દિવસનો ઉછાળો પચાવી નહીં શકતા શૅરબજાર બે મહિનામાં સૌથી વધુ સાપ્તાહિક ઘટાડા સાથે બંધ

Published: Jul 13, 2019, 13:21 IST | મુંબઈ

બીએસઇ સેન્સેક્સ વધીને ૩૯૦૨૧.૮૪ થયા બાદ, ઊંચા મથાળેથી ૧૩૮ પૉઈન્ટ ઘટી ગયો હતો. ગુરુવાર કરતાં સેન્સેક્સ ૮૬.૮૮ ઘટી ૩૮૭૩૬.૨૩ ઉપર બંધ આવ્યો હતો.

શેર માર્કેટ (સ્ટોક ટૉક)
શેર માર્કેટ (સ્ટોક ટૉક)

ભારતીય બજારમાં આજે ઇન્ડેક્સ બેઇઝ્ડ શૅરોમાં જોવા મળેલી વેચવાલીના કારણે બજાર દિવસનો ઉછાળો જાળવી શક્યું ન હતું. ટ્રેડિંગના છેલ્લા બે કલાકમાં ઇન્ડેક્સમાં સમાવિષ્ટ કંપનીઓ જેમકે, એચડીએફસી, એચડીએફસી બૅન્ક, લાર્સન એન્ડ ટુબ્રો, એક્સીસ બૅન્ક અને ઇન્ડસઇન્ડ બૅન્કમાં આવેલી વેચવાલીના કારણે મુખ્ય આંક ઘટીને બંધ આવ્યા હતા. જોકે, સ્મોલકેપ અને મીડકેપ શૅરોમાં ખરીદી જોવા મળી રહી હતી. એટલે જ સેન્સેક્સ અને નિફ્ટી ઘટીને બંધ આવ્યા છતાં માર્કેટ કેપ રૂ. ૬૬૦૦ કરોડ જેટલું વધ્યું હતું.

બીએસઇ સેન્સેક્સ વધીને ૩૯૦૨૧.૮૪ થયા બાદ, ઊંચા મથાળેથી ૧૩૮ પૉઈન્ટ ઘટી ગયો હતો. ગુરુવાર કરતાં સેન્સેક્સ ૮૬.૮૮ ઘટી ૩૮૭૩૬.૨૩ ઉપર બંધ આવ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સ ઉપલા મથાળેથી ૫૬.૬૫ પૉઈન્ટ અને ગઈ કાલના બંધથી ૩૦ પૉઈન્ટ ઘટી ૧૧,૫૫૨.૫૦ ઉપર બંધ આવ્યો હતો. સાપ્તાહિક રીતે જોઈએ તો સેન્સેક્સ ૧.૯ ટકા ઘટ્યો છે અને નિફ્ટી ૨.૨ ટકા ઘટ્યો છે જે તા.૧૨ મે પછીનો સૌથી મોટો ઘટાડો છે.

એનએસઇ ઉપર કુલ ૧૧ સેક્ટરના ઇન્ડેક્સમાંથી ચાર જ ઘટીને બંધ આવ્યા છે. સૌથી વધુ વધારો મેટલ્સ, રીઅલ્ટી અને ફાર્મા ઇન્ડેક્સમાં જોવા મળ્યો છે જ્યારે પ્રાઈવેટ બૅન્કમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીના મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો. કુલ ૧૧ કંપનીઓના શૅરના ભાવ બાવન સપ્તાહની ઉપર હતા જ્યારે ૧૬૧ કંપનીઓના શૅરના ભાવ બાવન સપ્તાહની નીચે હતા. લગભગ ૭૩ જેટલી કંપનીઓમાં તેજીની સર્કિટ લાગી હતી અને ૮૭માં મંદીની સર્કિટ જોવા મળી હતી.

બીએસઇ ૫૦૦ ઇન્ડેક્સની કંપનીઓમાંથી માત્ર બે કંપનીના શૅરના ભાવ બાવન સપ્તાહની ઉપરની સપાટીએ જ્યારે ૧૯ના ભાવ નીચલી સપાટીએ પટકાયા હતા. એક્સચેન્જની એ અને બી ગ્રુપની કંપનીઓમાંથી ૩૦ કંપનીઓમાં તેજીની સર્કિટ અને ૨૬માં મંદીની સર્કિટ લાગી હતી.

બાયબેક ટૅક્સની અસરે કેપીઆર મિલ્સ ઘટ્યો

ટેક્સ્ટાઈલ્સ ક્ષેત્રે કાર્યરત કેપીઆર મિલના શૅર આજે એક તબક્કે ઘટી રૂ. ૫૭૦ થઈ ગયા હતા કારણકે સવારે કંપનીએ જાહેરાત કરી હતી કે બજેટ પ્રસ્તાવના કારણે હવે કંપની પોતાની શૅર બાયબેક કરવાની યોજના પડતી મૂકે છે. કંપનીએ તા.૧૮ એપ્રિલે રૂ. ૭૦૨ના ભાવે રૂ. ૩૭.૫ કરોડ શૅર બાયબેક કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત પછી શૅરનો ભાવ ૧૧ ટકા વધ્યો હતો. બજેટમાં બાયબેક ઉપર ૨૦ ટકા ટૅક્સ લાદવાની ભલામણ છે. ટૅક્સના કારણે મંજૂર રકમ કરતાં બાયબેકનો ખર્ચ વધી જવાથી અમે યોજના પડતી મૂકી હોવાનું કંપનીએ જાહેર કર્યું હતું. આ પછી શૅરના ભાવ ઘટ્યા હતા. જોકે, દિવસના અંતે શૅરનો ભાવ ગુરુવારના બંધથી ૨.૩૯ ટકા ઘટી રૂ. ૫૯૪.૦૫ ઉપર બંધ આવ્યો હતો.

બાયબેક ટૅક્સની અસરે એરીસ લાઈફ પણ ઘટ્યો

બજેટના બે દિવસ પહેલા ફાર્મા કંપની એરીસ લાઈફસાયન્સે રૂ. ૫૭૫ના ભાવે ૧૭.૪૦ લાખ શૅર બાયબેક કરવાની જાહેરાત કરી હતી. આજે બાયબેકની રેકર્ડ ડેટ હોવાથી શૅરના ભાવ બાવન સપ્તાહની નીચી સપાટી રૂ. ૪૫૦ ઉપર પટકાયા હતા. બજેટ અનુસાર બાયબેકની જે યોજનાઓ જાહેર થઈ છે તેના ઉપર પણ ટૅક્સ ભરવાનો રહે છે. વર્ષ ૨૦૧૯ની શરૂઆતથી અત્યાર સુધીમાં કંપનીના શૅરના ભાવ ૩૪ ટકા ઘટ્યા છે. તા.૨૯ જૂન ૨૦૧૭ના રોજ લીસ્ટ થયેલી આ કંપનીના શૅરનો ભાવ રૂ. ૬૦૩ હતો જ્યારે આજે શૅર ૭.૭૯ ટકા ઘટી રૂ. ૪૫૩ની સપાટીએ બંધ આવ્યો છે.

ઈન્ફોસીસ પરિણામ પહેલાં ઊછળ્યો

દેશની આઈટી ક્ષેત્રે બીજા ક્રમની સૌથી મોટી કંપની ઈન્ફોસીસના પરિણામ જાહેર થાય એ પહેલાં સત્ર બંધ રહ્યું ત્યારે તે ૦.૮૭ ટકા વધી રૂ. ૭૨૭.૧૦ની સપાટીએ બંધ આવ્યો હતો. સાંજે જાહેર થયેલા પરિણામો બજારની અપેક્ષા કરતાં સારા હતા. કંપનીની આવક ૧.૨૩ ટકા વધી રૂ. ૨૧,૮૦૩ કરોડ અને નફો ૬.૮ ટકા ઘટી રૂ. ૩૮૦૨ કરોડ નોંધાયો છે. કંપનીએ વર્ષ ૨૦૧૯-૨૦માં કુલ આવક ૮.૫ ટકાથી ૧૦ ટકા વધશે એવી જાહેરાત કરી છે જે અગાઉ કરતાં વધારે છે. કંપની અત્યાર સુધી પોતાની કુલ કમાણીની રોકડનો ૭૦ ટકા હિસ્સો શૅરહોલ્ડરને ડિવિડન્ડ પેટે કે અન્ય રીતે આપતી હતી હવેથી તે આવી રીતે ૮૫ ટકા રકમનો ઉપયોગ કરશે જેનાથી શૅરમાં આકર્ષણ વધશે એવી પણ માન્યતા છે.

ખાનગી બૅન્કોમાં વેચવાલી

ખાનગી બૅન્કોના શૅરમાં આજે ઇન્ડસઇન્ડ બૅન્કની આગેવાની હેઠળ વેચવાલી જોવા મળી હતી. બૅન્કનો નફો ધારણા કરતાં નબળો અને એનપીએનું પ્રમાણ વધતા શૅરના ભાવ ઘટ્યા હતા. સત્રના અંતે શૅર ૧.૯૮ ટકા ઘટી રૂ. ૧૫૧૦.૩૫ની સપાટીએ બંધ આવ્યો હતો. આ ઉપરાંત એચડીએફસી બૅન્ક ૦.૬ ટકા, કોટક મહિન્દ્રા ૦.૬૨ ટકા અને એક્સીસ બૅન્ક ૧.૪૬ ટકા ઘટ્યા હતા. સામે નાની ખાનગી બૅન્કો આરબીએલ ૦.૯૪ ટકા, સિટી યુનિયન ૦.૫૪ ટકા વધી હતી.

જાહેર ક્ષેત્રની બૅન્કોમાં મિશ્ર હવામાન હતું. કોર્પોરેશન બૅન્ક ૧.૪૭ ટકા, કેનેરા બૅન્ક ૧.૨૮ ટકા, આઈડીબીઆઈ બૅન્ક ૧.૧૫ ટકા, પંજાબ નેશનલ બૅન્ક ૧.૦૧ ટકા, સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયા ૦.૫ ટકા અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૦.૧૨ ટકા વધી હતી. સામે સિન્ડિકેટ બૅન્ક ૦.૨૫ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૦.૬૨ ટકા, ઇન્ડિયન બૅન્ક ૦.૬૮ ટકા, અલાહાબાદ બૅન્ક ૧.૩૬ ટકા અને યુકો બૅન્ક ૨.૬૩ ટકા ઘટ્યા હતા.

આ પણ વાંચો : Rathyatra: રાજકોટમાં પણ નગરચર્યાએ નીકળ્યા નાથ, આવો રહ્યો રંગારંગ માહોલ

કોક્સ ઍન્ડ કિગ્સમાં ૧૩માં દિવસ સર્કિટ

કમર્શિયલ પેપરની રકમ પરત ચૂકવવામાં ત્રણ વખત નિષ્ફળ જતા કોકસ એન્ડ કિંગ્સના શૅર સતત ૧૩માં દિવસે મંદીની સર્કિટ હેઠળ ઘટ્યા હતા. શૅરનો ભાવ પાંચ ટકા ઘટી રૂ. ૨૨.૦૫ ઉપર હતો. કેર રેટિંગ એજન્સીએ કંપનીના કમર્શિયલ પેપર, ડિબેન્ચર અને અન્ય લોનને ડિફોલ્ટનું રેટિંગ જાહેર કર્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK