ફન્ડોના આક્રમક વેચાણ સામે રિલાયન્સની તેજી બજારને બચાવી શકી નહીં

Published: Jul 11, 2020, 11:44 IST | Stock Talk

આગલા દિવસે અમેરિકન શૅરબજારમાં ઘટાડો અને એશિયામાં નરમ હવામાન વચ્ચે ભારતીય શૅરબજારમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો.

બીએસઈ
બીએસઈ

આગલા દિવસે અમેરિકન શૅરબજારમાં ઘટાડો અને એશિયામાં નરમ હવામાન વચ્ચે ભારતીય શૅરબજારમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. હિન્દુસ્તાન યુનીલીવર અને રિલાયન્સના શૅરોની તેજી વચ્ચે પણ સેન્સેક્સ અને નિફ્ટી ઘટીને બંધ આવ્યા હતા. કોરોના વાઇરસના કારણે વધી રહેલા કેસ, આર્થિક પ્રવૃત્તિ વધી રહી છે ત્યારે જ દેશમાં કન્ટેઇનમેન્ટ ઝોનમાં થઈ રહેલા તીવ્ર વધારાની સાવચેતી, ટીસીએસના નબળા પરિણામની અસર જોવા મળી રહી છે. સ્થાનિક અને વિદેશી સંસ્થાઓની સતત વેચવાલી વચ્ચે પણ રિલાયન્સના મજબૂત ટેકાથી શૅરબજાર સતત ચોથા સપ્તાહના અંતે વધીને બંધ આવ્યાં હતાં.
આજે સત્રના અંતે સેન્સેક્સ ૧૪૩.૩૬ પૉઇન્ટ કે ૦.૩૯ ટકા ઘટી ૩૬૫૯૪.૩૩  અને નિફ્ટી ૪૫.૪૦ પૉઇન્ટ કે ૦.૪૨ ટકા ઘટી ૧૦૭૬૮.૦૫ની સપાટીએ બંધ આવ્યા હતા. આજે ઇન્ડેક્સ કંપનીઓમાં રિલાયન્સ, હિન્દુસ્તાન યુનીલીવર, ટીસીએસ, ભારતી એરટેલ અને સન ફાર્મા વધ્યા હતા. સામે એચડીએફસી, એચડીએફસી બૅન્ક, કોટક મહિન્દ્ર બૅન્ક, એક્સીસ બૅન્ક અને આઇસીઆઇસીઆઇ બૅન્ક ઘટ્યા હતા.

શૅરબજારની છ મહિનામાં સૌથી મોટી સાપ્તાહિક રૅલી

શૅરબજારમાં લૉકડાઉનની ઘટી રહેલી અસરો અને વૈશ્વિક શૅરબજારની તેજીની આગેવાની હેઠળ તેજી જોવા મળી રહી છે. ઊંચા મથાળે, જૂન ક્વૉર્ટરના પરિણામ પહેલાં થોડી સાવચેતી જોવા મળી રહી છે, પણ ડિસેમ્બર ૨૦૧૯ પછી પ્રથમ વખત શૅરબજારમાં ચોથા સપ્તાહે પણ તેજી જોવા મળી છે. ગત સપ્તાહે સેન્સેક્સ ૨.૪ ટકા અને નિફ્ટી ૨.૨ ટકા વધ્યા હતા. આ સપ્તાહે સેન્સેક્સ ૧.૬ ટકા અને નિફ્ટી ૧.૫ ટકા વધીને બંધ આવ્યા છે. આ સપ્તાહ નિફ્ટી મીડિયા સિવાય બધા ક્ષેત્રોમાં વૃદ્ધિ જોવા મળી છે.

લાર્જ કૅપ સિવાય આ સપ્તાહ નાની કંપનીઓનું રહ્યું છે. નિફ્ટી સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૩.૫ ટકા, નિફ્ટી મેટલ્સ ૩.૫ ટકા, નિફ્ટી બૅન્ક ૨.૫ ટકા, નિફ્ટી આઈટી ૧.૮ ટકા, નિફ્ટી પીએસયુ બૅન્ક ૧.૭ ટકા, નિફ્ટી રીઅલ એસેટ ૧.૫ ટકા, નિફ્ટી મિડ કૅપ ૧.૪ ટકા, નિફ્ટી ફાર્મા ૧.૧, નિફ્ટી ઑટો ૧ ટકા, નિફ્ટી એફએમસીજી એક ટકા વધ્યા છે જ્યારે નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ ૦.૨ ટકા ઘટીને બંધ આવ્યો છે.

સ્થાનિક સંસ્થાઓએ આ સપ્તાહમાં છેલ્લા ચાર દિવસમાં સતત વેચવાલી સાથે  ૨૬૦૯ કરોડ રૂપિયાનું વેચાણ કર્યું છે. આજે સ્થનિક ફન્ડ્સનું વેચાણ ૪૩૧ કરોડ રૂપિયાનું રહ્યું છે. સામે વિદેશી ફન્ડસ દ્વારા આજે એક જ દિવસમાં ૧૦૩૧ કરોડ રૂપિયાની જંગી વેચવાલી કરવામાં આવી છે. આ સપ્તાહમાં વિદેશી ફન્ડ્સનું પણ ૬૮૪ કરોડ રૂપિયાનું કુલ વેચાણ રહ્યું છે.

આજે નૅશનલ સ્ટૉક એક્સચેન્જના ૧૧ ક્ષેત્રોમાંથી પ્રાઇવેટ બૅન્ક, પીએસયુ બૅન્ક, મેટલ્સ સહિત સાતમાં ઘટાડો જોવા મળ્યો હતો. સામે એફએમસીજી, ફાર્મા અને રીઅલ એસ્ટેટમાં વૃદ્ધિ જોવા મળી હતી. એક્સચેન્જ ઉપર ૪૯ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા અને પાંચ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૮૮ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૧૭૩ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.

બીએસઈ ઉપર ૧૧૧ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૪૮ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૮૨ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૨૮૩માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૩૫  ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૭૨ ટકા ઘટ્યા હતા. શુક્રવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન ૩૫,૫૧૯ કરોડ ઘટી  ૧૪૩.૯૪ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

બૅન્કિંગ અને ફાઇનૅન્શિયલ તીવ્ર ઘટાડો

ગુરુવારે બૅન્કિંગ અને ફાઇનૅન્શિયલમાં જોરદાર તેજી પછી આજે નિફ્ટી બૅન્ક ૨.૨૨ ટકા ઘટ્યો હતો. નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ ૨.૩૮ ટકા અને નિફ્ટી પીએસયુ બૅન્ક ૨.૬૭ ટકા ઘટ્યો હતો. આની સાથે નિફ્ટી ફાઇનૅન્ષિયલ સર્વિસનો ઇન્ડેક્સ પણ ૧.૮૯ ટકા ઘટ્યો હતો. કોરોના વાઇરસના વધી રહેલા વ્યાપ અને એક પછી એક રાજ્યો પોતાની રીતે નવા લૉકડાઉન જાહેર કરી રહ્યા હોવાની ચિંતાથી આજે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું.

સરકારી બૅન્કોમાં આજે યુકો બૅન્ક ૧.૦૬ ટકા, સેન્ટ્રલ બૅન્ક ૧.૪૧ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૫ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૧.૭૧ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૮૧ ટકા, ઇન્ડિયન બૅન્ક ૧.૯૨ ટકા, યુનિયન બૅન્ક ૧.૯૯ ટકા, બૅન્ક ઑફ બરોડા ૨.૨૭ ટકા, ઇન્ડિયન ઓવરસીઝ ૨.૭૧ ટકા, કૅનરા બૅન્ક ૩.૯૧ ટકા ઘટ્યા હતા.  

સતત એક વર્ષથી ફ્રોડના વધી રહેલા કિસ્સાનો ભોગ બનતી પંજાબ નૅશનલ બૅન્કે ગુરુવારે દિવાન હાઉસિંગના ૩૬૮૮.૫૮ કરોડ રૂપિયાના ધિરાણને છેતરપિંડી જાહેર કરી તેના માટે ૧૨૪૬.૫૮ કરોડ રૂપિયાની જોગવાઈઓ કરી હતી. આ જાહેરાત પછી બૅન્કના શૅર આજે ૫.૨૬ ટકા ઘટી ૩૫.૧૫ બંધ રહ્યા હતા.

ખાનગી બૅન્કોમાં આજે સિટી યુનિયન બૅન્ક ૪.૬૨ ટકા, આરબીએલ ૩.૫૯ ટકા, આઇડીએફસી ફર્સ્ટ ૩.૩૯ ટકા, એક્સીસ બૅન્ક ૩.૧૬ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૨.૯૩ ટકા, આઇસીઆઇસીઆઇ ૨.૮૨ ટકા, બંધન બૅન્ક ૨.૦૫ ટકા, ફેડરલ બૅન્ક ૧.૬૩ ટકા, એચડીએફસી બૅન્ક ૧.૬૩ ટકા અને કોટક મહિન્દ્ર બૅન્ક ૧.૧૧ ટકા બંધ આવ્યા હતા. યસ બૅન્કના શૅર આજે ૪.૩૨ ટકા ઘટી ૨૫.૫૦ રૂપિયા બંધ રહ્યા હતા. બૅન્કે આવતા સપ્તાહથી શરૂ થતા નવા પબ્લિક ઇસ્યુ માટે શૅરનો ભાવ ૧૩ નક્કી કરતાં આજે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું

પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ પોતાનો હિસ્સો વેચવાની શરૂઆત કરતા એચડીએફસીના શૅર ૨.૮૭ ટકા ઘટ્યા હતા. આ ઉપરાંત ફાઇનૅન્શિયલ સેવાઓ આપતી કંપનીમાં આઇસીઆઇસીઆઇ પ્રુન્ડેન્શિયલ ૩.૮૪ ટકા, મહિન્દ્ર અૅન્ડ મહિન્દ્ર ફાઇનૅન્સ ૨.૧૮ ટકા, બજાજ હોલ્ડિંગ ૧.૯૫ ટકા, બજાજ ફિનસર્વ ૧.૦૪ ટકા અને બજાજ ફાઇનૅન્સ ૦.૭૮ ટકા ઘટીને બંધ આવ્યા હતા.

ત્રણ દિવસની તેજી પછી મેટલ્સમાં પ્રોફિટ બુકિંગ

લંડન મેટલ એક્સચેન્જ ઉપર માર્ચ મહિનાના તીવ્ર ઘટાડા બાદ કોપરના ભાવ ૪૦ ટકા વધ્યા છે અન્ય ઔદ્યોગિક ધાતુઓના ભાવ પણ સતત વધી રહ્યા છે. મેટલ્સના ભાવ કૉમોડિટી તરીકે વધી રહ્યા છે એ દર્શાવી રહ્યું છે કે લૉકડાઉન બાદ ધાતુઓની માગ વધી રહી છે પણ ત્રણ દિવસની તેજી પછી આજે મેટલ્સ શૅરોમાં વેચવાલી જોવા મળી હતી.

આજે નિફ્ટી મેટલ્સ ઇન્ડેક્સ ૦.૭૭ ટકા ઘટ્યો હતો. હિન્દુસ્તાન કોપર ૩.૨૪ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૨.૦૩ ટકા, હિન્દુસ્તાન ઝીંક ૧.૯૭ ટકા, નૅશનલ મિનરલ્સ ૧.૮૧ ટકા, તાતા સ્ટીલ ૧.૭૧ ટકા, વેદાન્તા ૧.૪૩ ટકા, વેલસ્પન ૧.૦૭ ટકા, નાલ્કો ૦.૮૨ ટકા, હિન્દાલ્કો ૦.૫૨ ટકા ઘટીને બંધ આવ્યા હતા.

આઇઓએલ ફાર્મામાં તેજી

આઇઓએલ કેમિકલ્સ એન્ડ ફાર્માના શૅરમાં જોરદાર તેજીનો દોર જોવા મળી રહ્યો છે. એક તરફ કોરોના વાઇરસના કારણે વિશ્વના અન્ય દેશોમાંથી થતી આયાત ઉપર અસર પડી છે અને બીજી તરફ ભારતમાં ચીનની બનાવટો સામે બહિષ્કારનો વંટોળ ઉપડ્યો છે. પેઇન કિલર તરીકે વપરાતા આઇબ્રુફેનની વિશ્વની અગ્રણી ઉત્પાદક અને ફાર્મા માટે એપીઆઇ અને અન્ય સ્પેશ્યલિટી કેમિકલ્સ બનાવતી આ કંપની અત્યારે રોકાણકારના આકર્ષણનું કેન્દ્ર બની છે. છેલ્લા એક મહિનામાં શૅરના ભાવ બમણા જેટલા થઈ ગયા છે. આજે શૅર ૭૨૨.૫૫ રૂપિયાની પોતાની લાઇફટાઇમ હાઇ બનાવી પછી પ્રોફિટ બુકિંગના કારણે ઘટ્યો હતો. દિવસના અંતે શૅર ૧૧.૫૧ ટકા વધી ૬૯૫.૪૫ની સપાટીએ બંધ આવ્યો હતો. ગત મહિને શૅરનો ભાવ ૩૫૨.૦૫ રૂપિયા હતો.

અન્ય શૅરોમાં વધઘટ

દેશની સૌથી મોટી આઇટી કંપની ટીસીએસના પરિણામ ગુરુવારે બજાર બંધ રહ્યા પછી જાહેર થયા હતા. કંપનીનો નફો જૂન ક્વૉટરમાં ૧૬ ટકા અને વેચાણ ૪ ટકા ઘટ્યું હતું. બન્ને બજારની અપેક્ષા કરતાં ખરાબ હોવા છતાં શૅરના ભાવ આજે ૦.૭૮ ટકા વધ્યા હતા. એક તબક્કે શૅરનો ભાવ આગળના બંધ ૨૨૦૪.૩૫ સામે ઘટી ૨૧૭૭.૨૫ થયા બાદ દિવસના અંતે ૨૨૨૧.૬૫ રૂપિયા બંધ રહ્યા હતા.

વૈશ્વિક વેચાણ જૂન ક્વાર્ટરમાં ૬૪ ટકા ઘટ્યું હોવા છતાં તાતા મોટર્સના શૅર ૦.૫૧ ટકા વધ્યા હતા. કન્ટેનર કૉર્પોરેશનના શૅર ૦.૪૯ ટકા વધ્યા હતા. કંપનીએ જણાવ્યું હતું કે કાર્ગોનું વૉલ્યુમ પ્રથમ સત્રમાં ૨૧ ટકા ઘટ્યું છે. રાકેશ ઝુનઝુનવાલાએ હિસ્સો વધાર્યો હોવાની વાત વચ્ચે ફર્સ્ટ સોર્સના શૅર ૭.૪૩ ટકા ઊછળ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK