સમાચાર અને સેન્ટિમેન્ટને આધારે રાસ લઈ રહેલું શૅરબજાર

Published: 3rd October, 2011 18:29 IST

વાસ્તવિક ઘટનાઓ કરતાં સમાચારો-સેન્ટિમેન્ટની વધુ અસરને લીધે બજારમાં વોલેટિલિટી ચાલુ છે અને રહેશે. આપણે ગયા સોમવારે જ વાત કરી હતી કે શૅરબજાર વાસ્તવિક ઘટના કરતાં સમાચારોને કારણે વધુ રીઍક્શન આપી રહ્યું છે.

 

શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

હજી થોડા જ દિવસ પહેલાં, ટુ બી સ્પેસિફિક એક સપ્તાહ પૂર્વે અમેરિકાની ક્રાઇસિસને નામે બજાર એક જ દિવસમાં ૭૦૦ પૉઇન્ટ તૂટી ગયું હતું અને ગ્રીસ સહિત યુરોપનાં તથા એશિયાનાં તમામ બજારો જેને નવી ક્રાઇસિસ તરીકે જોવા લાગ્યાં હતાં એ વીતેલા સપ્તાહમાં સોમવાર બાદ ફરી સુધારો શરૂ થઈ ગયો હતો જેમાં સપ્તાહ દરમ્યાન મહદંશે સુધારો જળવાઈ રહ્યો હતો. સવાલ એ છે કે શું ક્રાઇસિસ પૂરી થઈ ગઈ? હળવી થઈ ગઈ? નહીં, તો પછી શું થયું? બસ, આ જ બાબત સમજવાની જરૂર છે. સમાચારોને સાંભળો-વાંચો, એની ચર્ચા કરો; કિંતુ એના પ્રવાહમાં તણાઈ જાઓ નહીં. શૅરબજારમાં હાલ જે પણ ઊથલપાથલ છે એ સમાચારો અને એના આધારે રચાતા સેન્ટિમેન્ટની અસરોથી છે અને સમાચારો તથા વાસ્તવિકતામાં ક્યાંય ફરક પણ હોઈ શકે છે, જ્યારે સેન્ટિમેન્ટ તો સમાચાર સાથે પલટો મારી શકે છે.

ગ્લોબલ પરિબળોના તાલે બજારમાં લેવાતો રસ ભારતીય શૅરબજાર હાલ સતત ગ્લોબલ પરિબળોના તાલે રાસ લઈ રહ્યું હોવાનું જોવાય છે અર્થાત્ જ્યાં સુધી અમેરિકન, યુરોપના દેશોની ઇકોનૉમીમાં ક્રાઇસિસ કે મોટી ઊથલપાથલ ચાલે રાખશે ત્યાં સુધી અહીં પણ સ્થિરતા સ્થપાવી મુશ્કેલ છે. અલબત્ત, આ દેશોમાં રિકવરી શરૂ થશે કે ક્રાઇસિસ ઓછી થશે ત્યારે આપણી બજારને પણ નવું જોમ મળી શકે છે. જોકે નવરાત્રિ નવ દિવસની હોય છે, પણ ગ્લોબલ ક્રાઇસિસના દિવસોની હાલ તો કોઈ સીમા દેખાતી નથી જેનું કારણ અનેક પરિબળો છે. આવા સમયમાં રોકાણકારો માત્ર લાંબા ગાળાના વ્યૂહ સાથે જ આગળ વધે એમાં શાણપણ છે. આ વ્યૂહમાં દર મોટા ઘટાડામાં ખરીદી જરૂરી બને છે. એકસાથે ખરીદી કરવાને બદલે તબક્કાવાર ખરીદી સારી રહેશે. અને હા, સારી, પરંતુ બહુ જ ઘટી ગયેલી કંપનીના શૅરો પર ખાસ ધ્યાન આપવું જોઈશે.

અમુક ભાવો ક્યારેય પાછા ફરતા નથી

ઘણી વાર એવું બને છે કે તેજી સમયે કે ઊંચી બજાર સમયે આપણે કેટલાક સારા-મજબૂત શૅરો વધુ ઊંચે જવાની આશાએ ખરીદી લઈએ છીએ, પણ જ્યારે બજાર ટર્ન લઈ લે કે વધતું અટકી જાય તો એ ભાવ પાછા ફરે કે નહીં એ કહી શકાતું નથી અથવા કેટલા સમયમાં પાછા એ જ ઊંચાઈએ આવે એ પણ નિશ્ચિત હોતું નથી જેના ઉદાહરણ રૂપે હાલ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનો શૅર સૌની નજર સામે છે. આમાં તમે લાર્સન કે તાતા સ્ટીલ સહિત અનેક લગડી શૅરનાં નામો મૂકી શકો જે તમામ કંપનીઓ પણ લગડી છે. પરંતુ હવે આમાંથી કઈ કંપનીના શૅર ક્યારે અને એ જ હાઈ લેવલે પાછા ફરશે એ કહી શકાય નહીં. આવા શૅરો માટે બે જ ઉપાય હોય છે - કાં તો એના નીચા ભાવે આ શૅરો જમા કરી ઍવરેજ કરતા રહો અથવા જે છે એને પકડી રાખી સમયની રાહ જુઓ. શૅર મજબૂત છે તો પાછો ફરશે ખરો, સમયની ખાતરી કોઈ આપી શકે નહીં. યાદ રહે, અમુક કિસ્સામાં આવો શૅર સારો હાવો છતાં પોતાના એ ટૉપ લેવલ પર ક્યારેય અથવા વરસો સુધી પાછો ન પણ આવે. ત્યારે એ શૅરને તેજી સમયે આપણે વધુપડતો ઊંચો ભાવ આપી દીધો એમ માની લેવું પડે અને જે ગુમાવ્યું હોય એને અનુભવની ચૂકવેલી ફી ગણવી પડે.

૮૦૦૦ ઇન્ડેક્સ સમયના ભાવોવાળા શૅરો

વરસ ૨૦૦૮ની લેહમેન બ્રધર્સની કટોકટી જગજાહેર છે. ખાસ કરીને આપણું શૅરબજાર તો એને લાંબો સમય સુધી નહીં ભૂલે, કેમ કે એ સમયે સેન્સેક્સ એના છેલ્લા ૩૦ મહિનાની નિમ્નતમ સપાટીએ ગયો હતો. હા, ૮૦૦૦ આસપાસ. ટુ બી સ્પેસિફિક, માર્ચ ૨૦૦૯માં ૮૧૬૦ના લેવલે સેન્સેક્સ પહોંચી ગયો હતો. અર્થાત્ વિચારી લો કે વિવિધ શૅરોના ભાવો કેવા હશે. આ હકીકત પ્રત્યે અહીં અત્યારે ધ્યાન દોરવાનું કારણ એ કે અત્યારે આવા કેટલાય સારા-ફન્ડામેન્ટલી મજબૂત કહી શકાય એવા એ ગ્રુપના શૅરો લેહમેન બ્રધર્સના ભોપાળા પછીના સમયમાં માર્ચ ૨૦૦૯ની નીચલી સપાટીએ છે. આવા શૅરોમાં એનટીપીસી, ભેલ, રેણુકા શુગર્સ, તાતા પાવર, કેઇર્ન ઇન્ડિયા, ટૉરન્ટ પાવર, ડૉ. રેડીઝ લૅબ, પાવર ગ્રીડ, મારુતિ સુઝુકી, પાવર ફાઇનૅન્સ વગેરેનો સમાવેશ થાય છે. સમજો તો ઇશારા કાફી, આ પ્રકારના શૅરો હાલ લાંબા ગાળાની ખરીદી માટે વિચારી શકાય. આવા જ બીજા શૅરો પણ શોધી શકાય જેના ફન્ડામેન્ટલ્સ મજબૂત છે, કિંતુ બજારના સેન્ટિમેન્ટને લીધે એ તૂટ્યા છે.

સોના-ચાંદીના ટ્રેન્ડને સમજો

શૅરબજારમાં તો વધઘટ કે વોલેટિલિટી છે જ, પરંતુ ગયા સપ્તાહમાં સોના-ચાંદીમાં પણ જબરદસ્ત વધઘટ જોવા મળી; કારણ કે આ બન્ને ધાતુમાં કરેક્શન પાકી ગયું હતું. ઇક્વિટીથી દાઝેલા રોકાણકારો સોના-ચાંદી તરફ વળવા લાગ્યા હતા. સેફ હેવનને નામે સામાન્ય વર્ગ સહિત દુનિયાભરની બૅન્કો પણ સોનું જમા કરતી થઈ હતી. બીજી બાજુ સોના-ચાંદીએ સટ્ટાનું જોર પણ પકડી લીધું હતું. સટ્ટો પ્રવેશતાં જ એની પડતીનાં એંધાણ મળવા લાગ્યાં હતાં જે સામે આવી ગયું. કોઈ પણ ઍસેટના ભાવોની વધુપડતી ઊંચાઈના કિસ્સામાં એક સામાન્ય લૉજિક કાયમ લાગુ થઈ શકે, જ્યારે પણ કોઈ વસ્તુનો ભાવ પહોંચની સાવ જ બહાર થઈ જાય ત્યારે અને જ્યારે બધાને જ કોઈ વસ્તુ ખરીદવી હોય ત્યારે સમજી લેવું કે આ વસ્તુનો ભાવ ઘટવાનો અથવા તૂટવાનો સમય સાવ નજીક આવી ગયો છે. ઇન શૉર્ટ, તેજીમાં જ્યારે અતિરેક લાગવા માંડે ત્યારે આપણો વેચવાનો સમય પાકી ગયો છે એમ સ્માર્ટ ઇન્વેસ્ટરો ગણી લેતા હોય છે. પણ હા, આને કારણે એ વસ્તુ ખોટી થઈ જતી નથી, કિંતુ આ વસ્તુ પછીથી નોંધપાત્ર ઘટાડા બાદ ખરીદવા લાયક બની જાય છે. શૅર ઉપરાંત સોના-ચાંદી બન્નેને આ લાગુ થાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK