માર્કેટમાં તેજીનો ટ્રેન્ડ ચાલશે, પરંતુ તમે કમાશો ખરા?

Published: Sep 30, 2019, 12:22 IST | શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા | મુંબઈ

રોકાણકારે એ વિચારવું જોઈએ કે માર્કેટમાં તેજી આવે છે ત્યારે કેવા ઇન્વેસ્ટરો કમાય છે? આ સપ્તાહમાં રિઝર્વ બૅન્કની નાણાનીતિ પર નજર રહેશે

શૅર બજાર
શૅર બજાર

શૅરબજારે નાણાપ્રધાનની ત્રણ સ્ટિમ્યુલસ પૅકેજની જાહેરાતને કોઈ દાદ નહોતી આપી, એ બજારે છેલ્લી એક જાહેરાતથી સમગ્ર મૂડ બદલી નાખ્યો, બજેટ બાદ સતત ચાલેલા ઘટાડાના-મંદીના દિવસોમાં રોકાણકારો નિરાશ થઈ બજારથી દૂર થવા લાગ્યા હતા, જ્યારે તેમણે એ સમયે બજારમાં વધુ રોકાણ કરવાની યા હોલ્ડિંગ જાળવી રાખવાની જરૂર હતી. બજાર ઊંચે જવા લાગ્યું છે ત્યારે બધા પાછા ફરવા લાગ્યા. રોકાણકારે એ વિચારવું જોઈએ કે માર્કેટમાં તેજી આવે છે ત્યારે કેવા ઇન્વેસ્ટરો કમાય છે? આ સપ્તાહમાં રિઝર્વ બૅન્કની નાણાનીતિ પર નજર રહેશે

ગયા સોમવારે બજારનો સુધારો આગળ વધ્યો હતો. એના આગલા શુક્રવારે અને શનિવારે નાણાપ્રધાને કરેલી જાહેરાતથી બદલાઈ ગયેલા સેન્ટિમેન્ટ બાદ સોમવારે કરેક્શનની ધારણા મુકાતી હતી, પરંતુ રિકવરી જોશપૂર્વક ચાલુ રહી હતી. અલબત્ત, દિવસ દરમ્યાન સેન્સેક્સ ૧૪૦૦ પૉઇન્ટ સુધી વધી ગયો હતો, જે અંતમાં ૧૦૭૫ પૉઇન્ટ પ્લસ રહી ૩૯૦૦૦ ઉપર બંધ આવ્યો હતો. જ્યારે નિફટી ૩૨૬ પૉઇન્ટ વધીને ૧૧૬૦૦ પૉઇન્ટ બંધ રહ્યો હતો. આપણે ગયા વખતે કરેલી વાત મુજબ બજારની દશા અને દિશા ફરી ગઈ છે. આમ શુક્રવાર અને સોમવારના બે દિવસના ઉછાળામાં ઇન્વેસ્ટરોની મૂડીમાં ૧૦.૫૦ લાખ કરોડનો વધારો નોંધાયો હતો, અર્થાત્ આગલા મૂડીધોવાણનું જ ઘણુંખરું ધોવાણ થઈ ગયું હતું. કૉર્પોરેટ ટૅક્સ કટની અસરરૂપે કંપનીઓની નફાશક્તિમાં સુધારો થશે, જીએસટીના ફેરફારથી પણ રાહત થશે અને શૅરબજારના સોદામાં પણ ચોક્કસ કરરાહત અપાઈ હોવાથી એની પણ અસર થશે. એ બધાં પરિબળ મળીને બજારને વધુ ઊંચે લઈ જશે એવું સેન્ટિમેન્ટ બની રહ્યું છે. મોટા ભાગના બ્રોકરેજ હાઉસિસ તેમના લક્ષ્ય અને વ્યૂહરચનામાં ફેરફાર કરી રહ્યા છે, જે કંપનીઓને ટૅક્સમાં રાહતનો મહત્તમ લાભ થવાનો છે તેવી કેટલીક ટોચની કંપનીઓના શૅરના ભાવમાં નાટયાત્મક ઉછાળો આવ્યો હતો.

ફૉરેન ઇન્વેસ્ટર્સ હજી સક્રિય નથી

સોમવારે બજારમાં હાઉડી મોદીની અસર પણ હતી, જેમાં મોદી યુએસમાં જે કરાર અને વાટાઘાટ કરી પાછા ફરવાના છે તેના ફળ હવે પછી ભારતને મોટેપાયે જોવા મળશે એવી આશા રખાઈ છે. ખાસ કરીને યુએસ કંપનીઓ ભારત તરફ વધુ વળશે. હાલ એપલ કંપની ભારતમાં એકમ સ્થાપવાની વિચારણા કરી રહી છે. જો આમ થાય તો અન્ય કંપનીઓ પણ વધુ ઉત્સુક બની શકે. એનર્જી સેકટરમાં ભારતને યુએસની સહાય મળી શકે છે. વૈશ્વિક તખતા પર મોદી દ્વારા બ્રૅન્ડ ઇન્ડિયાની બની રહેલી યા વધી રહેલી ઈમેજની અસર દેશના લાભમાં પરિવર્તિત થઈ રહી હોવાનું નોંધાઈ રહ્યું છે. જો કે હજી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ સક્રિય થયા નથી, તેમને ભારતની ફિસ્કલ ડેફિસિટની ચિંતા હોવાનું કહેવાય છે, પરંતુસ્થાનિક સંસ્થાકીય રોકાણકારો સતત સક્રિય રહ્યા છે. અલબત્ત, એફપીઆઇનું નેટ સેલ અટકીને નેટ ખરીદી શરૂ થઈ છે.

બૂરો સમય ખરીદીનો સમય

મંગળવારે બજારની તેજીને બ્રેક લાગી હતી, સાધારણ વધઘટ કરતું બજાર અંતમાં સેન્સેક્સ માત્ર સાત પૉઇન્ટ પ્લસ અને નિફટી ૧૨ પૉઇન્ટ માઈનસ બંધ રહ્યા હતા. બે જ દિવસમાં ૩૦૦૦ પૉઇન્ટ વધી ગયેલા બજારમાં હવે આ ભાવ ઊંચા લાગવા માંડયા હતા. રોકાણકારો મોટા કરેક્શનની રાહ જોવા લાગ્યા છે. જો કે આમ તો અગાઉના કરેક્શનમાં પણ ઈન્વેસ્ટરો બજારમાં સક્રિય થયા નહોતા. ખરેખર તો કરેક્શનનો સમય ખરીદીનો ઉત્તમ સમય ગણાય. એ સમયે લાંબા -મધ્યમ ગાળાના રોકાણકારો સારા શૅરો નીચા ભાવે ખરીદીને જમા કરતા જાય તો તેજીના –રિકવરીના સમયમાં સારી કમાણી કરી શકે છે. કમનસીબે યા તેમની માનસિકતાને કારણે આ જ ઉત્તમ સમયને ખરાબ સમય ગણી લોકો બજારથી દૂર થઈ જાય છે. એટલે જ ઘણીવાર સવાલ થાય છે કે માર્કેટ તો તેજીમાં આવ્યું છે, કિંતુ રોકાણકારો કમાશે ખરા ? આ સફળતા માત્ર સ્માર્ટ -લોંગ ટર્મ ઈન્વેસ્ટરોને મળે છે, જેઓ માર્કેટના બૂરા સમયમાં નીચા ભાવે ખરીદી કરતા રહે છે અને પોતાની પાસેના સારા શૅરો ગભરાટમાં વેચી દેતા નથી.

ટ્રમ્પ અને પ્રૉફિટ-બુકિંગનું કરેક્શન

બુધવારે યુએસ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ સામે ચીન સાથેના વેપારયુદ્ધના વિષયમાં યુએસ ડેમોક્રેટસ દ્વારા ઈમ્પીચમેન્ટ કાર્યવાહીના અહેવાલને પગલે મોટાભાગની બજારોમાં ડાઉન ટ્રેન્ડ જોવાયો હતો, જેની અસર ભારતીય શૅરબજાર પર પણ હતી, પરિણામે સેન્સેક્સ ૫૦૩ પૉઇન્ટ અને નિફટી ૧૪૮ પૉઇન્ટ માઈનસ થઈને બંધ રહ્યા હતા. અલબત્ત, આ સાથે પ્રોફિટ બુકિંગ પણ કારણ બન્યું હતું. આમ પણ બજાર બે દિવસમાં જ ૩૦૦૦ પૉઇન્ટ વધી ગયું હોય અને કરેકશન ન આવે એવું બની શકે નહીં. માર્કેટ સેન્ટીમેન્ટ ભલે બદલાયું હોય, હજી ફંડામેન્ટલ્સના સુધારા સમય લેશે. જો કે મોટા કરેક્શનને લાંબા ગાળાની ખરીદીની તક જરૂર બનાવી શકાય. ગુરુવારે ફરી સુધારો આગળ વધ્યો હતો, જેમાં અર્થતંત્ર વેગ પકડવાનો આશાવાદ હતો, તહેવારોની મોસમ નિમિત્તે માગ નીકળવાની આશા અને કંપનીઓની કામગીરી સુધરવાની અપેક્ષાને આધારે સેન્સેક્સ ૩૯૬ પૉઇન્ટ અને નિફટી ૧૩૧ પૉઇન્ટ વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ ૪૦ હજાર નજીક આવી ગયો હતો. માર્કેટ રિકવરીના કારણમાં મોદીએ વધુ આર્થિક સુધારા આવી રહ્યા હોવાની કરેલી જાહેરાત તેમ જ ક્રૂડના ઘટેલા ભાવ પણ હતા.

યુએસમાં રાજકીય ખટપટની અસર

શુક્રવારે બજારે યુએસ પ્રેસિડન્ટ ટ્રમ્પ સામે ઊભી થયેલી રાજકીય ખટપટને ધ્યાનમાં રાખી ઘટાડો દર્શાવ્યો હતો. ગ્લોબલ અને એશિયન માર્કેટ ડાઉન રહ્યા હતા. સ્થાનિક માર્કેટમાં નફાનું બુકિંગ પણ હતું. સેન્સેક્સ ૧૬૭ પૉઇન્ટ ઘટીને ૩૮૮૨૨ બંધ અને નિફટી ૫૯ પૉઇન્ટ માઈનસ સાથે ૧૧૫૧૨ પૉઇન્ટ બંધ રહ્યો હતો. જો કે ઓવરઓલ વિતેલા સપ્તાહમાં બજાર પોઝિટિવ રહ્યું હતું. આ સંજોગોમાં નવા સપ્તાહમાં પણ વર્તમાન વલણ ચાલુ રહેવાની ધારણા છે. બજાર બહુ વધી નહીં શકે યા ઝાઝું ઘટી નહીં શકે. સરકારની જાહેરાત અને ગ્લોબલ સંજોગોને આધારે બજાર ચાલશે. અલબત્ત, હાલ ઊંચામાં લેવાની ઉતાવળ કરવી જોઈએ નહીં અને નીચામાં શોર્ટ સેલ (ખોટું વેચાણ) કરવાની ભૂલ પણ કરવી જોઈએ નહીં.

નાણાપ્રધાનનાં નવા સુધારાનાં વચન-સંકેત

ગયા શુક્રવારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ઈન્ફ્રાસ્ટ્રકચર મિનિસ્ટ્રી સાથે બેઠક કરીને તમામ સર્વિસ પ્રોવાઈડર્સના પેન્ડિંગ પેમેન્ટ ક્લિયર કરવાની સૂચના આપી હતી, તેઓ વિવિધ મંત્રાલયને મળીને તેમના મૂડીખર્ચ પર ભાર મૂકવાના છે, સરકાર પોતાના મૂડી ખર્ચમાં કોઈ કાપ મૂકશે નહીં એવું પણ તેમણે ઉમેર્યું હતું. સરકાર મોટેપાયે માળખાકીય ખર્ચ કરવાનો પ્લાન ધરાવતી હોવાનો સંકેત પણ અપાયો હતો. આમ નવા આર્થિક પગલાં આવતાં રહેશે. નાણાપ્રધાન સતત વિવિધ મિનિસ્ટ્રીના સંપર્કમાં છે. જેમાં આર્થિક સુધારા મારફત અર્થતંત્રને વેગ આપવાનું કાર્ય આગળ વધારવાનો ઉદ્દેશ છે. આ માહોલ માર્કેટને મોમેન્ટમ આપતો રહેશે.

હવે નજર શુક્રવાર પર

રિઝર્વ બૅન્ક આ ચાર તારીખે નાણાં નીતિની જાહેરાતમાં વ્યાજદરમાં કાપ મૂકે એવી શક્યતા ઊંચી છે, જે કૉર્પોરેટ સેકટર અને બજારને બળ આપવામાં નિમિત્ત બનશે. જો કે ક્રૂડના ભાવ વધતા રહ્યા તો દેશની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટને વિપરીત અસર થઈ શકે. હાલ તો આ મામલે વેઈટ અૅન્ડ વૉચ સ્થિતિમાં રહેવું જોઈશે.

નાની-મોટી જાણવા જેવી વાત

સેબીએ ફૉરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના રજિસ્ટ્રેશનનાં ધોરણો વધુ સરળ બનાવ્યા છે.

આશરે ૨૦૦ જેટલી યુએસ કંપનીઓ ચીનના વિકલ્પરૂપે ભારતમાં તેમનું ઉત્પાદન એકમ સ્થાપવા ઉત્સુક હોવાનું જાણવા મળે છે. આ ટૅક્સરાહતની કમાલ છે.

નાણાપ્રધાને ટૅકસમાં રાહત આપ્યા બાદ થનારી અસર વિશે કહ્યું છે કે સરકાર કમ્પ્લાયન્સ વધારીને રેવન્યુ કલેક્શનની કાળજી લેશે તેમ જ સરકારના જાહેર ખર્ચ પર કોઈ કાપ નહીં મૂકે.

સરકાર એનઆરઆઈ અને એફપીઆઈ (ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર)ના રોકાણ રૂટનું મર્જર કરવા અંગે એક સમિતિ રચવાનું વિચારે છે જેની આ વર્ગના રોકાણપ્રવાહ પર અસર થશે.

નિષ્ણાતો માને છે કે સ્મોલ અને મિડ કૅપ સ્ટૉક્સમાં બૉટમ બની ગઈ છે, કિંતુ આ સ્ટૉક્સમાં હજી પણ સિલેક્ટિવ જ રહેવું જરૂરી છે. નજીકના ભવિષ્યમાં મોટેપાયે રિકવરી થવાની શકયતા નહીંવત છે, પણ હવે તેમાં રિકવરી ચાલુ રહે તો નવાઈ નહીં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK