બજેટ બાદનાં છ સળંગ સત્રમાં શૅરબજારમાં લગભગ ૧૧ ટકાની વૃદ્ધિ થઈ

Published: 9th February, 2021 12:52 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

નિફ્ટી ૧૫,૦૦૦ની મહત્ત્વપૂર્ણ સપાટી ઓળંગી ગયો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

શૅરબજારમાં બજેટ પહેલાંનાં છ સત્રમાં થયેલો ઘટાડો બજેટ બાદનાં છ સત્રમાં ધોવાઈ જવા ઉપરાંત સાર્વત્રિક ખરીદદારીને પગલે બજાર કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે. સેન્સેક્સની ૫૦,૦૦૦ની મહત્ત્વપૂર્ણ સપાટી પછી હવે નિફ્ટી ૧૫,૦૦૦નું સ્તર કુદાવી ગયો છે. બજેટમાં સરકારે મૂડીગત ખર્ચમાં વધારો કરવાનું જાહેર કર્યા બાદ ઇન્ડેક્સ લગભગ ૧૧ ટકા વધ્યા છે.

સોમવારે એફએમસીજી સિવાયનાં તમામ ક્ષેત્રોમાં ખરીદદારીનું ચલણ રહ્યું હતું. અમેરિકામાં આર્થિક પૅકેજની બાબતે આશાઓ બંધાઈ છે તથા વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ લેવાલી ચાલુ રાખી છે. એ સાનુકૂળ પરિબળોને લીધે સોમવારે એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સ ૬૧૭.૧૪ (૧.૨૨ ટકા) વધીને ૫૧,૩૪૮.૭૭ અને નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ ૧૯૧.૫૫ પૉઇન્ટ (૧.૨૮ ટકા)ની વૃદ્ધિ સાથે ૧૫,૧૧૫.૮૦ની નવી સપાટીએ પહોંચ્યા હતા. બીએસઈનું માર્કેટ કૅપ ૨૦૦.૩૩ લાખ કરોડ રૂપિયામાં ૨.૪૯ લાખ કરોડનો વધારો કરીને ૨૦૨.૮૨ લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું હતું.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ સોમવારે કૅશ સેગમેન્ટમાં નેટ ૧૮૭૬.૬૦ કરોડ રૂપિયાની ખરીદી કરી હતી.

સાર્વત્રિક ખરીદદારી

રોકાણકારોએ ઊપલી સપાટીએ પણ સકારાત્મક વલણ અપનાવ્યું હોવાથી સોમવારે બજાર ગૅપ સાથે ખૂલ્યું હતું. નિફ્ટી સહેલાઈથી ૧૫,૦૦૦ની સપાટી વટાવી ગયો હતો. દિવસની શરૂઆતમાં બૅન્કિંગ ઇન્ડેક્સ ઉપર રહ્યો હતો અને જેમ-જેમ સમય વીતતો ગયો તેમ-તેમ ઑટો, આઇટી અને મેટલ્સમાં ખરીદદારી જામી હતી. સેન્સેક્સમાં મોટું વેઇટેજ ધરાવતા ઇન્ફોસિસ (૨.૫૨ ટકા), રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૧.૪૩ ટકા), આઇસીઆઇસીઆઇ બૅન્ક (૨.૪૩ ટકા), મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા (૭.૨૩ ટકા) અને તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (૧.૮૧ ટકા)માં થયેલી વૃદ્ધિનું જોર રહ્યું હતું. એને પગલે દિવસની એકંદર વૃદ્ધિમાં આશરે ૪૦૮ પૉઇન્ટ હિસ્સો હતો. વધેલા અન્ય સ્ટૉક્સમાં ભારતી ઍરટેલ (૨.૭૭ ટકા), પાવરગ્રિડ (૨.૬૧ ટકા), ટેક મહિન્દ્રા (૨.૩૭ ટકા), લાર્સન ઍન્ડ ટુબ્રો (૨.૩૫ ટકા), ઍક્સિસ બૅન્ક (૨.૩૧ ટકા), ઓએનજીસી (૨.૧૦ ટકા) અને ટાઇટન (૧.૮૧ ટકા) મુખ્ય હતા. સેન્સેક્સના ૫ સ્ટૉક્સ ઘટ્યા હતા, જેમાં સન

ફાર્મા (૦.૦૨ ટકા), આઇટીસી (૦.૪૯ ટકા), બજાજ ફાઇનૅન્સ (૦.૭૦ ટકા), કોટક બૅન્ક (૧.૩૨ ટકા) અને હિન્દુસ્તાન યુનીલિવર (૧.૪૩ ટકા) સામેલ હતા.

સેન્સેક્સમાં ઇન્ટ્રા-ડે ધોરણે

૭૯૨ પૉઇન્ટની વૃદ્ધિ થઈ

નોંધનીય છે કે સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ધોરણે ૭૯૨ પૉઇન્ટની વૃદ્ધિ કરીને ૫૧,૫૨૩.૩૮ની સપાટીએ પહોંચી ગયો હતો. નિફ્ટીમાં ૪૦ શૅર વધ્યા હતા, જેમાં મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા (૭.૩૯ ટકા), તાતા મોટર્સ (૬.૫૪ ટકા), હિન્દાલ્કો (૬.૧૨ ટકા), શ્રીસિમેન્ટ (૪.૬૨ ટકા) અને જેએસડબ્લ્યુ સ્ટીલ (૩.૩૯ ટકા)નો સમાવેશ થતો હતો. ૧૦ ઘટેલા શૅરોમાં બ્રિટાનિયા (૧.૮૩ ટકા), કોટક બૅન્ક (૧.૩૮ ટકા), દિવિસ લૅબ (૧.૦૩ ટકા) અને બજાજ ફાઇનૅન્સ (૦.૭૭ ટકા) સામેલ હતા.

નિફ્ટી મેટલમાં ૩.૧૭ ટકાની તેજી

નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ (૧.૦૪ ટકા) અને નિફ્ટી એફએમસીજી (૦.૫૫ ટકા)એ ફક્ત બે સેક્ટોરલ ઇન્ડેક્સ ઘટ્યા હતા. નિફ્ટી મેટલ (૩.૧૭ ટકા), નિફ્ટી ઑટો (૩.૧૪ ટકા), નિફ્ટી આઇટી (૨.૩૧ ટકા), નિફ્ટી રિયાલ્ટી (૨.૦૧ ટકા) અને નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ ૨૫/૫૦ (૧.૧૪ ટકા) ટોચના વધેલા ઇન્ડેક્સ હતા.

બીએસઈ પર બ્રૉડ બેઝ્ડ ઇન્ડાઇસિસમાં બીએસઈ સેન્સેક્સ-૫૦ ઇન્ડેક્સ ૧.૨૬ ટકા, બીએસઈ-૧૦૦ ઇન્ડેક્સ ૧.૩૧ ટકા, બીએસઈ મિડ કૅપ ૧.૫૦ ટકા, બીએસઈ સ્મૉલ કૅપ ૧.૫૩ ટકા, બીએસઈ-૨૦૦ ઇન્ડેક્સ ૧.૩૧ ટકા, બીએસઈ-૫૦૦ ઇન્ડેક્સ ૧.૩૪ ટકા, બીએસઈ ઑલ કૅપ ૧.૩૪ ટકા અને બીએસઈ લાર્જ કૅપ ૧.૨૮ ટકા વધ્યા હતા. બીએસઈ આઇપીઓ ઇન્ડેક્સ ૦.૯૯ ટકા વધ્યો હતો અને બીએસઈ એસએમઈ આઇપીઓ ૦.૪૯ ટકા ઘટ્યો હતો.

બીએસઈના ‘એ’ ગ્રુપમાં એસકેએફ ઇન્ડિયા, મેગ્મા ફિન, એનસીસી અને એમએમટીસી ૨૦-૨૦ ટકા વધ્યા હતા. ગ્રેફાઇટ ઇન્ડિયામાં ૧૭.૮૭ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.

ઇન્ડિયા વૉલેટિલિટી ઇન્ડેક્સ ૨.૩૦ ટકા વધીને ૨૩.૯૫ થયો હતો. બજાર હજી વધવા માટે આ ઇન્ડેક્સ ૨૧ની નીચે આવવો જરૂરી છે.

ડેરિવેટિવ્ઝ રિપોર્ટ

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સોમવારે કુલ ૨,૮૯,૯૩૮.૮૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૭૩,૯૨૫ સોદાઓમાં ૨૮,૪૧,૧૩૫ કોન્ટ્રેક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૬,૨૪,૯૦૦ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સમાં ૬.૭૬ કરોડ રૂપિયાના ૩૫ સોદામાં ૫૭ કોન્ટ્રેક્ટ્સનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કૉલ ઑપ્શનના ટ્રેડ થયેલા ૪૨૧ સોદામાં ૭૩૬૧ કોન્ટ્રેક્ટ સાથે ૯૧૦.૧૫ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઑપ્શનના ટ્રેડ ૭૩,૪૬૯ સોદામાં ૨૮,૩૩,૭૧૭ કોન્ટ્રેક્ટ સાથે ૨,૮૯,૦૨૧.૮૯ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.

વૈશ્વિક વહેણ

યુરોપિયન માર્કેટ્સમાં સોમવારે વૃદ્ધિ થઈ હતી. સ્ટૉક્સ-૬૦૦ ઇન્ડેક્સ ૦.૪૦ ટકા અને ફ્રેન્કફર્ટ શૅર ૦.૬ ટકા વધ્યા હતા. એશિયામાં જપાનનો નિક્કી લગભગ ૨ ટકા વધ્યો હતો. ચીનનો બ્લુચિપ સ્ટૉક્સનો સીએસઆઇ-૩૦૦ ઇન્ડેક્સ ૧.૩ ટકા વધ્યો હતો.

ટેક્નિકલ દૃષ્ટિએ

નિફ્ટીમાં દૈનિક ચાર્ટ પર ટૂંકી બુલિશ કૅન્ડલ રચાઈ છે. ઉપરમાં પહેલાં ૧૫,૨૫૦ અને પછી ૧૫,૫૦૦ના સ્તરે રેઝિસ્ટન્સ છે. નીચામાં ૧૫,૦૦૦ અને પછી ૧૪,૭૫૦નો સપોર્ટ છે. નિષ્ણાતોના મતે નિફ્ટી અપર બોલિન્જર બૅન્ડ પર પહોંચી ગયો છે. આ બૅન્ડ બજાર વધવાનો સંકેત આપે છે.

બજાર કેવું રહેશે?

વૈશ્વિક પરિબળો હાવી છે ત્યાં સુધી બજારમાં વૃદ્ધિ થતી રહેશે એવું જણાય છે. ટૂંકા ગાળા માટે તેજીનું વલણ યથાવત્‌ છે. વિશ્લેષકો ઘટાડે સ્ટૉક સ્પેસિફિક ખરીદી કરવાની સલાહ આપે છે. નિફ્ટીમાં તાત્કાલિક ૧૪,૯૬૦ના સ્તરે સપોર્ટ છે. સોમવારે ૧૭૨૧ સ્ટૉક્સ વધ્યા હતા અને ૧૩૧૩ ઘટ્યા હતા. આમ, માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ છે. ૩૪૧ સ્ટૉક્સ બાવન સપ્તાહની ટોચે પહોંચ્યા હતા. એમાંથી મોટા ભાગના સ્ટૉક્સ સ્મૉલ કૅપ હતા. આ બાબત પરથી જોઈ શકાય છે કે બજારમાં તમામ સેગમેન્ટ અને તમામ સેક્ટરમાં તેજી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK