Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સમાં 19.69 પૉઇન્ટના મામૂલી ઘટાડાનું ઍક્શન રિપ્લે

સેન્સેક્સમાં 19.69 પૉઇન્ટના મામૂલી ઘટાડાનું ઍક્શન રિપ્લે

11 February, 2021 09:45 AM IST | Mumbai
Stock Talk

સેન્સેક્સમાં 19.69 પૉઇન્ટના મામૂલી ઘટાડાનું ઍક્શન રિપ્લે

બીએસઈ

બીએસઈ


શૅરબજાર ઊંચા વેલ્યુએશને પહોંચ્યા બાદ હવે દિશાવિહોણી સ્થિતિમાં હોય એમ છેલ્લાં બે સત્રોમાં તદ્દન ફ્લૅટ સ્થિતિમાં બંધ રહ્યું છે. બન્ને સત્રોમાં એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઍક્શન રિપ્લે થયું હોય એમ આંક ૧૯.૬૯ પૉઇન્ટ ઘટ્યો હતો. જોકે એમાં ફરક એટલો હતો કે મંગળવારે આંક શરૂઆતમાં વધીને છેલ્લા એક કલાકમાં ઘટ્યો હતો અને બુધવારે પ્રથમ એક કલાકમાં ઘટીને પછી વધ્યો હતો અને છેલ્લે ફ્લૅટ રહ્યો હતો. સેન્સેક્સની શરૂઆત અગાઉના ૫૧,૩૨૯.૦૮ના બંધથી મામૂલી સુધારા સાથે ૫૧,૩૫૫.૮૯થી થઈ. ત્યાર બાદ વોલેટિલિટી શરૂ થઈ હતી. આંક ઉપરમાં ૫૧,૫૧૨.૮૬ ગયો હતો અને નીચામાં ૫૦,૮૪૬.૨૨ સુધી ગયો હતો. ઇન્ટ્રાડે ધોરણે ૬૬૮ પૉઇન્ટના ઉતાર-ચડાવના અંતે સેન્સેક્સમાં ૧૯.૬૯ પૉઇન્ટ (૦.૦૪ ટકા)નો ઘટાડો થયો હતો. આ જ રીતે નિફ્ટી૫૦ ઇન્ડેક્સ ફક્ત ૨.૮૦ પૉઇન્ટના ઘટાડા સાથે ૧૫,૧૦૬.૫૦ બંધ રહ્યો હતો. આમ સેન્સેક્સ અને નિફ્ટી૫૦માં દિવસ દરમ્યાન અનુક્રમે ૫૧,૦૦૦ અને ૧૫,૦૦૦ની સપાટી તૂટી હતી.

એફઆઇઆઇની નેટ ખરીદી ૧૭૮૬.૯૭ કરોડ



અમેરિકામાં નવી સરકારનું પ્રસ્તાવિત આર્થિક પૅકેજ આકર્ષક નહીં હોવાની લાગણી પ્રવર્તતી હોવાને લીધે બજારમાં હાલ નરમાશ જોવા મળી રહી છે. યુરોપિયન બજારમાં એફટીએસઈમાં મામૂલી સુધારો થયો હતો, જ્યારે ભારતમાં આખલાઓ અને રીંછ વચ્ચેની ખેંચતાણ આખો દિવસ ચાલી હતી. બૅન્કિંગ સ્ટૉક્સની નરમાશની અસર અન્ય ક્ષેત્રો પર પડી હતી. અહીં જણાવવું રહ્યું કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ ભારતમાં મંગળવાર કરતાં બુધવારે વધુ નેટ રોકાણ કર્યું હોવા છતાં બજારમાં આખલાઓનું જોર નબળું રહ્યું હતું. બુધવારની નેટ ખરીદી ૧૭૮૬.૯૭ કરોડ રૂપિયાની હતી.


વોલેટિલિટી ઇન્ડેક્સ ઘટ્યો

મુખ્ય ઇન્ડેક્સથી વિપરીત બ્રોડર માર્કેટમાં એસઍન્ડપી બીએસઈ મિડ કૅપ અને સ્મૉલ કૅપ અનુક્રમે ૦.૭ ટકા અને ૦.૪ ટકા વધ્યા હતા. એનએસઈ પર મિડ કૅપ-૫૦ ઇન્ડેક્સ ૧.૧૪ ટકા અને નિફ્ટી સ્મૉલ કૅપ-૧૦૦ ઇન્ડેક્સ ૦.૭૪ ટકા વધ્યો હતો. ઇન્ડિયા વોલેટિલિટી ઇન્ડેક્સ ૧.૬૨ ટકા ઘટીને ૨૩.૯૫ રહ્યો હતો.


નિફ્ટી રિયલ્ટી ૧.૬૩ ટકાની વૃદ્ધિ સાથે સક્રિય રહ્યો

એનએસઈ પર સેક્ટોરલ ઇન્ડાઇસીસમાંથી નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ સૌથી વધુ (૧.૬૩ ટકા) વધ્યો હતો. વધેલા અન્ય ઇન્ડાઇસીસમાં નિફ્ટી ફાર્મા (૦.૭૨ ટકા), નિફ્ટી આઇટી (૦.૪૧ ટકા) અને નિફ્ટી ઑટો (૦.૯૫ ટકા) હતા. ઘટેલા ઇન્ડાઇસીસમાં નિફ્ટી બૅન્ક (૦.૭૬ ટકા) અને નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક (૦.૭૨ ટકા) મુખ્ય હતા.

નિફ્ટી૫૦માંથી સિપ્લા (૨.૮૨ ટકા), બજાજ ફિનસર્વ (૨.૭૫ ટકા), એસબીઆઇ લાઇફ (૨.૭૧ ટકા), એચડીએફસી લાઇફ (૨.૧૩ ટકા) અને મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર (૨.૦૪ ટકા) મુખ્ય વધેલા સ્ટૉક્સ હતા. ઘટેલા મુખ્ય સ્ટૉક્સ આઇશર મોટર્સ (૨.૨૦ ટકા), ભારતી ઍરટેલ (૧.૬૪ ટકા), એચડીએફસી બૅન્ક (૧.૨૪ ટકા), તાતા સ્ટીલ (૧.૧૩ ટકા) અને બ્રિટાનિયા (૧.૦૫ ટકા) હતા.

મિડ કૅપ અને સ્મૉલ કૅપમાંથી ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, વ્હર્લપુલ, પૅજ ઇન્ડસ્ટ્રીઝ, ડિક્સન ટેક, એચઈજી ઇન્ફ્રા અને ગ્રેફાઇટ ઇન્ડિયા ૫-૮ ટકાની રૅન્જમાં વધ્યા હતા, જ્યારે ફ્યુચર રિટેલમાં સતત બીજા દિવસે ઘટાડો ચાલુ રહેતાં સ્ટૉક ૪.૦૪ ટકા ઘટીને ૭૭.૨૫ બંધ રહ્યો હતો.

૧૪૬૫ શૅર વધ્યા અને ૧૪૯૯ ઘટ્યા તેના પરથી વિશ્લેષકો કહે છે કે માર્કેટ બ્રેડ્થ ઘટાડાતરફી હતી. ટર્નઓવરની દૃષ્ટિએ એક્સિસ બૅન્ક, તાતા મોટર્સ, તાતા સ્ટીલ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનૅન્સ, રિલાયન્સ, સ્ટેટ બૅન્ક, સ્ટીલ ઑથોરિટી, એશિયન પેઇન્ટ, મુથૂટ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, મધરસનસુમી, આઇડિયા, ભારતી ઍરટેલ મોખરે હતા.

ડેરિવેટિવ્ઝ રિપોર્ટ

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં બુધવારે કુલ ૨,૮૬,૪૧૬.૮૫ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૫૯,૫૫૩ સોદાઓમાં ૨૩,૬૦,૯૦૬ કૉન્ટ્રૅક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૭,૮૦,૦૮૧ કૉન્ટ્રૅક્ટસના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટસમાં ૧૧.૯૨ કરોડના ૭૦ સોદામાં ૧૦૧ કૉન્ટ્રૅક્ટસનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કૉલ ઑપ્શનના ટ્રેડ થયેલા ૪૮,૦૩૮ સોદામાં ૨૦,૨૦,૯૪૯ કૉન્ટ્રૅક્ટસ સાથે ૨,૫૧,૯૪૭.૦૭ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઑપ્શનના ટ્રેડ ૧૧,૪૪૫ સોદામાં ૩,૩૯,૮૫૬ કૉન્ટ્રૅક્ટ સાથે ૩૪,૪૫૭.૮૫ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.

ટેક્નિકલ દૃષ્ટિએ

નિફ્ટીમાં દોજી કૅન્ડલ રચાઈ છે. દૈનિક ચાર્ટ પર ઉપલી અને નીચલી સપાટી નીચે જઈ રહી છે. બજાર હાલ સામસામા રાહે અથડાઈ રહ્યું છે. આગામી કેટલાંક સત્રોમાં નિફ્ટીમાં ૧૫,૨૭૦ની સપાટી મહત્ત્વપૂર્ણ બની રહેશે. જો નિફ્ટી ૧૫,૦૪૫ની નીચે જશે તો ૧૪,૮૮૦ સુધીનું કરેક્શન આવવાની સંભાવના નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ અને મૂવિંગ ઍવરેજ કન્વર્જન્સ ડાઇવર્જન્સ જેવા સંકેતો દર્શાવે છે કે તેજી હાલપૂરતું પોરો ખાશે. ઑપ્શન ટ્રેડિંગમાં મહત્તમ પુટનાં ઊભાં ઓળિયાં પહેલાં ૧૪,૦૦૦ અને પછી ૧૩,૫૦૦ની સ્ટ્રાઇક પર, જ્યારે મહત્તમ કૉલનાં ઊભાં ઓળિયાં ૧૬,૦૦૦ અને ૧૫,૫૦૦ની સ્ટ્રાઇક પર છે. પુટ રાઇટિંગ ૧૪,૩૦૦ની અને ૧૪,૧૦૦ની સ્ટ્રાઇક પર તથા કૉલ રાઇટિંગ ૧૬,૦૦૦ અને ૧૫,૯૦૦ની સ્ટ્રાઇક પર હતાં.

વૈશ્વિક વહેણ

મંગળવારે નૅસ્ડૅકમાં ૦.૧૪ ટકાનો મામૂલી સુધારો થયો હતો તથા બુધવારે એફટીએસઈની વૃદ્ધિ સેન્સેક્સનીજેમ માત્ર ૦.૦૪ ટકા રહી હતી. ભારતને દિશા આપનારો એસજીએક્સ નિફ્ટી ઇન્ડેક્સ પણ માત્ર ૦.૦૮ ટકા વધ્યો હતો. એશિયન બજારોમાં હૅન્ગસૅન્ગમાં ૧.૯૧ ટકાની અને શાંઘાઇ કમ્પોઝિટમાં ૧.૪૩ ટકાની નોંધનીય વૃદ્ધિ થઈ હતી.

બજાર કેવું રહેશે?

આખલાઓ નવું ટ્રિગર શોધી રહ્યાં છે અને રીંછ પોતાનું જોર અજમાવવાની કોશિશ કરી રહ્યા છે તેથી હાલ બજાર દિશાવિહોણી સ્થિતિમાં છે. મધ્યમ ગાળામાં ટ્રેન્ડ સકારાત્મક હોવા છતાં નજીકના ગાળામાં કરેક્શનની શક્યતા છે.

Whatsapp-channel Whatsapp-channel

11 February, 2021 09:45 AM IST | Mumbai | Stock Talk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK