ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનના ગ્રોથરેટમાં ઘટાડાથી બજારમાં સુધારો અટક્યો

Published: 13th November, 2012 06:21 IST

ગઈ કાલે સેન્સેક્સ અને નિફ્ટી આગલા બંધની સરખામણીએ વધીને ખૂલ્યા હતા, પરંતુ ઔદ્યોગિક ઉત્પાદનના વૃદ્ધિદરમાં ઘટાડો થવાની જાહેરાત બાદ એની નકારાત્મક અસર બજાર પર જોવા મળી હતી.શૅરબજારનું ચલકચલાણું

 આ ઉપરાંત એશિયન અને યુરોપની માર્કેટ્સમાં પણ ઘટાડો થયો હતો. એને કારણે બજારમાં સુધારો આગળ વધતો અટક્યો હતો અને બજાર બંધ થઈ ત્યાં સુધી નેરો રેન્જમાં રહી હતી.

અત્યારે બજાર વધવા માટે કોઈ જ પૉઝિટિવ ફૅક્ટરની હાજરી નથી. મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ગઈ કાલે શુક્રવારના ૧૮,૬૮૩.૬૮ના બંધ સામે ૧૮,૬૯૧.૦૨ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૧૮,૭૫૦.૯૨ અને ઘટીને નીચામાં ૧૮,૬૦૭.૬૬ના લેવલે પહોંચ્યો હતો. છેલ્લે માત્ર ૧૩.૩૪ ઘટીને ૧૮,૬૭૦.૩૪ બંધ રહ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ ૨૧.૬૧ વધીને ૬૬૮૨.૨૯ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૧૪.૩૮ વધીને ૭૦૮૪.૦૩ બંધ રહ્યો હતો. નિફ્ટી ફક્ત ૨.૫૫ ઘટીને ૫૬૮૩.૭૦ બંધ રહ્યો હતો.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ૮ વધ્યાં હતાં અને પાંચ ઘટ્યાં હતાં. બૅન્કેક્સ સૌથી વધુ ૧૨૪.૦૫ વધીને ૧૩,૩૧૦.૯૯ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૪ બૅન્કોમાંથી ૧૩ના ભાવ વધ્યા હતા. ઇન્ડસ ઇન્ડ બૅન્કનો ભાવ સૌથી વધુ ૨.૬૯ ટકા વધીને ૩૭૬.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. એચડીએફસી બૅન્કનો ભાવ ૧.૮૫ ટકા, એસબીઆઇનો ૧.૪૩ ટકા અને આઇડીબીઆઇ બૅન્કનો ભાવ ૧.૪૩ ટકા વધ્યો હતો. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ૮૩.૧૪ વધીને ૭૪૩૯.૬૭ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી પાંચના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. ગીતાંજલિ જેમ્સનો ભાવ સૌથી વધુ ૪.૪૦ ટકા વધીને ૪૧૬.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો. રાજેશ એક્સર્પોટ્સનો ભાવ ૧.૯૬ ટકા વધ્યો હતો. વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૧.૭૭ ટકા ઘટીને ૭૭.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૭૨.૩૮ ઘટીને ૧૦,૭૯૬.૬૬ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૯ કંપનીમાંથી ૧૪ના ભાવમાં ઘટાડો થયો હતો. બીઈએમએલનો ભાવ સૌથી વધુ ૪.૨૬ ટકા ઘટીને ૨૭૭.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. થર્મેક્સનો ભાવ ૨.૧૬ ટકા અને અલ્સટૉમ ટી ઍન્ડ ડીનો ભાવ ૨.૧૧ ટકા ઘટ્યો હતો. જિન્દાલ સૉનો ભાવ સૌથી વધુ ૪.૮૫ ટકા વધીને ૧૨૩.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. મેટલ ઇન્ડેક્સ ૭૧.૨૫ ઘટીને ૧૦,૦૬૩.૧૫ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૧ કંપનીમાંથી ૭ના ભાવ ઘટ્યા હતા. તાતા સ્ટીલનો ભાવ સૌથી વધુ ૧.૭૨ ટકા ઘટીને ૩૮૩.૮૫ રૂપિયા બંધ રહ્યો હતો. એનએમડીસીનો ભાવ ૧.૪૮ ટકા અને સેઇલનો ૧.૪૮ ટકા ઘટ્યો હતો.

૪૬ કંપનીઓના શૅર ટોચ પર

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૪૬ કંપનીઓના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષમાં સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં યસ બૅન્ક, વૉકહાર્ટ, અતુલ ઑટો, બજાજ ફાઇનૅન્સ, સિનેમેક્સ ઇન્ડિયા, કોલગેટ પામોલિવ, એચડીએફસી બૅન્ક, ફ્યુચર વેન્ચર્સ, એલ ઍન્ડ ટી ફાઇનૅન્સ હોલ્ડિંગ્સ, એમસીએક્સ, મુથુટ ફાઇનૅન્સ, તાતા કૉફી વગેરેનો સમાવેશ છે. ૧૯ કંપનીના શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં સૅન્ડ પ્લાસ્ટ, અલાઇડ કમ્પ્યુટર્સ, ડેક્કન ક્રૉનિકલ હોલ્ડિંગ્સ, ઇન્વેન્ચર ગ્રોથ ઍન્ડ સિક્યૉરિટીઝ, રાજ ઑઇલ મિલ્સ વગેરેનો સમાવેશ છે. ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૧૩૩૪ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૪૬૧ના ઘટ્યા હતા. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી.

સિનેમેક્સ ઇન્ડિયા


સિનેમેક્સ ઇન્ડિયાનો ભાવ ૯.૯૭ ટકા વધીને ૧૫૧.૧૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૫૧.૧૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૩૮ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૩.૮૬ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૪.૦૭ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૨.૬૯ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું. સેકન્ડ ક્વૉર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ૭.૯૮ કરોડ રૂપિયાથી ૬૮ ટકા વધીને ૧૩.૩૯ કરોડ રૂપિયા થયો છે. કુલ આવક ૮૪ કરોડ રૂપિયાથી ૧૯ ટકા વધીને ૧૦૦ કરોડ રૂપિયા થઈ છે. રિલાયન્સ મિડિયા ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ ફન્ડે ૨૯ ઑક્ટોબરે કંપનીના ૧,૫૮,૦૯૭ કરોડ શૅર્સ ૧.૨૨ કરોડ રૂપિયામાં ખરીદ્યા બાદ અત્યાર સુધી શૅરનો ભાવ ૭૪ રૂપિયાથી વધીને ડબલ થઈ ગયો છે.

યુનાઇટેડ સ્પિરિટ્સ

યુનાઇટેડ સ્પિરિટ્સનો ભાવ ૩૪.૯૩ ટકા વધીને ૧૮૩૪.૬૦ કરોડ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૮૭૭.૧૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૩૭૫.૫૫ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૯૯૧.૬૫ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૧૧.૨૯ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૫૮.૨૯ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું. વિશ્વની સૌથી મોટી સ્પિરિટ ઉત્પાદક બ્રિટનની ડિયાજિયો કંપનીમાં ૫૩.૪૦ ટકા હિસ્સો ૧૧,૧૬૬.૫૦ કરોડ રૂપિયામાં ખરીદશે એવી જાહેરાત શુક્રવારે કરવામાં આવી હતી.

પાયોનિયર ડિસ્ટીલરીઝ

પાયોનિયર ડિસ્ટીલરીઝનો ભાવ ૪.૯૨ ટકા વધીને ૪૧.૫૫ રૂપિયા બંધ રહ્યો હતો. કુલ ૦.૫૨ લાખ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૩૦૦૫ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૧૨૫૩ શૅરનાં કામકાજ થયાં હતાં. કંપનીમાં ૧૮.૪૦ ટકા ઇક્વિટી હિસ્સો ઍક્વાયર કરવા માટે બ્રિટનની ડિયાજિયોએ શૅરદીઠ ૬૦ રૂપિયાના ભાવે શૅર ખરીદવા માટે ઓપન ઑફર કરી છે. આ ભાવ શૅરના વર્તમાનભાવ કરતાં ૬૦ ટકા જેટલો વધારે છે.

યુનાઇટેડ બ્રુઅરીઝ

યુનાઇટેડ બ્રુઅરીઝ (હોલ્ડિંગ્સ)નો ભાવ ૫ ટકા ઘટીને ૧૨૯.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૪૨.૮૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૨૯.૨૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૧૩.૫૯ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૧૪.૨૩ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૧૦.૦૨ લાખ શૅરનાં કામકાજ થયાં હતાં. પ્રમોટરોએ કંપનીની ઇક્વિટીમાંથી ૭ ટકા હોલ્ડિંગ્સનું વેચાણ કર્યું છે. પ્રમોટરોનું હોલ્ડિંગ્સ ૫૦.૨૭ ટકાથી ઘટીને ૪૩.૦૯ ટકા થયું છે.

એફઆઇઆઇની ખરીદી


મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૩૯૨૨.૪૭ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૩૬૯૨.૭૪ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૨૨૯.૭૩ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૯૦૯.૪૧ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૦૩૦.૭૩ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૧૨૩.૩૨ કરોડ રૂપિયા રહી હતી.

શૅરબજારોમાં મુરત ટ્રેડિંગ આજે


મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં આજે દિવાળીના દિવસે ઇક્વિટી અને ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં મુરતના કામકાજ માટે સ્પેશ્યલ ટ્રેડિંગ સેશન રાખવામાં આવ્યું છે. મુરત ટ્રેડિંગનો સમય બપોરે ૩.૪૫થી સાંજે પાંચ વાગ્યા સુધીનો રહેશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK