Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રસાકસીભર્યા સપ્તાહના અંતે શૅરબજાર ફ્લૅટ રહ્યું

રસાકસીભર્યા સપ્તાહના અંતે શૅરબજાર ફ્લૅટ રહ્યું

13 February, 2021 02:16 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રસાકસીભર્યા સપ્તાહના અંતે શૅરબજાર ફ્લૅટ રહ્યું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


શૅરબજારમાં લગભગ એક આખું સપ્તાહ ચાલેલી આખલા અને રીંછ વચ્ચેની રસાકસી છેલ્લા સત્રમાં પણ ચાલુ રહી હતી. શુક્રવારે વૈશ્વિક બજારોની રાહે ભારતમાં પણ બજાર નબળું રહ્યું હતું. યુનાઇટેડ કિંગડમમાં કુલ રાષ્ટ્રીય પેદાશ વર્ષ ૨૦૨૦માં ઘટી હોવાથી યુરોપિયન બજારો પર તેની થોડી અસર જોવા મળી હતી. આ જ રીતે અમેરિકન અને એશિયન બજારો પણ દિશાવિહોણી સ્થિતિમાં રહ્યાં હોવાથી ભારતના બન્ને મુખ્ય ઇન્ડેક્સ ફ્લૅટ બંધ રહ્યા હતા. દેશમાં જાહેર કરાયેલા આંકડાઓ મુજબ દેશનો ડિસેમ્બરનો ગ્રાહક ભાવાંક ૪ ટકા રહ્યો હતો અને ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિદર ૧ ટકા રહ્યો હતો. આ આંકડાઓની જાહેરાત બાદ બજારમાં સુધારો આવ્યો હતો.

બૅન્કિંગ શૅરો સુધર્યા



શુક્રવારનો આખો દિવસ ઉતાર-ચડાવનો રહ્યો હતો. મેટલ અને એફએમસીજી ક્ષેત્રોમાં થયેલા પ્રૉફિટ બુકિંગને કારણે એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સ દિવસના અંતે માત્ર ૧૨.૭૮ પૉઇન્ટ (૦.૦૨ ટકા) વધીને ૫૧,૫૪૪.૩૦ બંધ રહ્યો હતો. આ જ રીતે નિફ્ટી૫૦ ઇન્ડેક્સ ૧૦ પૉઇન્ટ (૦.૦૭ ટકા) વધીને ૧૫,૧૬૩.૩૦ બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં દિવસ દરમ્યાન ૫૧,૮૦૪.૫૮ની ઉપલી અને ૫૧,૨૬૦.૬૨ની નીચલી સપાટી આવી હતી. આમ ૫૪૪ પૉઇન્ટનો ઉતાર-ચડાવ આવ્યો હતો. બૅન્કિંગ શૅરોની લેવાલીને પગલે બજાર દિવસની નીચલી સપાટીએથી છેલ્લા એક કલાકમાં નોંધપાત્ર સુધર્યું હતું.


સેન્સેક્સના ૩૦માંથી ૧૦ શૅર વધ્યા

સેન્સેક્સના ૩૦માંથી ૧૦ શૅર વધ્યા હતા, જેમાં આઇસીઆઇસીઆઇ બૅન્ક (૨.૬૭ ટકા), એક્સિસ બૅન્ક (૧.૩૭ ટકા), સ્ટેટ બૅન્ક (૦.૭૮ ટકા), એચડીએફસી બૅન્ક (૦.૬૩ ટકા) અને ઇન્ડસઇન્ડ બૅન્ક (૦.૫૯ ટકા) મુખ્ય હતા. અન્ય વધેલા શૅર ઇન્ફોસિસ (૧.૩૬ ટકા), એચડીએફસી (૧.૧૫ ટકા), બજાજ ફિનસર્વ (૦.૫૯ ટકા), ટેક મહિન્દ્ર (૦.૫૫ ટકા) અને બજાજ ફાઇનૅન્સ (૦.૧૮ ટકા) હતા. આઇટીસીમાં ૪ ટકાનો ઘટાડો થયો હતો. અન્ય ઘટેલા સ્ટૉક્સ સન ફાર્મા (૨.૫૩ ટકા), ઓએનજીસી (૨.૪૬ ટકા), ભારતી ઍરટેલ (૧.૯૮ ટકા), ટાઇટન (૧.૯૬ ટકા), એનટીપીસી (૧.૪૪ ટકા), મારુતિ (૧.૩૦ ટકા), બજાજ ઑટો (૧.૦૮ ટકા), રિલાયન્સ (૦.૭૦ ટકા), લાર્સન ઍન્ડ ટુબ્રો (૦.૬૨ ટકા) અને મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર (૦.૫૯ ટકા) સામેલ હતા.


નિફ્ટી૫૦ના વધેલા સ્ટૉક્સમાં અદાણી પોર્ટ્સ (૩.૩૬ ટકા), આઇસીઆઇસીઆઇ બૅન્ક (૨.૬૦ ટકા) મુખ્ય હતા. ઘટેલામાં ગેઇલ (૨.૭૫ ટકા) અને કોલ ઇન્ડિયા (૨.૩૩ ટકા) સામેલ હતા.

બીએસઈ પર બ્રોડ બેઝ્ડ ઇન્ડાઇસીસમાં એકમાત્ર બીએસઈ મિડ કૅપ ૦.૦૬ ટકા વધ્યો હતો, જ્યારે બીએસઈ સેન્સેક્સ૫૦ ઇન્ડેક્સ ૦.૦૪ ટકા, બીએસઈ૧૦૦ ઇન્ડેક્સ ૦.૦૭ ટકા, બીએસઈ સ્મૉલ કૅપ ૦.૦૨ ટકા, બીએસઈ૨૦૦ ઇન્ડેક્સ ૦.૦૩ ટકા અને બીએસઈ લાર્જ કૅપ ૦.૦૫ ટકા ઘટ્યા હતા.  બીએસઈના સેક્ટોરલ ઇન્ડાઇસીસમાંથી ફાઇનૅન્સ ૦.૮૪ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સ ૦.૨૨ ટકા, આઇટી ૦.૪૩ ટકા, બૅન્કેક્સ ૦.૯૯ ટકા, પાવર ૦.૨૩ ટકા, રિયલ્ટી ૦.૧૧ ટકા અને ટેક ૦.૦૯ ટકા વધ્યા હતા, જ્યારે અૅનર્જી ૦.૮૫ ટકા, એફએમસીજી ૧.૫૮ ટકા, હેલ્થકૅર ૦.૫૮ ટકા, ટેલિકૉમ ૧.૯૫ ટકા, ઑટો ૦.૪૫ ટકા, કૅપિટલ ગુડ્સ ૦.૨૯ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૪૩ ટકા, મેટલ ૧.૯૦ ટકા અને ઑઇલ અૅન્ડ ગૅસ ૧.૩૮ ટકા ઘટ્યા હતા.

વૉલેટિલિટી ઇન્ડેક્સ ઘટ્યો

એનએસઈ પર ઇન્ડિયા વૉલેટિલિટી ઇન્ડેક્સમાં ૩.૯૩ ટકાનો ઘટાડો થયો હતો. નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ૦.૯૬ ટકા, નિફ્ટી પીએસયુ બૅન્ક ૦.૨૬ ટકા વધ્યા હતા, જ્યારે નિફ્ટી ફાર્મા ૧.૧૧ ટકા, નિફ્ટી મેટલ ૧.૭૦ ટકા, નિફ્ટી એફએમસીજી ૧.૫૫ ટકા અને નિફ્ટી મીડિયા ૦.૯૬ ટકા ઘટ્યા હતા.

મધરસન સુમીમાં ૧૦ ટકાની ઉપલી સર્કિટ

મધરસન સુમી સિસ્ટમ્સે ડિસેમ્બર ક્વૉર્ટર માટે પ્રોત્સાહક પરિણામ જાહેર કરતાં તેનો શૅર ૧૦ ટકાની ઉપલી સર્કિટ સુધી વધ્યો હતો. દિવસના અંતે તેનો ભાવ ૧૯૭.૨૫ રહ્યો હતો.

એચડીએફસી ૫ લાખ કરોડ રૂપિયા કરતાં વધુ માર્કેટ કૅપનો થયો

એચડીએફસીમાં ૧.૧૫ ટકાની વૃદ્ધિ બાદ સ્ટૉક ૫ લાખ કરોડ રૂપિયા કરતાં વધુના માર્કેટ કૅપિટલાઇઝેશન ધરાવતી કંપનીઓની યાદીમાં પહોંચી ગયો છે. શુક્રવારે તેનો બંધ ભાવ ૨૭૯૦.૩૫ રહ્યો હતો. ઉક્ત યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ, એચડીએફસી બૅન્ક, હિન્દુસ્તાન યુનિલિવર અને ઇન્ફોસિસ સામેલ છે. એચડીએફસી હવે છઠ્ઠી કંપની બની છે.

અદાણી એન્ટરપ્રાઇઝીસ ૯ ટકા વધ્યો

અદાણી એન્ટરપ્રાઇઝીસનો સ્ટૉક બીએસઈ પર શુક્રવારે ૯.૧૮ ટકા વધીને ૭૧૯.૨૦ની તેની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ટ્રાડે ધોરણે એ ૭૨૪.૬૦ સુધી ગયો હતો.

ડેરિવેટિવ્ઝ રિપોર્ટ

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં શુક્રવારે કુલ ૩,૦૫,૮૨૯.૧૪ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૬૮,૯૦૨ સોદાઓમાં ૨૭,૧૭,૨૪૬ કૉન્ટ્રૅક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૮,૪૭,૮૦૪ કૉન્ટ્રૅક્ટસના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટસમાં ૫.૬૦ કરોડ રૂપિયાના ૩૭ સોદામાં ૪૭ કૉન્ટ્રૅક્ટસનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કૉલ ઑપ્શનના ટ્રેડ થયેલા ૧૬,૧૯૧ સોદામાં ૫,૮૨,૨૩૧ કૉન્ટ્રૅક્ટ સાથે ૭૧,૩૧૯.૩૨ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઑપ્શનના ટ્રેડ ૫૨,૬૭૪ સોદામાં ૨૧,૩૪,૯૬૮ કૉન્ટ્રૅક્ટ સાથે ૨,૩૪,૫૦૪.૨૨ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.

ટેક્નિકલ દૃષ્ટિએ

બજાર કન્સોલિડેશનની સ્થિતિમાં છે. નિફ્ટી અને બૅન્ક નિફ્ટીમાં સાંકડી વધઘટ થઈ રહી છે. આ વલણ બદલાવવાની શક્યતા નહીં હોવાનું વિશ્લેષકો કહે છે. કન્સોલિડેશન પૂરું થયા બાદ બજાર વધવાનું શરૂ થઈ જવાની શક્યતા છે. નિફ્ટીને ૧૫,૧૦૦ અને ૧૪,૯૭૫ની સપાટીએ સપોર્ટ છે, જ્યારે ૧૫,૨૫૦ની સપાટીએ રેઝિસ્ટન્સ છે. બજાર રૅન્જ બાઉન્ડ છે ત્યાં સુધી ટ્રેડરોએ યોગ્ય જોખમ વ્યવસ્થાપન કરવું એવી સલાહ નિષ્ણાતોએ આપી છે. 

Whatsapp-channel Whatsapp-channel

13 February, 2021 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK