Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > દિવાળી છતાં બજાર બોનસના મૂડમાં નથી

દિવાળી છતાં બજાર બોનસના મૂડમાં નથી

22 October, 2011 06:41 PM IST |

દિવાળી છતાં બજાર બોનસના મૂડમાં નથી

દિવાળી છતાં બજાર બોનસના મૂડમાં નથી




(શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ)





સેન્સેક્સ છેલ્લે ૧૫૧ પૉઇન્ટના ઘટાડે ૧૭,૭૮૫ તથા નિફ્ટી ૪૨ પૉઇન્ટ ઘટીને ૫૦૫૦ની નીચે બંધ આવ્યા હતા. શૅરઆંક ગઈ કાલે ઉપરમાં ૧૭૦૩૨ તથા નીચામાં ૧૬૭૫૨ થયો હતો. સેન્સેક્સના ૩૦માંથી ૨૩ શૅર અને માર્કેટના ૨૧માંથી ૨૦ બેન્ચમાર્ક માઇનસમાં હતા. બજારનું માર્કેટ કૅપ ૪૪,૦૦૦ કરોડ રૂપિયા ઘટીને ગઈ કાલે ૫૯.૯૮ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. માર્કેટ બ્રેડ્થ નબળાઈ સૂચવે છે. ૧૧૨૪ જાતો વધેલી હતી, સામે ૧૬૬૩ સ્ક્રિપ્સ નરમ હતી. ૧૩૪ શૅરમાં તેજીની સર્કિટ લાગેલી હતી. ૧૭૫ કાઉન્ટર્સ નીચલી સર્કિટમાં હતાં. આ સાથે કુલ મળીને ૨૯૭ પૉઇન્ટ કે પોણાબે ટકાના ઘટાડા સાથે સપ્તાહ પૂરું થયું છે.

લાર્સને નિરાશા આપી



સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૨૦ ટકાના વધારા સાથે ૧૧૩૭ કરોડ રૂપિયાની આવક પર ૧૫ ટકાના વૃદ્ધિદરથી ૭૯૮ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો દર્શાવી લાર્સને સારો દેખાવ કર્યો છે. જોકે ગાઇડન્સીસ ડાઉનવર્ડ કરાયાં છે એનાથી બજાર વધુ નિરાશ થયું છે. કંપનીનું ઑપરેટિંગ માર્જિન અગાઉના ૧૦.૮ ટકાથી ઘટીને આ વેળા ૧૦.૪ ટકા નોંધાયું છે.

દેશ-વિદેશનાં અર્થતંત્રોની કમજોરી થકી પ્રૉફિટ માર્જિન ચાલુ વર્ષે અડધાથી પોણો ટકો ઘટવાની અગાઉ જે ધારણા આપવામાં આવી હતી એ સુધારીને હવે પોણાથી સવા ટકાની કરવામાં આવી છે. મતલબ કે આગામી એક-બે ક્વૉર્ટર કંપની માટે પ્રેશરનાં હશે. ઇન્ડસ્ટ્રીઝના ૧૪ના પી/ઈ (પ્રાઇસ અર્નિંગ રેશિયો) સામે આ શૅર અત્યારે ૨૦ પ્લસનો પી/ઈ ધરાવે છે એ નજરમાં રાખીએ તો નજીકના ગાળામાં લાર્સનનું કાઉન્ટર માર્કેટ અન્ડરપર્ફોર્મર રહેવાની આશંકા જાગે છે. ૧૩૮૫ રૂપિયાના આગલા બંધ સામે શૅર ગઈ કાલે ઉપરમાં ૧૪૧૭ રૂપિયા થયો હતો, પણ પરિણામોની અસરમાં ઘટી નીચામાં ૧૩૨૫ રૂપિયા થઈ છેલ્લે સાડાત્રણ ટકાથી વધુની પીછેહઠમાં ૧૩૩૬ રૂપિયા બંધ હતો. શૅરઆંકના ઘટાડામાં આ શૅર ૩૩ પૉઇન્ટના ફાળા સાથે વસ્ર્ટ પર્ફોર્મર બન્યો હતો.

રિયલ્ટીમાં તિરાડ વધી રહી છે

રિઝર્વ બૅન્કની ધિરાણનીતિમાં ૦.૨૫ ટકાનો વ્યાજદર વધવાની દહેશત ફુગાવાના આંકડા પછી વ્યાપક બની છે. રિયલ ડિમાન્ડ ઘટી રહી છે.

બિલ્ડરો-ડેવલપરો નાણાભીડથી પિસાઈ રહ્યા છે. ડી. બી. કૉર્પ, યુનિટેક જેવી કેટલીક રિયલ્ટી કંપનીઓ ટેલિકૉમ સ્કૅમના કૂંડાળામાં આવેલી છે તો ડીએલએફ પર સેબીની નજર પડી છે. વર્ષ ૨૦૦૭માં ભરણું લાવતી વખતે કંપની તરફથી જરૂરી વિગત છુપાવવાના આરોપસર સેબી આ કંપનીની પૂછપરછ કરશે એવા અહેવાલ છે. ગઈ કાલે શૅર સવાબે ટકા ગગડ્યો હતો. રિયલ્ટી ઇન્ડેક્સ બે ટકાના ઘટાડા સાથે નબળાઈમાં મોખરે હતો. કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ ૧.૯ ટકા, મેટલ ઇન્ડેક્સ ૧.૪ ટકા, ટેક્નૉલૉજી બેન્ચમાર્ક ૦.૯ ટકા, એફએમસીજી ઇન્ડેક્સ ૦.૮ ટકા, સ્મૉલ કૅપ અને મિડ કૅપ બેન્ચમાર્ક અડધો ટકો ડાઉન હતા. રૂપિયાની નબળાઈ છતાં આઇટી ઇન્ડેક્સ ૦.૪ ટકા માઇનસમાં હતો. બજારનો અંડરકરન્ટ કસ વગરનો તથા કમજોર છે. દિવાળી સારી જવાનો સંભવ દેખાતો નથી.

યુરોપ-સમિટ પર નજર

વર્તમાન કટોકટીના નિવારણ માટે ૯૪૦ અબજ યુરો કે ૧.૩ લાખ કરોડ ડૉલર (અર્થાત્ આશરે ૬૪ લાખ કરોડ રૂપિયા)ના રેસ્ક્યુ-ફન્ડની જોગવાઈ વિશે વધુ વિચારણા કરવા યુરો-ઝોનના નેતાઓની બીજી બેઠક ૨૩ ઑક્ટોબરના રોજ મળનાર છે. એમાં શું પ્રગતિ થાય છે એના પર વિશ્વભરનાં શૅરબજારોની નજર છે. ગઈ કાલે એશિયન બજારો એકંદર સાધારણ પ્લસમાં હતાં. સાઉથ કોરિયન કોસ્પી ઇન્ડેકસ સર્વાધિક ૧.૮ ટકા ઊંચકાયો હતો. થાઇલૅન્ડ એક ટકો, સિંગાપોર પોણો ટકો, હૉન્ગકૉન્ગ અને તાઇવાન નહીંવત્ વધીને બંધ હતા. તો ચાઇના, ઇન્ડોનેશિયા તથા જપાન ખાતે થોડીક પીછેહઠ નોંધાઈ હતી. આગલા દિવસની દોઢથી પોણાત્રણ ટકાની રેન્જમાં નબળાઈ બાદ યુરોપ સાધારણ ઉપર ખૂલી અડધાથી પોણો ટકો અપ હતું. સોનું સતત ચોથા દિવસે વિશ્વબજારમાં નરમ હતું. જોકે રૂપિયાની નબળાઈ થકી અહીં ઉક્ત ઘટાડાની અસર ખાસ નહોતી.

એફઆઇઆઇની ચોખ્ખી વેચવાલી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇ (ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો)ની કુલ ખરીદી ૧૩૬૪.૪૧ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૫૯૮.૪૨ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૨૩૪.૦૧ કરોડ રૂપિયા રહી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૮૨૨.૮૬ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૭૪૯.૫૦ કરોડ રૂપિયા અને ચોખ્ખી ખરીદી ૭૩.૩૬ કરોડ રૂપિયા જોવા મળી હતી. Whatsapp-channel Whatsapp-channel

22 October, 2011 06:41 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK