સરકાર વધુ ઇકૉનૉમિક રિફોર્મ્સ જાહેર કરશે એવી અપેક્ષાએ બજારમાં ઉછાળો

Published: 5th October, 2012 05:20 IST

સેન્સેક્સ ૧૭ મહિનાના ઊંચા લેવલે : નિફ્ટીએ ૫૮૦૦ પૉઇન્ટ્સ અને સેન્સેક્સે ૧૯,૦૦૦ પૉઇન્ટ્સનું સ્તર ઓળંગ્યું : બૅન્કેક્સ, કૅપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં જમ્પશૅરબજારનું ચલકચલાણું

સરકાર વધુ આર્થિક સુધારાની જાહેરાત કરશે એવી આશાએ ગઈ કાલે પ્રારંભથી જ બજાર વધીને ખૂલ્યું હતું અને દિવસ દરમ્યાન વૃદ્ધિ આગળ વધી હતી. સરકાર પેન્શન અને ઇન્શ્યૉરન્સ સેક્ટરમાં રિફોર્મ્સની જાહેરાત કરવાની છે. ખાસ કરીને આ બન્ને સેક્ટરમાં વિદેશી રોકાણની મર્યાદામાં વધારો કરવામાં આવશે. આ ઉપરાંત કંપની બિલ સહિત અન્ય કેટલાંક મહત્વનાં બિલ્સ પણ ક્લિયર કરવાનાં છે. આ ઉપરાંત ગઈ કાલે ડૉલર સામે રૂપિયો વધુ મજબૂત થયો હતો તેમ જ વિદેશી રોકાણકારો દ્વારા નાણાંનો પ્રવાહ ચાલુ જ છે.

સેન્સેક્સ ૧૮૮.૪૬ વધીને ૧૯,૦૫૮.૧૫ બંધ રહ્યો હતો. બુધવારના ૧૮,૮૬૯.૬૯ના બંધ સામે ગઈ કાલે પ્રારંભમાં સેન્સેક્સ ૧૮,૯૩૯.૭૫ ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૧૯,૧૦૭.૦૪ અને ઘટીને નીચામાં ૧૮૯૩૯.૭૫ના સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સ ૧૯,૦૦૦ પૉઇન્ટ્સની ઉપર બંધ આવ્યો હતો. મિડ કૅપ ઇન્ડેક્સ ૨૭.૫૩ વધીને ૬૭૩૧.૮૯ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૨૪.૮૬ વધીને ૭૨૧૦.૮૨ બંધ રહ્યો હતો.

નિફ્ટી ૫૬.૩૫ વધીને ૫૭૮૭.૬૦ બંધ રહ્યો હતો. નિફ્ટી ૫૮૦૦ પૉઇન્ટ્સની નીચે બંધ આવ્યો હતો. જોકે દિવસ દરમ્યાન વધીને ઊંચામાં ૫૮૦૫.૫૦ના સ્તરે પહોંચ્યો હતો.

સેક્ટરલ ઇન્ડાઇસિસ

મુંબઈ શૅરબજારનાં ૧૩ સેક્ટરલ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે ૧૦ વધ્યાં હતાં અને ૩માં ઘટાડો થયો હતો. બૅન્કેક્સ સૌથી વધુ ૨૫૧.૩૯ વધીને ૧૩,૩૫૭.૪૪ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૪ બૅન્કોમાંથી ૧૨ના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. આઇસીઆઇસીઆઇ બૅન્કનો ભાવ સૌથી વધુ ૨.૯૩ ટકા વધીને ૧૦૮૩.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. ઍક્સિસ બૅન્કનો ભાવ ૨.૪૮ ટકા, એસબીઆઇનો ૨.૧૫ ટકા અને ફેડરલ બૅન્કનો ભાવ ૨.૧૧ ટકા વધ્યો હતો. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨૦૯.૮૭ વધીને ૧૧,૨૯૦.૭૩ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૯ કંપનીમાંથી ૧૩ના ભાવ વધ્યા હતા. ભેલનો ભાવ સૌથી વધુ ૬.૫૭ ટકા વધીને ૨૬૬.૦૫ રૂપિયા બંધ રહ્યો હતો. પ્રાજ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૨.૮૮ ટકા, એઆઇએ એન્જિનિયરિંગનો ૨.૮૮ ટકા અને ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝનો ૨.૩૫ ટકા વધ્યો હતો. અલ્સટૉમ ટી ઍન્ડ ડીનો ભાવ સૌથી વધુ ૨.૬૨ ટકા વધીને ૨૧૦ રૂપિયા બંધ રહ્યો હતો.

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ૧૬૯.૧૬ વધીને ૭૧૧૩.૫૦ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૧૦માંથી ૭ કંપનીના ભાવમાં વૃદ્ધિ થઈ હતી. બ્લુસ્ટારનો ભાવ સૌથી વધુ ૫.૭૪ ટકા વધીને ૧૯૮.૯૫ રૂપિયા બંધ રહ્યો હતો. વિડિયોકૉન ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૪.૨૭ ટકા અને ટાઇટન ઇન્ડસ્ટ્રીઝનો ૩.૦૧ ટકા વધ્યો હતો. રિયલ્ટી ઇન્ડેક્સ ૯૧.૫૮ વધીને ૧૯૪૪.૪૧ અને ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સ ૯૧.૨૩ વધીને ૮૮૧૫.૮૨ બંધ રહ્યો હતો. હેલ્થકૅર ઇન્ડેક્સ ૬૯.૬૧ ઘટીને ૭૫૩૨.૯૮ બંધ રહ્યો હતો.

સેન્સેક્સ શૅરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીમાંથી ૨૦ના ભાવ વધ્યા હતા અને ૧૦ના ઘટ્યો હતા. ભેલનો ભાવ સૌથી વધુ ૬.૫૭ ટકા વધીને ૨૬૬.૦૫ રૂપિયા બંધ રહ્યો હતો. સિપ્લાનો ભાવ સૌથી વધુ ૩.૮૬ ટકા ઘટીને ૩૬૬.૪૦ રૂપિયા બંધ રહ્યો હતો.

૪૧ શૅર્સ ટૉપ પર

ગઈ કાલે મુંબઈ શૅરબજારમાં ૪૧ કંપનીના શૅરના ભાવ વધીને છેલ્લા એક વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં યસ બૅન્ક, ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, હેવેલ્સ ઇન્ડિયા, ઇન્ડસઇન્ડ બૅન્ક, અપોલો હૉસ્પિટલ્સ, બજાજ ફાઇનૅન્સ, સિટી યુનિયન બૅન્ક, ગૃહ ફાઇનૅન્સ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ વગેરેનો સમાવેશ છે. ૬ કંપનીના શૅરના ભાવ ઘટીને છેલ્લા એક વર્ષના નીચા લેવલે પહોંચ્યા હતા. આ કંપનીઓમાં અલાઇડ કમ્પ્યુટર્સ, સૅન્ડ પ્લાસ્ટ, યુનાઇટેડ ટેક્સટાઇલ્સ વગેરેનો સમાવેશ છે.

મુંબઈ શૅરબજારમાં ગઈ કાલે ૧૭૦૫ કંપનીના શૅરના ભાવ વધ્યા હતા અને ૧૨૪૫ના ઘટ્યો હતા. માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી હતી.

ગુજરાત ગૅસ

ગુજરાત ગૅસનો ભાવ ૮.૫૨ ટકા ઘટીને ૩૦૮ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૩૨૬ રૂપિયા અને ઘટીને નીચામાં ૨૯૭.૫૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ગુજરાત સરકારની માલિકીની કંપની ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કૉર્પોરેશને બ્રિટિશ ગૅસ પાસેથી કંપનીનો ૬૫.૧૨ ટકા હિસ્સો ૨૪૬૪ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ હિસ્સો શૅરદીઠ ૨૯૫ રૂપિયાના ભાવે ખરીદવામાં આવ્યો છે.

ભેલ

ભેલનો ભાવ ૬.૫૭ ટકા વધીને ૨૬૬.૦૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૨૬૭.૨૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૨૫૦.૫૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. કુલ ટર્નઓવર ૫૩.૯૩ કરોડ રૂપિયા થયું હતું. ૨૦.૫૪ લાખ શૅર્સનું ટ્રેડિંગ થયું હતું. સરકારે એમાં ઇકૉનૉમિક રિફોર્મ્સની જાહેરાત કરી હતી. એના પછી છેલ્લાં ત્રણ સપ્તાહમાં શૅરનો ભાવ ૩૦ ટકા જેટલો વધ્યો છે. કંપની પાસે ૧.૩૦ લાખ કરોડ રૂપિયાના ઑર્ડર્સ છે.

આઇએફસીઆઇ

આઇએફસીઆઇનો ભાવ ૩.૮૯ ટકા ઘટીને ૨૯.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૩૧.૯૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૨૮.૯૫ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. સરકાર પાસે ૪૦૦ કરોડ રૂપિયાનાં કન્વર્ટિબલ ડિબેન્ચર છે એનું ઇક્વિટીમાં કન્વર્ઝન કરવાના નિર્ણયને ગઈ કાલે કંપનીના બોર્ડે મંજૂરી આપી હતી. હવે આ કંપની સરકારી બની જશે. કંપનીની ઇક્વિટીમાં સરકારનો હિસ્સો ૫૫.૫૭ ટકા થશે.

કિંગફિશર ઍરલાઇન્સ

કિંગફિશર ઍરલાઇન્સનો ભાવ ૪.૭૯ ટકા ઘટીને ૧૩.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. સતત ચોથા દિવસે ભાવમાં ઘટાડો જળવાઈ રહ્યો છે. ૮૭.૨૮ લાખ રૂપિયાનું ટર્નઓવર રહ્યું હતું. ૬.૨૮ લાખ શૅર્સનું ટ્રેડિંગ થયું હતું. કર્મચારીઓ સાથેની સમસ્યા ચાલુ જ રહી છે એટલે કંપનીની કામગીરીને પણ અસર થઈ રહી છે.

એમ્ફેસિસ

એમ્ફેસિસનો ભાવ ૩.૯૪ ટકા ઘટીને ૪૦૪.૩૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૪૨૦.૯૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૪૦૧.૫૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. પેરન્ટ કંપની હ્યુલેટ-પૅકાર્ડે કૅલેન્ડર વર્ષ ૨૦૧૩ માટે રેવન્યુ અને અર્નિંગ્સમાં મોટા ઘટાડાની ચેતવણી આપી છે એને પગલે કંપનીના શૅરનો ભાવ ઘટ્યો હતો.

બ્રોકરેજ શૅરો

બ્રોકરેજ કંપનીઓના શૅરના ભાવમાં સતત બીજા દિવસે વધારો જોવા મળ્યો હતો. શૅરબજારના વૉલ્યુમમાં આગામી સમયમાં વધુ સુધારો થવાથી બ્રોકરેજ કંપનીના શૅરના ભાવ વધી રહ્યા છે. આદિત્ય બિરલા મનીનો ભાવ ૯.૯૯ ટકા વધીને ૨૨.૧૩ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૨૨.૧૩ રૂપિયા અને ઘટીને નીચામાં ૨૦.૩૦ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. જિયોજિત ફાઇનૅન્શિયલ સર્વિસિસનો ભાવ ૨.૮૦ ટકા વધીને ૨૩.૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૨૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૨૩.૬૫ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. એમકે ગ્લોબલ ફાઇનૅન્શિયલ સર્વિસિસનો ભાવ ૪.૨૩ ટકા વધીને ૩૪.૫૦ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૩૬.૩૦ રૂપિયા અને ઘટીને નીચામાં ૩૪.૨૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો.

એફઆઇઆઇની ખરીદી


મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇની કુલ ખરીદી ૩૨૪૫.૭૪ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૨૩૦૧.૨૧ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૯૪૪.૫૩ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૧૩૨૭.૬૪ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૨૧૪૬.૨૦ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૮૧૮.૫૫ કરોડ રૂપિયા રહી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK