Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બે સત્રોમાં સેન્સેક્સ ૯૦૦ પૉઇન્ટ કરતાં વધુ ઘટ્યો

બે સત્રોમાં સેન્સેક્સ ૯૦૦ પૉઇન્ટ કરતાં વધુ ઘટ્યો

23 January, 2021 09:54 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે સત્રોમાં સેન્સેક્સ ૯૦૦ પૉઇન્ટ કરતાં વધુ ઘટ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતીય શૅરબજારે તમામ સારા સમાચારો પચાવી લીધા બાદ અને ૫૦૦૦૦ની મહત્ત્વપૂર્ણ સપાટીને અડી લીધા બાદ કરેક્શન થવાની અટકળો સાચી પાડીને છેલ્લા બે દિવસમાં બજાર ૯૦૦ પૉઇન્ટ કરતાં વધુ ઘટ્યું છે. શુક્રવારે બજારના બન્ને મુખ્ય ઇન્ડેક્સમાં દોઢ-દોઢ ટકાનો ઘટાડો આવ્યો હતો. એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સ ૭૪૬.૨૨ પૉઇન્ટ ઘટીને ૪૮૮૭૮.૫૪ અને નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ ૨૧૮.૪૫ પૉઇન્ટ ઘટીને ૧૪૩૭૧.૯૦ બંધ રહ્યા હતા.

વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ખરીદી સતત ચાલુ રહેતાં શુક્રવારે એનએસઈ પર એમની નેટ ખરીદી ૧૬૧૪.૬૬ કરોડ રૂપિયા હતી, પરંતુ ઊંચા ગયેલાં વેલ્યુએશનને પગલે રોકાણકારોએ બજેટ પહેલાં પ્રોફિટ બુકિંગ કરી લેવાનું યોગ્ય માન્યું અને તેને કારણે બજાર ઘટ્યું હતું. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ૧૦૩૯.૪૮ કરોડ રૂપિયાની નેટ વેચવાલી કરી હતી. અમેરિકન અને એશિયન બજારોની નરમાશની અસર પણ ભારતીય બજાર પર થઈ હતી.



માર્કેટ કૅપમાં ૨.૧૬ લાખ


કરોડ રૂપિયાનો ઘટાડો

બીએસઈ પર માર્કેટ કૅપ ૧૯૬.૫૧ લાખ કરોડ રૂપિયાથી ઘટીને ૧૯૪.૩૫ લાખ કરોડ થતાં તેમાં ૨.૧૬ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો.


રિલાયન્સ ૨.૩૦ ટકા ઘટ્યો

ઇન્ડેક્સમાં મોટું વેઇટેજ ધરાવતા રિલાયન્સના શૅરમાં ડિસેમ્બર ક્વૉર્ટરનું પરિણામ જાહેર થતાં પહેલાંની વેચવાલીને કારણે બીએસઈ પર આ શૅર ૨.૩૦ ટકા તૂટીને ૨૦૪૯.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો.

બૅન્કિંગ શૅરોમાં નરમાશ

બીજી બાજુ રિઝર્વ બૅન્કે નોન બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ (એનબીએફસી) માટે વધુ કડક નિયમનો દાખલ કરવાની હિમાયત કરતું ડિસ્કશન પેપર બહાર પાડ્યું હોવાથી બૅન્કિંગ અને ફાઇનૅન્શિયલ સર્વિસિસ શૅરોમાં પણ નરમાશ આવી હતી. અર્થતંત્ર ગતિશીલ બન્યું હોવા છતાં દેશની સામે નોન પફૉર્મિંગ ઍસેટ્સની સમસ્યા મોટી છે. રિઝર્વ બૅન્કે એનબીએફસીને કરેલી ભલામણ બાદ બૅન્કો માટે પણ ચુસ્ત ધારાધોરણો આવી શકે એવી સંભાવનાને પગલે બીએસઈ પર બૅન્કોના શૅર તૂટ્યા હતા, જેમાં એક્સિસ બૅન્ક (૪.૬૩ ટકા), સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (૩.૮૦ ટકા) ઇન્ડસઇન્ડ બૅન્ક (૩.૫૫ ટકા), આઇસીઆઇસીઆઇ બૅન્ક (૩.૩૯ ટકા), એચડીએફસી બૅન્ક (૨.૦૫ ટકા), કોટક બૅન્ક (૧.૪૮ ટકા)નો સમાવેશ થાય છે. ફાઇનૅન્શિયલ ક્ષેત્રના બીજા ટોચના ઘટનારા સ્ટૉક એચડીએફસી (૨.૭૬ ટકા) અને બજાજ ફાઇનૅન્સ (૨.૯૨ ટકા) હતા.

બજાજ ઑટો ૧૦ ટકા વધ્યો ઃ એક્સિસ બૅન્ક ટોચનો ઘટનાર શૅર

સેન્સેક્સમાં ૨૫ શૅર ઘટ્યા હતા. વધેલા પાંચ શૅરમાં બજાજ ઑટો (૧૦.૪૫ ટકા વધીને ૪૦૯૪.૧૦), હિન્દુસ્તાન લિવર (૧.૭૬ ટકા વધીને ૨૪૦૮.૭૫) અને ટીસીએસ (૦.૮૭ ટકાના ઘટાડા સાથે ૩૩૦૩.૪૦)નો સમાવેશ થતો હતો. એનએસઈ પર ૪૧ શૅર ઘટ્યા હતા, જેમાં ટોચના પાંચ ઘટનારા એક્સિસ બૅન્ક, એશિયન પેઇન્ટ, જેએસડબ્લ્યુ સ્ટીલ, આઇસીઆઇસીઆઇ બૅન્ક અને હિન્દાલ્કો હતા. વધનારામાં હીરો મોટો (૩.૯૯ ટકા), આઇશર મોટર્સ (૧.૭૮ ટકા) અને અલ્ટ્રાટેક સિમેન્ટ (૦.૬૭ ટકા) સામેલ હતા.

નિફ્ટી મેટલ્સ, નિફ્ટી બૅન્ક

અને નિફ્ટી રિયલ્ટી તૂટ્યા

એનએસઈ પર નિફ્ટી ઑટો (૧.૪૩ ટકા) અને નિફ્ટી આઇટી (૦.૧૫ ટકા)ને બાદ કરતાં બધા જ સેક્ટોરલ ઇન્ડાઇસીસ ઘટ્યા હતા, જેમાંથી નિફ્ટી મેટલ (૩.૮૯ ટકા), નિફ્ટી બૅન્ક (૩.૧૭ ટકા), નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક (૩.૧૭ ટકા), નિફ્ટી પીએસયુ બૅન્ક (૩.૦૫ ટકા) અને નિફ્ટી રિયલ્ટી (૨.૮૪ ટકા) ટોચના ઘટનારા ઇન્ડાઇસીસ હતા.

બધા જ થિમેટિક ઇન્ડાઇસીસ ઘટ્યા

એક્સચેન્જના થિમેટિક ઇન્ડાઇસીસમાંથી બધા જ ઘટ્યા હતા, જેમાં નિફ્ટી કૉમોડિટીઝ ૧.૯૭ ટકા, નિફ્ટી સીપીએસઈ (સેન્ટ્રલ પબ્લિક સૅક્ટર એન્ટરપ્રાઇઝીસ) ૧.૯૬ ટકા અને નિફ્ટી અૅનર્જી ૧.૭૩ ટકા સામેલ હતા.

એસબીઆઇ કાર્ડ્સ ૫.૫૧ ટકા વધ્યો

એસબીઆઇ કાર્ડ્સ ઍન્ડ પૅમેન્ટ સર્વિસિસની ઍસેટ ક્વૉલિટીમાં ડિસેમ્બર ક્વૉર્ટરમાં સુધારો આવતાં આ સ્ટૉકમાં વોલ્યુમ વધ્યું હતું અને ભાવ બીએસઈ પર ૫.૫૧ ટકા વધીને ૧૦૩૩.૧૦ બંધ રહ્યો હતો.

સેન્સેક્સમાં ૮૪૫ પૉઇન્ટનો ઉતાર-ચડાવ

એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સમાં શુક્રવારે એકંદરે ૮૪૪.૮ પૉઇન્ટની વોલેટિલિટી રહી હતી. ઇન્ડેક્સ ૪૯૫૯૪.૯૫ ખૂલી ઉપરમાં ૪૯૬૭૬.૮૮ અને નીચામાં ૪૮૮૩૨.૦૮ ગયો હતો.

બીએસઈ પર ‘એ’ ગ્રુપની ૫ કંપનીઓને ઉપલી અને ૩ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી, જ્યારે ‘બી’ ગ્રુપની ૨૪ કંપનીઓને ઉપલી અને ૨૮ કંપનીઓને નીચલી સર્કિટ સહિત બધા ગ્રુપની ૫૫૮ કંપનીઓમાંથી ૨૬૧ કંપનીઓને ઉપલી અને ૨૯૭ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી.

ડેરિવેટિવ્ઝ રિપોર્ટ

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં શુક્રવારે કુલ ૨,૯૧,૨૪૮.૬૧ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૬૬,૭૭૧ સોદાઓમાં ૨૫,૯૭,૨૧૬ કૉન્ટ્રૅક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૩૦,૨૪,૫૫૬ કૉન્ટ્રૅક્ટસના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટસમાં ૨૦.૩૬ કરોડ રૂપિયાના ૧૧૮ સોદામાં ૧૭૯ કૉન્ટ્રૅક્ટસનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કોલ ઑપ્શનના ટ્રેડ થયેલા ૪૨,૬૧૪ સોદામાં ૧૫,૩૮,૮૯૩ કૉન્ટ્રૅક્ટ સાથે ૧,૮૦,૩૫૨.૬૭ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઑપ્શનના ટ્રેડ ૨૪,૦૩૯ સોદામાં ૧૦,૫૮,૧૪૪ કૉન્ટ્રૅક્ટ સાથે ૧,૧૦,૮૭૫.૫૯ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.

વિદેશી બજારો

એશિયન સ્ટૉક માર્કેટમાં પણ પ્રોફિટ બુકિંગ થતાં શૅર વિક્રમી ઊંચાઈએથી નીચા ઉતર્યા હતા. અમેરિકામાં નવા પ્રમુખ જો બાઇડન મોટું આર્થિક પૅકેજ જાહેર કરશે એવી ધારણાએ હાલ બજારો ઉપર રહ્યાં હતાં. યુરોપમાં પણ કોરોનાને કારણે પ્રવાસ પર લદાયેલાં ચુસ્ત નિયંત્રણો અને યુનાઇટેડ કિંગડમમાં રિટેલ વેચાણના નબળા આંકડાઓને કારણે બજાર તૂટ્યું હતું. જપાનમાં ઘટાડાનો દોર જારી રહ્યો હતો.

ટેક્નિકલ દૃષ્ટિએ

નિફ્ટી ચાર્ટ પર ડાર્ક ક્લાઉડ કવર કૅન્ડલસ્ટિક પૅટર્ન રચાઈ હોવાથી આગામી સત્રોમાં બજાર ઢીલું રહેવાનો અંદાજ છે. નિફ્ટીમાં ૧૪૬૫૦ના સ્તરે રેઝિસ્ટન્સ છે અને સપોર્ટ ૧૪૨૦૦ સુધી નીચે ચાલ્યો ગયો છે.

બજાર કેવું રહેશે?

બજારમાં હાલ અનિશ્ચિતતાનું વાતાવરણ જળવાઈ રહેવાની ધારણા છે. બજેટ આડે હવે ગણતરીનાં સત્રો બાકી રહ્યાં હોઈ મોટાં ઓળિયાં રચાવાની શક્યતા નથી. વળી આ જ દિવસોમાં ડેરિવેટિવ્ઝની એક્સપાયરી પણ આવી રહી છે, જે ચંચળતા વધવાનો અંદાજ આપે છે. અમેરિકામાં પણ નવા પ્રમુખ કોઈ મોટો નિર્ણય જાહેર કરે તેના માટે થોડા દિવસ લાગશે. આવામાં બજાર ઘટવાના સંકેત છે. નિફ્ટી જો ૧૪૨૦૦ની નીચે જશે તો તેને ૧૪૦૦૦ તરફ લઈ જવાનું દબાણ સર્જાશે.

Whatsapp-channel Whatsapp-channel

23 January, 2021 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK