આઇટી અને હેલ્થકૅરના ભારમાં બજારની વધુ પીછેહઠ

Published: 9th October, 2014 04:59 IST

છેલ્લી ૪૦ મિનિટ દરમ્યાન સેન્સેક્સમાં ૩૦૦ પૉઇન્ટની ઊથલપાથલ, અમેરિકી કૉન્ગ્રેસની તપાસના અહેવાલે ફાર્મા શૅર બીમાર પડ્યા : ક્રૂડની કમજોરીથી રિફાઇનરી શૅરમાં આકર્ષણ : સિટી ગ્રુપના બેરિશ વ્યુથી ઇન્ફોસિસમાં ૪.૭ ટકાનું ગાબડું બજારને ૧૧૦ પૉઇન્ટ નડ્યું

શૅરબજારનું ચલકચલાણું-અનિલ પટેલ


એશિયન બજારોની એકંદર નરમાઈ વચ્ચે સિટી ગ્રુપ દ્વારા ઇન્ફોસિસમાં ડાઉન રેટિંગ સાથે આઇટી સેક્ટરમાં બેરિશ વ્યુ જાહેર થયો. વધુમાં યુએસ કૉન્ગ્રેસ દ્વારા કથિત બેફામ ભાવવધારાના મામલે ૧૪ દવાઉત્પાદકો સામે તપાસ હાથ ધરાઈ હોવાના અહેવાલ આવ્યા અને બજારનો આંતરપ્રવાહ વધુ કમજોર થયો. ગઈ કાલે ઝિગ-ઝૅગ ચાલમાં માર્કેટ ૨૫ પૉઇન્ટ ઘટીને ૨૬,૨૪૬ તથા નિફ્ટી પોણાદસ પૉઇન્ટની પીછેહઠમાં ૭૮૪૩ નજીક બંધ રહ્યા છે. બંધની રીતે આ ઘટાડો ભલે મામૂલી હોય, પરંતુ ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ૨૬,૧૫૦ તથા નિફ્ટી ૭૮૧૫ના તળિયે ગયા હતા. જાણકારો સેન્સેક્સ બહુ નજીકમાં ૨૬ની નીચે જવાની શક્યતા જુએ છે. નિફ્ટી પણ ૭૮નું લેવલ ગુમાવવાની તૈયારીમાં દેખાય છે. ગઈ કાલે અઢી વાગ્યા પછી માર્કેટમાં સારીએવી મોટી ઊથલપાથલ જોવા મળી હતી જેમાં સેન્સેક્સ ૨૬,૧૫૦ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઊંચકાઈ ૨૬,૩૩૮ની ટોચ બનાવી હતી અને ત્યાંથી ૧૨૦ પૉઇન્ટ નીચે ઊતરી ગયો હતો. આ બધું માંડ ૪૦ મિનિટમાં થયું હતું.

ગઈ કાલે સેન્સેક્સ ખાતે હિન્દુસ્તાન યુનિલિવર જૈસે-થે હતો. બાકીના ૨૯માંથી ૧૯ શૅર વધ્યા હતા. બાર સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી નવ બેન્ચમાર્ક પ્લસ હતા. એ અને ટી ગ્રુપ ખાતેના ૫૦ ટકા તથા બી ગ્રુપ ખાતેના ૫૮ ટકા શૅર નરમ રહ્યા હતા. ૧૩૧૦ શૅર પ્લસ હતા. સામે ૧૬૦૬ કાઉન્ટર નેગેટિવ ઝોનમાં બંધ હતાં. ૨૬૬ શૅર તેજીની સર્કિટમાં હતા તો ૨૪૯ સ્ક્રિપ્ટ નીચલી સર્કિટમાં હતી. ભાવની રીતે બીએસઈ ખાતે ૧૫૨ શૅર એક વર્ષ કે એથી વધુ ગાળાની ટોચે ગયા હતા. બીજી તરફ ૬૯ શૅરમાં ઐતિહાસિક બૉટમ બની હતી.

એ ગ્રુપમાં નાટકો ફાર્મા ૭ ટકા; કરીઅર કૅર ૫.૪ ટકા; જેકે લક્ષ્મી, હેક્સાવેર તથા આઇડિયા સેલ્યુલર પાંચ-પાંચ ટકાની નબળાઈમાં વસ્ર્ટ પર્ફોર્મર બન્યા હતા. બીએફ યુટિલિટી ૧૦ ટકા, આઇઓસી ૭ ટકા, નાલ્કો ૫.૯ ટકા, જીએસએફસી ૫.૭ ટકા અને એમઆરપીએલ ૫.૫ ટકાની તેજીમાં બેસ્ટ રહ્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૪ ટકા તથા ઓએનજીસી ૨.૩ ટકા વધતાં સેન્સેક્સને ૪૮ પૉઇન્ટનો લાભ થયો હતો. સામે સન ફાર્મા, સિપ્લા અને ડૉ. રેડ્ડીઝ લૅબની નબળાઈથી ૮૧ પૉઇન્ટની હાનિ થઈ હતી. ટકાવારીની રીતે સાડાત્રણ ટકાના સુધારામાં ૪૫૬ રૂપિયાનો બંધ આપીને તાતા સ્ટીલ મોખરે હતો.

જીએસએફસી સાત માસમાં ત્રણગણો


જીએસએફસી બુલ-રન જાળવી રાખતાં ગઈ કાલે ૧૧૯ રૂપિયા પ્લસની ઑલટાઇમ હાઈ બનાવી અંતે ૫.૭ ટકાની તેજીમાં ૧૧૮ રૂપિયા બંધ હતો. ૪ માર્ચના રોજ શૅરમાં ૪૩ રૂપિયાની બૉટમ બની હતી. એ ધોરણે સાત માસમાં આ કાઉન્ટર લગભગ ત્રણગણું થયું છે. આ શૅર એક જ મહિનામાં ૬૬.૪ ટકા અને છ માસમાં ૧૨૧ ટકા ઊંચકાયો છે. અન્ય ખાતર-શૅરમાં ગઈ કાલે ઝુઆરી ઍગ્રો ત્રણ ટકા, રાટ્રીય કેમિકલ સવાબે ટકા, નૅશનલ ફર્ટિલાઇઝર્સ ૩.૮ ટકા, જીએનએફસી ૧.૩ ટકા, દીપક ફર્ટિલાઇઝર્સ એક ટકો, ચંબલ ફર્ટિલાઇઝર્સ ૦.૮ ટકા, ફેક્ટ ૫.૨ ટકા અપ હતા. ખાતર ઉદ્યોગના કુલ ૧૯માંથી પાંચ શૅર નરમ હતા. રામા ફૉસ્ફેટ ૩.૬ ટકા, મૅન્ગલોર કેમિકલ્સ ત્રણ ટકા અને કોરોમંડલ ૧.૮ ટકાની નરમાઈમાં એમાં મોખરે હતા. ઍગ્રો કેમિકલ્સ સેગમેન્ટમાં ૧૨ શૅર વધ્યા હતા અને ૧૩ ઘટેલા હતા. રાલીસ ૫.૧ ટકાની તેજીમાં ૨૪૦ રૂપિયા નજીક હતો. શારદા ક્રૉપ ૩.૬ ટકા વધીને ૨૬૫ રૂપિયા બંધ હતો. એઇમ્કો પોસ્ટિસાઇડ્સમાં પાંચ ટકાની મંદીની સર્કિટ લાગી હતી. મૉન્સાન્ટો પોણાબે ટકાથી વધુની નરમાઈમાં ૨૮૫૪ રૂપિયા હતો.

એસબીઆઇમાં બુલિશ વ્યુ

વિદેશી બ્રોકરેજ હાઉસ સીએલએસએ દ્વારા સ્ટેટ બૅન્કમાં ૩૧૬૦ રૂપિયાના ટાગેર્ટ સાથે બાયનું રેટિંગ જારી રખાતાં શૅર ૨૩૪૫ રૂપિયાની પ્રારંભિક નરમાઈથી બાઉન્સ-બેકમાં ઉપરમાં ૨૪૧૯ રૂપિયાની ટોચે જઈ અંતે ૧.૮ ટકાના સુધારામાં ૨૪૧૨ રૂપિયા બંધ હતો. સેન્સેક્સ ખાતે આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૪ ટકા વધી ૧૪૫૦ રૂપિયા, ઍક્સિસ બૅન્ક ૧.૨ ટકા વધી ૩૭૮ રૂપિયા તથા એચડીએફસી બૅન્ક પોણો ટકો વધીને ૮૬૮ રૂપિયા બંધ હતા. બૅન્કેક્સ બારમાંથી ૧૦ શૅરના સુધારામાં એક ટકો વધ્યો હતો, જ્યારે સમગ્ર બૅન્કિંગ સેક્ટરના લિસ્ટેડ ૪૧ શૅરમાંથી ૧૦ શૅર નરમ હતા. પંજાબ સિંધ બૅન્ક ૫૪.૧૫ રૂપિયાના આગલા બંધે ટકેલો હતો. ઇન્ડિયન બૅન્ક ચાર ટકા, સાઉથ ઇન્ડિયન બૅન્ક ૧.૨ ટકા અને બૅન્ક ઑફ બરોડા એક ટકા નજીકની નબળાઈમાં ઘટાડામાં અગ્રક્રમે હતા. સામે ઇન્ડસઇન્ડ બૅન્ક ૩.૯ ટકા, યુનિયન બૅન્ક ત્રણ ટકા, આંધþ બૅન્ક અઢી ટકા, સ્ટેટ બૅન્ક ઑફ મૈસૂર અને યુકો બૅન્ક સવાબે ટકા જેવા પ્લસ હતા. કરૂર વૈશ્ય બૅન્ક નામ કે વાસ્તે સુધારામાં હતો.

ફાર્મા શૅરમાં મંદી વકરી

હેલ્થકૅર ઇન્ડેક્સ મંગળવારે ૧.૯ ટકાની નબળાઈ બાદ ગઈ કાલે વધુ ૩.૩ ટકા ઘટયો હતો. પહેલી ઑક્ટોબરના રોજ તાજેતરમાં આ બેન્ચમાર્ક ૧૪,૪૫૭ની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો. ગઈ કાલે એમાં ૧૩,૫૩૮નું બૉટમ દેખાયું છે. ઇન્ડેક્સના ૧૭માંથી ૧૬ શૅર ડાઉન હતા. હેવીવેઇટ સન ફાર્મા ૪.૩ ટકા, સિપ્લા અઢી ટકા તથા ડૉ. રેડ્ડીઝ લૅબ ૪.૪ ટકા માઇનસ હતા. અરબિંદો ફાર્મા નીચામાં ૯૪૧ રૂપિયા થઈ છેલ્લે ૪.૨ ટકાની ખરાબીમાં ૯૫૩ રૂપિયા બંધ હતો. રૅનબૅક્સી ૩.૮ ટકા, જીએસકે ફાર્મા ૨.૪ ટકા, પીરામલ એન્ટરપ્રાઇસિસ ૪.૩ ટકા, કૅડિલા હેલ્થકૅર ૦.૧ ટકા, ઇપ્કા લૅબ ૧.૫ ટકા, બાયોકોન ૧.૭ ટકા, ગ્લેનમાર્ક દોઢ ટકો, ટૉરન્ટ ફાર્મા ૧.૮ ટકા, વૉકહાર્ટ ૧.૧ ટકા, લુપિન ૨.૬ ટકા નરમ હતા. સાઇડ કાઉન્ટર્સમાં અરવિંદ રેમેડીઝ બાર ટકા, કૅપ્લિન લૅબ ૧૦ ટકા, દિશમાન ફાર્મા ૫.૨ ટકા, હેસ્ટર બાયો ૭.૩ ટકા, મેકર્સ લૅબ ૩.૨ ટકા, નાટકો ફાર્મા સાત ટકા ખરડાયા હતા. એલ્ડર હેલ્થકૅર છ ટકા ડાઉન હતો. સામે જન્કબર્ટ ફાર્મા ઑલરાઉન્ડ ખરાબી સામે ૧૩.૮ ટકા વધી ૩૨૦ રૂપિયા હતો. ફાર્મા સેક્ટરના ૧૫૦માંથી ૫૦ શૅર વધ્યા હતા. યુએસ કૉન્ગ્રેસ દ્વારા ૧૦ જેનરિક દવાના કિસ્સામાં બેફામ ભાવવધારાના મુદ્દે ૧૪ કંપનીઓ સામે તપાસ હાથ ધરાઈ હોવાનો અહેવાલ ફાર્મા-શૅરમાં ખરાબીનું નિમિત્ત હતું.

ઇન્ફોસિસમાં ૧૮૦ રૂપિયાની ખરાબી

આઇટી ઇન્ડેક્સ મંગળવારે ૧૧,૦૦૧ની ઑલટાઇમ હાઈ બતાવ્યા બાદની નબળાઈ આગળ ધપાવતાં ગઈ કાલે નીચામાં ૧૦,૩૮૧ થયા બાદ અંતે ૩.૪ ટકા ઘટીને ૧૦,૪૩૪ બંધ હતો. એના ૧૦માંથી નવ શૅર માઇનસ હતા. ઇન્ફોસિસ ૩૮૩૦ રૂપિયાના આગલા બંધ સામે ૩૬૪૩ રૂપિયાનું બૉટમ બનાવી ૪.૭ ટકાના ઘટાડે ૩૬૫૦ રૂપિયા બંધ હતો. મંગળવારે અહીં ૩૮૯૨ રૂપિયાની ઑલટાઇમ હાઈ બની હતી. આગલા દિવસે ૨૮૩૪ રૂપિયાના સર્વોચ્ચ શિખર બાદ ૨૭૩૩ રૂપિયા બંધ રહેલો ટીસીએસ ગઈ કાલે ઉપરમાં ૨૭૪૭ રૂપિયા થઈ નીચામાં ૨૬૫૧ રૂપિયા થયો હતો. અંતે ૧.૯ ટકા ઘટી ૨૬૮૧ રૂપિયા હતો. ૭ ઑક્ટોબરના રોજ વિપ્રો ૬૨૧ રૂપિયાની સાડાચૌદ વર્ષની ટોચે જઈ ૬૧૮ રૂપિયા નજીક બંધ હતો. એ ગઈ કાલે નીચામાં ૫૮૯ રૂપિયા થઈ અંતે ચાર ટકાની નબળાઇમાં ૫૯૩ રૂપિયા હતો. આ ત્રણે આઇટી શૅરની ખરાબીથી સેન્સેક્સને કુલ મળીને ૧૭૧ પૉઇન્ટની હાનિ થઈ હતી. ટેક મહિન્દ્ર ઇન્ટ્રા-ડેમાં ૧૬૭ રૂપિયાના ગાબડા બાદ અંતે ૪.૫ ટકા ઘટીને ૨૩૯૮ રૂપિયા હતો. માઇન્ડ ટ્રી ૩.૯ ટકા, એચસીએલ ટેક્નૉલૉજી ૩.૩ ટકા, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ ૧.૬ ટકા ડાઉન હતા. હેક્સાવેર પાંચ ટકા ઘટી ૧૮૯ રૂપિયા હતો. સિટી ગ્રુપ દ્વારા ઇન્ફોસિસમાં બાયમાંથી ન્યુટ્રલનું રેટિંગ આવતાં આઇટી શૅરમાં માનસ ખરડાયું હતું.

કેઇર્ન ઇન્ટ્રા-ડેમાં સવા વર્ષના તળિયે

બ્રેન્ટ ક્રૂડમાં નવેમ્બર વાયદો વધુ ઘટીને બૅરલદીઠ ૯૦.૯૦ ડૉલરની જૂન ૨૦૧૨ પછીની નીચલી સપાટીએ જતાં ઘરઆંગણે ક્રૂડ ઉત્પાદક કેઇર્ન ઇન્ડિયાને માઠી અસર થઈ છે. શૅર પ્રમાણમાં મોટા કામકાજ વચ્ચે નબળા ઓપનિંગ બાદ ૨૮૬ રૂપિયાના તળિયે ગયો હતો જે ૧૫ માસનું બૉટમ છે. જોકે પાછળથી બાઉન્સ-બેકમાં ૨૯૫ રૂપિયાની ટોચ બની હતી. ભાવ છેલ્લે ૦.૭ ટકા વધીને ૨૯૪ રૂપિયા હતો. બીજી તરફ ઓએનજીસી ઉપરમાં ૪૦૭ રૂપિયા થઈ અંતે ૨.૩ ટકા વધી ૪૦૬ રૂપિયા, ઑઇલ ઇન્ડિયા ૦.૨ ટકા વધી ૫૯૪ રૂપિયા, ગેઇલ નહીંવત્ સુધારામાં ૪૪૪ રૂપિયા, ગુજરાત ગૅસ ૦.૨ ટકા વધી ૪૯૨ રૂપિયા બંધ હતા. ક્રૂડની નબળાઈમાં રિફાઇનરી શૅર એકંદર સુધારામાં હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૧ ટકા વધી ૯૩૭ રૂપિયા, ભારત પોટ્રો ૩.૮ ટકા વધી ૬૭૫ રૂપિયા, હિન્દુસ્તાન પોટ્રોલિયમ ૫.૪ ટકાના ઉછાળે ૫૧૨ રૂપિયા, આઇઓસી સાત ટકા કૂદીને ૩૮૨ રૂપિયા, એમઆરપીએલ ૫.૫ ટકા વધી ૬૩.૨૫ રૂપિયા, ચેન્નઈ પોટ્રો પાંચ ટકાની તેજીમાં ૧૦૨ રૂપિયા ઉપર બંધ હતા. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૧૦માંથી નવ શૅરના સુધારામાં ૧.૭ ટકા ઊંચકાયો હતો.

હો સકતા હૈ...

આઇડીએફસીમાં ૧૮૦ રૂપિયાના ટાગેર્ટ સાથે રોકાણને જાળવી રાખવાની નેટવર્થ સ્ટૉક બ્રોકિંગ દ્વારા સલાહ છે.


આઇડીબીઆઇ બૅન્કમાં ૮૨ રૂપિયાના ટાગેર્ટ સાથે બ્રોકિંગ ફર્મ આઇઆઇએફએલ તરફથી બુલિશ વ્યુ અપાયો છે.


તાતા કેમિકલ્સમાં ૪૭૩ રૂપિયાના ટાગેર્ટ સાથે બ્રોકિંગ ફર્મ પ્રભુદાસ લીલાધર દ્વારા બાયનું રેટિંગ અપાયું છે.

લાર્સનમાં ૨૧૨૦ રૂપિયાના ટાગેર્ટ સાથે બ્રોકિંગ ફર્મ આઇઆઇએફએલ તરફથી રોકાણ કરવા કહેવાયું છે.


આઇસીઆઇસીઆઇ બૅન્કમાં ૧૮૨૧ રૂપિયાના ટાગેર્ટ સાથે બ્રોકિંગ ફર્મ કોટક સિક્યૉરિટીઝ તરફથી ખરીદવાની ભલામણ કરાઈ છે.


ઍક્સિસ બૅન્કમાં ૪૭૬ રૂપિયાના ટાગેર્ટ સાથે બ્રોકિંગ હાઉસ શૅરખાન તરફથી બાયની સલાહ અપાઈ છે.


બૅન્ક ઑફ બરોડામાં ૭૨૫ રૂપિયાના ટાગેર્ટ સાથે બ્રોકિંગ ફર્મ એમ્કે ગ્લોબલ દ્વારા બેરિશ વ્યુ અપાયો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK