Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ઇન્ટ્રા-ડેમાં નિફ્ટી ૮૦૦૦ની અંદર ઊતરી ગયો

ઇન્ટ્રા-ડેમાં નિફ્ટી ૮૦૦૦ની અંદર ઊતરી ગયો

18 December, 2014 05:47 AM IST |

ઇન્ટ્રા-ડેમાં નિફ્ટી ૮૦૦૦ની અંદર ઊતરી ગયો

ઇન્ટ્રા-ડેમાં નિફ્ટી ૮૦૦૦ની અંદર ઊતરી ગયો





શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ


યુએસ ફેડની બે દિવસની પૉલિસી મીટિંગનું આઉટકમ મોડી રાત્રે આવવાનું હોવાથી ગઈ કાલે શૅરબજારો એકંદર સાવચેતીમાં હતાં. જોકે અન્ડરટોન ઘટાડાતરફી હતો. ઘરઆંગણે સેન્સેક્સ ૭૧ પૉઇન્ટની વધુ કમજોરીમાં ૨૬,૭૧૦ તથા નિફ્ટી ૩૮ પૉઇન્ટ ઘટીને ૮૦૩૦ નજીક બંધ રહ્યો હતો. પ્રથમ સત્રમાં બજાર બે તરફી વધ-ઘટ સાથે લગભગ માઇનસ ઝોનમાં રહ્યું હતું, જેમાં સેન્સેક્સ ૨૬,૪૬૯ અને નિફ્ટી ૭૯૬૧ના તળિયે ગયા હતા. સેકન્ડ હાફ સાંકડી વધ-ઘટમાં એકંદર સુધારો જાળવી રાખવાની મથામણમાં પસાર થયો હતો. એમાં સેન્સેક્સ ઉપરમાં ૨૬,૮૭૨ અને નિફટી ૮૦૮૨ની ટોચે ગયા હતા. આમ એક તબક્કે સેન્સેક્સ એના ઇન્ટ્રા-ડે બોટમથી ૪૦૩ પૉઇન્ટ અને નિફ્ટી ૧૨૧ પૉઇન્ટ ઊંચકાયા હતા. એશિયા ખાતે ચાઇનીઝ તેમ જ થાઇલૅન્ડનાં શૅરબજાર સવા ટકો વધ્યાં હતાં. તાઇવાન ૧.૪ ટકા ડાઉન હતું. યુરોપ પૉઝિટિવ ઓપનિંગ બાદ મોડી સાંજે પોણાથી એક ટકો માનઇસમાં ઊતરી ગયું હતું. જૅપનીઝ નિક્કી અને સિંગાપોર ૦.૪ ટકાના પ્રત્યાઘાતી સુધારામાં બંધ હતાં. બજારનું માર્કેટ કૅપ ૪૩,૦૦૦ કરોડ રૂપિયાની વધુ ખરાબીમાં હવે ૯૪ લાખ કરોડ રૂપિયાની નીચે આવી ગયું છે. ૪ ડિસેમ્બરના રોજ માર્કેટ કૅપ ૧૦૦.૭૫ લાખ કરોડ રૂપિયા હતું! યુએસ ફેડ વ્યાજદરના વધારાથી દૂર રહેવાની નીતિને વળગી રહે તો વાંધો નથી, પરંતુ રેટ વધારવાની વેતરણ થઈ તો ગુરુવારે દેશ અને દુનિયાનાં શૅરબજારો માટે ભારે નીવડી શકે છે.

મેટલ ને ઑઇલ શૅરમાં સિલેક્ટિવ બાઇંગ

ગઈ કાલે મેટલ ઇન્ડેક્સ ૧૦માંથી છ શૅરના સુધારામાં એક ટકો તથા ઍઇલ-ગેસ બેન્ચમાર્ક ૧૦માંથી પાંચ શૅરના સુધારામાં પોણો ટકો વધીને બંધ હતા. આગલા દિવસના પોણાઆઠ ટકાના કડાકા બાદ સેસા સ્ટરલાઇટ ૩.૫ ટકા વધી ૨૦૧ રૂપિયા નજીક બંધ હતો. એનએમડીસી ૨.૨ ટકા, હિન્દુસ્તાન ઝિંક  બે ટકા, હિન્દાલ્કો પોણાબે ટકા અને તાતા સ્ટીલ એક ટકો પ્લસ હતા. જિંદાલ સ્ટીલ ૨.૨ ટકા અને સેઇલ ૧.૮ ટકા ડાઉન હતા. ઑઇલ સેગમેન્ટમાં હેવી વેઇટ રિલાયન્સ ઇન્ડ. ૦.૭ ટકાના સુધારામાં ૮૭૦ રૂપિયા નજીક હતો. પેટ્રોનેટ એલએનજી ૩.૪ ટકા, ઓએનજીસી ૨.૨ ટકા અને ઑઇલ ઇન્ડિયા એક ટકો વધ્યા હતા. કેઇર્ન ઇન્ડિયા અઢી ટકાથી વધુની નરમાઈમાં ૨૨૯ રૂપિયા બંધ હતો. આઇઓસી પોણો ટકો, કેસ્ટ્રોલ અડધો ટકો, હિન્દુ. પેટ્રોલિયમ સાધારણ તો ભારત પેટ્રો નામકે વાસ્તે ઘટેલા હતા. એસ્સાર ઑઇલ દોઢ ટકો ગગડી ૧૦૨ રૂપિયા હતો.

બેન્ક શૅરમાં મિશ્ર વલણ

બેન્કેક્સ મિશ્ર વલણમાં નજીવો ૦.૨ ટકા વધીને બંધ હતો. તેના બારમાંથી ૭ શૅર પ્લસ હતા. ફેડરલ બેન્ક ૩.૨ ટકા, એસબીઆઇ ૨.૧ ટકા, બેન્ક ઑફ ઇન્ડિયા ૧.૮ ટકા અને પીએનબી ૧.૩ ટકા પ્લસ હતા. એક્સિસ બેન્ક ૦.૭ ટકા તો આઇસીઆઇસીઆઇ બેન્ક અડધો ટકો અપ હતા. કૅનેરા બેન્કના શૅર નામકે વાસ્તે વધ્યા હતા. સામે કોટક મહિન્દ્રા બેન્ક ૩.૨ ટકા ઘટી ૧૨૪૫ રૂપિયા હતો. ઇન્ડસ ઇન્ડ બેન્ક, એચડીએફસી બેન્ક, યસ બેન્ક અને બેન્ક ઑફ બરોડા નહિવત્થી સાધારણ ઘટાડામાં હતા. સમગ્ર બેન્કિંગ સેક્ટરમાં ૨૨ શૅર વધ્યા હતા. ૧૮ શૅર નરમ હતા અને લક્ષ્મી વિલાસ બેન્ક ૮૦.૧૫ રૂપિયાના આગલા લેવલે લેટ હતો. સ્ટેટ બેન્ક ઑફ બિકાનેર- જયપુર તેમ જ ઓબીસી સવાચાર ટકાથી વધુની તેજીમાં ટૉપ ગ્ોઇનર બન્યા હતા, તો દેના બેન્ક સાડા ત્રણ ટકાની ખરાબીમાં મોખરે હતો. કૉર્પોરેશન બેન્ક ૨.૮ ટકા, ડીસીબી ૨.૭ ટકા તથા વિજય બેન્ક સવાબે ટકાથી વધુની નરમાઈમાં બંધ હતા.

૭૨ શૅર નવા શિખરે


બજારનો આંતર પ્રવાહ વધુ ખરડાયો છે. ગઈ કાલે બીએસઈ ખાતે ૭૨ શૅર એક વાર કે તેથી વધુ ગાળાની રીતે ઊંચા શિખરે ગયા હતા. સામે ૧૪૪ શૅરમાં ઐતિહાસિક બૉટમ બન્યું હતું. કુલ ૨૯૦૮ શૅરમાં કામકાજ થયાં હતાં. એમાંથી ૧૦૩૭ શૅર વધેલા હતા. ૧૭૭૬ કાઉન્ટર નરમ હતા. ૧૪૪ શૅર તેજીની સર્કિટમાં બંધ હતા, તો એનાથી બમણા જેવા ૨૮૨ શૅર મંદીની સર્કિટમાં હતા. સેન્સેક્સમાં એચડીએફસી ૧૦૮૮ રૂપિયાના આગલા બંધે ટકેલો હતો. બાકીના ૨૯માંથી ૧૬ શૅર ઘટ્યા હતા. બજારના ૨૪ બેન્ચમાર્કમાંથી ૧૮ ઇન્ડેક્સ માઇનસમાં બંધ હતા. હેલ્થકૅર બેન્ચમાર્ક બે ટકાની નરમાઈમાં મોખરે હતો. ઑટો તથા રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૬ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બેન્ચમાર્ક ૧.૪ ટકા, એફએમસીજી ઇન્ડેક્સ ૧.૩ ટકા ડાઉન હતા. સેન્સેક્સના ૦.૩ ટકાથી ઓછા ઘટાડાની સામે મિડ કૅપનો ઘટાડો ૦.૬ ટકા, સ્મૉલ કૅપમાં એક ટકા તથા બીએસઈ- ૫૦૦માં અડધા ટકાનો ઘટાડો હતો. સેક્ટોરલમાં મેટલ ઇન્ડેક્સ એક ટકા, ઑઇલ-ગેસ બેન્ચમાર્ક ૦.૭ ટકા, બેન્કેક્સ ૦.૨ ટકા સુધારામાં હતા.

હેલ્થકૅર શૅર વધુ ખરડાયા

રશિયાની વકરતી આર્થિક પરિસ્થિતિની સૌથી ખરાબ અસર ફાર્મા શૅરમાં વર્તાઈ છે. આગલા દિવસે હેલ્થકૅર ઇન્ડેક્સ તમામ ૧૭ શૅરની નબળાઈમાં પોણાત્રણ ટકા તૂટ્યો હતો. ગઈ કાલે પણ બે ટકા જેવી વધુ ખરાબી દાખવી આ બેન્ચમાર્ક વસ્ર્ટ પર્ફોર્મર બન્યો છે. એના ૧૭માંથી ૧૫ શૅર ઘટ્યા હતા. ઍપોલો હૉસ્પિટલ ૧.૯ ટકા વધી ૧૧૪૪ રૂપિયા નજીક, તો ડૉ. રેડ્ડીઝ લૅબ અડધા ટકાના સુધારામાં ૩૧૬૦ રૂપિયા બંધ હતો. બીજી તરફ વોખાર્ટ ૮.૮ ટકાના કડાકામાં ૮૮ રૂપિયા, અરબિંદો ફાર્મા ૪.૪ ટકા તૂટીને ૧૦૪૮ રૂપિયા તથા દિવિસ લૅબ ૩.૨ ટકાના ગાબડામાં ૧૬૩૫ રૂપિયા બંધ હતા. રૅનબેક્સી ૩ ટકા, સિપ્લા ૨.૯ ટકા, ગ્લેનમાર્ક ૨.૭ ટકા, કૅડિલા હેલ્થકૅર ૨.૪ ટકા, લુપિન ૨.૩ ટકા, સનફાર્મા અને જીએસકે ફાર્મા ૨.૨ ટકા, સ્ટ્રાઇડ આર્કોલેબ પોણાબે ટકા, ઇપ્કા લૅબ અને બાયોકોન સવા ટકો નરમ હતા. સમગ્ર ફાર્મા સેક્ટરમાં ૩૬ શૅર વધ્યા હતા. ૧૦૦ શૅર ઢીલા હતા. અજન્ટા ફાર્મા ૬.૬ ટકા, સિન્કૉમ ફોમ્લ્યુલેશન ૯.૩ ટકા, ફુલર્ફોડ ૪.૭ ટકા, ક્લિય ડ્રગ્સ છ ટકા, આરપીજી લાઇફ સાડા ત્રણ ટકા માઇનસ હતા, તો વિન્ટાક અને ડીઆઇએલ જેવા કાઉન્ટર સાડાપાંચથી છ ટકા ઊંચકાયા હતા.

ઑટો શૅરની ગાડીમાં પંક્ચર

ઑટો શૅરમાં નબળાઈનો ઝોક યથાવત્ હતો. ક્યુમિન્સ ઇન્ડિયા ૧.૬ ટકા વધી ૮૬૫ રૂપિયા બંધ હતો. બાકીના ૧૧ શૅર ઘટીને આવતાં ઑટો ઇન્ડેક્સ વધુ ૧.૬ ટકા ડાઉન થયો હતો. હીરો મોટોક્રોપ ૨.૭ ટકા, મારુતિ સુઝુકી ૧.૬ ટકા, મહિન્દ્રા ૧.૨ ટકા, તાતા મોટર્સ સવા ટકો અને બજાજ ઑટો ૧.૪ ટકા ઘટીને બંધ રહેતાં સેન્સેક્સને કુલ મળીને ૪૮ પૉઇન્ટની હાનિ થઈ હતી. અન્ય ચલણી જાતોમાં ફોર્સ મોટર ૩.૧ ટકા, આઇસર સવા ટકો, એસએમએલ ઇસુઝુ ૧.૯ ટકા, અતુલ ઑટો ૪.૪ ટકા, ટીવીએસ મોટર્સ ૧.૬ ટકા, એપોલો ટાયર્સ ૭ ટકા, સિએટ ૩.૧ ટકા ગુડયર ૪.૩ ટકા ખરાબ હતા. એમઆરએફ સાડાચાર ટકા કે ૧૬૫૫ રૂપિયાના ગાબડામાં ૩૫,૫૨૪ નજીક બંધ હતો. અશોક લેલૅન્ડ બે ટકા વધ્યો હતો. બાલ ક્રિના ઇન્ડસ્ટ્રીઝ ૪ ટકા પ્લસ હતો. ઑટો પાર્ટસ સેગમેન્ટમાં વધેલા ૨૫ શૅરની સામે ૬૭ શૅર નરમાઈમાં હતા. એમટેક ઑટો, હિન્દુસ્તાન હાર્ડી, હેલ્લા ઇન્ડિયા, લુમેક્સ, ઑટો, સુંદરમ ફાસ્ટનર્સ, જેબીએમ ઑટો, કલ્યાણી ર્ફોજ, ઇન્ડિયા નિપ્પોન, ટ્રાઇટન વાલ્વ જેવા શૅર સાડાચારથી પોણાછ ટકા ખરાબ હતા.

બજારની અંદર-બહાર

ભારત અર્થમૂવર ચાર દિવસમાં ૧૬ ટકા જેવી ખરાબી બાદ વૅલ્યુ બાઇંગમાં ગઈ કાલે ભાવ ઉપરમાં ૭૧૩ રૂપિયા થઈ છેલ્લે ૨.૨ ટકા વધીને ૬૮૬ રૂપિયા હતો.

ગ્ોટવે ડિસ્ટ્રિપાર્ક્સમાં શેરદીઠ ૩૩૪ રૂપિયા પ્લસના ભાવે કુલ ૩૪.૪૧ લાખ શૅરની બે બલ્ક ડીલ થયાના અહેવાલે શૅર ૩૪૯ રૂપિયાની ટોચે જઈ અંતે સવાત્રણ ટકા વધીને ૩૨૯ રૂપિયા હતો.

સ્પાઇસ જેટને ફ્યુઅલ કંપનીઓ તરફથી સપ્લાય અટકાવી દેવાયાના અહેવાલે ભાવ સાડાપાંચ ટકા તૂટીને ૧૩.૧૫ રૂપિયા બંધ હતો. શૅર ઉપરમાં ૧૪.૯૫ રૂપિયા થયો હતો.

તાતા સ્ટીલને ઓડિશા ખાતે આયર્ન ઓર માઇનિંગની સરકારે મંજૂરી આપતાં ભાવ ઉપરમાં ૪૦૪ રૂપિયા થઈ છેલ્લે એક ટકો વધીને ૩૯૩ રૂપિયા થયો હતો.

જાગરણ પ્રકાશન દ્વારા ‘રેડિયો સિટી’ ફેમ મ્યુઝિક બ્રૉડકાસ્ટ કંપનીને હસ્તગત કરાયાના અહેવાલે શૅર ૧૫૩ રૂપિયાની મલ્ટિયર ટૉપ બનાવી પ્રૉફિટ બુકિંગમાં ૫.૪ ટકા ઘટી ૧૩૨ રૂપિયા ઉપર રહ્યો હતો.

ગોદરેજ પ્રોપર્ટીમાં શૅરદીઠ ૨૫૨ રૂપિયાથી નીચેના ભાવે ૩૦.૨૨ લાખ શૅરની બલ્ક ડીલ થયાના પગલે ભાવ ૨૫૬ રૂપિયાની ટોચથી નીચામાં ૨૪૧ રૂપિયા થઈ છેલ્લે અડધો ટકો ઘટીને ૨૪૭ રૂપિયા હતો.

મહિન્દ્રા દ્વારા ઉત્પાદન વેચાણની અસમતુલા થાળે પાડવા કેટલાક પ્લાન્ટમાં નો-પ્રોડક્શન ડેઝ અમલી બનાવાયાના સમાચારે શૅર નીચામાં ૧૨૦૦ રૂપિયા બતાવી અંતે ૦.૮ ટકા ઘટી ૧૨૨૦ રૂપિયા નીચે હતો.

ઍસ્ટ્રલ પોલી ૧૫ ગણા કામકાજમાં નીચામાં ૩૭૦ રૂપિયા બતાવી અંતે ત્રણેક ટકાની નરમાઈમાં ૩૮૦ રૂપિયા બંધ હતો.

ડીએલએફ ઘટાડાની ચાલ જાળવી રાખતાં છ ગણા વૉલ્યુમમાં ચારેક ટકા ગગડતાં ૧૩૪ રૂપિયા નીચે બંધ હતો. પાંચ દિવસમાં આ શૅર ૨૬ રૂપિયા ઘટ્યો છે.

ડીસીએમ લિમિટેડ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૯૨.૪૦ રૂપિયા બંધ હતો. ભાવ નીચામાં ૭૨ રૂપિયા થયો હતો.

બીએફ યુટિલિટીઝ ચાર ગણા કામકાજમાં ઉપરમાં ૫૪૫ રૂપિયા અને નીચામાં ૪૩૭ રૂપિયા થઈ છેલ્લે ૯.૪ ટકાની ખરાબીમાં ૪૮૮ રૂપિયા બંધ હતો.


Whatsapp-channel Whatsapp-channel

18 December, 2014 05:47 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK