ટી ઇન્ડેક્સ ત્રણેક ટકા, પાવર ઇન્ડેક્સ બે ટકા, બૅન્કેક્સ બે ટકા, ઑટો ઇન્ડેક્સ પોણાબે ટકા, પીએસયુ ઇન્ડેક્સ ૧.૭ ટકા, કૅપિટલ ગુડ્ઝ તથા ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ દોઢેક ટકા અપ હતા. બૅન્કેક્સના ૧૪માંથી ૧૧ શૅર ઊંચકાયા હતા. આઇસીઆઇસીઆઇ બૅન્ક સાડાત્રણ ટકા, એસબીઆઇ પોણાત્રણ ટકા, ઍક્સિસ બૅન્ક ૨.૩ ટકા, પીએનબી ૪.૨ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૩.૬ ટકા, યસ બૅન્ક ૨.૯ ટકા અને આઇડીબીઆઇ બૅન્ક અઢી ટકા પ્લસ હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક ટકો વધીને ૭૫૪ રૂપિયા નજીક બંધ હતો. એ ગ્રુપમાં હિન્દુસ્તાન કૉપર ૧૬ ટકાના જમ્પમાં ૧૭૨ રૂપિયાનો બંધ આપી ટૉપ ગેઇનર બન્યો હતો. અશોક લેલૅન્ડ ૧૩ ટકા, જેપી ઇન્ફ્રા ૧૨ ટકા, એમએમટીસી ૯.૬ ટકા તથા ક્રૉમ્પ્ટન ગ્રિવ્ઝ ૭.૭ ટકાની તેજીમાં હતા. ક્યુમિન્સ ઇન્ડિયા ૫૪ ગણા વૉલ્યુમે ૫.૨ ટકા વધી ૩૪૩ રૂપિયા બંધ હતો. કૅનેરા બૅન્ક ૩૩ ગણા વૉલ્યુમે અઢી ટકા નરમ હતો. વિપ્રો ત્રણ ટકા ઘટી સેન્સેક્સમાં ટૉપ લૂઝર રહ્યો હતો.

આઇટીમાં ઓરેકલનો પૅનિક


આઇટી ક્ષેત્રે થર્ડ-બિગેસ્ટ જાયન્ટ ઓરેકલ કૉર્પોરેશને નવેમ્બર ૨૦૧૧માં પૂરા થયેલા ક્વૉર્ટરલી ગાળામાં માત્ર બે ટકાના વધારા સાથે ૮૮૦ કરોડ ડૉલરની આવક દર્શાવી છે. દાયકામાં કંપનીએ પ્રથમ વાર ધારણા કરતાં નબળો દેખાવ કર્યો છે, જે વૈશ્વિક સ્લોડાઉનનું સીધું પરિણામ કહી શકાય. ઘરઆંગણે પણ ડિસેમ્બર ક્વૉર્ટરનાં રિઝલ્ટ માથે છે. આપણી કંપનીઓની હાલત ઓરેકલ જેવી હશે એવી આશંકાથી સેન્સેક્સ સાધારણ સુધારામાં હોવા છતાં આઇટી શૅરોમાં નબળાઈ હતી. આ ઇન્ડેક્સના ૧૦માંથી નવ શૅર ડાઉન હતા. એકમાત્ર ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજીઝ પોણાબે ટકા વધી ૫૫૨ રૂપિયા આસપાસ બંધ હતો. એમ્ફાસિસ સવાપાંચ ટકા, વિપ્રો ૨.૮ ટકા, ટીસીએસ એક ટકો, પટણી કમ્પ્યુટર ૧.૧ ટકો, એનઆઇઆઇટી ટેક્નો ૧.૪ ટકા, ઇન્ફોસિસ ૧.૩ ટકા, હિન્દુજા ગ્લોબલ ૧.૯ ટકા, માઇન્ડ ટ્રી ૧.૨ ટકા નરમ બંધ આવ્યા હતા.

શુગરમાં ડી-કન્ટ્રોલની હવા

ખાંડઉદ્યોગને અંશત: ડી-કન્ટ્રોલ કરવાની માગણી વિશે સરકાર સંસદના શિયાળુ સત્ર બાદ વિચારણા કરશે એવો ફૂડ મિનિસ્ટર કે. વી. થૉમસે નિર્દેશ આપ્યો છે. અત્યારે ખાંડમિલોએ એમના ઉત્પાદનનો ૧૦ ટકા હિસ્સો સરકારને રૅશનિંગ હેતુસર લેવી પ્રાઇસથી આપવો પડે છે, જેનો ભાવ બજારદર કરતાં નીચો હોય છે. આ અહેવાલના પગલે શુગર શૅરોમાં આકર્ષણ દેખાયું હતું. અગ્રણી લિસ્ટેડ ૨૧ શૅરમાંથી ૧૮ શૅર પ્લસમાં હતા. દ્વારકેશ શુગર સાડાઅગિયાર ટકા, ધરણી શુગર સવાનવ ટકા, શક્તિ શુગર આઠ ટકા, બલરામપુર ચીની સવાછ ટકા, રાજશ્રી શુગર પાંચ ટકા, બજાજ હિન્દુસ્તાન ૭.૮ ટકા, ધામપુર શુગર ૫.૮ ટકા, ઉત્તમ શુગર ૭.૫ ટકા, અપરગંગા શુગર ૬.૮ ટકા, થિરુઅરુણન શુગર ૮.૫ ટકા, સિમ્ભોલી શુગર ત્રણ ટકા વધ્યા હતા. શ્રી રેણુકા શુગર સાડાપાંચ ટકા વધી ૨૬.૫૦ રૂપિયા થયો હતો.

ઑલટાઇમ લોમાં સતત સદી

બીએસઈ ખાતે ભાવની રીતે ઑલટાઇમ લો થનારા શૅરોની સંખ્યાના મામલે શતકનો સિલસિલો જારી છે. ગઈ કાલે બરાબર ૧૦૦ શૅરમાં નવી નિમ્નતમ બૉટમ બની હતી, જેમાં એમબી સ્વિચ, વા ટેક વા બૅગ, થ્રી-આઇ ઇન્ફ્રાટેક, રેલિગેર ટેક્નો, ઑબરૉય રિયલ્ટી, એ ટુ ઝેડ મેઇન્ટેનન્સ, ટેક્સમાકો રેઇલ, ફિનોટેક્સ કેમિકલ્સ, જેપી ઇન્ફ્રાટેક, કરીઅર પૉઇન્ટ, એશિયન હોટેલ્સ (વેસ્ટ), ડી. બી. કૉર્પ, એઆરએસએસ ઇન્ફ્રા, આઇએલ ઍન્ડ એફએસ ટ્રાન્સર્પોટેશન, ડી. બી. રિયલ્ટી, વેસ્કોન એન્જિનિયરિંગ, જીએસએસ ઇન્ફોટેક, અદાણી પાવર, વિશાલ રીટેલ, અલાઇડ ડિજિટલ, કુટોન્સ રીટેલ, ર્કોડ કેબલ્સ, પારલે સૉફ્ટવેર, એવરેસ્ટ કાન્ટો, પૃથ્વી ઇન્ફો, ઇન્ડોટેક ટ્રાન્સફૉર્મર્સ, ઓરિયેન્ટ ગ્રીનપાવર, બંગ ઓવરસીઝ, ઇન્ડિયાબુલ્સ પાવર વગેરે સામેલ છે.

યુરોપ મજબૂત, એશિયા ઠંડું

ત્રણ-ચાર દિવસના સુધારા પછી એશિયન શૅરબજારો ગઈ કાલે ઠંડા મૂડમાં હતાં. જૅપનીઝ નિક્કી ઇન્ડેક્સ પોણો ટકો ઘટીને ૮૩૯૫ બંધ હતો, જ્યારે સિંગાપોર, હૉન્ગકૉન્ગ, તાઇવાન, સાઉથ કોરિયા અને ચાઇનીઝ સ્ટૉક માર્કેટ્સ નહીંવત્થી માંડીને ૦.૩ ટકાની રેન્જમાં નીચે બંધ રહ્યાં હતાં. ઇન્ડોનેશિયન શૅરબજાર નામ કે વાસ્તે સવા પૉઇન્ટ વધેલું હતું. આથી વિપરીત યુરોપિયન શૅરબજારોમાં રિલીફ રૅલી આગળ ધપતી દેખાઈ છે. સારા ઓપનિંગ બાદ ત્યાંનાં તમામ અગ્રણી માર્કેટ્સ એકથી પોણાબે ટકાની મજબૂતીમાં હતાં. ડાઉ ફ્યુચર્સ તથા નાસ્ડેક ફ્યુચર્સ અડધા ટકાની આજુબાજુ પ્લસ દર્શાવતા હતા. અમેરિકા ખાતે સ્ટૉક માઇલ કે ઇન્વેન્ટરીઝમાં ઘટાડાના અહેવાલમાં ક્રૂડ ચોથા દિવસે મક્કમ હતું. સોનામાં પણ થોડોક સુધારો વર્તાતો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK