રિઝર્વ બૅન્કે પૉલિસી રેટ્સમાં ઘટાડો ન કર્યો એટલે શૅરબજારમાં ગાબડું

Published: 31st October, 2012 05:36 IST

બૅન્કેક્સ, કૅપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ અને ઑટોમાં કડાકો : ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ૧૧માં ઘટાડોશૅરબજારનું ચલકચલાણું

રિઝર્વ બૅન્કે ગઈ કાલે મૉનિટરી પૉલિસીના રિવ્યુમાં વિવિધ પૉલિસી રેટ્સમાં ઘટાડો ન કર્યો એને પગલે શૅરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. રિઝર્વ બૅન્કે માત્ર સીઆરઆરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો હતો. આ ઉપરાંત અર્થતંત્રના વૃદ્ધિદરનો અંદાજ ૬.૫૦ ટકાથી ઘટાડીને ૫.૮૦ ટકા અને ફુગાવાનો અંદાજ ૭ ટકાથી વધારીને ૭.૫૦ ટકાનો કર્યો હતો. આ કારણથી અપેક્ષા મુજબ જ શૅરબજારમાં નેગેટિવ ઇફેક્ટ જોવા મળી હતી. મુંબઈ શૅરબજારનો સેન્સેક્સ ગઈ કાલે સોમવારના ૧૮,૬૩૫.૮૨ના બંધ સામે ૧૮,૬૪૨.૦૧ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૧૮,૭૧૮.૨૮ અને ઘટીને નીચામાં ૧૮,૩૯૩.૪૨ના લેવલે પહોંચ્યો હતો. છેલ્લે ૨૦૪.૯૭ ઘટીને ૧૮,૪૨૦.૮૫ બંધ રહ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ ૬૬.૧૩ ઘટીને ૬૫૦૮.૬૪ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૮૮.૮૮ ઘટીને ૬૯૫૪.૭૪ બંધ રહ્યો હતો. નિફ્ટી ૬૭.૭૦ ઘટીને ૫૬૯૭.૯૦ બંધ રહ્યો હતો. નિફ્ટી ૫૬૦૦ પૉઇન્ટ્સની નીચે બંધ રહ્યો હતો.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ૧૧ ઘટ્યાંં હતાં. બૅન્કેક્સ સૌથી વધુ ૩૧૦ પૉઇન્ટ્સ ઘટીને ૧૨,૮૭૦.૬૧ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ બધી જ ૧૪ બૅન્કના ભાવ ઘટ્યાં હતા. કૅનેરા બૅન્કનો ભાવ સૌથી વધુ ૬.૦૫ ટકા ઘટીને ૩૯૫.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. બૅન્ક ઑફ બરોડાનો ભાવ ૪.૬૪ ટકા, એસબીઆઇનો ૪.૪૩ ટકા અને યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયાનો ૪.૦૮ ટકા ઘટ્યો હતો. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨૩૨.૨૭ ઘટીને ૧૦,૯૦૪.૫૪ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૯માંથી ૧૬ કંપનીના ભાવ ઘટ્યાં હતા. ભારત ઇલેક્ટ્રૉનિક્સનો ભાવ સૌથી વધુ ૪.૦૮ ટકા ઘટીને ૧૨૦૫ રૂપિયા બંધ રહ્યો હતો. થર્મેક્સનો ભાવ ૨.૯૯ ટકા, હેવેલ્સ ઇન્ડિયાનો ૨.૯૮ ટકા, એલ ઍન્ડ ટીનો ૨.૯૩ ટકા અને પ્રાજ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૨.૪૧ ટકા ઘટ્યો હતો.

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ૧૫૯.૧૯ ઘટીને ૬૮૯૮.૩૬ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦ કંપનીમાંથી ૭ના ભાવમાં ઘટાડો થયો હતો. ટાઇટન ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૩.૪૧ ટકા ઘટીને ૨૫૭.૮૦ રૂપિયા બંધ રહ્યો હતો. રાજેશ એક્સર્પોટ્સનો ભાવ ૩.૧૧ ટકા, ટીટીકે પ્રેસ્ટિજનો ૨.૧૯ ટકા ઘટ્યો હતો. સી. મહિન્દ્ર એક્સપોર્ટનો ભાવ સૌથી વધુ ૭.૮૪ ટકા વધીને ૯૬.૩૦ રૂપિયા બંધ રહ્યો હતો. મેટલ ઇન્ડેક્સ ૧૫૪.૯૦ ઘટીને ૧૦,૦૨૮.૯૮ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૧ કંપનીમાંથી ૧૦ના ભાવ ઘટ્યાં હતા. હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો ભાવ સૌથી વધુ ૨.૩૮ ટકા ઘટીને ૧૧૦.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. જિન્દાલ સ્ટીલનો ભાવ ૨.૨૫ ટકા અને તાતા સ્ટીલનો ૨.૧૯ ટકા ઘટ્યો હતો. ઑટો ઇન્ડેક્સ ૧૪૧.૪૭ ઘટીને ૧૦,૧૪૯.૯૦ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૭ કંપનીના ભાવ ઘટ્યાં હતા. ભારત ર્ફોજનો ભાવ સૌથી વધુ ૪.૪૯ ટકા ઘટીને ૨૭૨ રૂપિયા બંધ રહ્યો હતો. તાતા મોટર્સનો ૩.૧૨ ટકા ઘટ્યો હતો. મારુતિ સુઝુકી ઇન્ડિયાનો ભાવ સૌથી વધુ ૨.૨૭ ટકા વધીને ૧૩૯૪.૫૫ રૂપિયા બંધ રહ્યો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીઓમાંથી ગઈ કાલે ૨૨ના ભાવમાં ઘટાડો થયો હતો. એસબીઆઇનો ભાવ સૌથી વધુ ૪.૪૩ ટકા ઘટીને ૨૦૭૪.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. એલ ઍન્ડ ટીનો ભાવ ૨.૯૩ ટકા, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો ૨.૩૮ ટકા અને જિન્દાલ સ્ટીલનો ૨.૨૫ ટકા ઘટ્યો હતો.

૩૫ કંપનીના શૅર ઊંચા મથાળે

ગઈ કાલે મુંબઈ શૅૅરબજારમાં ૩૫ કંપનીના શૅરના ભાવ વધીને ઊંચામાં છેલ્લા એક વર્ષના ઊંચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં ત્રિવેણી ટર્બાઇન, ટર્બોટેક એન્જિનિયરિંગ, સિનેમેક્સ ઇન્ડિયા, કોલગેટ, પામોલિવ, એચડીએફસી બૅન્ક વગેરેનો સમાવેશ છે. ૧૭ કંપનીના શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં ઝેન ટેક્નૉલૉજીઝ, ધનુષ ટેક્નૉલૉજીઝ, સૅન્ડપ્લાસ્ટ, ટેલિડાટા ઇન્ફર્મેટિક્સ વગેરેનો સમાવેશ છે. ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૯૯૭ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૮૦૧ના ઘટ્યાં હતા. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી.

એસકેએસ માઇક્રો ફાઇનૅન્સ

એસકેએસ માઇક્રો ફાઇનૅન્સનો ભાવ ૪.૯૯ ટકા ઘટીને ૧૧૪.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૧૧૮ રૂપિયા અને ઘટીને નીચામાં ૧૧૪.૨૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૧.૩૭ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક ૩.૦૪ લાખ શૅૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૧.૧૯ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું. સેકન્ડ ક્વૉર્ટરમાં કંપનીએ ૨૬૨ કરોડ રૂપિયા ખોટ કરી છે. ગયા વર્ષે આ સમયગાળામાં ૩૮૫ કરોડ રૂપિયાની ખોટ કરી હતી. આવક ૧૨૨ કરોડ રૂપિયાથી ઘટીને ૭૮ કરોડ રૂપિયા થઈ છે. કંપનીને ૩૪.૨૦ કરોડ રૂપિયાના સર્વિસ-ટૅક્સના પેમેન્ટ માટે નોટિસ મળી છે.

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૫.૧૩÷ ટકા વધીને ૩૧૦.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૩૨૯.૯૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૩૦૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૧.૮૩ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૪૫૨૫ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૫૭,૮૬૯ શૅરના કામકાજ થયાં હતાં. સેકન્ડ ક્વૉર્ટરમાં કંપનીની કામગીરી પ્રોત્સાહક રહી છે. ચોખ્ખો નફો ત્રણ ગણા કરતાં વધુ વધીને ૩૧.૮૫ કરોડ રૂપિયા થયો છે. વેચાણ ૨૫ ટકા વધીને ૫૧૭ કરોડ રૂપિયા થયું છે. ઑપરેટિંગ નફાનું માર્જિન ૯.૩૩ ટકાથી વધીને ૧૩.૯૬ ટકા થયું છે.

હેરિટેજ ફૂડ્સ

હેરિટેજ ફૂડ્સ (ઇન્ડિયા)નો ભાવ ૭.૮૩ ટકા વધીને ૩૭૬.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૩૯૪.૮૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૩૪૬ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ૫.૩૧ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૦.૩૧ લાખ શૅરના ટ્રેડિંગ સામે ગઈ કાલે ૧.૪૧ લાખ શૅરનું ટ્રેડિંગ થયું હતું. કંપનીએ સેકન્ડ ક્વૉર્ટરમાં પ્રોત્સાહક કામગીરી રજૂ કરી છે. ચોખ્ખો નફો ૨.૫૫ કરોડ રૂપિયાથી છ ગણા કરતાં વધુ વધીને ૧૪.૪૮ કરોડ રૂપિયા થયો છે. આવક ૧૬ ટકા વધીને ૪૦૨ કરોડ રૂપિયા થઈ છે. ૨૦૧૧-’૧૨માં કંપનીએ કુલ ૯.૨૦ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો હતો. એની સામે આ વર્ષે પ્રથમ છ મહિનામાં ૨૨.૯૩ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે.

કેઈસી ઇન્ટરનૅશનલ

કેઈસી ઇન્ટરનૅશનલનો ભાવ ૯.૨૯ ટકા ઘટીને ૬૮.૮૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૭૭.૬૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૬૧.૮૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૫.૨૨ કરોડ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. છેલ્લાં બે સપ્તાહમાં દૈનિક સરેરાશ ૦.૭૪ લાખ શૅરના કામકાજ સામે ગઈ કાલે ૭.૫૬ લાખ શૅરનાં કામકાજ થયાં હતાં. સેકન્ડ ક્વૉર્ટરમાં ચોખ્ખો નફો ૨૨ ટકા ઘટીને ૧૬.૪૮ કરોડ રૂપિયા થયો છે. કુલ આવક ૩૨ ટકા વધીને ૧૬૬૮ કરોડ રૂપિયા થઈ છે.

એફઆઇઆઇની વેચવાલી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૧૪૪૮.૮૩ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૬૪૦.૩૬ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૧૯૧.૫૩ કરોડ રૂપિયા રહી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૧૨૬૫.૭૯ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૨૯૭.૬૩ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી માત્ર ૩૧.૮૪ કરોડ રૂપિયા જોવા મળી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK