(શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ)
આ માટે મુખ્યત્વે યુપીએ સરકારની આર્થિક મોરચે ઉદાસીનતા કારણભૂત કહી શકાય. નીતિવિષયક દિશાદોરના સદંતર અભાવથી અર્થતંત્રને બેહદ હાનિ થઈ રહી છે. સરકાર સાવ નિષ્ક્રિય છે. હવે રિઝર્વ બૅન્ક શુક્રવારે વ્યાજદરમાં રાહત જારી કરે એ એકમાત્ર થીમ રહી છે. આના પગલે ગુરુવારે માર્કેટ ફરી ૧૬,૦૦૦ને વટાવી જવાનું અને વ્યાજદરની રાહત જાહેર થતાંની સાથે જ આ સુધારાનાં વળતાં પાણી થવાનાં. ટ્રસ્ટ તથા ટ્રિગર વગર બજારમાં કોઈ સુધારો ક્યારેય નક્કર કે ટકાઉ બની શકવાનો નથી. અમારાં સૂત્રો છ મહિનામાં સેન્સેક્સ ૧૩,૦૦૦ની આસપાસનો જોઈ રહ્યાં છે.
આંતરપ્રવાહમાં કસ નથી
૧૬,૦૦૨ના આગલા બંધથી બજાર ૪૦ પૉઇન્ટ ગૅપમાં નીચે ખૂલ્યા પછી સાધારણ સુધારાની ચાલમાં ઉપરમાં ૧૬,૧૩૩ થયું અને પાછળથી રાબેતા મુજબ વેચવાલીનું પ્રેશર કામે લાગ્યું. સેન્સેક્સે ૧૫,૮૫૫ની બૉટમ બનાવી. છેલ્લે ૧૩૫ પૉઇન્ટના ઘટાડે ૧૫,૮૬૭નો બંધ આવ્યો. એફએમસીજી ઇન્ડેક્સ ૦.૨ ટકા વધ્યો હતો, એ સિવાય બજારના તમામ ૨૦ ઇન્ડેક્સ ડાઉન હતા. રિયલ્ટી ઇન્ડેક્સ સૌથી વધુ અઢી ટકા તૂટ્યો હતો. પાવર અને મેટલ ઇન્ડેક્સ ૨.૩ ટકા, પીએસયુ તથા કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સ બે ટકા, ઑટો બેન્ચમાર્ક ૧.૬ ટકા અને કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ ૧.૩ ટકા ખરાબ હતા. સેન્સેક્સના ૩૦માંથી ૨૬ શૅર માઇનસમાં હતા. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ હતી. ૧૦૪૯ શૅર વધેલા હતા, સામે ૧૬૬૩ સ્ક્રિપ્સ નરમ હતી. ૧૪૯ શૅર ઉપલી સર્કિટે બંધ હતા તો ૨૧૯ જાતોમાં મંદીની સર્કિટ લાગેલી હતી.
પેન્ટાલૂન ટૉપ લૂઝર
એ ગ્રુપમાં પેન્ટાલૂન રીટેલ્સ ૮.૭ ટકાના કડાકા સાથે ટૉપ લૂઝર હતો. સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ ૮.૨ ટકા, જૈન ઇરિગેશન ૭.૩ ટકા અને ચંબલ ફર્ટિલાઇઝર્સ છ ટકા ખરડાયેલા હતા. ક્રૂડ તથા મંદીની અસરમાં ઑઇલ શૅર નબળા હતા. હિન્દુસ્તાન પેટ્રોલિયમ પાંચ ટકા, ભારત પેટ્રોલિયમ સાડાચાર ટકા, આઇઓસી પોણાત્રણ ટકા અને ઓએનજીસી સવા ટકો લપસ્યા હતા. સામે સન ટીવી ૪.૮ ટકાના વધારામાં એ ગ્રુપમાં ટૉપ ગેઇનર હતો. ગ્લેનમાર્ક ફાર્મા સાડાત્રણ ટકા, પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ સવાત્રણ ટકા, ડિશ ટીવી અને તાતા કમ્યુનિકેશન્સ ત્રણ ટકા મજબૂત હતા. અદાણી પાવર ઑલટાઇમ લો થયા પછી છેવટે સવાબે ટકા વધીને બંધ હતો. એક્સેલ કૉર્પના યુનિટ સામેનાં પગલાંની વાતે શૅર નબળો પડ્યો હતો.
અદાણી પાવર કપાયો
અદાણી પાવર બુધવારે ચારેક ટકા તૂટીને ૬૯.૧૫ રૂપિયા થયો હતો, જે એની ઑલટાઇમ લો છે. આ શૅર વર્ષમાં અડધો થઈ ગયો છે. ૩૧ ડિસેમ્બર ૨૦૧૦ના રોજ એમાં ૧૩૩ રૂપિયાની ટૉપ હતી. આ ઉપરાંત બીએસઈ ખાતે ભાવની રીતે ગઈ કાલે પ્રોવોગ ઇન્ડિયા, લાયકા લૅબ્સ, બારટ્રૉનિક્સ, સેઝલ ગ્લાસ, બ્રૅન્ડ હાઉસ, ફર્સ્ટ સોર્સ સૉલ્યુશન્સ, તાન્લા સૉલ્યુશન્સ, એઆરએસએસ ઇન્ફ્રા, ઇમામી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ, ટેક્સપ્રો સિસ્ટમ્સ, વા ટેક વાબૅગ, પ્રેસ્ટિજ એસ્ટેટ્સ, ફિનોટેક્સ કેમિકલ્સ, બિરલા પૅસિફિક, ઝી લર્ન, બીજી ગ્લોબલ, તેજડિયા પૉલિપાઇપ્સ, એમબી સ્વિચ વગેરે પણ ઑલટાઇમ લો થયા હતા, તો બીજીઆર એનર્જી, બલરામપુર ચીની, અરીવા ટી ઍન્ડ ડી, થ્રી-આઇ ઇન્ફોટેક, બીએફ યુટિલિટી, બ્લુસ્ટાર, હૈદરાબાદ ઇન્ડસ્ટ્રીઝ, એચસીએલ ઇન્ફો, રિલાયન્સ કૅપિટલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ મિડિયા, રિલાયન્સ બ્રોડકાસ્ટિંગ વર્ષના તળિયે ગયા હતા.
ગ્રોથ રેટનો અંદાજ ડાઉનગ્રેડ
નાણાં ખાતું તથા રિઝર્વ બૅન્ક ચાલુ વર્ષે દેશનો આર્થિક વિકાસદર ૭.૫ ટકા રહેવાની ધારણાને ભલે વળગી રહ્યાં હોય, પરંતુ આ લક્ષ્યાંક પાર પડવો દોહ્યલો છે. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી ફિચ તરફથી વર્ષ ૨૦૧૧-’૧૨ દરમ્યાન ૭.૫ ટકાના ગ્રોથ રેટના અંદાજને ડાઉનગ્રેડ કરવામાં આવ્યો છે. હવે ચાલુ વર્ષનો વિકાસદર સાત ટકા રહેવાની ધારણા એણે આપી છે. ફિચ માને છે કે સમગ્ર વિશ્વસ્તરે વિકાસનો માહોલ ડહોળાયેલો છે. ભારત ઘરઆંગણે પણ ફુગાવો અને વ્યાજદરમાં વધારાના દુષ્પરિણામનો ભોગ બન્યું છે. આ જોતાં ૭.૫ ટકાના ગ્રોથ રેટનો કોઈ અવકાશ જણાતો નથી. એણે કહ્યું છે કે આગામી વર્ષ પણ વસમું હશે. વર્તમાન સંજોગો જોતાં વર્ષ ૨૦૧૩-’૧૪ સુધી ભારત માટે આઠ ટકાના ગ્રોથ રેટની કોઈ શક્યતા દેખાતી નથી. ઑક્ટોબર મહિનાના ઔદ્યોગિક ઉત્પાદનમાં ધબડકો થયો હોવાના તાજેતરના આંકડા પછી વૈિશ્વક રેટિંગ એજન્સીઓ વિકાસદરની ધારણા ડાઉનગ્રેડ કરશે એવી આશંકા હતી એ સાચી ઠરવા માંડી છે.
એફઆઇઆઇની વેચવાલી
મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇ (ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો)ની કુલ ખરીદી ૨૨૪૬.૪૩ કરોડ, કુલ વેચવાલી ૨૩૮૬.૫૬ કરોડ અને ચોખ્ખી વેચવાલી ૧૪૦.૧૩ કરોડ રૂપિયા રહી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૧૦૨૨.૯૪ કરોડ, કુલ વેચવાલી ૫૭૩.૩૫ કરોડ અને ચોખ્ખી ખરીદી ૪૪૯.૫૯ કરોડ રૂપિયા જોવા મળી હતી.
શૅરબજાર સુપર ઓવરમાં રમ્યું! સેન્સેક્સ 1030 પૉઇન્ટ વધીને ફરીથી 50,000ના આંકને પાર
25th February, 2021 09:06 ISTરિક્ષા-ટૅક્સીનો ભાડાવધારો 6 મહિના પાછો ઠેલવાની ડિમાન્ડ
25th February, 2021 09:05 ISTશૅર બજાર: 667 પૉઇન્ટના ઉતાર-ચડાવ બાદ સેન્સેક્સ ફ્લૅટ બંધ રહ્યો
24th February, 2021 09:16 ISTઆજે ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામ
23rd February, 2021 10:47 IST