મુરતને દીપાવવાની જવાબદારી રિઝર્વ બૅન્કની

Published: 25th October, 2011 18:57 IST

નાણાનીતિની પૂર્વસંધ્યાએ ગઈ કાલે શૅરબજાર ૧૫૩ પૉઇન્ટ વધીને ૧૬,૯૩૯ તથા નિફ્ટી ૪૮ પૉઇન્ટના સુધારામાં ૫૦૯૮ બંધ રહ્યા હતા. સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં ૧૭,૧૦૪ તથા નીચામાં ૧૬,૮૯૮ થયો હતો. એના ૩૦માંથી ૨૩ શૅર તથા બજારના ૨૧માંથી ૧૫ ઇન્ડેક્સ પ્લસમાં હતા. માર્કેટ કૅપ ૩૧,૦૦૦ કરોડ રૂપિયા વધીને ૬૦.૨૯ લાખ કરોડ રૂપિયા નજીક પહોંચ્યું હતું. માર્કેટ બ્રેડ્થની કમજોરી યથાવત્ છે. ૧૨૭૮ જાતો વધી હતી


(શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ)

તો ૧૫૨૭ શૅર નરમ હતા. એ ગ્રુપના ૫૪ ટકા શૅર ઊંચકાયા હતા. રોકડામાં આ રેશિયો આશરે ૪૪ ટકાનો હતો. ૧૬૭ શૅર તેજીની સર્કિટે બંધ હતા તો ૧૭૨ સ્ક્રિપ્સમાં મંદીની સર્કિટ લાગી હતી. આજે ડેરિવેટિવ્ઝનું સેટલમેન્ટ છે. રિઝર્વ બૅન્ક ધિરાણનીતિ કેવી આપે છે એના પર ઑક્ટોબર વલણની વિદાય તેમ જ દિવાળીના આવતી કાલના મુરતનો મદાર છે. ૦.૨૫ ટકાના વ્યાજદરમાં વધારા માટે માર્કેટ લગભગ તૈયાર છે એથી એની ખાસ મોટી ખરાબ અસર નહીં જોવા મળે, પરંતુ રિઝર્વ બૅન્ક ઉદાર બની તો મોટો ઉછાળો આવી શકે છે.

આઇટી, ઑટો ને ઑઇલ ઝળક્યા

સેન્સેક્સના ૦.૯ ટકાના વધારાની સામે આઇટી ઇન્ડેક્સ બે ટકા, ઑટો ઇન્ડેક્સ ૧.૯ ટકા તથા ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક ૧.૭ ટકા ઊંચકાયા હતા. તાતા મોટર્સે ૪.૪ ટકાના જમ્પ સાથે ૧૮૬ રૂપિયાનો બંધ આપી માર્કેટ આઉટપર્ફોર્મરની ભૂમિકા ભજવી હતી. ઓએનજીસી, ઍક્સિસ બૅન્ક, રિલાયન્સ પાવર, મુન્દ્રા ર્પોટ પણ ચાર ટકા જેવા પ્લસ હતા તો ટીસીએસ, હિન્દુસ્તાન યુનિલિવર, બજાજ ઑટો, ગ્રાસિમમાં ત્રણ ટકાની તેજી હતી. ખરાબ પરિણામોની પાછળ યુનિયન બૅન્ક સાડાઅગિયાર ટકા તૂટ્યો હતો. સેન્સેક્સના ઘટેલા સાત શૅરમાં ત્રણ ટકાથી વધુની નબળાઈ સાથે લાર્સન મોખરે હતો. સ્ટેટ બૅન્ક બે ટકા નરમ હતો. હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૩ ટકાની મજબૂતીમાં ૮૪૬ રૂપિયા બંધ હતો. બૅન્કેક્સ ૦.૪ ટકા કમજોર હતો. મિડ કૅપ, સ્મૉલ કૅપ, પીએસયુ અને આઇપીઓ ઇન્ડેક્સ નહીંવત્ ડાઉન હતા, જ્યારે કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સમાં ખાસ્સો ૧.૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ટેક્નૉલૉજી ઇન્ડેક્સને આઇટી શૅરોની હૂંફ મળી હોઈ એ ૧.૬ ટકા વધેલો હતો. એફએમસીજી બેન્ચમાર્ક ૧.૪ ટકા અને રિયલ્ટી ઇન્ડેક્સ એક ટકો પ્લસ હતા.

આજનાં કંપની પરિણામો

આજે જાહેર થનારાં કંપની પરિણામોની યાદીમાં ડૉ. રેડ્ડીઝ લૅબ, બાસ્ફ ઇન્ડિયા, એન્જિનિયર્સ ઇન્ડિયા, સેસાગોવા, કોટક મહિન્દ્ર બૅન્ક, એનટીપીસી, અલ્સ્ટોમ પ્રોજેક્ટ્સ, ઓરેકલ ફાઇનૅન્સ, જયશ્રી ટી, કલ્યાણી સ્ટીલ વગેરે સામેલ છે.

ચાઇનીઝ ડેટાથી બજારો મૂડમાં

ચાઇના ખાતે મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રના આંકડા ચાલુ મહિનામાં પૉઝિટિવ રહેવાનો સંકેત મળ્યો છે, જે સાચો ઠરે તો એ ચાર મહિનાની પ્રથમ ઘટના હશે. વધુમાં જપાન ખાતે પણ ગ્રોથ રેટ સારો રહેવાના અણસાર છે. યુરો-ઝોનની •ણકટોકટી માટે રેસ્ક્યુ ફન્ડસંબંંધી નેતાઓની બેઠક સાનુકૂળ રહી હોવાની ગણતરી છે. જોકે, સંપૂર્ણ વિગત ૨૬ ઑક્ટોબરે જાહેર થશે. આ બધાં કારણસર સોમવારે એશિયન શૅરબજારો બહુ સરસ મૂડમાં હતાં. હૉન્ગકૉન્ગ ચાર ટકા કે ૭૪૬ પૉઇન્ટના ઉછાળે ૧૮,૭૭૨ બંધ હતું. તાઇવાનીઝ ત્વેસી ઇન્ડેક્સ ત્રણ ટકા, સાઉથ કોરિયન કોસ્પી ઇન્ડેક્સ ૩.૨ ટકા, ચાઇના અને ઇન્ડોનેશિયા સવાબે ટકા, જપાન તથા સિંગાપોર બે ટકાની નજીક તો થાઇલૅન્ડનો સેટ ઇન્ડેક્સ પોણા ટકાથી વધુ પ્લસમાં હતો.

બજાજ ઑટો નવા શિખરે

વેચાણની તુલનામાં નફાવૃદ્ધિનો ઢીલો ગ્રોથ દર્શાવ્યા પછી ફ્યુચર ડિસ્કાઉન્ટ થતું હોય એવા રંગમાં બજાજ ઑટો ગઈ કાલે ૬૨ રૂપિયા કે પોણાચારેક ટકાના જમ્પમાં ૧૭૦૩ રૂપિયા નજીક નવા શિખરે ગયો હતો. આ ઉપરાંત બીએસઈ ખાતે ભાવની રીતે વીસેક શૅર ઑલટાઇમ હાઈ થયા હતા.

સામે એમટીએનએલ, દિશમાન ફાર્મા, થ્રી-આઇ ઇન્ફોટેક, ગ્રેટ ઑફશૉર, ઇન્ડિયાબુલ્સ રિયલ્ટી, વિશાલ રીટેલ્સ, ઇન્ડિયાબુલ્સ પાવર સહિત ૪૦ જાતો ઑલટાઇમ તળિયે ગઈ હતી.

ઝેનિથ ઇન્ફો મુશ્કેલીમાં

આઇટી સર્વિસ પ્રોવાઇડર કંપની ઝેનિથ ઇન્ફોટેક સામે ફૉરેન કરન્સી કન્વર્ટિબલ બૉન્ડહોલ્ડર્સ તરફથી ડિફૉલ્ટ મામલે મુંબઈ હાઈ ર્કોટમાં પિટિશન કરાયાના સમાચારે શૅર પાંચ ટકાની નીચલી સર્કિટે ૬૧.૮૦ રૂપિયા થયો હતો, જે એની વર્ષની બૉટમ છે. આ કાઉન્ટરનો ભાવ બાવન સપ્તાહ દરમ્યાન ઉપરમાં ૩૨૮ રૂપિયા થયેલો છે. કંપની પર ઉક્ત બોન્ડના રીપેમેન્ટ પેટે ૩૩૦ લાખ ડૉલરની જવાબદારી હતી, જે એણે ૨૧ સપ્ટેમ્બરના રોજ અદા કરવાની હતી. બોન્ડહોલ્ડર હેજ ફન્ડ ક્યુવિટી તરફથી કંપની સામે ડિફૉલ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શૅરદીઠ ૪૯ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળા વાસવાણી ઇન્ડસ્ટ્રીઝના આઇપીઓનું લિસ્ટિંગ કંગાળ નીવડ્યું છે. ભાવ ૩૩ રૂપિયા જેવો ખૂલી ક્ષણ માટે ઉપરમાં ૩૫ રૂપિયા બતાવી સતત ઘટતો-ઘટતો નીચામાં ૧૩ રૂપિયાના તળિયે ગયો હતો. છેલ્લે ૧૭ રૂપિયા આસપાસ બંધ હતો. મૂળ મે મહિનામાં આવેલા આ આઇપીઓનું લિસ્ટિંગ સેબી તરફથી અલોટમેન્ટની ગરબડના લીધે અટકાવાયું હતું. પાછળથી એનો મોક્ષ થયો હતો.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK