ઇસુના નવા વર્ષના પહેલા દિવસે શૅરબજાર નવી ઉંચાઇએ

Published: 2nd January, 2021 09:20 IST | Stock Talk | Mumbai

જીએસટીના વિક્રમી કલેક્શનથી બજાર પોરસાયું: વર્ષ ૨૦૨૦ની ગતિને આગળ વધારતાં શૅરબજારમાં ઇસુના નવા વર્ષના પ્રથમ દિવસે સેન્સેક્સ ઇન્ટ્રાડે ધોરણે ૪૮,૦૦૦ની સપાટીની સાવ નજીક જઈને પાછો ફર્યો હતો.

શૅર માર્કેટ
શૅર માર્કેટ

વર્ષ ૨૦૨૦ની ગતિને આગળ વધારતાં શૅરબજારમાં ઇસુના નવા વર્ષના પ્રથમ દિવસે સેન્સેક્સ ઇન્ટ્રાડે ધોરણે ૪૮,૦૦૦ની સપાટીની સાવ નજીક જઈને પાછો ફર્યો હતો. દિવસના અંતે ઇન્ડેક્સ ૪૭,૮૬૯ બંધ રહ્યો હતો. સેન્સેક્સ આ સત્રમાં ૧૧૭.૬૫ એટલે કે ૦.૨૫ ટકા વધ્યો હતો. નિફ્ટી૫૦ ઇન્ડેક્સ ૧૪,૦૦૦નો આંક વટાવીને ગુરુવારના બંધથી ૩૬.૭૫ પોઇન્ટ (૦.૨૬ ટકા) ઉપર એટલે કે ૧૪,૦૧૮.૫૦ પોઇન્ટ બંધ રહ્યો હતો. જીએસટીનું ડિસેમ્બરનું કલેક્શન અત્યાર સુધીના ૧.૧૫ લાખ કરોડના વિક્રમી આંક પર પહોંચ્યું તેની સકારાત્મક અસર બજાર પર થઈ હતી. ગયા વર્ષના ડિસેમ્બરની તુલનાએ આ વર્ષે જીએસટીનું કલેક્શન ૧૨ ટકા વધ્યું છે.

નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સમાં ૩ ટકા કરતાં વધારે વૃદ્ધિ

ગુરુવારે મુખ્ય ઇન્ડેક્સની તુલનાએ એકંદરે બજારની વૃદ્ધિ વધારે રહી હતી. બીએસઈ મિડકૅપ ૧.૨ ટકા અને સ્મૉલ કૅપ ૦.૯૦ ટકા વધ્યા હતા. ટોચના વધનારા ક્ષેત્રમાં નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સમાં ૩ ટકા કરતાં વધારે વૃદ્ધિ રહી હતી. ઑટો અને આઇટી ઇન્ડેક્સ ૦.૮ ટકા વધ્યા હતા.

બીએસઈ પર કૅપિટલ ગુડ્સ, હેલ્થકેર, ઑટો અને રિયાલ્ટી ક્ષેત્રના સ્ટૉક્સમાં ૦.૮થી ૧ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. કૅનેરા બૅન્ક, પંજાબ નૅશનલ બૅન્ક અને ચોલામંડલમ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સમાં વોલ્યુમ વધુ રહ્યું હતું.

માસ્ટેક, ઇન્ડિયા સિમેન્ટ્સ અને એનસીસી સહિતના ૩૦૦થી વધુ સ્ટૉક્સ ૫૨ સપ્તાહની નવી ટોચે પહોંચ્યા હતા.

સેન્સેક્સની ૧૯ કંપનીઓ વધી

સેન્સેક્સની ૧૯ કંપનીઓ વધી, ૧૦ કંપનીઓ ઘટી હતી અને ૧ સ્થિર રહી હતી. માર્કેટ કેપ રૂ. ૧૮૯.૨૦ લાખ કરોડ રહ્યું હતું, જે ગુરુવારે રૂ. ૧૮૮.૦૩ લાખ કરોડ હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડાઇસીસમાં બીએસઈ સેન્સેક્સ૫૦ ઈન્ડેક્સ ૦.૨૭ ટકા, બીએસઈ૧૦૦ ઈન્ડેક્સ ૦.૩૫ ટકા, બીએસઈ મિડકેપ ૧.૨૪ ટકા, બીએસઈ સ્મોલકેપ ૦.૯૦ ટકા, બીએસઈ૨૦૦ ઈન્ડેક્સ ૦.૪૩ ટકા, બીએસઈ૫૦૦ ઈન્ડેક્સ ૦.૪૯ ટકા, બીએસઈ ઓલકેપ ૦.૪૯ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૩૧ ટકા વધ્યા હતા.

નિફ્ટીમાં અદાણી પોર્ટ્સ, આઇટીસી, ટીસીએસ, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા અને એસબીઆઇ ટોચના વધનારા સ્ટૉક્સ હતા. ઘટનારા મુખ્ય શેરોમાં આઇસીઆઇસીઆઇ બૅન્ક, એસબીઆઇ લાઇફ ઇન્સ્યૉરન્સ, હિન્દાલ્કો, એચડીએફસી બૅન્ક અને ટાઇટન સામેલ હતા.

મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા ૧.૭૧ ટકા વધ્યો

મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા ૧.૭૧ ટકા વધીને ૭૩૨.૪૫ બંધ રહ્યો હતો. બીએસઈ પર ઘટેલા સ્ટૉક્સમાંથી આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૩૬ ટકા, એચડીએફસી બેન્ક ૦.૮૩ ટકા, ટાઈટન ૦.૫૭ ટકા, બજાજ ફિનસર્વ ૦.૩૪ ટકા અને બજાજ ફાઈનાન્સ ૦.૩૦ ટકા ઘટ્યા હતા.

૪૭૨ કંપનીઓને ઉપલી સર્કિટ

‘એ’ ગ્રુપની ૪ કંપનીઓને ઉપલી સર્કીટ અને ૨ કંપનીઓ નીચલી સર્કીટ લાગી હતી, જ્યારે ‘બી’ ગ્રુપની ૭૬ કંપનીઓને ઉપલી અને ૧૨ કંપનીઓને નીચલી સર્કિટ સહિત બધા ગ્રુપની ૬૧૩ કંપનીઓમાંથી ૪૭૨ કંપનીઓને ઉપલી અને ૧૪૧ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી. ટર્નઓવરની દૃષ્ટિએ સૌથી ‘એ’ ગ્રુપમાં આઇડિયા, ભારત ઈલેક્ટ્રોનિક્સ, પંજાબ નૅશનલ બૅન્ક, ભેલ અને યસ બૅન્ક અનુક્રમે ૧૩,૩૨૨.૮૬ કરોડ, ૫,૩૨૪.૬૨ કરોડ, ૪,૯૭૦.૪૩ કરોડ, ૪,૯૪૫.૪૦ કરોડ અને ૪,૬૪૮.૯૬ કરોડ સાથે મોખરે રહ્યા હતા.

એન્ટની વેસ્ટ હેન્ડલિંગ સેલ લિસ્ટિંગના દિવસે ૨૯ ટકા વધ્યો

એન્ટની વેસ્ટ હેન્ડલિંગ સેલનો સ્ટૉક શુક્રવારે લિસ્ટિંગના દિવસે એનએસઈ પર ઇસ્યૂભાવ ૩૧૫ની સામે ૨૯.૩૨ ટકા વધીને ૪૦૭.૩૫ તથા બીએસઈ પર ૨૯.૨૯ ટકા વધીને ૪૦૭.૨૫ બંધ રહ્યો હતો. બીએસઈ પર કામકાજ બંધ થવાના સમયે આ સ્ટૉકનું માર્કેટ મૂલ્ય વધીને ૧,૦૪૨ કરોડ રૂપિયા થયું હતું. સત્રના પ્રારંભે એનએસઈ પર આ સ્ટૉકનું લિસ્ટિંગ ૩૮ ટકા પ્રીમિયમે થયું હતું. એક સમયે સ્ટૉક ૫૫.૫૨ ટકા વધીને ૪૮૯.૯૦ રૂપિયા સુધી પહોંચ્યો હતો. બીએસઈ પર ૫૬.૪૨ ટકાની વૃદ્ધિ સાથે સ્ટૉક એક સમયે ૪૯૨.૭૫ સુધી પહોંચ્યો હતો.

ડેરિવેટિવ્ઝ રિપોર્ટ

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં શુક્રવારે કુલ રૂ. ૧,૯૯,૯૨૪.૬૮ કરોડનું ટર્નઓવર થયું હતું. કુલ ૫૬,૬૬૧ સોદાઓમાં ૧૮,૦૬,૨૮૯ કોન્ટ્રેક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૦,૨૪,૮૬૦ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. ઈન્ડેક્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ. ૧૮.૮૪ કરોડના ૧૧૧ સોદામાં ૧૭૧ કોન્ટ્રેક્ટ્સનાં કામકાજ થયાં હતાં. ઈન્ડેક્સ કોલ ઓપ્શનના ટ્રેડ થયેલા ૪૩,૫૫૮ સોદામાં ૧૩,૮૨,૬૮૨ કોન્ટ્રેક્ટ સાથે રૂ. ૧,૬૦,૬૬૭.૩૬ કરોડનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ પુટ ઓપ્શનના ટ્રેડ ૧૨,૯૯૨ સોદામાં ૪,૨૩,૪૩૬ કોન્ટ્રેક્ટ સાથે રૂ. ૩૯,૨૩૮.૪૮ કરોડનું કામકાજ થયું હતું.

ટેક્નિકલ દૃષ્ટિએ

નિફ્ટીમાં સતત સાત સત્રથી નીચલી સપાટી વધતી ગઈ છે. ડેરિવેટિવ્ઝની નવી સીરિઝનો પ્રારંભ ૧૪,૦૪૯ની નવી વિક્રમી સપાટી સાથે થયો હતો. બજારના નિષ્ણાતોના મતે ઇન્ડેક્સ ૧૩,૮૫૦ની ઉપર રહેશે તો ૧૪,૨૦૦ અને પછી ૧૪,૫૦૦ તરફ નવી રૅલી જોવા મળી શકે છે. ઇન્ડેક્સને ૧૩,૭૭૭ અને ૧૩,૭૦૦ના સ્તરે મોટો સપોર્ટ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK