શૅરબજારમાં ફન્ડામેન્ટલરૂપી સત્યને અનુસરો

Published: 8th October, 2012 06:20 IST

ગાંધીજીના સિદ્ધાંતોને ઇન્વેસ્ટમેન્ટ-જગતમાં પણ અપનાવી શકાયશૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા


ગયા મંગળવારે ગાંધીજયંતી હતી, દેશભરમાં બાપુના જન્મદિનની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ. ગાંધીબાપુ જેવી વેશભૂષા ધારણ કરી સેંકડો બાળકોની યાત્રા નીકળી, પ્રવચનો યોજાયાં, ગાંધીજીને અનેક બાબતો માટે યાદ કરાયા. તેમના આત્મકથારૂપી જાણીતા પુસ્તક ‘સત્યના પ્રયોગો’ની વાતો થઈ, પુસ્તકો ખરીદાયાં. આમ તો આવું બધું દર વરસે થાય છે, પરંતુ એ પછી આચરણમાં કેટલું આવે છે એ મહત્વનું કહેવાય. ગાંધીજીના સિદ્ધાંતો વિશે સાંભળવું કે વાંચવું સહેલું છે, પણ જીવનમાં ઉતારવું અઘરું છે. આપણે અહીં સાદી વાતમાં ગાંધીજીના સિદ્ધાંતોને આધારે શૅરબજારના ઇન્વેસ્ટમેનટ-જગતના સત્યને સમજવાનો પ્રયાસ કરીએ. જો એનો યોગ્ય અમલ કરીએ તો અહીં પણ સારી સફળતા મળી શકે.

સત્ય એટલે ફન્ડામેન્ટલ

શૅરબજારના સત્યને જાણવું-સમજવું હોય તો બજારના, ઇકૉનૉમીના અને કંપનીઓના ફન્ડામેન્ટલ્સને સમજવાં જરૂરી છે. જો રોકાણકારો આ ફન્ડામેન્ટલ્સના સત્યના આધારે શૅરોની પસંદગી કરે તો મોટા ભાગે તેમને સફળતા મળે. એ સફળતા મેળવવામાં વહેલું-મોડું થઈ શકે, પરંતુ સફળતા ચોક્કસ મળશે. અલબત્ત, એક અપવાદરૂપી વાત અહીં એ નોંધવી રહી કે શૅરબજારમાં ફન્ડામેન્ટલ્સ સાથે સમયને પણ મહત્વ આપવું પડે છે, પરંતુ ફન્ડામેન્ટલ્સ સારા - મજબૂત હોય તો જોખમ ઓછું પણ રહે છે. આ વાત માત્ર શૅરોને જ નહીં, બલ્કે દરેક રોકાણપાત્ર ઍસેટને લાગુ પડે છે. રોકાણકારે જે-તે ઍસેટના ફન્ડામેન્ટલ્સને ધ્યાનમાં રાખવા જોઈએ. કંપનીની કામગીરી, અર્થતંત્રની સ્થિતિ, ગતિ, પ્રગતિ અને વિકાસદર આ ફન્ડામેન્ટલ્સના સંકેતો છે.

નિર્ભય રહો - મક્કમ રહો

ગાંધીજીની અહિંસાની ફિલસૂફી ભયની નથી, તેઓ સૌથી વધુ નર્ભિય હતા. શૅરબજારમાં મોટા ભાગના રોકાણકારો ભયથી પીડાતા હોય છે, જેને કારણે કોઈ પણ કે જરા પણ નેગેટિવ સમાચાર કે વાત અથવા અફવા આવે ને તરત રોકાણકારો પૅનિકમાં આવી જાય છે. સત્ય શું છે એને જાણ્યા વિના ગભરાટમાં વેચવા દોડી જાય છે. આ મનોવૃત્તિ શૅરબજારના રોકાણકારો માટે હાનિકારક બની રહે છે. સેન્સિટિવ ઇન્ડેક્સની જેમ અહીં રોકાણકારો પણ વધુ પડતા સંવેદનશીલ - ગભરુ રહ્યા કરે છે, જેનો લાભ ઑપરેટરો અને મેનિપ્યુલેટર્સ ઉઠાવતા રહે છે. જો રોકાણકારઓએ ફન્ડામેન્ટલ્સના આધારે રોકાણ કર્યું છે તો તેમણે પૅનિકમાં આવી જવું જોઈએ અહીં. આ વાત ટ્રેડર્સને લાગુ પડી શકે નહીં, કેમ કે ટ્રેડર્સ સતત લે-વેચ કરતા રહેતા હોય છે. જો તમે લાંબા ગાળા માટે રોકાણ કર્યું છે તો બજારની ઊથલપાથલ કે વૉલેટિલિટીથી ગભરાઈ જાવ નહીં. વધઘટ કે ચંચળતા તો બજારનો સ્વભાવ છે. તમે લૉન્ગ ટર્મના સત્યને પકડી રાખી ભયમુક્ત રહી શકો. અન્યથા ઘણા લોકો પૅનિકમાં આવી સારા શૅરો કસમયે વેચી દે છે. એટલું જ નહીં, સારા શૅરો ખરા સમયે ખરીદવાની પણ હિંમત કરતા નથી.

અભ્યાસ કરીને આગળ વધો

કોઈ પણ સાહસ હોય કે નાનું કદમ હોય, અભ્યાસ કરીને આગળ વધવું બહેતર હોય છે. ગાંધીજી ભારત આવ્યા ત્યારે તેમણે દેશની સ્થિતિ જોઈ પહેલું કામ સમગ્ર દેશની મુલાકાત લેવાનું કર્યું, જેથી લોકોની - દેશની પરિસ્થિતિનો અભ્યાસ થઈ શકે, પ્રજાની ખરી ચિંતાને સમજી શકાય. શૅરબજારમાં સીધા ઝંપલાવી દેનારા માટે આ સંદેશ ખાસ સમજવા જેવો છે કે પ્રથમ બજારનો અભ્યાસ કરો, એને સમજો, ત્યાર પછી કે

સાથે-સાથે જેમાં રોકાણ કરવા માગો છો એ શૅરનો કે યોજનાનો પણ અભ્યાસ કરો. આમ કર્યા પછી આગળ વધશો તો તમને નિર્ણય લેવામાં આસાની થશે. તમને કોઈ ગેરમાર્ગે દોરતું હશે તો તમે સજાગ થઈ શકશો. આજના માહિતીયુગમાં દરેક લિસ્ટેડ કંપનીઓની માહિતી વિવિધ માધ્યમો મારફત સહેલાઈથી મળી શકે છે. જો ક્યાંક કોઈ સમજનો અભાવ હોય તો નિષ્ણાતોની સેવા પણ મળતી હોય છે. આ અભ્યાસ માટે મહેનત લાગી શકે છે, પણ તેનાં ફળો મીઠાં મળી શકે છે, કમ સે કમ તઅમાં જોખમની સંભાવના ઘટી શકે એ પણ મહત્વની બાબત ગણાય.

સ્વદેશી રોકાણકાર બનો


ગાંધીજીએ સ્વદેશીની ચળવળ કરી લોકોને એ સમયે પરદેશી વસ્તુઓથી દૂર રહેવાની અપીલ કરી હતી, જેની જબરદસ્ત અસર પણ થઈ હતી. બાપુ કરકસર અને બચતના પણ આગ્રહી રહેતા, એ બાબતોને યાદ કરીએ તો શૅરબજારમાં - ઇન્વેસ્ટમેન્ટ જગતમાં પણ સ્વદેશી જેવી નીતિ અપનાવવાની જરૂર લાગે. જોકે એમાં હવે વિદેશીનો વિરોધ ન હોય, પણ સ્વદેશીનું મહત્વ રહે એ આવશ્કક બને. વર્તમાનમાં શૅરબજારમાં સીધું રોકાણ કરનારની સંખ્યા આપણા દેશની વસ્તીની તુલનાએ ખૂબ જ ઓછી છે. વિશ્વમાં બચતકારોની સંખ્યા અને બચતના પ્રમાણમાં આપણે ઘણા આગળ છીએ એ સારી વાત છે, પરંતુ આ બચતનો રચનાત્મક ઉપયોગ થઈ શકતો નથી, કારણ કે

લોકોની મહત્તમ બચત અનપ્રોડક્ટિવ ઍસેટ્સ-સાધનોમાં રોકાયેલી રહે છે, જ્યારે કે વિદેશી રોકાણકારો આપણા દેશમાં ભરપૂર રોકાણ કરી કમાય પણ છે અને આપણા જ રોકાણકારો જોતા રહી જાય છે. જો સ્વદેશી રોકાણકારોની બચત ઉત્પાદકીય હેતુસર વળે તો આર્થિક-આૈદ્યોગિક વિકાસને નવો અને નક્કર વેગ મળી શકે છે. અન્યથા આપણા દેશમાં-બજારોએ વિદેશી રોકાણ પર વધુ નર્ભિર રહેવું પડે છે. છેલ્લાં અમુક વરસોથી આપણા શૅરબજારમાં વિદેશી રોકાણકારો (એફઆઇઆઇ - ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ)નું વર્ચસ સતત વધતું રહ્યું છે.

આપણા દેશના આર્થિક વિકાસ-તેજીનો લાભ પણ તેઓ લઈ રહ્યા છે, જ્યારે આપણા દેશના જ રોકાણકારો એનાથી વંચિત રહ્યા છે. અલબત્ત, આ માટે આપણા રોકાણકારોમાં રહેલા વિશ્વાસનો અભાવ પણ કારણભૂત છે, જેને લાવવા - વધારવા સરકાર અને સેબી પ્રયત્ન્ા કરતાં રહ્યાં છે. આ સત્તાવાળાઓએ આ મામલે વિશ્વાસનું સંગીન વાતાવરણ બનાવવાની પણ તાતી જરૂર છે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK