Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આખલાઓ બજારને પકડમાંથી છૂટવા દેવા તૈયાર નથી

આખલાઓ બજારને પકડમાંથી છૂટવા દેવા તૈયાર નથી

05 January, 2021 11:36 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આખલાઓ બજારને પકડમાંથી છૂટવા દેવા તૈયાર નથી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતમાં તાકીદની સ્થિતિમાં આપવા માટેની કોરોનાની રસીઓને મંજૂરી આપવામાં આવી અને દેશનો મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રનો પીએમઆઇ (પર્ચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ) સતત પાંચમા મહિને વૃદ્ધિનો સંકેત આપનારો આવ્યો એ બન્ને મુખ્ય કારણોને પગલે તથા વૈશ્વિક પરિબળોને અનુલક્ષીને સોમવારે શૅરબજારમાં તેજીનો ક્રમ યથાવત્‌ રહ્યો હતો. સેન્સેક્સ ૪૮૦૦૦ની સપાટીને વટાવીને ૩૦૭.૮૨ પૉઇન્ટ વધ્યા બાદ ૪૮૧૭૬.૮૦ પહોંચ્યો હતો. આ જ રીતે નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ ૧૧૪.૪૦ પૉઇન્ટ વધીને ૧૪૧૩૨.૯૦ બંધ રહ્યો હતો.

પ્રોફિટ બુકિંગ બાદ બજાર ફરી વધ્યું



દિવસના પ્રારંભે પ્રોફિટ બુકિંગને પગલે થોડું કન્સોલિડેશન જોવા મળ્યું હતું અને નિફ્ટી ૧૩૯૫૦ સુધી ઘટ્યો હતો. પછીથી ઘટાડે ખરીદીના ટેકે બજાર સતત વધતું ગયું હતું. દિવસ દરમ્યાન નિફ્ટી મેટલ અને નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાં અનુક્રમે ૫ ટકા અને ૩ ટકાની નોંધનીય વૃદ્ધિ જોવા મળી હતી. ત્રિમાસિક પરિણામોમાં આઇટી કંપનીઓની કામગીરી સારી રહેવાની ધારણાને પગલે આઇટી સ્ટૉક્સ ઊંચકાયા હતા. બીજી બાજુ બૅન્ક નિફ્ટીમાં આશરે ૬૦૦ પૉઇન્ટના તીવ્ર ઘટાડા પછી વધઘટ રૅન્જ બાઉન્ડ રહી હતી અને ઇન્ડેક્સ નજીવા ઘટાડા સાથે બંધ રહ્યો હતો.


ઇન્ટ્રાડે ધોરણે સેન્સેક્સ ૪૮૨૨૦.૪ સુધી પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટીનો દિવસનો ઉપલો આંક ૧૪૧૪૮ થયો હતો. સેન્સેક્સના ટોચના વધનારા ટેક્નૉલૉજી સ્ટૉક્સમાં ૨થી ૪ ટકા સુધી વધેલા ટીસીએસ, એચસીએલ ટેક અને ઇન્ફોસિસ સામેલ હતા. તાતા સ્ટીલ અને હિન્દાલ્કો અનુક્રમે ૮ અને ૭ ટકા કરતાં વધુ વધ્યા હતા અને નિફ્ટીના ટોચના વધનારા સ્ટૉક્સમાં સામેલ હતા. ટોચના ઘટનારા સ્ટૉક્સ બજાજ ફાઇનૅન્સ, એશિયન પેઇન્ટ્સ, એચડીએફસી બૅન્ક અને હીરો મોટો કોર્પ હતા.

સેક્ટોરલ મોરચે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૫ ટકા કૂદ્યો હતો. વૈશ્વિક બ્રોકરેજ હાઉસ જેફરીઝે મેટલ સૅક્ટર માટે આશાવાદી ચિત્ર હોવાનું જાહેર કર્યું તેને પગલે મેટલ સ્ટૉક્સ વધ્યા હતા.


બૅન્કિંગ અને ફાઇનૅન્શિયલ સર્વિસિસ સૅક્ટરના સ્ટૉક્સ ઘટ્યા

ઘટનારાં ક્ષેત્રોમાં બૅન્કિંગ અને ફાઇનૅન્શિયલ સર્વિસિસ સામેલ હતા. સર્વાંગી ધોરણે એસઍન્ડપી બીએસઈ મિડ કૅપ ઇન્ડેક્સ ઇન્ટ્રાડે ધોરણે ૧૮૪૩૫.૧૪ની વિક્રમી ઊંચાઈએ પહોંચ્યો હતો. અગાઉ આ ઇન્ડેક્સ ૯ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ ૧૮૩૨૧ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. સોમવારે આ ઇન્ડેક્સે ૧.૪ ટકા વધીને ૧૮૪૨૧.૫ની નવી સપાટી સર કરી હતી. એસઍન્ડપી બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૧.૩૭ ટકા વધીને ૧૮૫૧૧ના સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટી ઑટો, એનર્જી, ઇન્ફ્રા અને ફાર્મા ઇન્ડેક્સ ૧-૧ ટકો વધ્યા હતા.

સેન્સેક્સની ૨૦ કંપનીઓ વધી હતી, જ્યારે ૧૦ કંપનીઓ ઘટી

દિવસના અંતે એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૨૦ કંપનીઓ વધી હતી, જ્યારે ૧૦ કંપનીઓ ઘટી હતી. માર્કેટ કૅપ ૧૯૧.૬૯ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું, જે શુક્રવારે ૧૮૯.૨૭ લાખ કરોડ રૂપિયા હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડાઇસીસમાં બીએસઈ સેન્સેક્સ-૫૦ ઇન્ડેક્સ ૦.૮૪ ટકા, બીએસઈ-૧૦૦ ઇન્ડેક્સ ૦.૯૪ ટકા, બીએસઈ મિડ કૅપ ૧.૪૨ ટકા, બીએસઈ સ્મૉલ કૅપ ૧.૩૭ ટકા, બીએસઈ-૨૦૦ ઇન્ડેક્સ ૧.૦૨ ટકા, બીએસઈ-૫૦૦ ઇન્ડેક્સ ૧.૦૫ ટકા, બીએસઈ ઓલ કૅપ ૧.૦૬ ટકા અને બીએસઈ લાર્જ કૅપ ૦.૯૫ ટકા વધ્યા હતા. બીએસઈ આઇપીઓ ઇન્ડેક્સ ૧.૯૬ ટકા અને બીએસઈ એસએમઈ આઇપીઓ ૦.૬૭ ટકા વધ્યા હતા.

સેક્ટોરલ ઈન્ડાઇસીસમાં બેઝિક મટેરિયલ્સ ૨.૮૫ ટકા, સીડીજીએસ ૦.૮૫ ટકા, એનર્જી ૦.૬૨ ટકા, એફએમસીજી ૦.૭૪ ટકા, ફાઇનૅન્સ ૦.૨૩ ટકા, હેલ્થકૅર ૦.૯૧ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સ ૧.૫૦ ટકા, આઇટી ૨.૭૧ ટકા, ટેલિકૉમ ૧.૨૩ ટકા, યુટિલિટીઝ ૦.૯૫ ટકા, ઑટો ૧.૫૨ ટકા, કૅપિટલ ગુડ્સ ૧.૪૮ ટકા, મેટલ ૫.૩૪ ટકા, ઑઇલ ઍન્ડ ગૅસ ૧.૯૬ ટકા,

પાવર ૦.૭૪ ટકા, રિયાલ્ટી ૦.૨૩

ટકા અને ટેક ૨.૪૮ ટકા વધ્યા હતા, જ્યારે બૅન્કેક્સ ૦.૧૫ ટકા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૦૧ ટકા ઘટ્યા હતા.

બીએસઈ એસઍન્ડપી સેન્સેક્સમાં ઓએનજીસી ૪.૦૨ ટકા, ટીસીએસ ૩.૭૯ ટકા, એચસીએલ ટેક્નૉલૉજી ૩.૦૫ ટકા, ટેક મહિન્દ્ર ૨.૪૬ ટકા અને ઇન્ફોસિસ ૨.૨૩ ટકા વધ્યા હતા, જ્યારે કોટક મહિન્દ્ર બૅન્ક ૧.૪૩ ટકા, બજાજ ફાઇનૅન્સ ૧.૨૧ ટકા, એશિયન પેઇન્ટ્સ ૦.૭૩ ટકા, એચડીએફસી બૅન્ક ૦.૬૧ ટકા અને પાવર ગ્રિડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા ૦.૬૨ ટકા ઘટ્યા હતા.

બીએસઈમાં ‘એ’ ગ્રુપની ૧૨ કંપનીઓને ઉપલી સર્કિટ અને ૧ કંપનીને નીચલી સર્કિટ લાગી હતી, જ્યારે ‘બી’ ગ્રુપની ૯૫ કંપનીઓને ઉપલી અને ૯ કંપનીઓને નીચલી સર્કિટ સહિત બધાં ગ્રુપની ૭૦૩ કંપનીઓમાંથી ૫૫૯ કંપનીઓને ઉપલી અને ૧૪૪ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી.

અમર રાજા બૅટરીઝ, મુથૂટ ફાઇનૅન્સ અને ઝી એન્ટરટેઇન્મેન્ટ એન્ટરપ્રાઇઝીસમાં વૉલ્યુમ ઊંચું રહ્યું હતું. આરતી ઇન્ડસ્ટ્રીઝ, પંજાબ નૅશનલ બૅન્ક અને અમરરાજા બૅટરીઝમાં લોંગ બિલ્ડ અપ તથા બંધન બૅન્ક, એનટીપીસી અને ઝી એન્ટરટેઇન્મેન્ટ એન્ટરપ્રાઇઝીસમાં શોર્ટ બિલ્ડ અપ જોવા મળ્યું હતું. વેદાંત, અમરરાજા બૅટરીઝ અને દિવિસ લૅબ બાવન સપ્તાહની ટોચે પહોંચ્યા હતા.

ડેરિવેટિવ્ઝ રિપોર્ટ

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સોમવારે કુલ ૨,૫૩,૩૪૩.૩૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૫૫,૮૨૯ સોદાઓમાં ૨૩,૧૦,૪૮૪ કૉન્ટ્રૅક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૧,૧૮,૫૯૩ કૉન્ટ્રૅક્ટસના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટસમાં ૪૮.૩૦ કરોડ રૂપિયાના ૩૩૦ સોદામાં ૪૩૭ કૉન્ટ્રૅક્ટસનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કૉલ ઓપ્શનના ટ્રેડ થયેલા ૩૦,૦૨૪ સોદામાં ૧૩,૫૦,૪૩૫ કૉન્ટ્રૅક્ટ સાથે ૧,૫૩,૯૮૮.૨૩ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઓપ્શનના ટ્રેડ ૨૫,૪૭૫ સોદામાં ૯,૫૯,૬૧૨ કૉન્ટ્રૅક્ટ સાથે ૯૯,૩૦૬.૭૭ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.

ટેક્નિકલ દૃષ્ટિએ

એનલિસ્ટોનું કહેવું છે કે નિફ્ટીમાં દૈનિક ચાર્ટ પર બુલિશ કૅન્ડલ રચાઈ છે અને લોંગ લોઅર શેડો છે, અર્થાત આખલાઓ હજી બજાર પર હાવી છે. દરેક ઘટાડે બજારમાં ખરીદી થતી રહેવાની ધારણા છે. પાછલાં સતત આઠ સત્રોની જેમ સપોર્ટ સતત ઊંચે જઈ રહ્યો છે. હવે ૧૩૯૫૦-૧૪૦૦૦ની સપાટી વટાવી ગયા બાદ ૧૪૨૦૦ અને પછી ૧૪૫૦૦ની સપાટી તરફ રૂખ જણાય છે. નીચામાં ૧૩૮૫૦ અને ૧૩૭૭૭ના સ્તરે મોટો સપોર્ટ છે.

ઓપ્શન્સ મોરચે સૌથી વધુ પુટ ઓપન ઇન્ટરેસ્ટ ૧૩૦૦૦ અને પછી ૧૩૫૦૦ની સ્ટ્રાઇક પર છે, જ્યારે મહત્તમ કૉલ ઓપન ઇન્ટરેસ્ટ ૧૪૦૦૦ અને પછી ૧૪૫૦૦ની સ્ટ્રાઇક પર છે. ઇન્ડેક્સમાં ૧૩૭૦૦-૧૪૫૦૦ની ટ્રેડિંગ રૅન્જ દેખાઈ રહી છે. તાત્કાલિક

રૅન્જ ૧૩૯૦૦-૧૪૩૦૦ની હોવાનું કહેવાય છે.

સોમવારે ઇન્ડિયા વોલેટિલિટી ઇન્ડેક્સ ૧૯.૫૬થી ૨.૪૦ ટકા વધીને ૨૦.૦૩ થયો હતો. 

બજાર કેવું રહેશે?

કોરોનાની રસી સતત એક પછી એક નવા નવા દેશોમાં પ્રવેશતી જશે એવી આશાએ શૅરબજારમાં તેજી અકબંધ રહેવાના સંજોગો છે. મંગળવારે રોકાણકારોએ દરેક ઘટાડે ખરીદી કરવી એવું વિશ્લેષકોનું કહેવું છે. અન્ય એક નિષ્ણાતે જણાવ્યા મુજબ નિફ્ટી-૫૦ અને સેન્સેક્સમાં દૈનિક ચાર્ટ પર હેંગિંગ મૅન પૅટર્ન રચાઈ છે. તેનો અર્થ એવો થાય કે બજારમાં નિર્ણાયકતાનો અભાવ છે. જોકે બજાર તેજીમાં હોવાથી મોમેન્ટમ જળવાઈ રહેવાની સંભાવના છે.

Whatsapp-channel Whatsapp-channel

05 January, 2021 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK