પાંચ દિવસની પીછેહઠનો બદલો ૫૦૦ પૉઇન્ટના હાઈ જમ્પથી શૅરબજારે લીધો

Published: 22nd December, 2011 09:11 IST

ખેલાડીઓની ગઈ કાલની રમત શૉર્ટ-કવરિંગ માટેનું પ્રેશર ઊભું  કરશે : આ ઉપરાંત ટેક્નિકલ બાઉન્સ-બૅકનો કેસ પણ મજબૂત(શૅરબજારનું ચલકચલાણું-અનિલ પટેલ)


જિરાફ-પેટર્નમાં શૅરબજાર ગઈ કાલે ૫૧૦ પૉઇન્ટના ઉછાળે ૧૫,૬૮૫ તથા નિફ્ટી ૧૪૯ પૉઇન્ટનો કૂદકો મારીને ૪૬૯૩ બંધ આવ્યા હતા. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ૫૫૨ પૉઇન્ટના જમ્પમાં ૧૫,૩૨૭ થયો હતો. અમેરિકન હાઉસિંગ ડેટા તથા સ્પૅનના બૉન્ડ ઇશ્યુની સફળતાના પગલે વિશ્વબજારોની મજબૂત હૂંફમાં સેન્સેક્સ શરૂથી જ પૉઝિટિવ ઝોનમાં હતો, પણ પોણાત્રણ વાગ્યાની આસપાસ જોરદાર કે એકતરફી માર્કેટ ખેંચાયું હતું. આ સાથે સળંગ પાંચ દિવસથી રોજેરોજ ૨૭-૨૮ મહિનાની નવી બૉટમ બનાવવાનો શિરસ્તો અટક્યો છે. એમ પણ કહી શકાય કે પાંચ દિવસની પીછેહઠનો બદલો બજારે ગઈ કાલે ૫૦૦ પૉઇન્ટના હાઈ જમ્પથી લીધો છે. આ મજબૂતી વિશ્વસ્તરે કોઈ ખરાબી કામે ન લાગે તો વધ-ઘટે બીજા ૭૦૦-૧૦૦૦ પૉઇન્ટ આગળ ધપવાની ગણતરી અમારાં સૂત્રો મૂકી રહ્યાં છે. ખાસ કરીને આગામી સપ્તાહે એફ ઍન્ડ ઓનું સેટલમેન્ટ છે. ખેલાડીઓની ગઈ કાલની રમત

શૉર્ટ-કવરિંગ માટેનું પ્રેશર ઊભું કરશે એમ મનાય છે. ઉપરાંત ટેક્નિકલ બાઉન્સ-બૅકનો કેસ પણ મજબૂત છે.

હેવીવેઇટ્સની કમાલ

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૩ શૅર તથા માર્કેટના તમામ ૨૧ બેન્ચમાર્ક પ્લસમાં હતા. બજારનું માર્કેટ કૅપ ૧.૧૯ લાખ કરોડ રૂપિયા વધીને ૫૩.૭૯ લાખ કરોડ રૂપિયા થયું છે. સેન્સેક્સના ૩.૩ ટકાના ઉછાળા સામે બૅન્કેક્સ ૪.૯ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ૪.૧ ટકા, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૩.૭ ટકા અપ હતા. ટેક્નૉલૉજી બેન્ચમાર્ક પોણાત્રણ ટકા વધેલો હતો. સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૯ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ સવા ટકો ઊંચકાયો હતો. આઇસીઆઇસીઆઇ બૅન્ક ૭.૭ ટકાનો કૂદકો મારી ૭૦૨ રૂપિયાના બંધ સાથે સેન્સેક્સ શૅરોમાં મોખરે હતો. એચડીએફસી બૅન્ક છ ટકા તથા એસબીઆઇ અઢી ટકા વધીને બંધ હતા. ભારતી ઍરટેલ ૬.૩ ટકા, તાતા પાવર ૬.૧ ટકો, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર છ ટકા, એચડીએફસી પોણા છ ટકા, મારુતિ સુઝુકી ૪.૩ ટકા અપ હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૫.૫ ટકા ઉપર ગયો હતો. ૧૬૨૫ શૅર વધેલા હતા, ૧૧૧૯ જાતો નરમ હતી. એ ગ્રુપના ૭૪ ટકા શૅર પ્લસ હતા. ૧૫૫ શૅર તેજીની સર્કિટે તો ૨૫૪ જાતો મંદીની સર્કિટમાં બંધ હતી. એ ગ્રુપમાં ઇન્ડિયાબુલ્સ રિયલ્ટી ૧૨ ટકાના ઉછાળે મોખરે હતો. જેએસડબ્લ્યુ સ્ટીલ ૧૦.૩ ટકા, આર. કૉમ ૯.૩ ટકા, સેસાગોવા નવ અને ટાઇટન ૮.૯ ટકા ઊંચકાયા હતા.

અનિલ ગ્રુપમાં ચમકારો

ઘણા સમયથી સતત નવા તળિયે જઈ રહેલા અનિલ અંબાણી ગ્રુપના શૅરો બજારના ટેક્નિકલ બાઉન્સ-બૅકમાં સારા ઝળક્યા હતા. રિલાયન્સ બ્રોડકાસ્ટિંગ ૧૬ ટકા ઊછળીને ૪૮ રૂપિયા નજીક ગયો હતો તો આર. કૉમમાં દસેક ટકાની તેજીમાં ૬૮ રૂપિયા પ્લસનો ભાવ થયો હતો. રિલાયન્સ કૅપિટલમાં સાડાચાર ટકાની મજબૂતીમાં ૨૪૨ રૂપિયાનું લેવલ આવ્યું હતું. રિલાયન્સ મિડિયા સવાચાર ટકા અપ થતાં ૭૧ રૂપિયાનો ભાવ આવ્યો હતો. મુકેશ અંબાણી ગ્રુપની રિલાયન્સ ઇન્ડસ્ટિÿયલ ઇન્ફ્રા અઢી ટકા વધીને ૨૯૦ રૂપિયા બોલાઈ હતી. જોકે સૌથી મોટો અને મહત્વનો જમ્પ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે માર્યો હતો. આ કાઉન્ટર ઇન્ટ્રા-ડેમાં ૫.૬ ટકાના ઉછાળે ૭૫૪ રૂપિયા બતાવી છેલ્લે ૭૪૭ રૂપિયા બંધ હતું, જે ૪.૭ ટકાનો જમ્પ બતાવે છે. તેમના મિત્ર આનંદ જૈનની જય કૉર્પ ૭.૫ ટકાની મજબૂતીમાં ૫૦ રૂપિયા નજીક બંધ હતી.

જીટીએલમાં રીસ્ટ્રક્ચરિંગનો કરન્ટ

જીટીએલ તેમ જ ગ્રુપકંપનીઓ માટે સીડીઆર (કૉર્પોરેટ ડેટ રીસ્ટ્રક્ચરિંગ)ને બહાલી મળી છે. પ્રમોટર્સ આ સ્કીમ હેઠળ ૨૫૦૦ કરોડ રૂપિયાની પર્સનલ ગૅરન્ટી આપવા સહમત થતાં કુલ ૧૬,૦૦૦ કરોડ રૂપિયાના દેવાનું રીસ્ટ્રક્ચરિંગ હવે શક્ય બનશે. આ અહેવાલના પગલે શૅર ગઈ કાલે ઇન્ટ્રા-ડેમા ૧૮ ટકાના ઉછાળે ૩૭.૭૫ રૂપિયા થયો હતો. છેલ્લે બાર ટકા વધી ૩૭.૫૦ રૂપિયાની આજુબાજુ મુકાતો હતો. વૉલ્યુમ સાત ગણું હતું. એસકેએસ માઇક્રો ફાઇનૅન્સના ર્બોડ ઑફ ડિરેક્ટર્સે કંપનીમાં વિદેશી સંસ્થાકીય રોકાણની લિમિટ ૨૪ ટકાથી વધારી ૭૪ ટકા કરવાનો નિર્ણય લીધો છે. એની પાછળ શૅર પાંચ ટકાની ઉપલી સર્કિટે ૯૮ રૂપિયાને આંબી ગયો હતો. ગુજરાત પીપાવાવ ૧૭ ટકાના જમ્પમાં ૫૮.૫૦ રૂપિયા થયો હતો. રોહિત ફેરો ટેક ૧૮ ટકાનો કુદકો મારીને ૨૬.૫૦ રૂપિયાની ટોચે ગયો હતો.

વિશ્વબજારોની મજબૂતી જારી

અમેરિકા ખાતે હાઉસિંગ ડેટા ધારણા કરતાં સારા આવવા તેમ જ સ્પૅનના બૉન્ડનું ઑક્શન સફળ થવાના અહેવાલે યુએસ ડાઉ ઇન્ડેક્સ ૨.૮ ટકા કે ૩૩૭ પૉઇન્ટના જમ્પમાં ફરી ૧૨,૦૦૦ ઉપર પહોંચી ગયો અને યુરોપિયન બજારો પણ મંગળવારે એકથી ત્રણ ટકા પ્લસમાં રહ્યાં. આની સીધી અસર ગઈ કાલે એશિયન બજારોને થઈ છે. એકમાત્ર ચાઇનીઝ બજાર એક ટકાથી વધુ નરમ હતું. બાકી બધે સુધારો આગળ વધેલો હતો. તાઇવાનીઝ શૅરબજાર ૪.૪ ટકા, સાઉથ કોરિયા ત્રણ ટકા, સિંગાપોર સવાબે ટકા, હૉન્ગકૉન્ગ ૧.૮ ટકા, જપાન દોઢ ટકો અને ઇન્ડોનેશિયા તથા થાઇલૅન્ડના માર્કેટ્સ એક ટકાની આસપાસ વધેલાં હતાં. યુરોપ આગલા દિવસની નોંધપાત્ર મજબૂતી પછી સારું ઓપનિંગ આપીને અડધાથી એક ટકો જેવું ઉપર મુકાતું હતું. ડાઉ ફ્યુચર્સ અને નાસ્ડેક ફ્યુચર્સ પણ અડધા ટકાની તેજીમાં હતા. વિશ્વસ્તરે સોનું ૧.૨ ટકા પ્લસમાં ટ્રોય ઔંસદીઠ (૩૧.૧૦ ગ્રામ) ૧૬૩૭ ડૉલર તથા ક્રૂડ એક ટકાના સુધારામાં બૅરલદીઠ ૯૬.૩ ડૉલર હતું.

ઇન્ટરિમ ડિવિડન્ડ

ઑઇલ ઇન્ડિયા લિમિટેડે ચાલુ નાણાકીય વર્ષ માટે ૨૫૦ ટકા ઇન્ટરિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. ડિવિડન્ડની ચુકવણી માટેની રેકૉર્ડ ડેટ ૪ જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે. પાંચમી જાન્યુઆરીથી ચુકવણી શરૂ થશે અને ૧૯ જાન્યુઆરી સુધીમાં પૂરી થશે.

એફઆઇઆઇની ચોખ્ખી વેચવાલી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇ (ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો)ની કુલ ખરીદી ૨૨૦૮.૨૫ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૨૩૫૨.૪૮ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૧૪૪.૨૩ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૧૦૧૯.૬૫ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૧૫૨.૯૧ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૧૩૩.૨૬ કરોડ રૂપિયા રહી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK