Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નાના રોકાણકારોને સલામતી વધુ વહાલી

નાના રોકાણકારોને સલામતી વધુ વહાલી

30 July, 2012 06:11 AM IST |

નાના રોકાણકારોને સલામતી વધુ વહાલી

નાના રોકાણકારોને સલામતી વધુ વહાલી


small-investorશૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

શૅરબજારમાંથી હાલના સમયમાં નાના રોકાણકારો નાસી ગયા હોવાની ચર્ચા જોરમાં છે. ખરેખર તો નાના જ નહીં, ઘણાખરા મોટા રોકાણકારો પણ નાસી ગયા છે. આમ છેલ્લાં પાંચ વરસમાં થતું રહ્યું છે, જે વળી છેલ્લા એકાદ વરસમાં વધુ ઝડપથી થયું છે. વીતેલા એકાદ વરસમાં સરકારે એવું વર્તન દાખવ્યું છે કે જાણે એને અર્થતંત્રની કોઈ જ પરવા નથી. નથી કોઈ ફિકર બજારની, નથી મૂડીસર્જનની, ન રોકાણપ્રવાહની કે ન વિદેશી રોકાણની કંઈ ચિંતા. બસ, બધા પક્ષો અને એમના નેતાઓ અંદરોઅંદર વિવાદ કરી રહ્યા છે. દેશનું રાજકારણ ગંદવાડ અને ગૂંચવાડાથી ભરાઈ ગયું છે. માત્ર રાજકીય સમાધાન કે હિતોના નિર્ણયો લેવાય છે, આર્થિક હિતના નિર્ણયોનો દુકાળ જણાય છે. પરિણામે અર્થકારણ અઢળક સમસ્યાઓના ભારથી લદાઈ ગયું છે. એમ છતાં સરકાર હજી બેફિકર હોય એવો તાલ જોવા મળે છે. સ્થાનિક સ્તરે સ્લો ડાઉન અને મોંઘવારીની સાથે-સાથે ગ્લોબલ સમસ્યાઓ દુકાળમાં અધિક માસની જેમ આપણા પર છવાયેલી જ છે, જ્યારે હવે પૂરતા વરસાદના અભાવે વાદળની ગર્જનાને બદલે બજારના કડાકા સંભળાય એવો ભય વ્યક્ત થઈ રહ્યો છે.



નાના-મધ્યમ રોકાણકારો ક્યાં ગયા?


છેલ્લા કેટલાક સમયથી નાના-મધ્યમ રોકાણકારો બજારથી - ઇક્વિટી શૅરોથી દૂર થતા ગયા છે અને એને બદલે સોનું, પ્રૉપર્ટી, બૅન્ક ડિપોઝિટ્સ અને ડેટ (ઋણ) સાધનોમાં રોકાણ વધારતા રહ્યા છે. આ તમામ સાધનોમાં બચતકારો - રોકાણકારો લાભમાં કેટલું રહ્યા એ કરતાં મહત્વનું એ છે કે તેમને અહીં કોઈ નુકસાન થયું નથી, તેમ જ મોટા ભાગના કિસ્સામાં તેઓ સારા લાભમાં રહ્યા છે. જ્યારે શૅરબજારમાં તો ચોક્કસ લેવલે રોકાણકારોના પોર્ટફોલિયો નેગેટિવ બની ગયા છે. વળતર નેગેટિવમાં છે અને હવે તેમની ખરીદીના ભાવો ક્યારે જોવા મળશે એ વિશે કોઈ નિશ્ચિંતતા નથી. રોકાણકારોએ મોટા ભાગે રિયલ એસ્ટેટ, ઇન્ફોટેક, કૅપિટલ ગુડ્ઝ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સના શૅરોમાં મહત્તમ માર ખાધો છે. આ સંજોગોમાં ધીમે-ધીમે ઇન્વેસ્ટર્સ વર્ગ ગોલ્ડ, પ્રૉપર્ટી, ડેટ અને બૅન્કો તરફ વળી જાય એ સ્વાભાવિક છે.

રીટેલ વૉલ્યુમ ૫૦ ટકા ડાઉન


નાના રોકાણકારોને આપણે રીટેલ રોકાણકારો પણ કહીએ છીએ, કેમ કે તેમની ખરીદી નાના-નાના જથ્થામાં હોય છે. ૧૦૦-૨૦૦ શૅરો ખરીદીને પોર્ટફોલિયો બનાવતા રહેતા આ રોકાણકારો બજાર માટે મહત્વનું પરિબળ પણ છે, પરંતુ છેલ્લે વર્ષ ૨૦૦૫ પછી તેમનું બજારમાંથી વૉલ્યુમ સતત ઘટતું રહ્યું છે. રીટેલ રોકાણકારોનું દૈનિક સરેરાશ ટર્નઓવર વર્ષ ૨૦૦૯માં ૧૩ હજાર કરોડ રૂપિયા ઉપર રહેતું હતું, જે હવે વર્ષ ૨૦૧૨માં ૬૭૦૦ કરોડ રૂપિયાના દૈનિક સરેરાશ ટર્નઓવર પર આવી ગયું છે, જે પચાસ ટકા જેવો નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. આને પરિણામે બ્રોકર વર્ગની દલાલીની આવકને પણ મોટો માર પડ્યો છે. સબ-બ્રોકરોની હાલત પણ કફોડી થઈ છે. નાના રોકાણકારો તો છોડો, નાના દલાલો પણ બજારમાં રહ્યા છે કે કેમ એ સવાલ છે. આ બધા સંજોગોની વચ્ચે મૂડીસર્જનની પ્રવૃત્તિ ઠપ્પ થઈ ગઈ છે. ક્યાં છે આઇપીઓનું બજાર? કેટલા આવે છે આઇપીઓ?

વૃદ્ધિ કરતાં સલામતી વધુ વહાલી

આ સમયગાળામાં મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં પણ ઇક્વિટી રોકાણનો પોર્ટફોલિયો ડાઉન થયો છે, પરંતુ સાથે-સાથે થોડું આશ્વાસન મળે એવી બાબત એ છે કે ઇન્કમ, લિક્વિડ અને ગોલ્ડ ઇટીએફ જેવાં ફન્ડોમાં રોકાણ અનુક્રમે ત્રણ ટકા, ૧૧ ટકા અને ૮૦ ટકા જેટલું વધ્યું છે. જેમાં પણ ગોલ્ડ ફન્ડે નવો વિશ્વાસ બનાવ્યો છે. ગોલ્ડ ઇટીએફ સૌની પસંદગીનું રોકાણ સાધન બન્યું છે. લોકોને સલામતી એટલી વહાલી લાગવા માંડી છે કે મ્યુચ્યુઅલ ફન્ડના ફિક્સ્ડ મૅચ્યોરિટી પ્લાન પણ સફળ રહ્યા છે. લોકોની નાણાં રોકવાની મનોવૃત્તિ એવી બની ગઈ છે કે વળતર ઓછું મળશે તો ચાલશે, સલામતી પૂરી જળવાવી જોઈએ, નુકસાન ન થવું જોઈએ, મૂડી તૂટવી જોઈએ નહીં. માત્ર શૅરોમાં જ રોકાણ કરનારાઓએ હાલ તો મૂડી તોડી હોવાના પણ કિસ્સા બન્યા છે.

એફઆઇઆઇનું વર્ચસ વધ્યું

રીટેલ રોકાણકારો બજારથી દૂર થયા છે, ઘટતા રહ્યા છે એ હકીકત સામે બીજી એક કડવી હકીકત એ સામે આવી છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ - ફૉરેન ઇન્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ)નો બજારમાં રોકાણનો હિસ્સો અને વર્ચસ બન્ને વધતાં ગયાં છે. વર્ષ ૨૦૦૫ સુધી રીટેલ ઇન્વેસ્ટર્સનો બજારના ટર્નઓવરમાં ૭૫ ટકા જેવો ફાળો રહેતો હતો અને એની સામે એફઆઇઆઇનો ફાળો ૧૪ ટકા જેટલો હતો, જે હવે વર્ષ ૨૦૧૨માં એફઆઇઆઇનો ટર્નઓવરમાં હિસ્સો વધીને ૩૫ ટકા જેટલો થઈ ગયો છે અને રીટેલનો હિસ્સો ઘટીને ૪૮ ટકા થઈ ગયો છે, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો ૨૦૦૭ના માત્ર આઠ ટકા સામે વધીને વર્ષ ૨૦૧૨માં ૧૫ ટકા જેવો બમણો થઈ ગયો છે.

નવા સપ્તાહમાં શું થઈ શકે?

હવે ૩૧ જુલાઈના મંગળવાર પર બજારની નજર છે. રિઝવ બૅન્ક એની નાણાનીતિમાં વ્યાજકાપ સહિત કેવાં પગલાં લે છે એના આધારે બજારની ચાલ આગળ વધશે. આ ઉપરાંત વડા પ્રધાન પણ આગામી સપ્તાહમાં દેશના ટોચના ઉદ્યોગપતિઓને મળવાના છે, જેમાં ઇકૉનૉમીની વર્તમાન સ્થિતિની, એના ઉપાયોની અને અસરોની ચર્ચા થશે. વડા પ્રધાન વાતો તો ખૂબ કરી રહ્યા છે, પણ પગલાં ભરવામાં પાછળ પડી રહ્યા છે. કહેવાતું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણી પતી જાય એની રાહ જોવાતી હતી, એ પણ પૂરી થઈ, એમ છતાં હજી મનમોહન સિંહ શેની વાટ જોઈ રહ્યા છે? દરમ્યાન અણ્ણા હઝારેએ ફરી તેમનું આંદોલન છેડી દીધું છે, જેને લીધે ફરી એક વાર રાજકીય ધ્યાન તેમના પર લાગી ગયું હોવાનું કહેવાય છે. આ સંજોગમાં વડા પ્રધાન અને રિઝર્વ બૅન્કનાં પગલાં ઉપરાંત સૌની મીટ વરસાદ પર પણ મંડાયેલી છે. બજારની નવી ચાલ માટે આજથી શરૂ થયેલું નવું સપ્તાહ મહત્વનું બની રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

30 July, 2012 06:11 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK