યુરોપના ગ્રીન સ્ટિમ્યુલસથી ચાંદીમાં આગઝરતી તેજી ચાલુ જ રહી છે

Published: Jul 23, 2020, 11:08 IST | Mumbai correspondent | Mumbai

ભાવ ૭ વર્ષના શિખરે, ભારતમાં ૬૨,૫૦૦ રૂપિયાની સપાટી

સિલ્વર
સિલ્વર

સોનાની જેમ સેફ હેવનની માગ અને યુરોપિયન યુનિયનના ૭૫૦ અબજ યુરોના પૅકેજમાં ૩૦ ટકા ગ્રીન પ્રોજેક્ટ પાછળ ખર્ચ થશે એવી જાહેરાતના પગલે ચાંદીમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. વૈશ્વિક અને સ્થાનિક બજારમાં ભાવ ૭ વર્ષની ટોચે આવી ગયા છે.

મંગળવારે યુરોપિયન યુનિયને ૭૫૦ અબજ યુરોનું પૅકેજ જાહેર કર્યા પછી કોમેક્સ ખાતે ચાંદી સપ્ટેમ્બર વાયદો ૬.૭૬ ટકા વધ્યો હતો અને માર્ચ ૨૦૧૪ પછીની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. સૌથી મોટી વાત છે કે માર્ચ મહિનામાં વૈશ્વિક નાણાકીય બજારમાં વેચાણ આવ્યું ત્યારે ૧૨ ડૉલર પ્રતિ ઔંસ થઈ ગયેલા ચાંદીના ભાવ આટલા સમયમાં ૮૩ ટકા જેટલા વધી ગયા છે. વૈશ્વિક બજારમાં મંગળવારની તેજી બાદ ગઈ કાલે પણ કોમેક્સ પર ચાંદીનો વાયદો ૪.૪૪ ટકા કે ૯૬ સેન્ટ વધી ૨૨.૫૨ ડૉલર અને હાજરમાં ૩.૭૧ ટકા કે ૭૯ સેન્ટ વધી ૨૨.૦૯ ડૉલર પ્રતિ ઔંસ ચાલી રહ્યા છે.

ચાંદીની વર્તમાન તેજી માટે સોના જેવા જ પરિબળ જવાબદાર છે. બજારમાં પુષ્કળ નાણાપ્રવાહિતા, બોન્ડના નબળા યીલ્ડ, કોરોનાના કારણે આર્થિક મંદી, પણ ચાંદીને આ સાથે ઉદ્યોગોની અને ટેક્નૉલૉજીની માગનો પણ ટેકો છે એટલે જ ભાવમાં સોના કરતાં અત્યારે ઉછાળો વધારે જોવા મળી રહ્યો છે.

ભારતમાં ચાંદી ૫૦૭૫ વધી ૬૨,૫૫૦ રૂપિયા

ભારતમાં પણ બીજા દિવસે વૈશ્વિક બજારના ટેકે ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી. મંગળવારે ૩૪૦૦ રૂપિયાના ઉછાળા બાદ ગઈ કાલે ચાંદી મુંબઈ ખાતે ૫૦૫૦ વધી ૬૨,૫૫૦ રૂપિયા પ્રતિ કિલો અને અમદાવાદ ખાતે ૫૦૬૫ વધી ૬૨,૫૩૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર સ્થિર રહી હતી.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૫૮,૦૦૦ ખૂલી, ઉપરમાં ૬૧,૨૮૦ અને નીચામાં ૫૮,૦૦૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૨૭૮૦ વધીને ૬૦,૧૨૨ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૨૮૦૪ વધીને ૬૦૧,૮૪ રૂપિયા અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૨૮૨૪ વધીને ૬૦,૧૯૯ રૂપિયા બંધ રહ્યા હતા.

ગોલ્ડ–સિલ્વર રેશિયો શું કહે છે?

એક ઔંસ સોનું ખરીદો તો એટલા ઔંસ ચાંદી ખરીદી શકાય એનું માપદંડ ગણાતા ગોલ્ડ – સિલ્વર રેશિયોના આધારે સોના કે ચાંદીમાં તેજી આવી શકે કે નહી એનું અનુમાન કરવામાં આવે છે. આ પદ્ધતિમાં સોનાના ભાવને ચાંદીના ભાવના ભાગાકાર કરી પ્રમાણ ગણવામાં આવે છે. જો આ પ્રમાણ ઊંચું હોય તો ચાંદીમાં ખરીદી જોવા મળે છે અને જો પ્રમાણ નીચું હોય તો ચાંદી વેચી સોનાની ખરીદી કરવામાં આવે છે. છેલ્લા પાંચ દાયકામાં ગોલ્ડ-સિલ્વર રેશિયોની સરેરાશ ૫૬.૭ જોવા મળી છે. આ સપ્તાહ શરૂ થયું ત્યારે આ રેશિયો ૯૩.૧ હતો. ગઈ કાલે હવે એ ૮૭.૭ની આસપાસ છે. માર્ચ મહિનામાં કોરોના વાઇરસનો વૈશ્વિક વ્યાપ શરૂ થયો ત્યારે આ પ્રમાણ એના ઇતિહાસમાં સૌથી ઊંચા ૧૨૫ના સ્તર પર હતું.

ચાંદીને ગ્રીન સ્ટિમ્યુલસનો ટેકો

યુરોપના ૭૫૦ અબજના પૅકેજમાં ૩૦ ટકા રકમ પર્યાવરણની જાળવણી થાય એવી ચીજો અને પ્રોજેક્ટ માટે વપરાશે અને એની અસરથી ચાંદીની માગ વધી રહી છે. ચાંદીનો ઉપયોગ ટેક્નૉલૉજીમાં, વિન્ડ ફાર્મ, સોલર પૅનલ વગેરેમાં થાય છે અને એના કારણે ભાવમાં જંગી તેજી જોવા મળી રહી છે.

ચાંદીની માગમાં ઇલેક્ટ્રોનિક્સ અને સોલર પૅનલ મહત્વનો ભાગ ભજવે છે એ વાતથી સહુ પરિચિત છે, પણ એની સાથે ફાઈજી ટેક્નૉલૉજીમાં પણ એનો મહત્ત્વનો ઉપયોગ થાય છે. યુરોપમાં લગભગ ૫૦ અબજ ડૉલરનું રોકાણ સરકારો ગ્રીન ટેક્નૉલૉજી પાછળ કરવાની છે એનાથી ચાંદીની માગ વધશે. અમેરિકામાં પણ ટ્રમ્પના સ્પર્ધક જો બિડેન વધુ ને વધુ રિન્યુએબલ એનર્જી માટે અભિયાન ચાલવી રહ્યા છે. જો તે જીતે તો અમેરિકામાં વિન્ડ ટર્બાઇન, સોલર પૅનલ્સમાં રોકાણ થશે અને એનાથી પણ ચાંદીની માગ વધી શકે છે. ૨૦૧૯માં લગભગ ૧૦ કરોડ ઔંસ ચાંદીનો ઉપયોગ આવી ગ્રીન ટેક્નૉલૉજીમાં થયો હતો અને આગામી વર્ષોમાં લગભગ ૫૦૦ ગીગાવૉટ એનર્જી આ રીતે પેદા થવાની છે ત્યારે ચાંદીની માગ ચોક્કસ વધી શકે છે એવું માનનારો એક વર્ગ છે.

ચાંદીમાં માગ અને પુરવઠો

કૅલેન્ડર વર્ષ ૨૦૨૦ના પ્રથમ છ મહિનામાં ચાંદીના એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં ૧૯.૬ કરોડ ઔંસની ખરીદી જોવા મળી છે. આ ખરીદી ૨૦૧૯ના સમગ્ર વર્ષમાં ચાંદીના ઈટીએફના વિક્રમી પ્રવાહ કરતાં પણ વધારે છે. ચાંદીમાં માગ ઉદ્યોગોમાં અત્યારે ઉત્પાદન ઘટ્યું હોવાથી સાત ટકા ઘટેલી રહે એવી ધારણા છે, પણ સામે ઈટીએફ અને હાજરમાં સિક્કા અને બારની ખરીદી ૧૬ ટકા વધી છે એટલે ચાંદીમાં પણ રોકાણ આવી રહ્યું હોવાથી ભાવ વધી રહ્યા હોવાની ધારણા છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK