એક્સાઇઝના આંચકામાં શૅરબજારની પીછેહઠ

Published: 14th November, 2014 04:51 IST

સેન્સેક્સમાં ઍક્સિસ બૅન્ક, ડૉ. રેડ્ડીઝ લૅબ, આઇસીઆઇસીઆઇ બૅન્ક, એચડીએફસી બૅન્ક, ઇન્ફી, મારુતિ ઑલટાઇમ હાઈ, શુગર શૅરમાં સરકારી મીઠાશ : બૅન્કેક્સ, એફએમસીજી, ઑટો, તથા મિડકૅપ બેન્ચમાર્ક નવા શિખરે જઈને નરમ પડ્યાશૅરબજારનું ચલકચલાણું-અનિલ પટેલ

શૅરબજાર આગલા બંધથી ગઈ કાલે ગૅપમાં થોડું મજબૂત ખૂલ્યા બાદ પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝમાં વધારાના સરકારી આંચકામાં પાછું પડ્યું છે. સેન્સેક્સ ૬૮ પૉઇન્ટ ઘટીને ૨૭૯૪૦ તથા નિફ્ટી ૨૫ પૉઇન્ટની નરમાઈમાં ૮૩૫૮ નજીક બંધ રહ્યા છે. સેન્સેક્સ એક તબક્કે નીચામાં ૨૭૮૨૨ તથા નિફ્ટી ૮૩૨૦ થયા હતા. આ સંદર્ભમાં બૉટમની તુલનામાં બંધ સેન્સેક્સની રીતે ૧૧૮ પૉઇન્ટ અને નિફ્ટીની રીતે ૩૮ પૉઇન્ટ ઊંચો આવ્યો છે એની નોંધ લેવી રહી. બીજી તરફ આંતરપ્રવાહ નોંધપાત્ર નરમ હતો. સેન્સેક્સના ૩૦માંથી ૧૬ શૅર તથા બજારના ૨૪માંથી ૧૮ ઇન્ડેક્સ માઇનસમાં હતા. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૧૮માંથી ૧૨ શૅર ઘટેલા હોવા છતાં જૈસેથે હતો. એફએમસીજી બેન્ચમાર્ક અડધા પૉઇન્ટ જેવો નામ કે વાસ્તે નરમ હતો. બૅન્કેક્સ, ઑટો, મિડકૅપ અને એફએમસીજી બેન્ચમાર્ક ઇન્ટ્રા-ડેમાં નવા શિખરે ગયા પછી નેગેટિવ ઝોનમાં સરકી પડ્યા હતા. જ્યારે હેલ્થકૅર બેન્ચમાર્ક ૧૫૧૮૩નું બેસ્ટ લેવલ બતાવી અડધા ટકાના સુધારામાં ૧૫૦૨૩ રહ્યો હતો. માર્કેટ-બ્રેડ્થ નોંધપાત્ર રીતે નકારાત્મક હતી. ૧૩૧૩ શૅર વધ્યા હતા, ૧૭૩૩ ãસ્ક્રપ્સ ઘટેલી હતી. ‘એ’ ગ્રુપના ૬૭ ટકા, ‘બી’ ગ્રુપના ૬૦ ટકા તથા ‘ટી’ ગ્રુપના ૪૮ ટકા શૅર ડાઉન હતા. ૩૪૬ શૅર ઉપલી સર્કિટે તો ૨૬૨ જાતો મંદીની સર્કિટે બંધ હતી. સેન્સેક્સ ખાતે ઇન્ફી, મારુતિ સુઝુકી, આઇસીઆઇસીઆઇ બૅન્ક, એચડીએફસી બૅન્ક, ઍક્સિસ બૅન્ક તથા ડૉ. રેડ્ડીઝ લૅબ સર્વોચ્ચ શિખરે ગયા હતા; જેમાંથી ઇન્ફી, એચડીએફસી બૅન્ક તથા ડૉ. રેડ્ડીઝ લૅબ અંતે સુધારામાં બંધ રહી શક્યા હતા. એસિયા ખાતે જૅપનીઝ નિક્કી ૧.૧ ટકો વધી ૭ વર્ષની ટોચે ગયો હતો. ચાર સપ્તાહના મોટા ઘટાડા બાદ યુરોપ ગઈ કાલે સાધારણથી એક ટકાનું બાઉન્સ-બેક દર્શાવતું હતું. પીએસયુ ઇન્ડેક્સ ૫૯માંથી ૪૯ શૅરના ઘટાડામાં ૧.૩ ટકા ડાઉન હતો.

ઇન્ફી ૪૨૦૦ રૂપિયાની વિક્રમી સપાટીએ

એકંદર ડાઉનવર્ડ શૅર વચ્ચે આઇટી ઇન્ડેક્સ ૧૦માંથી ૬ શૅરના સુધારામાં એક ટકો વધ્યો હતો, જેમાં હેવીવેઇટ ઇન્ફીનો દબદબો હતો. આ કાઉન્ટર ૪૧૦૮ રૂપિયાના આગલા બંધ સામે ૪૧૧૧ રૂપિયા ખૂલી આખો દિવસ પૉઝિટિવ ઝોનમાં હતું. ભાવ ઉપરમાં ૪૨૦૦ રૂપિયાની સર્વોચ્ચ સપાટી બનાવી છેલ્લે ૧.૮ ટકાની તેજીમાં ૪૧૮૧ રૂપિયા બંધ હતો. બન્ને બજારો ખાતે કુલ મળીને ૬.૬૧ લાખ શૅરનાં કામકાજ થયાં હતાં. ઇન્ફીની મજબૂતીથી સેન્સેક્સને ૪૦ પૉઇન્ટનો લાભ થયો હતો. વિપ્રો ૦.૭ ટકા વધીને ૫૫૮ રૂપિયા તો ટીસીએસ પોણાચાર રૂપિયાના નહીંવત્ ઘટાડામાં ૨૫૮૮ રૂપિયા બંધ હતા. અન્ય આઇટી શૅરમાં ટેક મહિન્દ્ર ૦.૮ ટકા, ઝેનસાર ટેક્નૉ ૨.૮ ટકા, રોલ્ટા પાંચ ટકા, એનઆઇઆઇટી ટેક્નૉ અઢી ટકા, ઓરેકલ સવા ટકો, રામકો સિસ્ટમ્સ બે ટકા વધ્યા હતા. હેક્ઝાવેર ટેક્નૉ ૨૨૪ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવીને પાંચ ટકાના જમ્પમાં ૨૨૩ રૂપિયા નજીક રહ્યો હતો. સિએન્ટ (અગાઉની ઇન્ફોટેક એન્ટરપ્રાઇઝિસ) પણ ૫૧૬ રૂપિયાની વિક્રમી સપાટી બનાવી ૨.૭ ટકાના સુધારામાં ૫૧૫ રૂપિયા ઉપર બંધ હતો. સામે પોલારિસ ટેક્નૉલૉજી ૩ ટકા, માસ્ટેક ૧.૨ ટકા, હિન્દુજા ગ્લોબલ ૪ ટકા, તાતા ઍલેક્સી ૨.૪ ટકા, જિયોમેટિક દોઢ ટકો, એજીસી નેટવર્ક ૭.૪ ટકા નરમ હતા. એચસીએલ ટેક્નૉ બે ટકા અપ હતો.

રિફાઇનરી શૅર ડાઉન


વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડ ૮૦ ડૉલરની પણ નીચે ૫૦ મહિનાના તળિયે આવી ગયું છે. એના પગલે ઘરઆંગણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં દોઢેક રૂપિયાનો ઘટાડો થવાની આશા જાગી હતી, પરંતુ સરકારે બન્ને પ્રોડક્ટ પરની એક્સાઇઝ લિટરદીઠ દોઢ રૂપિયો વધારી નાખતાં ભાવઘટાડાની આશા રોળાઈ જશે. ક્રૂડના ભાવઘટાડાનો મહત્તમ લાભ લોકોને આપવાને બદલે સરકારે એની તિજોરી ભરવાનું વધુ પસંદ કર્યું છે. એની વે, બધી જ સરકર શાયલોક જેવી જ હોય છે. મોદી સરકાર એમાં અપવાદ નથી. સરકારી પગલાની અસરમાં ઑઇલ શૅર લપસ્યા હતા. પીએસયુ રિફાઇનરીમાં મોટો આંચકો જોવા મળ્યો હતો. હિન્દુસ્તાન પેટ્રોલિયમ ૫૩૯ રૂપિયાની બૉટમ બનાવી ૬ ટકાની ખરાબીમાં ૫૪૨ રૂપિયા, ભારત પેટ્રોલિયમ ૭૨૫ રૂપિયાના તળિયે જઈ ૪.૫ ટકા ગગડીને ૭૨૯ રૂપિયા, આઇઓસી ૩૬૪ રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચથી નીચામાં ૩૪૩ બતાવી ૪.૪ ટકાના કડાકામાં ૩૪૬ રૂપિયા બંધ હતો. એમઆરપીએલ ૪.૧ ટકા તથા ચેન્નઈ પેટ્રો ૧.૫ ટકા નરમ હતા. અન્ય ઑઇલ શૅરમાં ઓએનજીસી બે ટકા, ઑઇલ ઇન્ડિયા ૨.૭ ટકા, રિલાયન્સ અડધો ટકો, એસ્સાર ઑઇલ એક ટકો, હિન્દુ. ઑઇલ એક્સ્પ્લોરેશન ૨.૮ ટકા, જીએસપીએલ ૧.૮ ટકા, ગેઇલ ૧.૭ ટકા, ડ્યુક ઑફશૉર આઠ ટકા, દીપ ઇન્ડ. ૪.૩ ટકા, આલ્ફાજિયો ૨.૭ ટકા, જિન્દલ ડ્રિલિંગ બે ટકા ડાઉન હતા. ક્રૂડના ભાવ નવા તળિયે જતાં કેઇર્ન ઇન્ડિયા ૨૬૧ રૂપિયાની ૨૫ ઑગસ્ટ ૨૦૧૧ પછીની બૉટમ બનાવી ૩.૬ ટકાના ઘટાડે ૨૬૨ રૂપિયા રહ્યો હતો.

શુગર શૅરમાં સરકારી મીઠાશ

યુપી સરકાર પિલાણ સીઝન વર્ષ ૨૦૧૪-’૧૫ દરમ્યાન શેરડીના ભાવમાં વધારો કરશે નહીં એવી જાહેરાત થતાં શૅરબજારમાં લિસ્ટેડ શુગર કંપનીઓના શૅર ગેલમાં આવી ગયા હતા. શુગર ઇન્ડસ્ટ્રીના કુલ ૩૮માંથી ૩૨ શૅર ઊંચકાયા હતા તો સામે ૪ શૅર નરમ પડ્યા હતા. ધામપુર શુગર ૦.૨૧ ટકાના ઘટાડે ૧૪.૪૦ બંધ રહ્યો હતો. સૌથી વધુ તેજી અપર ગંગા શુગરમાં ૧૮.૯૫ ટકાની હતી. શૅર ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૪૩.૩૫ રૂપિયા થઈને ૪૩ રૂપિયા બંધ હતો. ત્રિવેણી એન્જિનિયરિંગ ૧૦.૮૮ ટકા વધીને ૨૭ રૂપિયા, ઔંધ શુગર ૧૦.૨૯ ટકા વધીને ૨૨.૫૦ રૂપિયા, બજાજ હિન્દુસ્તાન ૧૦.૨૪ ટકાના સુધારામાં ૨૨.૬૦ રૂપિયા, દ્વારકેશ શુગર સવાનવ ટકાના ઉછાળે ૩૬.૦૫ રહ્યા હતા. શક્તિ શુગર, એમપી શુગર, રાજશ્રી શુગર, ઉત્તમ શુગર અને કેસપી શુગર ૬થી ૮ ટકા ઊછળ્યા હતા, તો દાલમિયા ભારત અને ધરણી શુગર્સ પાંચ-પાંચ ટકા વધીને અનુક્રમે ૨૩.૯૦ અને ૧૯.૯૦ રૂપિયા પર બંધ જોવાયા હતા.

રિયલ્ટી શૅર ગગડ્યા

યુનિટેક લિમિટેડ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં નફામાંથી ખોટમાં આવી જતાં ગઈ કાલે કંપનીનો શૅર ગગડ્યો હતો. બે રૂપિયાની ફેસવૅલ્યુ ધરાવતો આ શૅર ઉપરમાં ૨૦.૪૫ રૂપિયા થયા બાદ નીચામાં ૧૯.૬૦ રૂપિયા સુધી ગગડીને છેવટે સાડાપાંચ ટકા નજીકની નરમાઈમાં ૧૯.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. રિયલ્ટી ઇન્ડેક્સ ૧૩માંથી ૧૦ શૅરના ઘટાડામાં ૧.૪૪ ટકા ઘટીને બંધ રહ્યો હતો. જે ત્રણ શૅર વધ્યા હતા એમાં ઑબેરૉય રિયલ્ટી ૩.૧૯ ટકા વધીને ૨૪૭.૩૦ રૂપિયા, શોભા ડેવલપર્સ ૧.૩૧ સુધરીને ૪૮૧.૬૫ રૂપિયા અને ડીબી રિયલ્ટી ૦.૧૫ ટકાના સુધારામાં ૬૮.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. બીજી તરફ મંદ પડેલા કાઉન્ટર્સના સેગમેન્ટમાં યુનિટેક બાદ એચડીઆઇએલ ૩.૩૪ ટકાના કડાકામાં બીજા નંબરે હતો. ગોદરેજ પ્રૉપર્ટી ૨.૫૮ ટકા ગગડીને ૨૪૫.૪૫ રૂપિયા, ઇન્ડિયાબુલ્સ રિયલ્ટી ૨.૫૭ ટકાની નરમાઈમાં ૭૭.૬૫ રૂપિયા અને મહિન્દ્ર લાઇફસ્પ્ોસ ૨.૧૧ ટકા ઘટીને ૫૦૬.૩૫ રૂપિયા બંધ જોવાયા હતા. પ્રેસ્ટિજ પ્રૉપર્ટીઝ ૧.૩૫ ટકા ઘટીને ૨૪૨.૧૦ રૂપિયા અને ઓમેક્સ ૧.૧૦ ટકા ઘટીને ૧૩૦.૬૦ રૂપિયા હતો. સૌથી ઓછા ઘટાડામાં ડીએલએફ ૦.૫૭ ટકા નરમ પડીને ૧૩૮.૯૦ રૂપિયાના લેવલે બંધ રહ્યો હતો.

બજારની અંદર-બહાર

હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો ત્રિમાસિક નેટ પ્રૉફિટ ૭૮ ટકા ઘટીને ૭૮૭૭ લાખ રૂપિયા થયો હોવા છતાં શૅર ઉપરમાં ૧૫૪ રૂપિયા થઈ છેલ્લે ૩૦ પૈસાની નરમાઈમાં ૧૫૨ રૂપિયા નજીક રહ્યો હતો.

જ્યોતિ સ્ટ્રક્ચર્સ દ્વારા મોટર્સ ગ્રુપ કંપની સૂર્યા ઇન્ડિયાની તરફેણમાં શૅરદીઠ બાવન રૂપિયાના ભાવે ૩૮ લાખ શૅર પ્રેફરન્શિયલ ધોરણે અલૉટ કરાતાં ભાવ ૩.૩ ટકા વધીને ૪૨.૨૫ રૂપિયા બંધ હતો.

શોભા ડેવલપસેર્ ૨૪ ટકાના વધારામાં ૬૭૭ કરોડ રૂપિયાની આવક પર પાંચ ટકાના વૃદ્ધિદરથી ૫૯૫૦ લાખ રૂપિયાનો કન્સોલિડેટેડ નફો મેળવતાં ભાવ ૪૯૯ થઈ ૧.૩ ટકાના સુધારામાં ૪૮૧ રૂપિયા હતો.

ત્રિવેણી ટર્બાઇનનો ત્રિમાસિક નેટ પ્રૉફિટ ૫૬ ટકા વધીને ૨૩૯૦ લાખ રૂપિયા આવતાં શૅર ૨૦ ટકાની સર્કિટે ૧૦૯ રૂપિયાની વિક્રમી સપાટીએ ગયો હતો. વૉલ્યુમ ૩૯ ગણું નોંધાયું હતું.

નાલ્કોનો સપ્ટેમ્બર ક્વૉર્ટરનો ચોખ્ખો નફો ૯૦.૬ ટકાના ઉછાળામાં ૩૪૧ કરોડ રૂપિયા પ્લસ આવતાં શૅર ઉપરમાં ૬૪ રૂપિયા બતાવી અંતે ત્રણ ટકાની મજબૂતીમાં ૬૦ રૂપિયા પ્લસ રહ્યો હતો.

બજાજ ઈલેક્ટ્રિકલ્સે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૧૪૨૧ લાખ રૂપિયાની નેટ લૉસ જાળવી રાખતાં શૅર ૨૭૭ રૂપિયાની ટોચથી ગગડીને ૨૩૩ રૂપિયા થયા બાદ ૧૧.૫ ટકાની ખરાબીમાં ૨૪૪ રૂપિયા હતો.

દિશમાન ફાર્મા ચારેક ગણા વૉલ્યુમમાં ૧૫૮ રૂપિયાની ટોચથી નીચામાં ૧૩૭ થઈ ૧૨ ટકાના કડાકામાં ૧૩૯ રૂપિયા જેવો બંધ રહ્યો હતો.

ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં અગાઉની ૨૨૩૧ લાખ રૂપિયાની ખોટ સામે ૧૩૫૩ લાખ રૂપિયા નેટ પ્રૉફિટ મેળવતાં શૅર ૨૩ ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૬૫ રૂપિયા ઉપર બંધ હતો.

ડેલ્ટા કૉર્પ પાંચ ગણા કામકાજમાં પોણાસાત ટકાના ઉછાળે ૧૦૧ રૂપિયા ઉપર બંધ હતો.

સૌરાષ્ટ્ર સિમેન્ટ ૫૭ રૂપિયા નજીક જઈ છેલ્લે ૧૩.૭ ટકાના જમ્પમાં ૫૪.૮૦ રૂપિયા બંધ હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK