તેજીનો તોખાર:સેન્સેક્સ લૅન્ડમાર્કથી હવે માત્ર ૨૦૮ પૉઇંટના જ અંતર પર છે

Published: 21st January, 2021 10:59 IST | Mumbai correspondent | Mumbai

વૈશ્વિક બજારોની હૂંફે અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ખરીદી યથાવત્‌ રહેતાં બજાર ફરી દોડવા લાગ્યું

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ભારતીય શૅરબજારમાં સેન્સેક્સને ૫૦૦૦૦ના આંક સુધી પહોંચાડવાની આખલાઓની દોડનો ફરીથી પ્રારંભ થયો છે. બુધવારે અમેરિકામાં સરળતાથી થયેલા સત્તાપલટાની સાનુકૂળ અસર તથા બીજા કોઈ પ્રતિકૂળ પરિબળની ગેરહાજરીને પગલે સેન્સેક્સ ઇન્ટ્રાડે ધોરણે ૪૯૮૭૪ની સપાટી સુધી જઈ આવ્યા બાદ દિવસના અંતે એકંદરે ૩૯૩.૮૩ (૦.૮૦ ટકા) પૉઇન્ટની વૃદ્ધિ સાથે ૪૯૭૯૨.૧૨ રહ્યો હતો. આ જ રીતે નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ ૧૪૫૩૮.૩૦ પૉઇન્ટ ખૂલ્યા બાદ ઉપરમાં ૧૪૬૬૬.૪૫ જઈ આવ્યો હતો અને દિવસના અંતે ૧૨૩.૫૫ પૉઇન્ટ (૦.૮૫ ટકા)ની વૃદ્ધિ સાથે ૧૪૬૪૪.૭૦ની સપાટીએ પહોંચ્યો હતો. બન્ને ઇન્ડેક્સમાં નવી સર્વોચ્ચ સપાટી નોંધાઈ છે.
એફઆઇઆઇએ કરી ૨૨૮૯
કરોડ રૂપિયાની નેટ ખરીદી
એનએસઈ પર દિવસ દરમ્યાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ નેટ ૨૨૮૯ કરોડ રૂપિયાની ખરીદી કરી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ૮૬૪.૬૨ કરોડ રૂપિયાના શૅર વેચ્યા હતા. એક્સચેન્જમાં એકંદરે ૯૯૯ સ્ટૉક્સ વધ્યા હતા અને ૯૩૭ ઘટ્યા હતા. આમ વધેલા-ઘટેલા શૅરોનો ગુણોત્તર ૧.૦૭ રહ્યો હતો.
ઑટો, આઇટી અને પીએસયુ બૅન્કોના સ્ટૉક્સમાં વૃદ્ધિ
મુખ્યત્વે ઑટો, આઇટી અને પીએસયુ બૅન્કોના શૅરોમાં ઇન્ડેક્સ કરતાં પણ વધુ વૃદ્ધિ થઈ હતી. આ ત્રણેના સેક્ટોરલ ઇન્ડાઇસીસ ૨ ટકાની આસપાસ વધ્યા હતા. સમગ્રતયા એફએમસીજી ઇન્ડેક્સને બાદ કરતાં તમામ સેક્ટોરલ ઇન્ડાઇસીસ વધ્યા હતા. નિફ્ટી રિયલ્ટી લગભગ ફ્લેટ રહ્યો હતો, જ્યારે નિફ્ટી મીડિયા અને નિફ્ટી મેટલમાં ૧ ટકાની વૃદ્ધિ થઈ હતી. નિફ્ટી એફએમસીજીમાં ૦.૧૬ ટકાનો મામૂલી ઘટાડો થયો હતો.
વોલેટિલિટી ઇન્ડેક્સ ઘટ્યો
એનએસઈ પર બ્રોડર માર્કેટમાં મિડ કૅપ-૧૫૦માં ૦.૯૧ ટકાનો વધારો થયો હતો, જ્યારે તેના પ્રમાણમાં ઓછી એટલે કે માત્ર ૦.૪૧ ટકાની વૃદ્ધિ સ્મૉલ કૅપ-૨૫૦ ઇન્ડેક્સમાં થઈ હતી. નોંધનીય રીતે ઇન્ડિયા વોલેટિલિટી ઇન્ડેક્સ ૫.૮૮ ઘટીને ૨૧.૫૫ રહ્યો હતો.
એનએસઈ પર વધેલા ટોચના શૅર તાતા મોટર્સ (૬.૦૯ ટકા), અદાણી પોર્ટ્સ (૪.૪૦ ટકા), વિપ્રો (૩.૪૦ ટકા), ટેક મહિન્દ્ર (૨.૭૨ ટકા), મારુતિ (૨.૫૫ ટકા), એશિયન પેઇન્ટ (૧.૮૯ ટકા), રિલાયન્સ (૧.૮૨ ટકા), મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર (૧.૭૩ ટકા) અને ઇન્ફોસિસ (૧.૬૯ ટકા) હતા. ઘટેલા શૅરમાં પાવરગ્રિડ (૨.૧૦ ટકા), શ્રીસિમેન્ટ (૧.૮૨ ટકા), એનટીપીસી (૧.૫૬ ટકા), ગેઇલ (૧.૦૪ ટકા) અને એચડીએફસી બૅન્ક (૦.૯૨ ટકા) મુખ્ય હતા.
સેન્સેક્સમાંના ૨૦ શૅર વધ્યા હતા, જેમાં મારુતિ, ટેક મહિન્દ્ર, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર, એશિયન પેઇન્ટ, રિલાયન્સ, ઇન્ફોસિસ, એચસીએલ ટેક મુખ્ય હતા. તેના ઘટેલા સ્ટૉક્સ પાવરગ્રિડ, એનટીપીસી, એચડીએફસી બૅન્ક, આઇટીસી, બજાજ ઑટો, કોટક બૅન્ક, ડૉ. રેડ્ડી, સન ફાર્મા, હિન્દુસ્તાન લિવર, નેસલે ઇન્ડિયા હતા.
બીએસઈ પર વૉલ્યુમની દૃષ્ટિએ વધેલા શૅરોમાં ટીસીએસ, રિલાયન્સ, ટાઇટન, બજાજ ફાઇનૅન્સ, તાતા સ્ટીલ, એચડીએફસી, ઇન્ફોસિસ, આઇટીસી, મારુતિ, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, ભારતી ઍરટેલ, લાર્સન ઍન્ડ ટુબ્રો, ઇન્ડસઇન્ડ બૅન્ક મોખરે હતા. આ એક્સચેન્જ પર કુલ માર્કેટ કૅપમાં ૧.૫૧ લાખ કરોડની વૃદ્ધિ થતાં આંકડો ૧૯૭.૭૦ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો.
તાતા ગ્રુપના શૅરોમાં તેજી
બીએસઈ પર મિડ કૅપમાં વધેલા ટોચના વધનારા સ્ટૉક્સમાં જે.કે. ટાયર, એમઆરએફ અને સીએટ સામેલ હતા, જે અનુક્રમે ૧૮, ૬.૪૫ અને ૩ ટકા વધ્યા હતા. ટીસીએસ (તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ) ઇન્ટ્રાડે ધોરણે ૩૩૨૭ની નવી સર્વોચ્ચ સપાટી સર કર્યા પછી દિવસના અંતે ૧.૩૨ ટકાની વૃદ્ધિ સાથે ૩૩૦૮.૨૦ બંધ રહ્યો હતો. આ જ રીતે તાતા એલેક્સી પણ ૨૮૨૬ની નવી ટોચે જઈને છેલ્લે ૪.૨૫ ટકાના વધારા સાથે ૨૭૮૮.૬૦ બંધ રહ્યો હતો. તાતા મોટર્સમાં સતત વધારો થઈ રહ્યો છે અને ઇન્ટ્રાડેમાં સ્ટૉક ૭ ટકા વધીને ૨૭૮ પહોંચ્યો હતો. દિવસના અંતે ૬.૨૦ ટકાની વૃદ્ધિ સાથે ૨૭૪.૯૦ બંધ આવ્યો હતો. ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ભારતમાં તાતા મોટર્સને સાથે રાખશે એવા અહેવાલોને પગલે સ્ટૉક સાત ટ્રેડિંગ સત્રોમાં ૨૬ ટકા વધ્યો છે. કંપનીએ પોતે આ અહેવાલોને રદિયો આપ્યો છે, પરંતુ ખરીદદારોની આશા અકબંધ રહી છે. એકલા જાન્યુઆરી મહિનામાં સ્ટૉક ૫૧ ટકા વધ્યો છે.
બીજી તરફ તાતા કમ્યુનિકેશન્સમાં બીએસઈ પર ઇન્ટ્રાડેમાં ૮ ટકાનો ઘટાડો થઈને શૅર ૧૦૪૦ પહોંચ્યો હતો. છેલ્લે તેમાં ૬.૯૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો અને બંધ ભાવ ૧૦૫૧.૨૫ રહ્યો હતો. સરકાર ઑફર ફોર સેલ અથવા સ્ટ્રેટેજિક સેલ મારફતે આ કંપનીમાંથી પોતાનો પૂરેપૂરો ૨૬.૧૨ ટકા હિસ્સો વેચી દેશે એવા અહેવાલને પગલે શૅર ઘટ્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ પબ્લિક ઍસેટ મૅનેજમેન્ટ (દીપમ) દ્વારા નોટિસમાં જણાવાયા મુજબ ૨૦ માર્ચ ૨૦૨૧ સુધીમાં આ વેચાણ પૂરું કરવામાં આવશે. જોકે અહીં નોંધવું રહ્યું કે આ સ્ટૉક છેલ્લા છ મહિનામાં ૫૦ ટકા અને એક વર્ષમાં ૧૪૦ ટકા વધ્યો છે.
એસબીઆઇ કાર્ડ્સમાં પરિણામ પૂર્વે વૃદ્ધિ
ગુરુવારે ડિસેમ્બર ક્વૉર્ટરનાં પરિણામ જાહેર થતાં પહેલાં એસબીઆઇ કાર્ડ્સ ઍન્ડ પૅમેન્ટ સર્વિસિસ સ્ટૉકમાં તેજી આવતાં બીએસઈ પર તેમાં ૩.૨૯ ટકાનો વધારો થયો છે અને બંધ ભાવ ૯૯૮.૬૦ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં સેન્સેક્સની ૬ ટકાની વૃદ્ધિ સામે આ સ્ટૉક ૨૩ ટકા વધ્યો છે.
વૈશ્વિક બજારો
યુરોપિયન બજારમાં સુધારાનું વલણ જોવા મળ્યું છે. યુરો સ્ટોક્સ ૬૦૦માં ૦.૪ ટકાની વૃદ્ધિ થઈ હતી. ફ્રેન્કફર્ટ અને પેરિસમાં પણ ઇન્ડેક્સ લગભગ આટલા જ વધ્યા હતા. જોકે લંડન માર્કેટ ફ્લેટ રહી હતી. એશિયામાં તેજીનો મૂડ યથાવત્‌ રહેતાં એમએસસીઆઇનો એશિયા-પેસિફિક ઇન્ડેક્સ ૦.૮ ટકા વધ્યો હતો. હૉન્ગકૉન્ગના હૅન્ગસૅન્ગમાં ૧ ટકાનો સુધારો થતાં ઇન્ડેક્સ ૨૦૧૯ની ટોચની સપાટીની નજીક પહોંચ્યો હતો. ઑસ્ટ્રેલિયામાં પણ ઇન્ડેક્સ વધ્યા હતા.
ડેરિવેટિવ્ઝ રિપોર્ટ
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં બુધવારે કુલ ૨,૮૪,૬૦૮.૪૮ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૭૪,૨૫૦ સોદાઓમાં ૨૪,૫૧,૨૫૧ કૉન્ટ્રૅક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૮,૨૯,૬૨૪ કૉન્ટ્રૅક્ટનાં ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટમાં ૧૮.૦૪ કરોડ રૂપિયાના ૯૨ સોદામાં ૧૫૭ કૉન્ટ્રૅક્ટનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કૉલ ઓપ્શનના ટ્રેડ થયેલા ૫૫,૬૭૪ સોદાઓમાં ૧૭,૨૯,૨૧૭ કૉન્ટ્રૅક્ટ સાથે ૨,૦૯,૪૪૯.૪૧ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઓપ્શનના ૧૮,૪૮૪ સોદાઓમાં ૭,૨૧,૮૭૭ કૉન્ટ્રૅક્ટ સાથે ૭૫,૧૪૧.૦૩ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.
ટેક્નિકલ દૃષ્ટિએ
નિફ્ટીમાં લોંગ બુલ કૅન્ડલ રચાઈ છે, જેના પરથી વૃદ્ધિનું વલણ સ્પષ્ટ થાય છે. બુધવારની પહેલાંનાં ચાર સત્રોમાં થયેલો ઘટાડો ગત બે સત્રોમાં પૂરોપૂરો દૂર થયો હોવાથી અને વૉલ્યુમ પાછલા દિવસ કરતાં વધુ રહ્યું હોવાથી બજારમાં તેજી ટકી રહેવાનો અંદાજ છે.
બજાર કેવું રહેશે?
નિફ્ટીમાં ગુરુવારના સત્ર માટે ૧૪૫૩૫ અને ૧૪૪૯૦નો મોટો સપોર્ટ છે અને રેઝિસ્ટન્સ ૧૪૭૧૦ અને ૧૪૭૭૦ની સપાટીએ છે. હવે માત્ર ૨૦૮નું અંતર બાકી રહ્યું હોવાથી સેન્સેક્સ ૫૦૦૦૦ની સીમાચિહ્ન રૂપી સપાટીએ પહોંચવાની ધારણા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK