Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > માત્ર ગ્લોબલ સંકેત અને સેન્ટિમેન્ટના સહારે બજારની વધ-ઘટ ચાલતી રહેશે

માત્ર ગ્લોબલ સંકેત અને સેન્ટિમેન્ટના સહારે બજારની વધ-ઘટ ચાલતી રહેશે

25 November, 2019 11:52 AM IST | Mumbai
Jayesh Chitalia

માત્ર ગ્લોબલ સંકેત અને સેન્ટિમેન્ટના સહારે બજારની વધ-ઘટ ચાલતી રહેશે

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


ગયા સપ્તાહમાં આપણે કરેલી વાતચીત મુજબ બજાર પાસે કોઈ પૉઝિટિવ ટ્રિગર નથી, જેને લઈને એ વધુ ઊંચે જઈ શકે યા કોઈ નેગેટિવ ટ્રિગર પણ નથી, જેને લીધે એ નીચે ઊતર્યા કરે. આ મુદ્દાને સમર્થન આપતાં ગયા સોમવારે બજારે સાધારણ વધ-ઘટ દર્શાવી હતી. શરૂઆતમાં વધીને ઊંચે પણ ગયું હતું, પરંતુ ઊંચે ટકી શકયું નહીં અને અંતમાં સેન્સેક્સ માત્ર ૭૩ પૉઇન્ટ અને નિફટી ૧૧ પૉઇન્ટ માઇનસ રહ્યા હતા. આમ તો ચીને ૨૦૧૫ બાદ પહેલી વાર વ્યાજદર ઘટાડ્યા હતા, જેને લીધે ગ્લોબલ સ્તરે સુધારાનો માહોલ હતો, પરંતુ ભારતીય માર્કેટમાં ઇન્ડેક્સનો ઘટાડો મુખ્યત્વે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બૅન્ક જેવા વેઇટેજવાળા સ્ટૉક્સને કારણે હતો. આમ પણ બજારમાં કંઈ નક્કર પરિબળો દેખાતાં નહોતાં. ઇન્વેસ્ટરોની નજર યુએસ-ચીનની વેપાર-વાટાઘાટ, ડૉલરની અને ક્રૂડની સ્થિતિ પર રહી હતી, જેમાં સાવચેતીનું માનસ જણાતું હતું.  
વધુ એક વાર ૧૨૦૦૦ને પાર
મંગળવારે બજારે સાધારણ વધ-ઘટ સાથે શરૂઆત કર્યા બાદ આખરમાં સેન્સેક્સ ૧૮૫ પૉઇન્ટ અને નિફટી ૫૫ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. નિફટી ૧૧૯૫૦ આસપાસ પહોંચી ગયો હતો.  ગ્લોબલ સંજોગો પૉઝિટિવ હતા, જેને લીધે ગ્લોબલ માર્કેટ પણ એની બે વર્ષની ઊંચાઈએ હતી.  યુએસ-ચીન વચ્ચે વેપારયુદ્ધમાં સમાધાન થઈ જવાની આશા વધી ગઈ હોવાનું પણ આ પરિણામ હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, એચડીએફસી બૅન્ક સહિતના હેવીવેઇટ સ્ટૉક્સમાં વધારો, પણ ઇન્ડેક્સના ઉછાળાનું કારણ બન્યું હતું. બુધવારે બજારની શરૂઆત ધમાકેદાર થઈ હતી. નિફટી ૧૨૦૦૦ને પાર કરી ગયો હતો. જોકે અંતમાં એ ૫૯ પૉઇન્ટના વધારા સાથે  ૧૧૯૯૯ પૉઇન્ટ બંધ રહ્યો હતો. સેન્સેક્સે નવી ઊંચી સપાટી વટાવી હતી, જે ૪૦૮૦૦ પાર કરી અંતે ૧૮૨ પૉઇન્ટના વધારા સાથે ૪૦૬૫૧ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ક્રૂડના ભાવ ઘટવાને કારણે પણ પૉઝિટિવ અસર પડી હતી. સકારાત્મક ગ્લોબલ અસરનું પણ પરિણામ હતું. સરકાર તરફથી આગામી બજેટમાં અને એ પહેલાં પણ સુધારાનાં પગલાં આવવાની આશા મજબૂત બનતી જવાનું કારણ પણ કામ કરી ગયું હતું.  
કરેક્શનના માર્ગે આગળ
ગુરુવારે બજારે ફરી વળાંક લઈને ઘટાડાતરફી ચાલ બતાવી હતી. સેન્સેક્સમાં ૭૬ પૉઇન્ટ અને નિફટીમાં ૫૪ પૉઇન્ટનો ઘટાડો દર્શાવ્યો હતો. શુક્રવારે બજારે શરૂઆતથી ઘટવાનું રાખ્યું હતું. ગુરુવારનો ઘટાડો વધુ આગળ વધ્યો હતો. શુક્રવારે માર્કેટ ૨૦૦ પૉઇન્ટથી વધુ માઇનસ થયું હતું, જોકે આ કરેક્શન કરેક્ટ (સારું-સાચું) હતું. બજારમાં પ્રૉફિટ-બુકિંગ જરૂરી પણ હતું. સેન્સેક્સ ૨૧૬ પૉઇન્ટ નીચે ઊતરીને ૪૦૩૫૯ અને નિફટી ૫૪ પૉઇન્ટ નીચે ઊતરીને ૧૧૯૧૪  બંધ રહ્યા હતા. બજાર આ સપ્તાહમાં દબાણ હેઠળ જ રહેશે એવું જણાય છે. ગ્લોબલ સંકેતોને અનુસરશે તેમ જ સ્થાનિકમાં સરકારની કોઈ જાહેરાતને ફૉલો કરશે. બાકી માર્કેટ કોઈ પણ  પ્રકારના ટ્રિગર વિના ચાલી રહ્યું હોવાથી અત્યારની રેન્જમાં જ રમ્યા કરશે. નિફટી ૧૨૦૦૦ નીચે ઊતરી ગયો છે, જે આ સપ્તાહમાં કોઈ પૉઝિટિવ ટ્રિગર આવશે તો તરત ૧૨ હજારને પાછો પાર કરશે. આ સપ્તાહમાં પ્રૉફિટ-બુકિંગને પગલે યા પૉઝિટિવ ટ્રિગરના અભાવે કરેક્શન આવી શકે છે.  
આગામી બજેટનાં પગલાંના સંકેત
નાણાપ્રધાને ફરી એક વાર બજેટની આશા બતાવવાનું શરૂ કર્યું છે. આગામી બજેટમાં સરકાર કરવેરામાં રાહત-પ્રોત્સાહન આપવાની યોજના ધરાવે છે તેમ જ ખાનગી રોકાણ આકર્ષવાની પણ દરખાસ્ત ધરાવે છે એવું નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જાહેર કર્યું છે. કહેવાય છે કે ગયા બજેટમાં જે ભુલો થઈ હતી અથવા જે ક્ષતિઓ રહી ગઈ હતી એને સુધારવાનો આગામી બજેટમાં નક્કર પ્રયાસ થશે. સરકારે લાંબા સમય સુધી દેશનું અર્થતંત્ર મંદીનો સામનો કરી રહ્યું હોવાનું સ્વીકાર્યું નહોતું. હવે સ્વીકારીને પગલાં ભરવાનું શરૂ કર્યું છે, પરંતુ હજી એની સચોટ અને પરિણામલક્ષી અસર જોવા મળતી નથી. આ વખતે કરેવરા રાહત મારફત અર્થતંત્રને વેગ આપવાનો, વપરાશ-માગ વધારવાનો અને ઇન્વેસ્ટમેન્ટ વૃદ્ધિ થાય એવાં કદમ સક્રિય વિચારણા હેઠળ છે. આ વખતે કરરાહતમાં વ્યક્તિગતથી લઈ મૂડીબજારને રાહત મળે એવી રાહત પણ આવવાની આશા જગાવાઈ છે. લઘુ અને મધ્યમ એકમોને રાહત-પ્રોત્સાહન આપવાની પણ આશા જગાડાઈ છે. વધુમાં સરકાર હવે બૅન્કોના મર્જરની જેમ વીમા-કંપનીઓના મર્જરની પણ વિચારણા કરી રહી છે. ઇન શૉર્ટ, ઢગલાબંધ સુધારા નિશ્રિત છે. બજાર ત્યાર બાદ કોઈ દિશા નક્કી કરે એવું બની શકે. ત્યાં સુધી રોકાણકારો સિલેક્ટિવ અને માત્ર ફન્ડામેન્ટલ્સ આધારિત સ્ટૉક્સ પર ધ્યાન આપી સમયાંતરે જમા કરતા જાય એમાં શાણપણ રહેશે.   
જાહેર સાહસોનાં ડિસઇન્વેસ્ટમેન્ટ
નાણાપ્રધાને ભારત પેટ્રોલિયમ સહિત ચાર જાહેર એકમોના હિસ્સાનું વ્યૂહાત્મક વેચાણ કરવાની પણ જાહેરાત કરી હતી તેમ જ ટેલિકૉમ કંપનીઓની આર્થિક સમસ્યાને ધ્યાનમાં રાખી તેમને બે વર્ષનો સમય આપ્યો હતો, જે રાહતદાયી કહી શકાય. સરકારે ઇન્ડસ્ટ્રિયલ રિલેશન બિલના સુધારા મારફત કામદારોને રાહત થાય એવાં પગલાં પણ મંજૂર કર્યાં હતાં. મોટી કંપનીઓ ગમે ત્યારે કામદારોને છૂટા કરી શકે નહીં એવી જોગવાઈ વિચારાઈ છે. આમ આ એક મહત્ત્વનું કદમ કામદાર કાનૂનમાં સુધારાનું બનશે.  

એનબીએફસીને શિસ્તબદ્ધ બનાવવાનું લક્ષ્ય  
ગયા સપ્તાહમાં રિઝર્વ બૅન્કે દીવાન હાઉસિંગ ઍન્ડ ફાઇનૅન્સ નામની અગ્રણી કંપનીના બોર્ડને સુપરસીડ (બરખાસ્ત) કરી દીધું હતું, જે આકરું પગલું કહી શકાય. આની અસર કંપનીના શેરધારકો તેમ જ ડિપોઝિટધારકો પર પડે એ સ્વાભાવિક છે. હવે પછી રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા બૅન્કોની જેમ નૉન-બૅન્કિંગ ફાઇનૅન્શિયલ કંપનીઝ માટે પણ પ્રૉમ્પ્ટ કરેક્ટિવ ઍક્શન (પીસીએ)નું માળખું દાખલ કરવા વિચારે છે, જે આ ક્ષેત્રની કંપનીઓના મૅનેજમેન્ટ પર નાણાકીય અંકુશનાં પગલાં લઈ શકશે. આ સાથે રિઝર્વ બૅન્ક આ કંપનીઓ પર ડિસ્ક્લોઝરનું તેમ જ કૉમ્પ્લાયન્સનું પ્રમાણ વધારી શકશે અને પોતાનું નિરીક્ષણ પણ વધારી શકશે. છેલ્લાં બે વર્ષમાં એનબીએફસીની  જે ગરબડ બહાર આવતી રહી છે એને કારણે આ સેક્ટર પ્રત્યેનો વિશ્વાસ પણ ઘટી ગયો છે. બૅન્કોની જેમ આ કંપનીઓ પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. રિઝર્વ બૅન્કના નવા નિયમ એની પારદર્શકતા અને વિશ્વસનીયતા વધારવામાં સહાયરૂપ થશે. આ સેક્ટરમાં એ મુજબની શિસ્ત પણ વધશે એવી આશા રાખી શકાય. જોકે રિઝર્વ બૅન્ક આ નવા નિયમ-ધોરણનું માળખું આગામી ૨૦૨૨ના વર્ષ  સુધીમાં લાવવાનું આયોજન ધરાવે છે, કારણ કે આ એક લાંબી પ્રોસેસ છે.  
બૅન્ક ડિપોઝિટના વીમા-કવચની સંભવિત અસર
બૅન્ક નાદાર થાય તો હાલમાં એના ગ્રાહક-ખાતાધારકને માત્ર એક લાખ રૂપિયા સુધીનું વીમા-રક્ષણ મળે છે. આ ડિપોઝિટ ઇન્શ્યૉરન્સ વધારીને હવે પાંચ લાખ રૂપિયા સુધીનું કરવાનું સરકાર વિચારે છે. આ સાથે સરકાર ૨૫ લાખ રૂપિયા સુધીની હોલસેલ ડિપોઝિટ માટે નવી સ્કીમ પણ વિચારે છે. ૧૯૯૩ બાદ આ વીમા-રક્ષણમાં પહેલી વાર વધારો કરવાનું પગલું હશે. જો આનો અમલ થશે તો બૅન્કોમાં બચત કરવાનું પ્રમાણ વધી શકે, જેની આંશિક અસર મ્યુચ્યુઅલ ફન્ડ્સ  અને સ્ટૉક માર્કેટ તેમ જ કૉર્પોરેટ ડિપોઝિટના રોકાણ પર થઈ શકે, કારણ કે નાના બચતકાર-રોકાણકાર સલામતી વધુ પસંદ કરતા હોય છે. તાજેતરમાં બૅન્કોની આર્થિક સમસ્યા બાદ  બૅન્કોમાંથી વિશ્વાસનું સ્તર ઘટતું રહ્યું છે અને લોકો મ્યુચ્યુઅલ ફન્ડ સહિત એના જેવી સ્કીમ તરફ આકર્ષાય છે. બૅન્કોમાં વીમા-રક્ષણ વધશે તો ફરી બૅન્કો તરફ પ્રવાહ વધી શકે.

નાની-મોટી જાણવા જેવી વાત
મૂડીબજારનું નિયમન તંત્ર સેબી લિસ્ટેડ કંપનીઓના પ્રમોટર્સની વ્યાખ્યા યા કન્સેપ્ટમાં ધરખમ ફેરફાર કરવાનું વિચારે છે. આ કન્સેપ્ટ અનુસાર પ્રમોટર્સ કન્ટ્રોલિંગ શૅરધારક ગણાશે. આ ખ્યાલ વિકસિત દેશોમાં છે. સેબી આપણા દેશમાં આને દાખલ કરવાનું વિચારે છે. આની અસર કંપનીના બોર્ડના નિર્ણયો પર થઈ શકે.રિઝર્વ બૅન્ક એની સુપરવાઇઝરી ભૂમિકાને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન આપી રહી છે.
સેબીએ કંપનીઓને તેમના લોન ડિફૉલ્ટ વિશે સ્ટૉક એક્સચેન્જને માહિતી પૂરી પાડવાના નિયમને કડક બનાવી રોકાણકારોનાં હિતમાં પગલું ભર્યું છે. સરકારે ૨૮ જાહેર સાહસોના વ્યૂહાત્મક વેચાણને મંજૂરી આપી છે. આર્સેલર મિત્તલ એસ્સારનું ઍક્વિઝિશન ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી લેવાનું લક્ષ્ય રાખે છે.સરકાર ઇકૉનૉમીને વેગ આપવા ટૂંક સમયમાં ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનાં ધોરણો હળવાં કરશે.      
યસ બૅન્કે કરેલી જાહેરાત મુજબ એની ગ્રોસ એનપીએ વધી ગઈ છે. કંપનીમાં કંઈક આંકડાકીય પારદર્શકતા બાબતે રંધાયું હોવાની શંકા બજારમાં ચર્ચાય છે. જાહેર ક્ષેત્રની બૅન્કોમાં છેલ્લા ૬ મહિનામાં ૯૫૭૦૦ કરોડ રૂપિયાના ફ્રૉડના કેસ નોંધાયા છે. સેબીએ પોર્ટફોલિયો મૅનેજમેન્ટના નિયમો વધુ કડક બનાવીને એની લઘુતતમ મર્યાદા ૫૦ લાખ રૂપિયાની કરી છે તેમ જ રાઇટ ઇશ્યુની સમય મુદત ઘટાડી છે.
સમજવા જેવી વાત
શૅરબજાર પાસેથી સંપત્તિ પ્રાપ્ત કરવી હશે તો બે બાબત ખાસ ધ્યાનમાં રાખવી પડશે. એક, એને લાંબો સમય આપવો પડશે અને બીજી, ફન્ડામેન્ટલ્સની દૃષ્ટિએ રાઇટ સ્ટૉક્સ સિલેક્ટ કરીને ધીમે-ધીમે જમા કરતા જવું જોઈશે.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2019 11:52 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK