ICICI બૅન્ક-રિલાયન્સની જોડીનો સેન્સેક્સના ૨૨૪ પૉઇન્ટ્સના ફૉલમાં મુખ્ય ફાળો

Published: 2nd November, 2011 20:31 IST

સતત બીજા દિવસે ઘટીને સેન્સેક્સે દૈનિક ૨૨૪ પૉઇન્ટનો ઘટાડો નોંધાવી ૧૭,૪૮૦.૮૩નું બંધ આપ્યું હતું. આંતરરાષ્ટ્રીય નબળા સંકેતો અને ઇન્વેસ્ટરોનો એક વીકમાં ઝડપથી વધેલ બજારથી દૂર જ રહેવાનો મૂડ એ માટે જવાબદાર હતા.(શૅરબજારનું ચલકચલાણું - કનુ જે. દવે)

ઇન્ટરેસ્ટ રેટ સેન્સિટિવ સેક્ટર્સમાં વિશેષ ઘટાડો થતાં રિયલ્ટી, ઑટો અને બૅન્કિંગ વધુ ઘટ્યા હતા. સોમવારે ૯૯.૭૯ પૉઇન્ટ ઘટ્યા પછી ગઈ કાલે સેન્સેક્સ વધુ ૨૨૪.૧૮ પૉઇન્ટ ઘટતાં અંદાજે સવાત્રણસો પૉઇન્ટ બે દિવસમાં ઘટ્યો હતો. સેન્સક્સની જાતોમાં આઇસીઆઇસીઆઇ બૅન્ક ૩.૮૦ ટકા ઘટતાં એના વેઇટેજની અસર જોવા મળી હતી. રિલાયન્સ પણ બે ટકા ઘટતાં એના સેન્સેક્સમાંના સૌથી વધુ વજનની ઇફેક્ટ પણ જોવા મળી હતી. જોકે હિન્દુસ્તાન લિવર સેકન્ડ ક્વૉર્ટર રિઝલ્ટ બાદ સુધારાના માર્ગે આગળ વધી ગઈ કાલે પણ સાડાત્રણ ટકા વધતાં થોડું બૅલેન્સિંગ થયું હતું.

એશિયા-પૅસિફિક પ્રદેશનાં શૅરબજારોમાં ૧૧માંથી ૭ બજારો નરમ ટોને બંધ રહ્યાં હતાં. જોકે આપણાં શૅરબજારોમાં યુરોપિયન માર્કેટ્સ ખૂલ્યા બાદ ત્યાં જોવા મળેલું સેલિંગ પ્રેશર અને નબળાઈને અનુસરીને વીક અન્ડરટોને જ બંધ રહ્યાં હતાં.

એશિયામાં હૉન્ગકૉન્ગનો હૅન્ગ સેંગ આંક ૨.૪૯ ટકા ઘટી ૧૯,૩૬૯.૯૬, જકાર્તા કમ્પોઝિટ (ઇન્ડોનેશિયા) ૨.૭૯ ટકા તૂટી ૩૬૮૫.૦૧ અને સિંગાપોરનો સ્ટ્રેઇટ ટાઇમ્સ ૨.૩૩ ટકા ઘટી ૨૭૮૯.૩૫ના સ્તરે બંધ રહ્યા હતા.

ઑસ્ટ્રેલિયાનો ઑલ ઑર્ડિનરી આંક ૧.૪૫ ટકાના ઘટાડે ૪૨૯૭.૨૦, આપણો સેન્સેક્સ ૧.૨૭ ટકા ઘટી ૧૭૪૮૦.૮૩, મલેશિયાનો કેએલએસઈ કમ્પોઝિટ આંક ૧.૦૯ ટકા ઘટી ૧૪૭૫.૬૪ના સ્તરે બંધ રહ્યા હતા. જપાનનો નિકી આંક પણ ૧.૭૦ ટકા ડાઉન થઈ ૮૮૩૫.૫૨ રહ્યો હતો.

જોકે કોરિયાનો સૉલ કમ્પોઝિટ ૦.૦૩ ટકાના મામૂલી સુધારે ૧૯૦૯.૬૩, તાઇવાનનો વેઇટેડ આંક ૦.૪૫ ટકા સુધરી ૭૬૨૨.૦૧, ન્યુ ઝીલૅન્ડનો એનઝેડએસઈ આંક ૦.૦૧ ટકો સુધરી ૩૩૩૨.૭૭ અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ આંક ૦.૦૭ ટકાના મામૂલી સુધારા સાથે ૨૪૭૦.૦૨ના સ્તરે બંધ રહ્યો હતો.

રિયલ્ટી સૌથી વધુ ખરાબ

નૅશનલ સ્ટૉક એક્સચેન્જના સેક્ટોરલ આંકમાં સીએનએક્સ રિયલ્ટી આંક ૨.૦૭ ટકા ઘટી ૨૫૬.૦૫ના સ્તરે બંધ રહ્યો હતો. આ આંકનું પ્રતિનિધિત્વ કરતાં સોભા ડેવલપર્સ અને ઇન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટ્સમાં ૪.૮૪ અને ૪.૬૦ ટકાનો ઘટાડો નોંધાતાં અનુક્રમે ૨૪૨.૦૫ અને ૭૧.૫૦ રૂપિયા બંધ રહ્યા હતા. ઇન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટનો બાવન સપ્તાહનો લો ભાવ ૬૬.૫૦ રૂપિયા છે. સોભા નવેમ્બર વાયદામાં ૪.૮૫ ટકા ઘટી ૨૪૪.૦૫ થયો એમાં ૧૦૦૦ શૅરનું ઓપન ઇન્ટરેસ્ટ ઉમેરાતાં કુલ ઓપન ઇન્ટરેસ્ટ ૩,૭૮,૦૦૦નું થયું હતું અને દિવસનું વૉલ્યુમ ૯૫,૦૦૦ શૅરનું હતું. એચડીઆઇએલ અને ડીએલએફ ૨.૫૬ ટકા અને ૨.૩૩ ટકા ઘટી ૯૭.૨૦ તથા ૨૩૬.૫૦ થયા હતા.

ઑટો આંક પણ ડાઉન

નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં સીએનએક્સ ઑટો આંક પણ ૧.૯૨ ટકા ઘટી ૩૮૬૮.૧૫ બંધ રહ્યો હતો. મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે એના ઑક્ટોબર ૨૦૧૧ના વેચાણના આંકડાઓની ગઈ કાલે જાહેરાત કરી હતી. ભાવ નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ૧.૧૩ ટકા ઘટી ૧૧૩૮ બંધ રહ્યો હતો. બીએસઈમાં ઑટો આંક ૧.૯૮ ટકા ઘટી ૯૨૮૯.૩૪ થયો હતો. એમાં તાતા મોટર્સે ૨.૪૯ ટકા ઘટી ૧૯૩.૫૦નું બંધ આપી અને મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રે ૩.૩૮ ટકાના ઘટાડે ૮૩૪.૦૫ બંધ આપી વિશેષ યોગદાન આપ્યું હતું. અશોક લેલૅન્ડ પણ સાડાત્રણ ટકા ઘટી ૨૬.૩૦ રૂપિયા બંધ રહ્યો હતો.

બૅન્કેક્સ પણ નરમ

બૅન્કેક્સ ૧.૫૪ ટકા ઘટી ૧૧,૮૭૭.૯૫ રહ્યો હતો. આઇસીઆઇસીઆઇ અને ઇન્ડસઇન્ડ બૅન્ક ત્રણ-ચાર ટકા ઘટી અનુક્રમે ૮૯૫.૧૫ અને ૨૭૮ બંધ રહ્યા હતા. સામે બૅન્ક ઑફ બરોડા અને પંજાબ નૅશનલ બૅન્ક ૩-૪ ટકા સુધરી ૭૯૮.૬૫ અને ૧૦૧૩.૪૫ રહ્યા હતા.

મેટલ આંક ૧.૫૨ ટકા ઘટી ૧૧,૭૨૩.૧૬ બંધ રહ્યો એમાં હિન્દુસ્તાન ઝિન્ક અને સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ ૪.૦૬ અને ૩.૨૨ ટકા ઘટી ૧૨૦.૬૫ અને ૧૨૩.૩૫ના સ્તરે બંધ રહ્યા હતા.

ઍડ્વાન્સ-ડિક્લાઇન્સ રેશિયો ઢીલો

મુંબઈ શૅરબજારમાં ટૅક થયેલા ૨૯૧૫ શૅરોમાંથી ૧૧૭૭ વધ્યા હતા અને ૧૬૦૯ ઘટ્યા હતા. આમ ડિક્લાઇન્સનું પ્રમાણ ૫૫.૨૦ અને ઍડ્વાન્સનું પ્રમાણ ૪૦.૩૮ ટકા રહેતાં આ રેશિયો નબળાઈ સૂચવતો હતો.

નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ફ્યુચર્સ ઍન્ડ ઑપ્શન્સ વિભાગમાં ૯૩,૩૨૪.૭૫ કરોડનું અને ઇક્વિટી વિભાગમાં ૯૭૭૨.૦૧ કરોડ રૂપિયાનું ટર્નઓવર નોંધાયું હતું.

રિલાયન્સ ન્યુઝ પર બે ટકા ઘટ્યો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શૅર ગઈ કાલે ૧.૯૬ ટકા ઘટી ૮૬૦.૫૫ બંધ રહ્યો હતો. આ ઘટાડાને કારણે એનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૫૬૪૭ કરોડ રૂપિયા ઘટી ૨,૮૧,૭૬૩ કરોડ રૂપિયા થયું હતું. નીચામાં એક તબક્કે ૮૫૭.૬૦ રૂપિયા થઈ ગયો હતો. સોમવારે મોડી રાતે કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપની વૈશ્વિક જાયન્ટ વલેરો એનર્જી સાથે કોઈ વાતચીત નથી કરતી. આ ખુલાસાને પગલે અમેરિકામાં લિસ્ટેડ વલેરો એનર્જી લેવામાં રિલાયન્સને રસ છે એવી અફવા પર પૂર્ણવિરામ મુકાઈ જતાં અને ૭૬૦ના તળિયેથી શૅર ૯૦૦ રૂપિયા સુધી વધી ચૂક્યો હોવાથી થયેલા પ્રૉફિટ-બુકિંગને કારણે આ ઘટાડો જોવા મળ્યો હતો.

કંપની પરિણામ

નેલકાસ્ટ દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૨૫ ટકાના વધારા સાથે ૧૫૯ કરોડ રૂપિયા જેવી આવક ઉપર ૪૧૦ ટકાના વૃદ્ધિદરથી ૧૨૭૫ લાખ રૂપિયાનો નેટ પ્રૉફિટ દર્શાવાયો છે.

ચાર્ટર્ડ લૉજિસ્ટિક્સે ત્રિમાસિક ગાળામાં ૩૮ ટકાના વધારા સાથે ૫૭૫૨ લાખ રૂપિયાની આવક ઉપર ૩૪ ટકાના વૃદ્ધિદરથી ૪૦૪ લાખ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે.

જયભારત મારુતિએ ત્રિમાસિક ગાળામાં આઠ ટકાના ઘટાડા સાથે ૨૪૧ કરોડ રૂપિયાની આવક અને ૮૫ ટકાના ગાબડા સાથે ૧૫૨ લાખ રૂપિયા નેટ પ્રૉફિટ મેળવ્યો છે.

સાઉથ ઇન્ડિયન બૅન્કે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૫૧ ટકાના વધારા સાથે ૮૭૭ કરોડ રૂપિયાની આવક ઉપર ૨૪ ટકાના વૃદ્ધિદરથી ૯૫ કરોડ રૂપિયા જેવો ચોખ્ખો નફો દર્શાવ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK