વર્ષ ૨૦૨૦ના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં નિફ્ટી ૧૪,૦૦૦ પૉઇન્ટની સપાટી વટાવી જશે એવી ધારણા ફક્ત ઇન્ટ્રા-ડે ધોરણે પૂરી થયા બાદ ઇન્ડેક્સ દિવસના અંતે તદ્દન સપાટ રહી ગયો હતો. જોકે ગઈ ૨૪ માર્ચે ચાર વર્ષ કરતાં વધુ સમયગાળાની ૭૫૧૧ની નીચલી સપાટીની તુલનાએ નિફ્ટી ૮૬ ટકા ઊંચે ચડીને બંધ રહ્યો છે. વર્ષની પહેલીથી છેલ્લી તારીખ સુધીના સફરમાં ઇન્ડેક્સ લગભગ ૧૫ ટકા વધ્યો છે. આ જ રીતે સેન્સેક્સ માર્ચની નીચલી સપાટીથી ૮૭ ટકા અને વર્ષના પહેલા દિવસની તુલનાએ ૧૫.૭૪ ટકા વધ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી ડેરિવેટિવ્ઝની એક્સપાયરીના દિવસે ગુરુવારે અનુક્રમે સંપૂર્ણપણે ફ્લૅટ રહીને અનુક્રમે ૪૭,૭૫૧.૩૩ અને ૧૩,૯૮૧.૭૫ બંધ રહ્યા હતા. સેન્સેક્સમાં ૫.૧૧ પૉઇન્ટનો વધારો થયો હતો, જ્યારે નિફ્ટીમાં ૦.૨૦ પૉઇન્ટનો ઘટાડો નોંધાયો હતો.
નિફ્ટીએ ૧૩,૦૦૦થી ૧૪,૦૦૦ સુધીની મજલ ૨૫ સત્રોમાં પૂરી કરી
નિફ્ટી ગુરુવારે ઇન્ટ્રા-ડે ધોરણે ૧૪,૦૧૦.૧૫ની સપાટીએ પહોંચ્યો હતો. એ સપાટી સુધી તેના તમામ ૫૦ સ્ટૉક્સ વધ્યા હતા. જોકે, દિવસના અંતે ઇન્ડેક્સ ૦.૨૦ પૉઇન્ટ ઘટ્યો હતો તથા ૨૨ સ્ટૉક્સ વધ્યા હતા અને ૨૮ ઘટ્યા હતા. નિફ્ટીએ ૧૩,૦૦૦થી ૧૪,૦૦૦ સુધીની મજલ ૨૫ સત્રોમાં પૂરી કરી છે. આ ઇન્ડેક્સ ગઈ ૨૪ નવેમ્બરે ૧૩,૦૦૦ની ઉપર બંધ રહ્યો હતો.
કોરોનાને કારણે દેશભરમાં લગભગ ત્રણ મહિના સુધી બધી આર્થિક પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ હતી અને પરિણામે અર્થતંત્રનો વૃદ્ધિદર ઘટ્યો છે, પરંતુ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ઠાલવેલા ૨૨.૪ અબજ ડૉલર (૧.૬૬ ટ્રિલ્યન રૂપિયા)ને પગલે શૅરબજારમાં તેજી રહી છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં આખા વર્ષની તુલનાએ સૌથી વધુ રોકાણ આવ્યું છે.
કૅલેન્ડર વર્ષ ૨૦૨૦માં એસઍન્ડપી બીએસઈ મિડ કૅપ અને એસઍન્ડપી સ્મૉલ કૅપ ઇન્ડેક્સ અનુક્રમે ૧૮ ટકા અને ૨૯ ટકા વધ્યા છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં એમાં નેગેટિવ રિટર્ન મળ્યું હતું.
નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨માં દેશનો વૃદ્ધિદર ૧૦ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો હોવાથી બજારના નિષ્ણાતોનું કહેવું છે કે કૅલેન્ડર વર્ષ ૨૦૨૧માં મિડ કૅપ અને સ્મૉલ કૅપ સ્ટૉક્સમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ શકે છે.
અલગ-અલગ ક્ષેત્રોના વધેલા સ્ટૉક્સમાં દિવિસ લૅબોરેટરીઝ, લાર્સન ઍન્ડ ટુબ્રો ઇન્ફોટેક, એસ્કોર્ટ્સ, તાનલા સોલ્યુશન્સ, લૉરસ લૅબ્સ, ડિક્સન ટેક્નૉલૉજીસ, ઇન્ડિયામાર્ટ ઇન્ટરમેશ અને એફલ (ઇન્ડિયા) સહિતના ૩૬ સ્ટૉક્સે વર્ષ ૨૦૨૦માં ૧૦૦ ટકા કરતાં વધારે વળતર આપ્યું છે. આ ૩૬ સ્ટૉક્સમાં ફાર્માસ્યુટિકલ્સના ૧૦ અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીના ૭ સ્ટૉક્સ સામેલ છે.
અદાણી ગ્રુપની અદાણી ગ્રીન એનર્જી, અદાણી ગૅસ અને અદાણી એન્ટરપ્રાઇઝીસ તથા તાતા ગ્રુપની તાતા કમ્યુનિકેશન્સ અને તાતા એલએક્સીનું માર્કેટ મૂલ્ય આ વર્ષ દરમિયાન બમણા કરતાં અધિક થઈ ગયું છે.
બીએસઈ-૫૦૦ ઇન્ડેક્સના પંજાબ નૅશનલ બૅન્ક, યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા, કૅનેરા બૅન્ક, કોલ ઇન્ડિયા અને ઑઇલ ઇન્ડિયા ૨૫ ટકા કરતાં વધુ નીચે ઊતર્યા છે. પીવીઆર, આરબીએલ બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક, રેમન્ડ, ગ્રીવ્સ કોટન, ફ્યુચર રિટેલ અને ફ્યુચર એન્ટરપ્રાઇઝીસ ૩૦થી ૮૦ ટકા સુધી ઘટ્યા છે.
તાતા મોટર્સ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ઇન્ડસઇન્ડ બૅન્ક, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા, ઇન્ફોસિસ, તાતા સ્ટીલ, બજાજ ફાઇનૅન્સ, અદાણી પોર્ટ્સ ઍન્ડ એસઈઝેડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, વિપ્રો, એચસેલ ટેક્નૉલૉજીસ, સિપ્લા, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, ઍક્સિસ બૅન્ક ૧૦૬થી ૧૬૮ ટકા સુધી વધ્યા છે.
ગુરુવારે બીએસઈનું માર્કેટ કૅપ ૧૮૮.૦૩ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું, જે બુધવારે ૧૮૭.૯૮ લાખ કરોડ રૂપિયા હતું. બ્રોડ બેઝ્ડ ઇન્ડાઇસીસમાં બીએસઈ સેન્સેક્સ-૫૦ ઇન્ડેક્સ ૦.૦૧ ટકા, બીએસઈ-૧૦૦ ઇન્ડેક્સ ૦.૦૬ ટકા, બીએસઈ મિડ કૅપ ૦.૨૦ ટકા, બીએસઈ સ્મૉલ કૅપ ૦.૩૬ ટકા, બીએસઈ-૨૦૦ ઇન્ડેક્સ ૦.૦૮ ટકા, બીએસઈ-૫૦૦ ઇન્ડેક્સ ૦.૦૯ ટકા, બીએસઈ ઑલ કૅપ ૦.૧૦ ટકા અને બીએસઈ લાર્જ કૅપ ૦.૦૪ ટકા વધ્યા હતા. બીએસઈ આઇપીઓ ઇન્ડેક્સ ૦.૦૧ ટકા વધ્યો અને બીએસઈ એસએમઈ આઇપીઓ ૦.૧૫ ટકા ઘટ્યો હતો. સેક્ટોરલ ઇન્ડાઇસીસમાં સીડીજીએસ ૦.૮૧ ટકા, ફાઇનૅન્સ ૦.૨૫ ટકા, હેલ્થકૅર ૦.૪૭ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સ ૦.૨૬ ટકા, ઑટો ૦.૨૮ ટકા, કૅપિટલ ગુડ્સ ૦.૧૬ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૦૬ ટકા, મેટલ ૦.૫૨ ટકા, પાવર ૦.૦૨ ટકા અને રિયલ્ટી ૧.૧૮ ટકા વધ્યો હતો, જયારે બેઝિક મટિરિયલ્સ ૦.૨૦ ટકા, એનર્જી ૦.૪૬ ટકા, એફએમસીજી ૦.૫૩ ટકા, આઇટી ૦.૦૮ ટકા, ટેલિકૉમ ૦.૭૬ ટકા, યુટિલિટીઝ ૦.૧૩ ટકા, બૅન્કેએક્સ ૦.૧૬ ટકા, ઑઇલ ઍન્ડ ગૅસ ૦.૧૬ ટકા અને ટેક ૦.૧૩ ટકા ઘટ્યા હતા. બીએસઈ એસઍન્ડપી સેન્સેક્સમાં એચડીએફસી ૧.૬૫ ટકા, સનફાર્મા ૧.૪૧ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૨૦ ટકા, એશિયન પેઇન્ટ્સ ૧.૧૩ ટકા અને ટાઇટન ૦.૯૩ ટકા વધ્યા હતા., જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૩૩ ટકા, તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ ૧.૩૩ ટકા, ભારતી ઍરટેલ ૧.૨૯ ટકા, કોટક મહિન્દ્રા બૅન્ક ૧.૧૯ ટકા અને ટેક મહિન્દ્રા ૧.૦૦ ટકા ઘટ્યા હતા. ‘એ’ ગ્રુપની ૪ કંપનીઓને ઉપલી સર્કિટ લાગી હતી.
ડેરિવેટિવ્ઝ રિપોર્ટ
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ગુરુવારે કુલ ૨,૦૩,૯૩૩.૩૩ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૫૬,૬૪૧ સોદાઓમાં ૧૮,૬૦,૭૨૪ કોન્ટ્રેક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૬,૩૦,૯૭૬ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સમાં ૧૯.૨૩ કરોડ રૂપિયાના ૧૬૭ સોદામાં ૧૭૫ કોન્ટ્રેક્ટ્સનાં કામકાજ થયાં હતાં.
તેજી-મંદીની રસાકસી વચ્ચે બજારે નવાં શિખરો સર કર્યાં
13th January, 2021 07:21 ISTShare Market: 50 હજાર નજીક પહોંચ્યું સેન્સેક્સ, PSU Banksના શૅરોમાં ઉછાળો
12th January, 2021 15:50 ISTઘટાડા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 101 અંક તૂટીને 49000 પર
12th January, 2021 09:45 ISTShare Market: સેન્સેક્સ લગભગ 700 અંક ઉછળ્યું, નિફ્ટી 14300ની પાર બંધ
8th January, 2021 15:40 IST