Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજેટની રાહ જોતા બજારમાં તમે તમારું બજેટ બનાવીને આગળ વધજો

બજેટની રાહ જોતા બજારમાં તમે તમારું બજેટ બનાવીને આગળ વધજો

01 July, 2019 11:46 AM IST | મુંબઈ
શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

બજેટની રાહ જોતા બજારમાં તમે તમારું બજેટ બનાવીને આગળ વધજો

બજેટની રાહ જોતા બજારમાં તમે તમારું બજેટ બનાવીને આગળ વધજો


શૅરબજારમાં એકંદર ટ્રેન્ડ તેજીનો છે. વધુ યા ઓછી વધઘટ એ તેના ભાગરૂપ ઘટનાઓ છે. . સેન્સેકસની ૪૦,૦૦૦ સુધીની અને તે ઉપરની યાત્રા મોદી સરકારની વાપસી અને તેની પાસેના ઊંચા આશાવાદને આભારી ગણાય. કિંતુ હવે મોદી સરકારે ડિલિવર કરવાનો સમય છે. બજેટ તેની પ્રથમ નક્કર અને મોટી શરૂઆત કહી શકાય. આ શુક્રવારે પાંચ જુલાઈએ બજેટની જાહેરાત થશે. બજારની નજર અને આશા-ઉમીદ મોદી સરકારના નવા નાણાપ્રધાનના આ બજેટ પર છે. રોકાણકારો માટે પણ પોતાનો રોકાણવ્યૂહ ઘડવાનો પડકાર છે. બજેટ પાસે આશા ઘણી છે, કિંતુ સામે આર્થિક પડકાર પણ ઘણા છે. ખાસ કરીને બજેટ બાદ તેજી વધવાની આશા છે, પરંતુ શું તમે એ તેજીમાં કમાશો ખરાં? આના જવાબમાં આપણે માત્ર બજેટને જ નહીં., બલકે ઓવરઓલ સિચ્યુએશન ધ્યાનમાં રાખી આગળ વધવું જોઈએ. 

પહેલી વાત શૅરમાં માત્ર ફંડામેન્ટલ્સ જોઈને જ રોકાણ કરો, બજારમાં રોકાણ કરવા કરતાં સ્પેસિફિક સ્ટૉકસમાં રોકાણ કરવાનું માનસ રાખવું જોઈએ. બજેટની બજાર પર સારી-નરસી અસર થઈ શકે છે. કિંતુ તમારા સ્ટૉકસ મજબૂત હશે તો ઘટેલા શૅર પણ પાછાં વધશે. રોકાણકારનું ખરું ધ્યાન પોતાની કંપનીના ગ્રોથ પર હોવું જોઈએ, બાકી શોર્ટ ટર્મ અસરમાં પ્લસ-માઈનસ થયા કરે એ જુદી વાત છે.
બીજી વાત શૅરની પસંદગી સંભવ હોય ત્યાં સુધી લાર્જ કેપ, એ ગ્રુપ, ઈન્ડેકસમાંથી કરવી જોઈએ. જેમાં મોટેભાગે એ જ શૅરો સ્થાન પામે છે, જેના ફંડામેન્ટલ્સ એકદંરે સારા -મજબૂત હોય છે. જો કે ઓવરવેલ્યુએશ પ્રત્યે સાવચેત રહેવું જરૂરી બને છે.



ત્રીજી વાત ખરીદવા માટે સમયની બહુ રાહ નહીં જુઓ, દરેક ઘટતી બજારમાં ખરીદી કરતા રહો, નિયમિત ખરીદી કરી સારા શૅરો જમા કરતા રહો. યાદ રહે, તમે એક-એક શૅર ખરીદીને પણ પોર્ટફોલિયો મોટો કરતા જઈ શકો છો. જેમાં તમને એવરેજનો લાભ પણ મળશે. અલબત્ત, સંખ્યાવાર સ્ક્રિપ્સની યાદી મોટી કરશો નહીં.
ચોથી વાત પોર્ટફોલિયો ડાઈવર્સિફાઈડ રાખો. વિવિધ સેકટરમાંથી બેસ્ટ શૅર પસંદ કરી રાખો. તેની સમય સાથે સમીક્ષા કરતા રહી, તેમાં ખરીદી કરતા રહો. અલબત્ત, જ્યાં જરૂરી જણાય ત્યાં પરિવર્તન પણ કરો.


પાંચમી વાત ખાસ યાદ રાખો, રોકાણ માત્ર અને માત્ર લોંગ ટર્મ માટે જ કરો. ઈક્વિટી એટલે લોંગ ટર્મ જ હોય એ સિદ્ધાંત કાયમ સમજી રાખો. અન્યથા ઈક્વિટી જોખમી સાબિત થઈ શકે છે.
છઠ્ઠી વાત જો કોઈ સમયે કયો શૅર ખરીદવો એ સૂઝે નહીં ત્યારે મ્યુચ્યુઅલ ફંડના ઈન્ડેકસ ફંડમાં કે પછી એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ) માં રોકાણ કરો. જેમાં તમારું જોખમ મર્યાદિત રહેશે, અલબત્ત, વળતર પણ મર્યાદિત હશે. પરંતુ ઊંચી સલામતી વધુ મહત્વની હોય છે. સિંગલ સ્ટૉકસમાં તાજેતરમાં લાખો રોકાણકારોએ પોતાની મૂડીનું ધોવાણ જોયું છે. દાખલા નજર સામે છે. જેટ અૅરવેઝ, આરકોમ, રિલાયન્સ પાવર, મનપસંદ બિવરેજીસ, ઝી, ઈન્ડિયા બુલ્સ, યસ બૅન્ક, દિવાન હાઉસિંગ, સુઝલોન, જીએમઆર ઈન્ફ્રા, યુનિટેક વગેરે. યાદી લાંબી છે. વાસ્તે, ગમે તે સ્ટૉકસ લઈ લેવા કરતાં અથવા કોઈની વાતમાં આવી જઈ શૅર ખરીદવા કરતાં ઈન્ડેકસ સ્ટૉકસ બહેતર ગણાય.

સાતમી વાત ફયુચર્સ અને ઑપ્શન્સ ટ્રેડિંગથી દૂર રહો, આમાં ફસાયા તો પૂરા ડૂબી જાવ એવું પણ બની શકે. પૂરતી સમજણ વિના આ સોદા કરવા એટલે ભારે જોખમ લેવા જેવું ગણાય . આમાં ઊંચી કમાણી બતાવી આકર્ષનારા હોય છે, જેમાં તણાયા કે ડૂબ્યા સમજી લો. અલબત્ત, આમાં સમજીને સટ્ટો કરનારા દસ ટકા લોકો કમાતા પણ હશે, પરંતુ ૯૦ ટકાનું શું ? તમે એ દસ ટકામાં હશો એની ખાતરી તમને છે?
આઠમી વાત સ્ટૉકસના પોર્ટફોલિયોને રિવ્યુ કરતા રહો, સમય પર જરૂર જણાય ત્યાં પ્રોફિટ બુક કરો અથવા લોસ બુક કરો. તમારા સ્ટૉકસ પ્રત્યે ઈમોશનલ નહીં બનો. માત્ર મિત્રએ કહ્યું, છાપામાં વાંચ્યું, ટીવીમાં જોયું, ફોન પર કે કથિત એકસપર્ટ પાસેથી ટિપ્સ મળી એટલે શૅર લઈ લીધા એવું કરનારાને ખોટ કરતાં બહુ સમય લાગતો નથી.


નવમી વાત બજારમાં કોઈ કારણસર કડાકા આવે કે સતત ઘટાડો થવા માંડે તો તરત પેનિકમાં આવીને વેચાણ શરૂ કરી દેવું નહીં. જો તમારા શૅર મજબૂત કંપનીના છે તો એ બજારના ટૂંકા ગાળાના રિઅૅકશન કે કરેકશનથી ડરી જવું નહીં. અન્યથા સારા શૅરો વેચાઈ જશે અને પછી પસ્તાવો થશે.

દસમી વાત એકસાથે બધી યા મોટી રકમનું રોકાણ ન કરશો. બલકે ધીમે-ધીમે થોડા થોડા શૅર જમા કરતા જશો. આમ કરતી વખતે બજારની ચાલ કરતા, એ શૅરવાળી કંપનીના ગ્રોથ પ્લાનને અવશ્ય ધ્યાનમાં રાખશો.

આ પણ વાંચોઃ Credit Card પૈસા ઉપાડતા પહેલા જાણી લો આ નિયમ, લાગે છે મોટો ચાર્જ

બજેટ સરકારનું, બજેટ તમારું

બજારની નજર બજેટ પર ભલે રહી, એ ઉપરાંત પણ બજાર પર અનેક પરિબળોની અસર થયા કરશે. ચીન-યુએસ વેપાર યુદ્ધ, યુએસ-ભારત ટેરિફ તકરાર, યુરોપ માર્કેટ, ક્રૂડના ભાવ, ડૉલર-રૂપીના દર, ગ્લોબલ સ્લો ડાઉન વગેરે. આ બજેટમાં આર્થિક સુધારાને આગળ ધપાવવા, ગ્રોથલક્ષી પગલાં ભરવા, કૃષિ પર ગંભીરપણે ધ્યાન આપવું , જોબ સર્જનને વિશેષ મહત્વ આપવું , ગ્લોબલ ચિંતાના પરિબળો સામે વ્યૂહ ઘડવા, વ્યાજદરની સ્થિતિને લક્ષ્યમાં રાખવી, બૅન્કોની બેડ લોન્સની ગંભીર સમસ્યાનો નક્કર તેમ જ ઝડપી ઉપાય આગળ વધારવો, ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રવાહ ચાલુ રહે એવો માહોલ બનાવવો, માળખાકીય વિકાસને વેગ આપવો , ડિમાંડ વધે અને વપરાશ વધે એ માટેના સચોટ પગલાં ભરવાં જોઈશે. વરસાદની સ્થિતિ અને તેની અસર પણ જોવી પડશે. આ બધા પછી જ બજાર ખરા અર્થમાં ફંડામેન્ટલ્સ સાથે આગળ વધે એ મહત્વનું છે. માત્ર સેન્ટીમેન્ટને આધારે ચાલતું રહે એ બહુ લાંબુ ચાલે નહીં. હવે ટૂંક સમયમાં બજારની લાંબા ગાળાની ચાલ બજેટ નક્કી કરશે. જો કે બજેટ બાદ તરત બજાર વધે કે ઘટે તેને શોર્ટ ટર્મ પ્રતિભાવ ગણવો. જો કે સરકારના બજેટ કરતાં તમારું બજેટ વધુ મહત્વનું છે એ હકીકત યાદ રાખજો. જેથી તમારા રિસ્ક પ્રોફાઈલ અને ધ્યેયને આધારે રોકાણનું આયોજન કરજો.

નાની સાદી વાત

બજારની મજાની વાત એ છે કે અહીં એક જ સમયે એક વ્યક્તિ જે શૅર વેચે છે એ જ શૅર બીજી વ્યક્તિ એ સમયે ખરીદે છે અને બંને પોતાના નિર્ણયને પરફેકટ માને છે.

નાની ખાસ વાત

હવે પછીના સમયમાં સ્મોલ અને મિડકેપ ફંડ અને આ સેગમેન્ટના સ્ટૉક સિલેકશન પર ધ્યાન આપવું જોઈએ. અહીં વૃદ્ધિની સંભાવના ઊંચી રહેશે, કિંતુ ખોટા શૅરમાં ભેરવાઈ ન જવાય તેની તકેદારી રાખવી જોઈશે.

jayesh.chitalia@gmail.com

Whatsapp-channel Whatsapp-channel

01 July, 2019 11:46 AM IST | મુંબઈ | શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK