બજેટે શૅરબજારને 1000 પૉઇન્ટની નિરાશા આપી : હવે બજારે નવી જાહેરાતની રાહ જોવાની

Published: Feb 03, 2020, 10:00 IST | Jayesh Chitalia | Mumbai

નાણાપ્રધાન અર્થતંત્ર માટે તાત્કાલિક ધોરણે શું કરવાની જરૂર છે એ સમજવામાં થાપ ખાઈ ગયા? એવો સવાલ થઈ શકે, જ્યારે કરદાતાઓ-શૅરધારકો-રોકાણકારો પોતે શું કરવું એ સમજવામાં ગૂંચવાઈ ગયા હોવાનું લાગે છે...

શૅર માર્કેટ
શૅર માર્કેટ

બજેટ પૂર્વે બજારમાં સાવચેતીના માહોલ સાથે બજારમાં ગયા શુક્રવાર સુધી સતત કરેક્શન ચાલુ રહ્યું હતું, બીજી બાજુ ગ્લોબલ સ્તરે કોરોના વાઇરસની અસર તો હતી જ, જેની સ્થિતિ હજી પણ  ચિંતાજનક ગણાય.  જોકે બજારની સૌથી મોટી આશા હતી એ બજેટે શનિવારે બજારની આશા પર ઠંડું પાણી ફેરવી દીધું અને માર્કેટ કડાકા સાથે  ૯૮૮ પૉઇન્ટ તૂટયું હતું. માર્કેટની કેપિટલ ગેઈન ટૅક્સમાં રાહત આવવાની આશા ફળી નહીં, એટલું જ નહીં બજેટમાં વ્યક્તિગત ટૅક્સમાં અપાયેલી રાહતથી લોકોના હાથમાં નાણાં કેટલાં બચશે એ સ્પષ્ટ સ્વરૂપે નહીં સમજાતા ગૂંચવણ વધી હતી. કારણકે આ રાહત સામે બજેટે સંખ્યાબંધ ડિડકશન રદ કર્યા હતા, એથી આખરે શું પામ્યા અને શું ગુમાવ્યું એ અભ્યાસનો વિષય બની ગયો. લોકોના હાથમાં વધુ નાણાં બચે તો એ ખર્ચ તરફ વળે, ખર્ચ વધે તો ડિમાંડ વધે અને ડિમાંડ વધે તો ઉત્પાદન વધે એવી આશા હતી, જે હાલ તો ધુંધળી થઈ ગયેલી જણાય છે. શૅરબજાર માટે એક સારું મહત્ત્વનું પગલું ગણાય તો એ ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટૅક્સ (ડીડીટી) નાબૂદ કરવાનું કહી શકાય. આનાથી કંપનીઓ પર કરબોજ ઓછો થશે, જેને લીધે કંપનીઓ શૅરધારકોને વધુ ડિવિડન્ડ આપવા પ્રેરાય એવું બની શકે. જોકે વળી શૅરધારકોએ તો આ ડિવિડન્ડ પર ટૅક્સ ભરવો જ પડશે. ડિવિડન્ડ ટૅક્સના મામલે હાલ તો મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ પણ કન્ફ્યુઝ થઈ ગયો છે.

કેટલીક સારી બાબતો

વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઈ) માટે ડેટ સાધનોમાં રોકાણ કરવાની મર્યાદા પાંચ ટકાથી વધારી ૧૫ ટકા કરાઈ છે, જેને પણ માર્કેટ માટે આવકાર્ય પગલું ચોક્કસ ગણી શકાય. એલઆઇસી (લાઇફ ઇન્સ્યુરન્સ કૉર્પોરેશન)ના આઇપીઓ લાવવાની બજેટની જાહેરાત પણ સારી કહી શકાય, જે રોકાણકારોને ઇન્વેસ્ટમેન્ટની તક આપશે. જોકે આની સામે શંકા પણ વ્યકત થાય છે. અલબત્ત, સરકારી સિક્યૉરિટીઝના એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ઇટીએફ) લાવીને સરકાર નાના રોકાણકારોને નવી અને એકંદરે સલામત તક આપશે. વધુમાં પોર્ટ કંપનીના લિસ્ટિંગનો અવકાશ ઊભો કરી સરકારે નાણાં ઊભા કરવા બજારનો આશરો મેળવવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત આઇડીબીઆઇ બૅન્કનો હિસ્સો ઓછો કરીને પણ સરકાર નાણાં ઊભાં કરશે. ઇન શોર્ટ, સરકારે ઉધારી વધારવા કરતાં પોતાની એસેટસ મારફત ભંડોળ ઊભું કરવાનું નક્કી કર્યું હોવાનું જણાય છે.

કેટલીક જૂની વાતો

કૃષિ, સિંચાઈ, ગ્રામ્ય વિકાસ, સ્વાસ્થ્ય, શિક્ષણ વગેરે જેવા સેક્ટર માટે બજેટે બિગ બુસ્ટ આપ્યું છે, કિંતુ આ બધી સામાજિક યોજના ગણાય, તેનાથી કરદાતાઓને કોઈ સીધો લાભ થશે નહીં. હા, આ નાણાં ખર્ચ મારફત બજારમાં આવે તો વાત બને. અત્યારે તો સરકારે લહાણી કરી ગણાય.  ઉત્પાદન સેક્ટરને વેગ આપવાની થયેલી વાતો કેટલી સાકાર થાય છે એ સમય કહેશે, ઇન્ફ્રાસ્ટ્રકચર ખર્ચ માટે કરાયેલી વાતો પણ આમ તો જૂની જ છે. હવે તેનો અમલ કેટલો અને કઈ રીતે થાય છે એ હજી જોવાનું રહેશે. બૅન્કોના મર્જરની વાત પણ પુરાણી જ ગણાય. આમ બજેટમાં નવાની સાથે જૂની વાતો દોહરાવાઈ છે. એમાં મહત્ત્વની નોંધ એ છે કે સરકાર ખાનગીકરણ તરફ આગળ વધી રહી હોવાનું સ્પષ્ટ પ્રતિત થાય છે.

બૅન્કોના ગ્રાહકોને રાહત

એક સારી બાબત એ છે કે બૅન્કોમાં ધારકોનાં નાણાંની અત્યાર સુધી એક લાખ રૂપિયા સુધીની સલામતીની ખાતરી હતી, જે આ બજેટે વધારીને પાંચ લાખ રૂપિયા કરી નાખીને બૅન્કનાં ખાતાધારકોને મોટી રાહત આપી એ ચોક્કસ આવકાર્ય છે. આનાથી બૅન્કોમાં નાણાં મૂકવાનો ભય ઘટશે. લોકો બૅન્ક ફિક્સ્ડ ડિપૉઝિટ તરફ વળે એવું બની શકે. કંઈક અંશે બજેટે નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓને તેમ જ કો-ઑ. ને પણ રાહત આપવા સાથે કૃષિ સેક્ટરને ધિરાણ આપવા બાબત સક્રિય બનવા જણાવ્યું છે.

ગયા સોમવારથી નેગેટિવ અસર ચાલુ

છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાઇરસની અસર શૅરબજારો પર પણ છવાઈ ગઈ હતી. ગયા સોમવારનો આરંભ આ અસરથી તૂટેલા અન્ય વૈશ્વિક બજારોની જેમ ઘટાડા સાથે થઈ હતી. આમ પણ અગાઉના સપ્તાહમાં માર્કેટે નેગેટિવ ટર્ન લીધો હતો, જે સપ્તાહના પ્રથમ દિવસે વધુ જોરપૂર્વક ચાલુ રહ્યો હતો. વાઇરસની અસરથી ચીન ઉપરાંત વિશ્વ બજારોમાં પણ કરેક્શન નોંધાયું હતું, જેને કારણે પણ ભારતીય બજાર ડાઉન ટ્રૅન્ડમાં રહ્યું હતું. વધુમાં બજેટ પૂર્વેની સાવચેતી સ્વરૂપે પણ બજારમાં સતત કરેક્શનનો ટ્રૅન્ડ રહ્યો હતો. મંગળવારે પણ બજાર પર કોરોના વાઇરસની અસર ચાલુ રહી હતી, જેણે વૈશ્વિક સેન્ટીમેન્ટ પણ માંદું પાડયું હતું. વાઇરસના ભયથી તેમ જ ગ્લોબલ મંદીના ભયથી સતત વેચવાલી રહી હતી. ભારતમાં  બજેટની ઊંચી અપેક્ષા છતાં વિદેશી રોકાણકારો સહિત મંદીવાળાની વેચવાલી ચાલુ રહી હતી. બજેટ પૂર્વે નફો ઘર કરી લેવાની હોડ પણ હતી.

બજેટ પહેલાં સાવચેતીનું માનસ રહ્યું

બુધવારે બજારે પૉઝિટિવ ટર્ન લઈ રિકવરી નોંધાવી હતી. જેમાં સેન્સેક્સ ૩૦૦ પૉઇન્ટ વધીને આખરે ૨૩૨ પૉઇન્ટ પ્લસ સાથે ૪૧૧૯૮ અને નિફ્ટી ૭૩ પૉઇન્ટ પ્લસ સાથે ૧૨૧૨૯ બંધ રહ્યો હતો. આ માટે સકારાત્મક ગ્લોબલ સંકેતોનો પણ ફાળો હતો. આ ઉપરાંત બુધવારે બજેટના વધેલા આશાવાદને પગલે  બજારની વેચવાલી અટકી હતી અને નવી લેવાલી શરૂ થઈ હતી. જોકે ગુરુવારે ફરી બજેટ પૂર્વેની સાવચેતીના ભાગરૂપ માર્કેટ નેગેટિવ ઝોનમાં ચાલ્યું ગયું હતું. એક જ સપ્તાહમાં ગ્લોબલ માર્કેટનું માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૨ ટ્રિલ્યન ડૉલર ધોવાઈ ગયું હતું. શુક્રવારે બજારમાં બજેટની આશા અને વાસ્તવિક અર્થતંત્રમાં નિરાશાની અસર છવાઈ હતી. આ બન્ને વિરોધાભાસી પરિબળો વચ્ચે અનિશ્ચિતતાના માહોલમાં સાવચેત રહેવા બજારનો વર્ગ નવી ખરીદીથી દૂર રહ્યો હતો. આ સંજોગોને ધ્યાનમાં રાખી બજેટના આગલા દિવસે સેન્સેક્સ ૧૯૦ પૉઇન્ટ નીચે ઊતરી ૪૦૭૨૩ તેમ જ નિફ્ટી ૭૩ પૉઇન્ટ માઇનસ થઈ ૧૨ હજારની નીચે ઊતરી  ૧૧૯૬૨ બંધ રહ્યા હતા.

સર્વેક્ષણની આશા સામે બજારની નિરાશા

આમ તો ગુરુવારે જાહેર થયેલા આર્થિક સર્વેક્ષણમાં કંઈક અંશે અર્થતંત્રનું ભાવિ ચિત્ર સકારાત્મક દર્શાવાયું હતું. ખાસ કરીને જીડીપી ગ્રોથ રેટ નાણાકીય વરસ ૨૦૨૦-૨૧માં વધીને  ૬થી ૬.૫ ટકા રહેવાની ધારણા મુકાઈ હતી. જે ચાલુ વરસે પાંચ ટકા રહેવાનું અનુમાન છે.  સરકારની કરવેરાની આવક પણ સુધરવાનો અંદાજ આ સર્વેમાં મુકાયો હતો. એક નોંધનીય વાત એ ગણાય કે સર્વેના અભ્યાસ મુજબ ભારતીય અર્થતંત્ર મંદીમાંથી બહાર નીકળી રહ્યું હોવાના સંકેત મળવા લાગ્યા છે. ૨૦૨૦ના બીજા છમાસિક ગાળામાં તેનું પરિણામ જોવા મળશે. આ સાથે સર્વેએ  આ દાયકો ભારતનો રહેશે એવો આશાવાદ પણ વ્યકત કર્યો હતો. આ સર્વેક્ષણ મુજબ ગ્લોબલ સેન્ટિમેન્ટ ભારતની તરફેણમાં રહેવાની આશા છે. જોકે ભારત સામેની અનેકવિધ આર્થિક-સામાજિક સમસ્યાઓનો ઉલ્લેખ ટાળવામાં આવ્યો હતો જે નિરાશાજનક છે. પરિણામે બજારે સર્વેના ઊંચા આશાવાદ છતાં ઘટાડો નોંધાવ્યો હતો.  વિતેલા સપ્તાહ દરમ્યાન એક દિવસને બાદ કરતાં સતત પ્રોફિટ બુકિંગ પણ થયું હતું.

પ્રૉફિટ બુકિંગ કરનારા સમજદાર

જેમણે પણ વિતેલા સપ્તાહમાં પ્રોફિટ બુકિંગ કર્યું તેઓ નસીબદાર યા સમજદાર ગણાય, કારણકે બજેટે શનિવારે સેન્સેક્સને ૧૦૦૦ પૉઇન્ટ જેટલું તોડી નાખીને સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાનું  મૂડીધોવાણ કરી નાખ્યું હતું. સેન્સેક્સ ૪૦ હજારની સપાટી તોડીને ૩૯૭૩૫  અને નિફ્ટી ૩૭૪ પૉઇન્ટ માઇનસ થઈ ૧૧૬૬૧ બંધ રહ્યો હતો. ઉપરની શરૂઆતની ચર્ચા મુજબ અને બજારમાં ચાલતા માહોલ અને માનસ મુજબ નવા સપ્તાહમાં બજારની રિકવરીની આશા રાખવામાં  સાર નથી. હવે ફરી લાંબી રાહ જોવી રહી. હાલ તો કન્ફયુઝન વધુ છે. સરકાર તરફથી જેમ વધુ સ્પષ્ટતા અને જાહેરાત થશે તેમ બજારને કલેરિટી આવશે. વિદેશી રોકાણકારોનો ટ્રૅન્ડ પણ બજાર માટે મહત્વનો બનશે. અત્યારે તો અનિશ્ચિતતા અને અટપટું લાગે એવું વધુ છે.

હવે ખરીદનારા સમજદાર?

હવે ગ્લોબલ સંજોગો પર પણ નજર રાખવી રહી. બજેટની લાંબા ગાળાની પૉઝિટિવ અસર છથી બાર મહિનામાં જોવા મળશે. જો બજેટ પહેલાં પ્રોફિટ બુક કરનારા સમજદાર-નસીબદાર સાબિત થયા છે તો બજેટ બાદ તૂટેલા-ઘટેલા બજારમાં નીચા ભાવે ખરીદનારા પણ સમજદાર-નસીબદાર સાબિત થઈ શકે છે. કેમ કે બજેટની સારી અસર જેમ–જેમ સ્પષ્ટ થતી જશે તેમ માર્કેટ નવેસરથી ઊંચે જવાનું શરૂ કરશે. અલબત્ત, સરકારે આગામી દિવસોમાં આર્થિક રિવાઈવલને જોર આપવા તેના પગલાના અમલ પર પણ જોર આપવું જ રહ્યું. તો સમજનેવાલે કો ઈશારા કાફી...

રિઝર્વ બૅન્કની પૉલિસી

આ સપ્તાહમાં બજાર પર અસર કરે એવી એક બાબત રિઝર્વ બૅન્કની મોનેટરી પૉલિસી છે, જે ૪થી ૬ ફેબ્રુઆરી દરમ્યાન જાહેર થશે, ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખી હાલ રેટકટ આવવાની શક્યતા ઓછી હોવાથી બજારને આ પરિબળ પણ કોઈ નવું બળ આપશે નહીં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK