Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નવા વરસના સંકલ્પો ને જૂના વરસના બોધ

નવા વરસના સંકલ્પો ને જૂના વરસના બોધ

14 November, 2012 05:19 AM IST |

નવા વરસના સંકલ્પો ને જૂના વરસના બોધ

નવા વરસના સંકલ્પો ને જૂના વરસના બોધ




વિશેષ લેખ - જયેશ ચિતલિયા

નવું વરસ આવી ગયું છે ત્યારે એને જૂના અનુભવો યાદ કરવાનો અવસર ગણવો જોઈએ, કારણ કે જૂનામાંથી જ નવું બન્યું હોય છે. અર્થાત્ જૂનું જાય તો જ નવું આવે છે અથવા કહો કે નવું આવે ત્યારે જૂનાએ જવું પડે છે, પરંતુ રોકાણજગતમાં શૅરબજારમાં નવું આવ્યા પછી પણ મોટા ભાગના રોકાણકારો જૂના જેવા જ રહી જાય છે, કેમ કે તેઓ જૂની ભૂલો ચાલુ રાખે છે, બજારને જોવાની-સમજવાની જૂની દૃષ્ટિ પકડી રાખે છે. ખરેખર તો જૂના અનુભવોમાંથી શીખીને નવા સંકલ્પો લેવા જોઈએ. અગાઉ નવા વરસે અહીંથી આપણે અમુક સંકલ્પો લીધા હતા. હવે આ  વરસે થયેલા અનુભવોને આધારે થોડા વધુ નવા સંકલ્પો લઈએ અથવા વીતેલા વરસમાંથી શું શીખ્યા એ સમજીએ.

રાજકારણ કરતાં અર્થકારણ વધુ મહત્વનું


વીતેલું વરસ આમ તો રાજકીય સ્તરે કૌભાંડનું વરસ રહ્યું. સતત એક પછી એક આર્થિક કૌભાંડો બહાર આવતાં રહ્યાં, જેના પગલે રાજકીય વિવાદો વધુ વકરતા રહ્યા. તેમ છતાં નોંધપાત્ર બાબત એ જોવા મળી કે આટલાં બધાં સ્કૅમ પછી પણ બજારે એ તમામ નેગેટિવ ઘટનાઓ પચાવી લીધી. અર્થાત્ રાજકીય વિવાદો લાંબો સમય બજારને અસર કરી શકતા નથી, પરંતુ રાજકારણને લીધે આર્થિક નિર્ણયો અટકી પડે કે અટવાઈ પડે તો એની બજાર પર - ઇકૉનૉમિક પર અસર અવશ્ય થાય છે. રોકાણના માહોલ પર પણ અસર થાય છે. જોકે, રાજકીય વિવાદો વચ્ચે પણ સરકાર આર્થિક નિર્ણયો મક્કમતાપૂર્વક ચાલુ રાખી એનો અમલ કરાવે તો ઇકૉનૉમી અને માર્કેટ બીજું બધું ભૂલી જાય છે. ઇકૉનૉમિક પૉલિસી પૅરૅલિસિસના સમયમાં જે સંજોગો રહ્યા એ પછી જેવાં રિફૉમ્ર્સ શરૂ થયાં કે બાજી પલટાતાં વાર લાગી નહીં. અર્થાત્ સમજવાનું એ છે કે ઇકૉનૉમી તથા બજાર માટે આર્થિક નિર્ણયો વધુ મહત્વના બની રહે છે. વાસ્તે, રાજકીય તંગ વાતાવરણ વચ્ચે પણ આર્થિક નિર્ણયો લેવાવાની સંભાવના દેખાય તો ઇશારો સમજી લેવો જોઈએ.

ગ્લોબલ લેવલે નજર રાખવી

ભારતીય શૅરબજારમાં ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર (એફઆઇઆઇ)નું વર્ચસ કેવું અને કેટલું છે એ આપણે છેલ્લાં અમુક વરસોમાં જોઈ અને અનુભવી લીધું છે. આ સાથે ૨૦૦૮ની યુએસ આર્થિક કટોકટી પછી આપણે યુરોપિયન ક્રાઇસિસની અસરોમાંથી પણ પસાર થયા, કદાચ હજી પણ એની અસરો હેઠળ છીએ. આવા સંજોગોમાંથી આપણે ટેવાતાં જવું પડશે. વાસ્તે એક સંકલ્પ એ પણ લેવો પડશે કે આપણે ગ્લોબલ ઇકૉનૉમી-માર્કેટ્સ પર પણ સતત નજર રાખવી જોઈશે. આમ કરવું હવે બહુ અઘરું નથી, પણ એની ઉપેક્ષા કરવી મોંઘી પડી શકે છે. એફઆઇઆઇની ખરીદી-વેચાણના આંકડા સતત પ્રગટ થતા રહે છે. વધુમાં વિદેશી બજારોના ઇન્ડેક્સ અને ઇકૉનૉમીના ટ્રેન્ડના સમાચાર પણ હવે તો સતત માધ્યમોમાં આવતા રહે છે. આ સમાચાર પર નજર રાખી સંકેત સમજી શકાય છે.

સ્ટૉક સ્પેસિફિક રહો

સામાન્ય રીતે આપણે સેન્સેક્સ અને નિફ્ટીની વધઘટને આધારે બજારને મૂલવીએ છીએ, પરંતુ વાસ્તવમાં ઘણી એવી સ્ક્રિપ્સ હોય છે, જે સેન્સેક્સ અને નિફ્ટીની બહાર હોય છે અને એ સેન્સેક્સ કે નિફ્ટીની વિરુદ્ધ પણ ચાલતી હોય છે. અર્થાત્ સેન્સેક્સ ઘટે તો પણ આ શૅરો ઘટuા હોતા નથી, ઉપરથી વધ્યા પણ હોય છે. કહે છે કે આ શૅરો બજારના સેન્ટિમેન્ટ કરતાં પોતાનાં ફન્ડામેન્ટલ્સ પર વધુ મદાર રાખતા હોય છે અને એને લીધે બજારની મોટી વધઘટમાં પણ આવા શૅરો ટકી રહે છે, પોતાનું સ્થાન બનાવી રાખે છે કે સારી કામગીરી સાથે વધતા પણ રહે છે. આ માટે રોકાણકારે સ્ટૉક સ્પેસિફિક રહેવાનો સંકલ્પ કરવો પડે. ઇન શૉર્ટ બજારને નહીં જુઓ, બલ્કે માત્ર તમારા શૅરોને જુઓ. તમારો શૅર મજબૂત કંપનીનો હશે, એનાં આર્થિક ફન્ડામેન્ટલ્સ સારા હશે તો એ બજારની વિરુદ્ધ ચાલી શકે. અલબત, આ માટે તમારે એ સ્પેસિફિક શૅરોનો અભ્યાસ કરવો, એની સતત જાણકારી રાખવી જરૂરી બને છે. અહીં અભ્યાસ શબ્દથી ગંભીર બની જઈ ચિંતા કરવાની આવશકયતા નથી. આવી કંપનીઓના નાણાકીય ડેટા વિવિધ માધ્યમો મારફત સતત ઉપલબ્ધ હોય છે, માત્ર એને સમજવા થોડું લૉજિક લાગુ કરવું પડે છે, પણ યાદ રહે, અભ્યાસ વિના સ્ટૉક સ્પેસિફિક રહેવું ક્યારેક મોંઘું પડી શકે છે. તેમ છતાં શૅરોની પસંદગી બાબત સીધી સમજ ન પડે તો ઇન્ડેક્સમાં જ રોકાણ કરી દેવું વધુ બહેતર રહે છે.

માત્ર શૅરો નહીં, સોનાને સાથે રાખો

ગયાં બે વરસના સંજોગોને યાદ કરીએ તો શૅરોમાં મોટા ભાગે લોકો કમાયા નહીં, ઉપરથી લોકોના ર્પોટફોલિયો નેગેટિવ થઈ ગયા હતા. ડૉ. મનમોહન સિંહે મૌન તોડ્યું એ પછી બજારે ટર્ન લીધો અને નાણાપ્રધાને શરૂ કરેલાં રિફૉમ્ર્સને પગલે સુધારો આરંભાયો. બાકી એ પહેલાંના સમયમાં શૅરો સતત નિરાશ કરતા રહ્યા હતા. પરંતુ એ જ સમયમાં સોનું એના રોકાણકારોને સતત રાજી કરતું રહ્યું હતું. કંઈક અંશે ચાંદીએ પણ રાજી કર્યા હતા. આમ નવા વરસે સોનાને અને વર્તમાન સંજોગોને પણ ધ્યાનમાં રાખી ઇન્વેસ્ટમેન્ટ ર્પોટફોલિયોમાં સોનાનો સમાવેશ રાખવાનો સંકલ્પ લેવામાં સાર ખરો. ચાંદી હજી પણ ક્યારેક સટ્ટાકીય વલણ દર્શાવે છે, પણ સોનું હજી સેફ હેવન મનાય છે અને એણે લાંબા ગાળે મોટા ભાગે પૉઝિટિવ વળતર આપ્યું હોવાનું બન્યું છે. વૈશ્વિક સંજોગો પણ હજી સોનાની તરફેણમાં કહેવાય છે. જગતઆખાની સેન્ટ્રલ બૅન્કો સોનું જમા કરી રહી છે. વાસ્તે સોનાનું રોકાણ નાના જથ્થામાં તેમ જ ઇટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ) સ્વરૂપે કરતા રહો તો સાર્થક બને.

સાલ મુબારક

બાય ધ વે, નવા વરસે જૂના અનુભવોને અને યોગ્ય અભ્યાસને આધારે ઇન્વેસ્ટમેન્ટ જગતમાં વધુ સફળ-સમૃદ્ધ બનો એવી શુભકામના સાથે સાલ મુબારક.


Whatsapp-channel Whatsapp-channel

14 November, 2012 05:19 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK