Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ફેડ ફોર્સમાં શૅરબજાર ૪૧૬ પૉઇન્ટ ઊછળ્યું

ફેડ ફોર્સમાં શૅરબજાર ૪૧૬ પૉઇન્ટ ઊછળ્યું

19 December, 2014 05:53 AM IST |

ફેડ ફોર્સમાં શૅરબજાર ૪૧૬ પૉઇન્ટ ઊછળ્યું

ફેડ ફોર્સમાં શૅરબજાર ૪૧૬ પૉઇન્ટ ઊછળ્યું





શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

અમેરિકન મધ્યસ્થ બૅન્ક ફેડરલ રિઝર્વ દ્વારા લગભગ શૂન્ય દરની સસ્તાં નાણાંની નીતિ જાળવી રાખવાનો નિર્ણય લેવાતાં વિશ્વબજારનાં શૅરબજાર ગુરુવારે ભારે ગેલમાં આવ્યાં હતાં. અમેરિકન ડાઉ તથા નૅસ્ડૅકના પોણાબેથી બે ટકાના ઉછાળાને અનુસરતાં એશિયા ખાતે થાઇલૅન્ડનો સેટ ઇન્ડેક્સ અઢી ટકાની તેજીમાં મોખરે હતો. જૅપનીઝ નિક્કી ૨.૩ ટકા, ઇન્ડોનેશિયા ૧.૬ ટકા, હૉન્ગકૉન્ગ ૧.૧ ટકા, મલેશિયા એક ટકો, વિયેટનામ બે ટકા, ફિલિપીન્સ તથા ઑસ્ટ્રેલિયન માર્કેટ એક ટકાની નજીક ઊંચકાયા હતા. સામે ચાઇના તથા સાઉથ કોરિયા નામ પૂરતા નરમ હતા. ઈવન પાકિસ્તાની બજાર પણ ૧.૬ ટકા ઉપર દેખાયું છે. યુરોપ ઑલરાઉન્ડ મજબૂતીમાં અડધાથી અઢી ટકા સુધીનો વધારો દર્શાવતું હતું. સાઉથ આફ્રિકા, ઇજિપ્ત, ઓમાનનાં બજાર સવાત્રણથી પોણાચાર ટકા વધ્યાં હતાં. અબુ ધાબીના બજારે ૧૨ ટકાનો તો દુબઈ માર્કેટમાં ૬.૭ ટકાનો જમ્પ આવ્યો હતો. રશિયન માઇસેક્સ ૫.૮ ટકા તો ડૉલરની રીતે એનો આરટીએસ ઇન્ડેક્સ ૬ ટકાથી વધુ ઊછળ્યા હતા.

સેન્સેક્સ ૨૭ની ઉપર

વિશ્વબજારોના જોરદાર સથવારે ઘરઆંગણે મોદી સરકાર ઔદ્યોગિક વિકાસ તથા મૂડીરોકાણને સતેજ કરવા સંખ્યાબંધ પગલાં હાથ ધરી રહી હોવાના સમાચારથી બજાર વધુ બળૂકું બન્યું હતું. સેન્સેક્સ આગલા બંધથી ૩૪૪ પૉઇન્ટના ગૅપમાં ઉપર ખૂલ્યા બાદ આખો દિવસ પૉઝિટિવ ટોનમાં રહી છેલ્લે ૪૧૬ પૉઇન્ટના બાઉન્સ-બેકમાં ૨૭,૧૨૬ બંધ આવ્યો છે. નિફ્ટી ૧૨૯ પૉઇન્ટ વધીને ૮૧૫૯ રહ્યો છે. શૅરઆંક ઉપરમાં ૨૭,૧૮૧ અને નીચામાં ૨૬,૯૦૦ થયો હતો. નિફ્ટીમાં ૮૧૭૪ની ટોચ અને ૮૦૮૪ની બૉટમ બની હતી. સેન્સેક્સના ૩૦માંથી ૨૭ શૅર વધ્યા હતા. મહિન્દ્ર અડધો ટકો ઘટીને નરમાઈમાં મુખ્ય હતો. ડૉ. રેડ્ડીઝ લૅબમાં સાધારણ તો હિન્દુસ્તાન યુનિલિવરમાં નામ કે વાસ્તે ૪૦ પૈસાની નરમાઈ હતી. બજારના ૨૪માંથી ૨૩ બેન્ચમાર્ક પ્લસમાં હતા. એસએમઈ-આઇપીઓ ૦.૪ ટકા જેવો ડાઉન હતો. સેન્સેક્સના ૧.૬ ટકાના પ્રત્યાઘાતી સુધારા સામે મિડકૅપ-સ્મૉલકૅપ, બીએસઈ-૫૦૦, પીએસયુ, ઇન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો, કૅપિટલ ગુડ્સ, મેટલ, પાવર, રિયલ્ટી, ઑઇલ-ગૅસ સહિતના કુલ ૧૭ ઇન્ડાઇસિસ માર્કેટ આઉટપર્ફોર્મર બન્યા હતા. મતલબ કે સેન્સેક્સની તુલનામાં આ બધા ઇન્ડેક્સ વધુ ઊંચકાયા હતા. બજારનું માર્કેટકૅપ ૧.૯૮ લાખ કરોડ રૂપિયાના વધારામાં ગઈ કાલે ૯૫.૯૮ લાખ કરોડ રૂપિયાને આંબી ગયું હોવાનો પ્રાથમિક અંદાજ હતો.

બૅન્ક શૅરમાં નવી ફૅન્સી

બૅન્કેક્સ બારેબાર શૅરના સુધારામાં અઢી ટકા ઊછળ્યો હતો. આઇસીઆઇસીઆઇ બૅન્ક ૦.૩૮ ટકા, એચડીએફસી બૅન્ક ૧.૩ ટકા, ઍક્સિક બૅન્ક ૨.૬ ટકા તથા એસબીઆઇ ૧.૭ ટકા વધીને બંધ રહેતાં બજારને ૧૫૧ પૉઇન્ટનો લાભ થયો હતો. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૪૧માંથી માત્ર બે શૅર અપશુકન પૂરતા ઘટેલા હતા; જેમાં આઇએનજી વૈશ્ય બૅન્ક અને સ્ટાન્ચાર્ટ બૅન્ક સામેલ છે. બીજી તરફ ડીસીબી બૅન્ક ત્રણગણા વૉલ્યુમે ૧૧૭ રૂપિયાનું નવું શિખર બનાવી છેલ્લે ૧૧.૮ ટકાની તેજીમાં ૧૧૪ નજીક હતો. કૅનેરા બૅન્ક ૬.૭ ટકા, અલાહાબાદ બૅન્ક અને યસ બૅન્ક પાંચ ટકા, બૅન્ક ઑફ બરોડા પોણાપાંચ ટકા, ઓબીસી તેમ જ કૉર્પોરેશન બૅન્ક સાડાચાર ટકા, સ્ટેટ બૅન્ક ઑફ બિકાનેર-જયપુર ૪.૪ ટકા, કર્ણાટક બૅન્ક સવાચાર ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ત્રાવણકોર-સાઉથ ઇન્ડિયન બૅન્ક-પીએનબી તથા ધનલક્ષ્મી બૅન્ક ૪-૪ ટકા મજબૂત હતા. કુલ ૨૮ જેટલા બૅન્ક શૅર ગઈ કાલે અઢી ટકાથી ૧૧.૮ ટકાની રેન્જમાં ઊછળ્યા હતા.

જ્વેલરી શૅર ઝમકમાં

મોટા ભાગના ચલણી જ્વેલરી શૅર ગઈ કાલે આકર્ષણમાં હતા. પીસી જ્વેલર્સ ૧૬ ટકા જેવો ઊછળી ૨૦૦ રૂપિયા બંધ હતો. શ્રીગણેશ જ્વેલરી ૮.૫ ટકા, ટીબીઝેડ ૫.૮ ટકા, થંગમિયલ ૫.૩ ટકા, રાજેશ એક્સપોર્ટ્સ પાંચ ટકા, ગીતાંજલિ જેમ્સ ૪.૫ ટકા, લિપ્સા જેમ્સ ૩.૧ ટકા, રેનેસાં જ્વેલરી સવાબે ટકા પ્લસ હતા. હેવીવેઇટ ટાઇટન સાડાછ ટકાના જમ્પમાં ૩૭૭ રૂપિયા બંધ હતો. જ્વેલરી શૅરની હૂંફ સાથે બ્લુસ્ટાર ૪.૬ ટકા, બજાજ ઇલેક્ટ્રિકલ્સ ૪.૪ ટકા, સિમ્ફની ૩.૮ ટકા, વ્હર્લપૂલ ૧.૯ ટકા, વીઆઇપી દોઢ ટકો અને ટીટીકે પ્રેસ્ટિજ એક ટકાથી વધુના સુધારામાં બંધ આવતાં કન્ઝ્યુમર ગુડ્સ ઇન્ડેક્સ ૪૭૪ કે સવાપાંચ ટકાના જબ્બર ઉછાળામાં ૯૪૯૩ બંધ હતો. આ બેન્ચમાર્કના ૧૦માંથી ૯ શૅર વધ્યા હતા. એકમાત્ર વિડિયોકોન ૨૦ પૈસા ઘટીને ૧૫૯  રૂપિયા નીચે બંધ હતો. રશિયન ક્રાઇસિસની અસરમાં બે દિવસથી ફાર્મા શૅર ઢીલા હતા. ગઈ કાલે એમાં પ્રમાણમાં સારોએવો સુધારો આવતાં હેલ્થકૅર ઇન્ડેક્સ ૧.૩ ટકા વધ્યો હતો. જેમાં વૉકહાર્ટ ૫.૮ ટકા, જીએસકે ફાર્મા ૩.૮ ટકા, સિપ્લા સવાત્રણ ટકા, અરબિંદો ફાર્મા ૨.૯ ટકા, બાયોકોન તથા કૅડિલા હેલ્થકૅર અઢી ટકા અપ હતા. ટૉરન્ટ ફાર્મા ડિવીઝ લૅબ, લુપિનમાં બે ટકાથી વધુની મજબૂતી હતી. ગ્લેનમાર્ક ફાર્મા પોણાબે ટકા અને ઇપ્કા લૅબ ૦.૯ ટકા નરમ હતા. સમગ્ર ફાર્મા સેક્ટરની વાત કરીએ તો ૧૧૧ શૅર પ્લસ હતા. સામે ૨૮ જાતો ડાઉન હતી. એલ્ડર હેલ્થકૅર, આરતી ડ્રગ્સ, માર્કસન્સ, લિન્ક ફાર્મા જેવી જાતો ૯-૧૦ ટકા સ્ટ્રૉન્ગ હતી.

હેવીવેઇટ્સ ડિમાન્ડમાં

માર્કેટમાં સર્વત્ર મજબૂત સુધારામાં ચલણી, હેવીવેઇટ્સ શૅરની નોંધપાત્ર તેજી ધ્યાન ખેંચતી હતી. લાર્સન ૨.૪ ટકા અને ભેલ ૪.૯ ટકા વધતાં બજારને ૪૫ પૉઇન્ટનો લાભ થયો હતો. રિલાયન્સ ૧.૨ ટકા વધીને ૮૮૦ રૂપિયા હતો. ગેઇલ ૪.૨ ટકા, હિન્દાલ્કો ૪.૩ ટકા, તાતા પાવર ૩.૭ ટકા, તાતા સ્ટીલ બે ટકા, એનટીપીસી ૩.૮ ટકા, ઇન્ફી ૧.૩ ટકા, સિપ્લા ૩.૩ ટકા, બજાજ ઑટો બે ટકા, ભારતી ઍરટેલ દોઢ ટકો પ્લસ હતા. પોલારિસ સવાસત્તર ટકાના ઉછાળે ૧૯૨ રૂપિયા બંધ હતા. ટૉરન્ટ પાવર સાડાછ ગણા વૉલ્યુમમાં ૧૮૨ રૂપિયાના શિખરે જઈ ૧૮૦ રહ્યો હતો. એચડીઆઇએલ ૧૦.૮ ટકા, અરવિંદ ૮.૭ ટકા, એસ્સાર ઑઇલ ૮.૭ ટકા, પાવર ફાઇનૅન્સ ૮.૫ ટકા, પેજ ઇન્ડ. ૮.૪ ટકા, ગુજરાત ગૅસ આઠ ટકા, અશોક લેલૅન્ડ ૭.૭ ટકા, સીએટ ૭.૬ ટકા, જિન્દલ સ્ટીલ અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ ૭.૪ ટકા, પીવીઆર ૭.૨ ટકા, સિન્ટેક્સ ૬.૮ ટકા, હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન ૬.૬ ટકા, અદાણી પોર્ટ્સ ૬ ટકા, આરઈસી ૫.૯ ટકાની તેજીમાં ઉલ્લેખનીય હતા.

માર્કેટ-બ્રેડ્થ ટનાટન બની

ખાસ્સી સ્ટ્રૉન્ગ માર્કેટ-બ્રેડ્થમાં ગઈ કાલે ૨૧૭૨ શૅર વધ્યા હતા, ૬૮૩ શૅર નરમ હતા. ‘એ’ ગ્રુપના ૯૨ ટકા અને ‘બી’ ગ્રુપના ૭૭ ટકા શૅર પૉઝિટિવ ઝોનમાં હતા. ૨૫૭ કાઉન્ટર તેજીની સર્કિટે તો ૨૧૫ શૅર મંદીની સર્કિટે બંધ હતા. ભાવની રીતે બીએસઈ ખાતે ૭૧ શૅર એક વર્ષ કે એથી વધુ ગાળાની રીતે ઊંચા શિખરે પહોંચ્યા હતા. સામે ૭૩ શૅર ઐતિહાસિક તળિયે ગયા હતા. રોકડું ખાસ્સું મૂડમાં હતું. મિડકૅપ ઇન્ડેક્સ ૨.૭ ટકા, સ્મૉલકૅપ ઇન્ડેક્સ ૩.૩ ટકા તથા બીએસઈ-૫૦૦ બે ટકા ઊંચકાયા હતા. આ ત્રણેય ઇન્ડાઇસિસનો ૯૦ ટકા કે એથી વધુ જાતો વધીને બંધ હતી. મેટલ, ઑઇલ-ગૅસ, એફએમસીજી, આઇટી, ટેક્નૉલૉજી, બૅન્કેક્સ જેવા બેન્ચમાર્કમાંના બધા જ શૅર વધ્યા હતા; જ્યારે પીએસયુ, ઇન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો, પાવર, રિયલ્ટી અને કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં ઘટેલા શૅરની સંખ્યા ફક્ત એક હતી.

બજારની અંદર-બહાર

ટ્રાન્સફૉર્મર ઍન્ડ રેક્ટિફાયર્સ દ્વારા જૅપનીઝ યુજી ઇલેક્ટ્રિકલ સાથે ટેક્નૉલૉજી લાઇસન્સના કરાર થતાં ભાવ ઉપરમાં ૧૯૯ રૂપિયા થઈ છેલ્લે ૧૧.૮ ટકાના ઉછાળે ૧૯૨ રૂપિયા હતો.

યુપીએલમાં શૅરદીઠ ૩૨૧ રૂપિયા પ્લસના ભાવે પાંચ લાખ શૅરની બલ્ક ડીલ થતાં શૅર ઉપરમાં ૩૨૫ રૂપિયા થઈ અંતે સવાત્રણ ટકા વધીને ૩૨૨ રૂપિયા નજીક હતો.

ઑટોલાઇન ઇન્ડસ્ટ્રીઝ એની અમેરિકા ખાતેની પૂર્ણ માલિકીની સબસિડિયરીનું હોલ્ડિંગ વેચવા સક્રિય હોવાના અહેવાલે શૅર ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૭૭.૭૫ રૂપિયા બંધ હતો.

જેકે ટાયર ૧૦ રૂપિયાના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં ૧૪૨ રૂપિયાની સર્વોચ્ચ સપાટી બનાવી ૧૭.૭ ટકાના જમ્પમાં ૧૩૯ રૂપિયા ઉપર બંધ હતો.

પંજાબ નૅશનલ બૅન્ક શૅરવિભાજનમાં બે રૂપિયા થયા બાદ ૨૨૭ રૂપિયાની નવી ટોચ બનાવી છેલ્લે ૪ ટકાની મજબૂતીમાં ૨૨૬ રૂપિયા હતો.


Whatsapp-channel Whatsapp-channel

19 December, 2014 05:53 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK