Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > દશેરા-દિવાળીના તહેવારોમાં સરકાર તરફથી સ્ટિમ્યુલસ ૩.૦ની અપેક્ષા છે

દશેરા-દિવાળીના તહેવારોમાં સરકાર તરફથી સ્ટિમ્યુલસ ૩.૦ની અપેક્ષા છે

26 October, 2020 12:00 PM IST | Mumbai
Jitendra Sanghavi

દશેરા-દિવાળીના તહેવારોમાં સરકાર તરફથી સ્ટિમ્યુલસ ૩.૦ની અપેક્ષા છે

ઈકોનૉમી

ઈકોનૉમી


છએક મહિના જેટલા લાંબા સમય સુધી સતત વધતો રહેલ કોવિડનો ગ્રાફ સપ્ટેમ્બરમાં નીચો જવાની શરૂઆત થઈ છે. રોજના ધોરણે નોંધાતા નવા કેસ કરતાં સાજા થતા દરદીઓની સંખ્યા વધતી રહેવાથી એક્ટિવ કેસનો આંક પણ ઘટતો જાય છે. એક તબક્કે એક્ટિવ કેસનો આંક ૧૦ લાખને ઓળંગી ગયો હતો તે ૭ લાખ જેટલો નીચો ગયો છે.

આઇઆઇટી (કાનપુર અને હૈદરાબાદ) તથા અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓના એક રીસર્ચ રિપોર્ટ પ્રમાણે જો કોવિડનો ગ્રાફ આ જ પ્રમાણે નીચો જતો રહેશે તો ફેબ્રુઆરી ૨૦૨૧ના અંત સુધીમાં કોરોનાથી સંક્રમિત કુલ કેસની સંખ્યા ૧.૦૬ કરોડ સુધી પહોંચી હશે, પણ આ મહામારી પર ત્યાં સુધીમાં નિયંત્રણ આવશે.



એક ગણિતશાસ્ત્રના મૉડલ પ્રમાણે માર્ચ ૨૦૨૦માં અગમચેતીપૂર્વક દેશવ્યાપી લૉકડાઉન લાગુ ન કરાયો હોત તો જૂન ૨૦૨૦ સુધીમાં ૧.૪ કરોડથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા હોત અને મોતનો આંક ૨૬ લાખ પર પહોંચ્યો હોત. છેલ્લા મળતા આંકડા પ્રમાણે કોરોનાથી સંક્રમિત ૭૮ લાખ કેસ અને મોતના ૧.૧૭ લાખના આંક રીસર્ચ રિપોર્ટના આંક સાથે સરખાવીએ તો સમયસરના લૉકડાઉનની અગમચેતીને કારણે દેશ મોટી જાનહાનિમાંથી બચી ગયો છે તેમ લાગે. આખરે એ ગણિતશાસ્ત્રનું મૉડલ અને અનુમાન છે. એ આંકડાઓને એની ફેસવેલ્યુ પ્રમાણે ન લઈએ તોપણ લૉકડાઉને જાનહાનિમાં મોટો ઘટાડો કર્યો હોય એ વિશે બેમત ન હોઈ શકે.


માર્ચ ૨૦૨૦ને બદલે લૉકડાઉનનો અમલ મે ૨૦૨૦માં કરાયો હોત તો પણ જૂન ૨૦૨૦માં આપણે ત્યાં ૫૦ લાખ જેટલા અૅક્ટિવ કેસ હોત (જે હકીકતમાં સપ્ટેમ્બરમાં ૧૦ લાખની ટોચે પહોંચ્યો).

ફેબ્રુઆરી ૨૦૨૧માં મહામારી પર નિયંત્રણ આવી શકવાની વાત બિનશરતી કે ગેરંટીપૂર્વકની નથી. એ લક્ષ્યાંકે પહોંચવામાં ઘણી શરતોનું પાલન કરવું પડશે. ઘણા જો અને તોને ક્રોસ કરવા પડશે.


નવરાત્રિ અને દુર્ગાપૂજાના તહેવારોની મોસમ ચાલી રહી છે. આ તહેવારોમાં સરતચૂક કરી અને સરકારી માર્ગદર્શિકાઓની ઐસી-તૈસી કરીને કે કોર્ટના હુકમો ભણી આંખ આડા કાન કરીને પ્રણાલિકાગત રીતે ટોળામાં મળીને આ ઉત્સવો ઊજવાશે તો રીસર્ચ રિપોર્ટના અનુમાન અને તારણો ખોટાં પડી શકે અને આપણને પાછળથી પ્રસ્તાવાનો વારો પણ આવે, પણ તે વખતે કોઈ અસરકારક પગલું ભરવા માટે ઘણું મોડું થઈ ગયું હશે. ખાસ કરીને આવી બેકાળજી અને સરકારી માર્ગદર્શિકાઓની અવગણનાની ભારે કિંમત ચૂકવવી પડી હોય તેવો કેરળ રાજ્યનો દાખલો ઘરઆંગણાનો ને આપણી નજર સમક્ષનો છે. ઑનમની શાનદાર ઉજવણી કેરળને ભારે પડી. મે ૩ સુધી કેરળમાં કોવિડ-19ના ૫૦૦થી ઓછા કેસ હતા. ઑગસ્ટ ૨૨ અને બીજી સપ્ટેમ્બર વચ્ચે ઑનમની ઉજવણીના બે અઠવાડિયાં પછી ત્યાં આ મહામારી ઉગ્ર બની, આજે કેરળમાં કુલ કેસની સંખ્યા ૩.૮૬ લાખ પર પહોંચી છે. શિયાળાની આવી રહેલ ઠંડી ઋતુ પણ મહામારીના નિયંત્રણ સામેનું બીજું મોટું રિસ્ક ફૅક્ટર છે.

ખાસ કરીને દુર્ગાપૂજાનો તહેવાર વિશેષ રૂપે પશ્ચિમ બંગાળમાં ઊજવાતો હોઈ ટોળા ભેગા થવા પર પ્રતિબંધ મૂકતા કલકત્તા હાઈ કોર્ટના ઓર્ડરનો રાજ્ય સરકારે સખતાઈથી અમલ કરાવવામાં મહત્ત્વનો ભાગ ભજવવો પડશે, નહીં તો હાઈ કોર્ટનો આદેશ પેપર પૂરતો સીમિત રહેશે.

તહેવારોની ઉજવણીને અકબંધ રાખીને રાજકીય લાભ ખાટવાનો આ અવસર નથી, કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ મુખ્ય પ્રધાન હોય કે કોઈ પણ રાજ્યપાલ હોય. વોટ બૅન્ક સુરક્ષિત રાખવા માટે મહામારી માટેની સુરક્ષિતતાને દાવમાં લગાવવાનો આ અવસર નથી. સો વરસે પ્રાદુર્ભાવ પામેલ આ મહામારીને રાજકીય રંગ આપી શકાય નહીં.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સ્વાસ્થ્યપ્રધાન ડૉ. હર્ષવર્ધને આ બાબતે પ્રજાને ચેતવણી આપી જ છે. લૉકડાઉન ગયા છે (ભૂતકાળની બાબત બની છે), કોરોના વાઇરસ નહીં એટલે સાવધાની ચૂક્યા તો મહામારીનું બીજું મોજું આવવાની વાત તો પછીની છે. કદાચ પહેલા મોજાનો અંત આવવાની વાત પણ સ્વપ્ન બની જઈ શકે.

કોરોનાની રસી શોધાય નહીં કે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય નહીં ત્યાં સુધી સોશ્યલ ડિસ્ટન્સની વાત હળવાશથી લઈ શકાય નહીં. માસ્કના વ્યવસ્થિત ઉપયોગની શિસ્તનો જ્યારે દેશમાં અભાવ જોવા મળે છે ત્યારે સોશ્યલ ડિસ્ટન્સની વાતને ગંભીરતાથી લેવી જોઈએ. પૂર્વ એશિયાના દેશોએ માસ્કના ઉપયોગની કડક શિસ્તના પાલન દ્વારા મહામારીને માત આપી છે. માસ્કના ઉપયોગ માટેની બેદરકારી માટે રાજ્ય સરકારોએ જાહેર કરેલ દંડનો સખતાઈથી અમલ કરવાનો સમય આવી પહોંચ્યો છે.

રાજ્ય સરકારો અને પ્રજાજનો સાવધ નહીં રહે તો સરકારે આપેલ રાહત પૅકેજ દ્વારા માગ વધશે અને બજારમાં ચીજવસ્તુઓની ખરીદીની ચમક પણ દેખાશે, પણ એ સાથે કોરોના વગર કિંમતે તમારી સાથે તમારા ઘરમાં પ્રવેશશે. (એક ઉપર એક ફ્રીની બજારમાં ચાલી રહેલ અનેક સ્કીમોની જેમ), જેની ભારે કિંમત ચૂકવવાની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. કોરોના સામેની બેટલ (લડાઈ) આપણે લડી રહ્યા છીએ, હજી તેમાં જીત્યા નથી. એ સંજોગોમાં જો આ લડાઈ ઉગ્ર બની વૉર (યુદ્ધ)માં પરિણમે તો ખતરો ઑર વધે.

ભારતમાં દસ લાખની વસ્તીદીઠ કોરોના વાઇરસથી ૫૫૦૦ લોકો સંક્રમિત થયા છે, જે આંકડો યુએસ અને બ્રાઝિલ માટે ૨૫,૦૦૦ નજીકનો છે. કોવિડ-19થી મરણ પામેલાનો દર ભારતમાં ૧૦ લાખની વસ્તીએ ૮૩નો છે. યુએસ, યુકે, બ્રાઝિલ અને સ્પેનમાં ૭૦૦ની આસપાસનો છે.

અર્થતંત્રની રિકવરીનો સંબંધ છે ત્યાં સુધી સરકાર દ્વારા રાહતના બે પૅકેજ જાહેર કરાયા પછી જરૂર પ્રમાણે સ્ટિમ્યુલસ ૩.૦ વિશે પણ નાણાપ્રધાને વિકલ્પ ખુલ્લો રાખ્યો છે.

રાહતના પહેલા પૅકેજનું ફોકસ કોરોનાથી અસરગ્રસ્ત થયેલ કંપનીઓ તેમની ઉત્પાદન અને સેવાઓની પ્રવૃત્તિ ફરી ચાલુ કરી શકે તે હતું, તેમનો કૅશ ફ્લો જળવાઈ રહે અને સપ્લાય સાઇડ ફરી મજબૂત બને તે તરફી વધુ હતું, તો થોડું ગામડાઓમાં કૅશ ટ્રાન્સફર પર અને ખર્ચ વધારવા પર પણ હતું, જેને પરિણામે એપ્રિલ-જૂન ૨૦૨૦માં ખેતી ક્ષેત્રનો વિકાસનો દર વધીને ૩.૪ ટકા (ગયા વરસે ૩.૦ ટકા) થયો. બીજા પૅકેજનું ફોકસ સરકારી કર્મચારીઓ દ્વારા ખાનગી વપરાશ ખર્ચ વધે તે તરફી રાજ્ય સરકારોના મૂડીખર્ચ અને કેન્દ્ર સરકારનું પોતાનું કમિટ કરેલ મૂડીખર્ચ વધે તે તરફી હતું.

સમગ્ર રીતે જોઈએ તો બન્ને પૅકેજમાં સપ્લાય સાઇડ પર ધ્યાન વધુ કેન્દ્રિત કરાયું હતું. મહામારી પહેલાં જ ૨૦૧૮ના બીજા ક્વૉર્ટર (એપ્રિલ-જૂન)થી આર્થિક વિકાસ ધીમો પડી ગયો હોવાથી તેના કારણો (મુખ્યત્વે માગમાં ઘટાડો)નું નિરાકરણ કરવું પડે.

સરકારના બે રાહત પૅકેજની અસર તો ઘણીબધી આર્થિક પ્રવૃત્તિઓ નોર્મલ થઈ રહી હોવાને કારણે જુલાઈ-સપ્ટેમ્બરના આર્થિક વિકાસના દર પર દેખાશે જ.
સરકાર ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં દર્શાવેલ ખર્ચ જરૂર કરવાની કમિટમેન્ટ દોહરાવે તો પણ આજના માહોલમાં ઘટી રહેલ રેવન્યુ વચ્ચે ફિસ્કલ ડેફિસિટ તો વધવાની જ. તો પણ પ્રજાને સરકાર પાસેથી સ્ટિમ્યુલસ ૩.૦ની અપેક્ષા છે.

ડાયરેકટ કૅશ ટ્રાન્સફર માગ વધારે છે. જ્યારે ક્રેડિટ સપોર્ટ માટેનાં પગલાં અને સુધારાઓ સપ્લાય વધારે છે. જોકે સપ્લાય વધારવાની પ્રક્રિયામાં પણ નવી રોજગારીના સર્જન દ્વારા આવક વધતાં આડકતરી રીતે માગ વધે જ છે. તેમ છતાં નીતિ-આયોગના વાઇસ ચૅરમૅન રાજીવકુમારે સરકારનું સ્ટિમ્યુલસ ૩.૦ જે માળખાકીય સવલતોનો ઝડપથી અમલ થઈ શકે તે પરના ખર્ચ ઉપર ફોકસ કરવાની વાત પર ભાર મૂક્યો છે. દિવાળીના તહેવારના દિવસોમાં આર્થિક રિકવરીને વેગ મળે એવી ભેટ સ્ટિમ્યુલસ ૩.૦ના રૂપમાં સરકાર તરફથી પ્રજાને મળશે એવી આશા રાખી શકાય.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ‍્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Whatsapp-channel Whatsapp-channel

26 October, 2020 12:00 PM IST | Mumbai | Jitendra Sanghavi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK