Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સ્થાનિક અને વિદેશી ફન્ડ્સનું શૅરબજારમાં પ્રોફિટ બુકિંગ

સ્થાનિક અને વિદેશી ફન્ડ્સનું શૅરબજારમાં પ્રોફિટ બુકિંગ

14 April, 2020 09:13 AM IST | Mumbai
Stock Talk

સ્થાનિક અને વિદેશી ફન્ડ્સનું શૅરબજારમાં પ્રોફિટ બુકિંગ

શૅર બજાર

શૅર બજાર


ભારતમાં કોરોના વાઇરસના કારણે લૉકડાઉન લંબાશે એવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. તામિલનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ઓડિશાએ તો તા. ૩૦ એપ્રિલ સુધી લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે. આ સ્થિતિમાં ભારતનો આર્થિક વિકાસ વધારે નબળો પડશે એવી ચિંતા શૅરબજારમાં સોમવારે જોવા મળી હતી. આ ઉપરાંત બૅન્કિંગ અને ઑટોમાં પણ વેચવાલી હતી. ઑટોમાં માર્ચ મહિનાનું વેચાણ બે દાયકામાં સૌથી નીચે હોવાનું આજે જાહેર થયા બાદ એપ્રિલ મહિનામાં તેના કરતાં પણ વધારે નુકસાન થશે એવી દહેશતથી બજારમાં આજે સંસ્થાઓએ નફો બાંધ્યો હતો. ગત સપ્તાહમાં ભારતીય બજારો ૧૩ ટકા જેટલા વધ્યા હતા એટલે ઊંચા મથાળે વેચવાલી પણ સ્વાભાવિક હતી. આજે વિદેશી સંસ્થાઓએ ૧૨૪૪ કરોડ અને સ્થાનિક સંસ્થાઓએ ૧૦૯૭ કરોડ રૂપિયાના શૅર વેચ્યા હતા જેના દબાણથી બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

આજે સેન્સેક્સ ૪૬૯.૬૦ પૉઇન્ટ કે ૧.૫૧ ટકા ઘટી ૩૦૬૯૦.૦૨ અને નિફ્ટી ૧૧૮.૦૫ પૉઇન્ટ કે ૧.૩૦ ટકા ઘટી ૮૯૯૩.૮૫ની સપાટીએ બંધ આવ્યા હતા. ઘટાડાની દૃષ્ટિએ સેન્સેક્સ કંપનીઓમાં બજાજ ફાઇનૅન્સ, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર, હીરો મોટોકોર્પ, આઇસીઆઇસીઆઇ બૅન્ક અને ટેક મહિન્દ્ર સૌથી વધુ ઘટ્યા હતા જ્યારે લાર્સન એન્ડ ટુબ્રો, ભારતી એરટેલ, ઇન્ડસઇન્ડ બૅન્ક અને અલ્ટ્રાટેક સિમેન્ટ વધ્યા હતા. ઇન્ડેક્સમાં ઘટાડા માટે મોટા શૅરોમાં એચડીએફસી, એચડીએફસી બૅન્ક, રિલાયન્સ અને આઇસીઆઇસીઆઇ બૅન્કનો ફાળો સૌથી વધુ હતો.



નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ઉપર આજે રીઅલ એસ્ટેટ, ઑટો, ખાનગી બૅન્કો, ફાઇનૅન્સિયલ સર્વિક્સ ઘટ્યા હતા જ્યારે ફાર્મા અને મેટલ્સ વધીને બંધ આવ્યા હતા. એક્સચેન્જ ઉપર ૧૮ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૩૫ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા.


બીએસઈ ઉપર ૩૧ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૧૨૬ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૩૮૮ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૨૩૭માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૪૬  ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૯૩ ટકા ઘટ્યા હતા. સોમવારે બૉમ્બે એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન ૧,૦૫,૦૧૭૪ કરોડ ઘટી  ૧૧૯.૭૬ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

ત્રણ દિવસની ખરીદી બાદ ઑટોમાં નફો બુક થયો


ગત સપ્તાહમાં ત્રણ દિવસમાં ઑટો કંપનીઓના શૅરમાં ૨૦ ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો ત્યારે આજે સોમવારે ઑટો ઇન્ડેક્સ ૨.૪૫ ટકા ઘટીને બંધ આવ્યો હતો. ઊંચા મથાળે ગ્રાહકોઅે નફો બાંધ્યો હતો. એવી ધારણા છે કે માર્ચ મહિનામાં નબળા વેચાણ બાદ હવે આખો એપ્રિલ મહિનો પણ લૉકડાઉન રહેશે જેના કારણે કંપનીઓનાં વેચાણ ઉપર ભારે અસર પડી શકે છે. બીજું, કોરોનાના કારણે સંભવિત આર્થિક મંદીના કારણે વાહનોની માગ લાંબા સમય સુધી નબળી રહે તેવી શક્યતા છે. નિફ્ટી ઑટોની ૧૫ કંપનીઓમાંથી માત્ર અશોક લેલૅન્ડ વધી હતી. આજે ઘટેલ શૅરોમાં ટીવીએસ મોટર્સ ૫ ટકા ઘટી ૨૯૦.૫૦, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૪.૯૯ ટકા ઘટી ૩૬૨.૩૫, એમઆરએફ ૪.૮૬ ટકા ઘટી ૫૭,૧૦૩, એપોલો ટાયર્સ ૪.૫૧ ટકા ઘટી ૮૫.૭૫, તાતા મોટર્સ ૦.૧૩ ટકા ઘટી ૭૪.૫૦, મારુતિ સુઝુકી ૧.૦૬ ટકા ઘટી ૫૨૭૦, બજાજ ઑટો ૧.૪૭ ટકા ઘટી ૨૪૦૦.૦૫, બોશ લિમિટેડ ૧.૮૭ ટકા ઘટી ૧૦,૦૧૫, આઇશર મોટર્સ ૨.૪૯ ટકા ઘટી ૧૩,૪૦૦, ભારત ફોર્જ ૩.૦૭ ટકા ઘટી ૨૩૮, હીરો મોટોકોર્પ ૩.૫૪ ટકા ઘટી ૧૯૨૦.૫૦ અને મધરસન સુમી ૪.૪૭ ટકા ઘટી ૬૩.૧૦ રૂપિયા બંધ આવ્યા હતા.

ફાર્મામાં અવિરત ખરીદીની તેજી

નિફ્ટી ફાર્મામાં ચાર દિવસમાં ઇન્ડેક્સમાં ૨૪ ટકાની વૃદ્ધિ પછી આજે પણ ૨.૭૭ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. કોરોના વાઇરસના કારણે ભારતીય ઉત્પાદકોની વિવિધ દવાઓની વિશ્વભરમાં માગ છે અને આ સ્થિતિમાં પણ આરોગ્ય પાછળ ખર્ચ ચાલુ રહેશે એવી ધારણાએ ફાર્મા કંપનીઓમાં ખરીદી જોવા મળી રહી છે. આજે ગ્લેનમાર્ક ૨૪.૧૯ ટકા વધી ૩૦૭.૫૫, ઓરોબિંદો ફાર્મા ૧૦.૨૨ ટકા વધી ૫૦૭.૨૫, લુપીન ૪.૪૧ ટકા વધી ૮૨૫  ડૉ. રેડ્ડીઝ ૩.૮૨ ટકા વધી ૩૭૫૯.૯૦, બાયોકોન ૨.૪૬ ટકા વધી ૩૪૧.૯૫, સિપ્લા ૨.૩૫ ટકા વધી ૫૯૩.૨૦, સન ફાર્મા ૧.૮૮ ટકા વધી ૪૬૩, ડીવીઝ લેબ ૧.૭૭ ટકા વધી ૨૩૫૧.૯૦, કેડીલા હેલ્થ ૦.૮૩ ટકા વધી ૩૫૪ રૂપિયા બંધ આવ્યા હતા.

એસબીઆઇ કાર્ડ્સમાં ત્રીજા ભાગનું મૂલ્ય સાફ

લિસ્ટિંગ થયાને હજી એક મહિનો પૂર્ણ નથી થયો ત્યારે દેશની સૌથી મોટી બૅન્કની પેટા કંપની એસબીઆઇ કાર્ડના શૅરમાં રોકાણકારોએ એલોટમેન્ટ ભાવ સામે ત્રીજા ભાગનું મૂલ્ય ગુમાવવાનો વારો આવી ગયો છે. તા. ૧૬ માર્ચના રોજ કંપનીના શૅર ઇશ્યુ પ્રાઈસ ૭૫૫ રૂપિયા સામે ૧૨ ટકાના ઘટાડા સાથે લિસ્ટ થયા હતા, પછી કોરોના વાઇરસના કારણે આવેલી વેચવાલીમાં તે સતત ઘટી રહ્યા છે. બીજી તરફ શૅરબજારમાં ગત સપ્તાહે ઉછાળો જોવા મળ્યો હોવા છતાં આ કંપનીના શૅર ઘટી જ રહ્યા છે. ક્રેડિટ કાર્ડનો બિઝનેસ ચલાવતી આ કંપનીની આવક અને નફો બન્ને લૉકડાઉનના કારણે ઘટી શકે છે એવી ચિંતા વચ્ચે હવે દેશમાં લૉકડાઉન વધુ બે સપ્તાહ લંબાશે એવી ચર્ચા થઈ રહી હોવાથી શૅર આજે વધુ ઘટ્યા હતા. આજે શૅર એક તબક્કે ઘટી ૫૦૧.૨૫ થઈ દિવસના અંતે આગલા બંધથી ૧૫ ટકા ઘટી ૫૦૫.૬૦ના સ્તરે બંધ આવ્યા હતા. ઇશ્યુ પ્રાઈસ સામે શૅર આજના બંધ ભાવે ૩૩ ટકા ઘટી ગયા છે.

અન્ય શૅરોમાં વધઘટ

મીડિયા કંપની ઝી એન્ટરટેઇનમેન્ટના શૅર ૮.૫૭ ટકા ઘટી ૧૩૭.૧૦ રૂપિયા બંધ આવ્યા હતા. કંપનીએ ટેક્નૉલૉજી સ્ટાર્ટઅપમાં ૫૨૨ કરોડના રોકાણની જાહેરાત કરી હતી. કંપની અને જૂથ ઉપર દેવું વધી રહ્યું છે ત્યારે નવા રોકાણની જાહેરાતથી બજારમાં ચિંતા હતી.

કેટલીક કંપનીઓએ માર્ચ ક્વૉર્ટરમાં પોતાની બિઝનેસ અપડેટ જાહેર કરી હતી. બંધન બૅન્કના શૅર આજે ૦.૩૬ ટકા વધ્યા હતા. બૅન્કનું ધિરાણ ૧૦ ટકા અને ડિપોઝિટ ૪ ટકા વધી હતી. કન્ઝ્યુમર વેચાણમાં નબળું ક્વૉર્ટર રહ્યું હોવાની જાહેરાત બાદ આજે ગોદરેજ કન્ઝ્યુમરના શૅર ૬.૩૮ ટકા ઘટી ગયા હતા. ડી-માર્ટના માલિક એવેન્યુ સુપર માર્કેટના શૅર આજે મંદીની સર્કિટ સાથે ૨૨૮૭.૯૦ રૂપિયા બંધ આવ્યા હતા. કંપનીએ જાહેરાત કરી હતી કે તેના ૫૦ ટકા સ્ટોર અત્યારે બંધ છે. કેન્દ્ર સરકારના ડીઆરડીઓ સાથે પોર્ટેબલ વેન્ટિલેટર બનાવવા માટે કરાર કરનાર આઇટીઆઇના શૅર આજે ૨૦ ટકા તેજીની સર્કિટ સાથે બંધ રહ્યા હતા.

માર્ચમાં વાહનોનું વેચાણ ઇતિહાસમાં સૌથી ખરાબ

કોરોના વાઇરસના કારણે માર્ચ મહિનામાં લૉકડાઉનની અસરોના કારણે દેશના માર્ચ મહિનામાં સૌથી ખરાબ વાહનોનું વેચાણ નોંધાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કુલ ૨૧ દિવસના લૉકડાઉનમાં માત્ર ૭ દિવસ જ માર્ચમાં હતા. આ અગાઉ રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ રીતે પ્રાદેશિક રીતે વિવિધ પ્રકારના નિયંત્રણ જાહેર કરવામાં આવ્યા હતા. હજુ તા.૩૦ એપ્રિલ સુધી લૉકડાઉન ચાલુ રહે તેવી શક્યતા છે, કેટલાંક રાજ્યોએ જાહેરાત પણ કરી છે એટલે એપ્રિલમાં પણ વાહનોનું વેચાણ લગભગ શૂન્ય રહે એવી શક્યતા છે.

ભારતમાં પેસેન્જર વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે ૫૧ ટકા ઘટી ૧.૪૩ લાખ વાહનોનું રહ્યું હતું જે ૧૯૯૭-૯૮માં સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચરર્સ દ્વારા ડેટા એકત્ર કરવામાં આવ્યો પછીનું સૌથી ઓછું વેચાણ છે. દેશમાં મોટરકારનું વેચાણ ૫૨.૧૨ ટકા ઘટી ૮૫,૨૨૯ રહ્યું હતું જ્યારે યુટિલિટી વ્હીકલનું વેચાણ ૪૪.૬ ટકા ઘટી ૫૧,૫૬૯ રહ્યું હતું. કમર્શિયલ વાહનોનું વેચાણ ૮૮.૦૫ ટકા ઘટી માત્ર ૧૩,૦૨૭ રહ્યું હતું. 

Whatsapp-channel Whatsapp-channel

14 April, 2020 09:13 AM IST | Mumbai | Stock Talk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK